Saturday, January 18, 2025
More
    હોમપેજગુજરાતદાયકાઓ જૂના મઝહબી દબાણો હોય કે માફિયા બનીને ફરતા જેહાદીઓની મિલકતો, આખું...

    દાયકાઓ જૂના મઝહબી દબાણો હોય કે માફિયા બનીને ફરતા જેહાદીઓની મિલકતો, આખું વર્ષ ગુજરાતમાં અવિરત ફરતું રહ્યું દાદાનું બુલડોઝર: જાણો 2024માં થયેલી ચર્ચિત ડિમોલિશન કાર્યવાહી વિશે

    વર્ષ 2024માં ગુજરાતમાં કેટલા ઠેકાણે દાદાનું બુલડોઝર ચાલ્યું તેનો આંકડો મેળવવા આપણે આખા વર્ષ દરમિયાન ઑપઇન્ડિયા ગુજરાતી પર પ્રકાશિત અહેવાલો પર નજર ફેરવીશું. જાણીશું કે ક્યાં, ક્યારે અને શામાટે બુલડોઝર એક્શન લેવામાં આવ્યું.

    - Advertisement -

    વર્ષ 2024 પૂર્ણતાના આરે છે. આ આખા વર્ષ દરમિયાન દેશ આખામાં બુલડોઝર (Bulldozer Action) ખૂબ ચર્ચામાં રહ્યું. હજારો કરોડોની જમીનો પર તાણી કાઢવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામોને (Illegal constructions) ધ્વસ્ત કરીને જમીનોને સમતળ કરવામાં આવી. ઉત્તર પ્રદેશથી ‘બાબા’ના નામે પ્રખ્યાત થયેલું બુલડોઝર ગુજરાત આવતા-આવતા ‘દાદાનું’ થઈ ગયું. આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હોય કે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી, આ બંને સુકાનીઓએ રાજ્યમાં ગેરકાયદેસર દબાણ કરનારાઓને જરા પણ નથી સાંખ્યા. ત્યારે આ લેખમાં જાણીશું કે વર્ષ 2024 દરમિયાન ગુજરાતમાં (Gujarat) કેટલા સ્થળોએ આ દાદાનું બુલડોઝર ફર્યું અને ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા.

    વર્ષ 2024માં ગુજરાતમાં કેટલા ઠેકાણે દાદાનું બુલડોઝર ચાલ્યું તેનો આંકડો મેળવવા આપણે આખા વર્ષ દરમિયાન ઑપઇન્ડિયા ગુજરાતી (OpIndia Gujarati) પર પ્રકાશિત અહેવાલો પર નજર ફેરવીશું. જાણીશું કે ક્યાં, ક્યારે અને શા માટે બુલડોઝર એક્શન લેવામાં આવ્યું. તે પણ જાણવાનો પ્રયાસ કરીશું કે આ કાર્યવાહી દરમિયાન કેટલી મોટી અને કેટલી કિંમતની જમીનો ખાલી કરાવવામાં આવી. જે દબાણો હતા તે કોના હતા અને કાર્યવાહીના શું-શું પડઘા પડ્યા. મોટા શહેરોથી શરૂઆત કરીને આખા ગુજરાતની ઘટનાઓ પર નજર કરીશું

    અમદાવાદમાં થયેલી બુલડોઝર એક્શન

    રખિયાલમાં ઉત્પાત મચાવનારા આરોપીઓના ઘર પર કાર્યવાહી

    અમદાવાદની (Ahmedabad) વાત કરીએ તો તાજેતરમાં જ રખિયાલ વિસ્તારમાં જાહેરમાં તલવાર લઈને પોલીસને પણ પડકાર ફેંકતા ઈસમોના વિડીયો વાયરલ થયા હતા. આ દરમિયાન અમુક ઇસમો જાહેરમાં હાથમાં તલવારો લહેરાવતા જોવા મળ્યા હતા અને તેમાંથી એક ફઝલ નામના શખ્સે હાથમાં હથિયાર લઈને પોલીસને પણ ધમકી આપી હતી અને બળજબરીથી પોલીસને તેમના વાહનમાં બેસાડી દીધા હતા.

    - Advertisement -

    આ વિડીયો વાયરલ થયા બાદ તંત્ર એક્શનમાં આવ્યું હતું અને આરોપીઓએ જે ઘર બનાવ્યા હતા તે ગેરકાયદેસર દબાણ કરીને બનાવ્યા હતા. આથી અલ્તાફ અને ફઝલનાં ઘર પર બુલડોઝર ફેરવવામાં આવ્યાં હતા. આ મામલે એક અધિકારીએ જણાવ્યું હતું કે બંનેને અગાઉ પાલિકાએ નોટિસ આપીને દબાણ હટાવવા જણાવ્યું હતું. 21 ડિસેમ્બર 2024ના રોજ આ કાર્યવાહી કરવામાં આવી હતી.

    જુહાપુરાના કુખ્યાત નઝીર વોરાની ગેરકાયદેસર ઈમારતો પર બુલડોઝર એક્શન

    બીજી ઘટના છે અતિ સંવેદનશીલ વિસ્તાર જુહાપુરાની. અહીં 25 ઓકટોબર 2024ના રોજ સોનલ સિનેમા રોડ પાસે આવેલા અને કુખ્યાત નઝીર વોરાએ બનાવેલા ‘નેહા ફ્લેટ’ નામની ઈમારતને તોડીને ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. આ આખી રેસિડેન્શિયલ સ્કીમનું બાંધકામ કોઇપણ જાતની મંજૂરી લીધા વગર જ કરી દેવામાં આવ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને (AMC) આ પહેલા જગ્યાને સીલ કરી દેવા છતાં ફરી બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું. જેની જાણ થતાં જ પાલિકા તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

    નોંધનીય છે કે પહેલા વર્ષ 2020ના ઓકટોબર મહિનામાં જ AMC દ્વારા આ બાંધકામને તોડી પાડવામાં આવ્યું હતું. પરંતુ નઝીરે કાયદાને દરકિનાર કરીને અહીં ફરી બાંધકામ શરૂ કરાવ્યું હતું. મામલો કોર્પોરેશનના ધ્યાને આવતા કાર્યવાહી કરીને આખી જગ્યાને જ સીલ કરી આગળ બાંધકામ થતું અટકાવી દેવામાં આવ્યું છે. આ સમગ્ર કાર્યવાહી વેજલપુર પોલીસ સ્ટેશનના ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ કરવામાં આવી હતી.

    બાપુનગરના ગરીબ નગરની મસ્જિદ પર બુલડોઝર એક્શન

    ત્રીજી ઘટના બાપુનગર વિસ્તારમાં આવેલા લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડીયમ પાસે બનેલા ગરીબ નગરની છે. 11 જુન 2024ના રોજ AMCએ બાપુનગરના ગરીબ નગર ચાર રસ્તા પર આવેલી મદીના મસ્જિદનું ગેરકાયદેસર બાંધકામ તોડી પાડ્યું હતું. એસ્ટેટ વિભાગને ફરિયાદ મળી હતી કે મદીના મસ્જિદ સિવાય પણ વહીવટદરોએ પરવાનગી વગર વધારાનું બાંધકામ કર્યું હતું. ફરિયાદના અનુસંધાનમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી કરવામાં આવી અને ગેરકાયદેસર બાંધકામ દૂર કરી દેવામાં આવ્યું હતું.

    આ દબાણ હટાવવાની કાર્યવાહી દરમિયાન મોટી સંખ્યામાં પોલીસ બેડો હાજર હતો. બીજી તરફ આ મામલે સ્થાનિક મુસ્લિમ વ્યક્તિએ જણાવ્યું હતું કે અહીં ખાડાની ચાલીમાં મસ્જિદ બનાવવામાં આવી હતી. મસ્જિદ બન્યા બાદ અચાનક વસ્તી વધારો થયો અને મસ્જિદના ધાબા પર બાંધકામ કરવામાં આવ્યું હતું. આ બાંધકામ બાદ કેટલાક લોકોએ ફરિયાદો કરી અને તેના કારણે ઉચ્ચ અધિકારીઓએ પોતે હાજર રહીને અમારી મસ્જિદનું બાંધકામ તોડી પાડ્યું છે. આ મામલે વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે, “ગેરકાયદેસર હોય તો શું થયું? લોકોની લાગણી ધ્યાનમાં રાખીને આમ નહોતું કરવાનું. આ મસ્જિદ બની ત્યારે આટલી વસ્તી નહતી. મુસ્લિમો વધ્યા એટલે અમે લોકોએ બાંધકામ કર્યું. અમે એક વર્ષ પહેલા જ આ ગેરકાયદેસર બાંધકામ કર્યું હતું. આ તંત્ર ધાર્મિક સ્થળો તોડે છે કારણકે તેમને મલાઈ નથી ખાવા મળતી.”

    વડોદરામાં ક્યાં-ક્યાં ચાલ્યું દાદાનું બુલડોઝર?

    તપન પરમાર હત્યાકાંડ બાદ મચ્છીપીઠ રોડ પર ફર્યું બુલડોઝર

    વડોદરા ખાતે નાગરવાડા મહેતાવાડી નજીક રહેતા ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્રની પોલીસની હાજરીમાં બાબર પઠાણ દ્વારા હત્યા બાદ વડોદરા મહાનગરપાલિકા દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી હતી. મચ્છીપીઠ રોડ પરના દબાણોને લઇને લોકો અવારનવાર મનપામાં ફરિયાદ કરી રહ્યા હતા. તપન પરમારની હત્યા થયા બાદ વડોદરા મનપા અને પોલીસની ટીમ એક્શનમાં આવી હતી. જે પછી 19 નવેમ્બરે સાંજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ મુસ્લિમ બહુલ વિસ્તારમાં મચ્છીપીઠ-નાગરવાડા રોડના લારી-ગલ્લા, કાચા-પાકા શેડ, ઓટલા તેમજ ગેરકાયદે દબાણો પર બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી હતી.

    દબાણ શાખાની ટીમ જેસીબી, ડમ્પરો સાથે લઈને વિસ્તારમાં ત્રાટકી હતી અને ગેરકાયદે દબાણો દૂર કર્યા હતા. પાલિકા દ્વારા 15 જેટલી લારીઓ અને 15 જેટલા કાચા પાકા શેડ તેમજ ઓટલાના દબાણો દૂર કર્યા હતા. આ ઉપરાંત પાલિકા દ્વારા શહેરના તાંદલજા વિસ્તારમાં પણ કિસ્મત ચોકડી, તાંદલજા ખાતે ગેરકાયદેસર દબાણો દૂર કર્યા હતા. આ દરમિયાન દબાણ હટાવવા ગયેલી ટીમ પર દબાણ કરનારાઓએ હુમલો કરવાની ઘટના પણ સામે આવી હતી. હત્યાની જેમ આ હુમલો પણ પોલીસની હાજરીમાં જ થયો હતો. જોકે પોલીસે અને પ્રશાસને મચક ન આપીને લાલ આંખ કરી પરિસ્થિતિ કાબુમાં કરી દીધી હતી.

    ચકચારી ગેંગ રેપ કેસના આરોપીઓના ઘર હતા ગેરકાયદેસર, સુપ્રીમકોર્ટની દખલથી બુલડોઝર અટક્યું

    નોંધનીય છે કે વડોદરાના બહુચર્ચિત સામુહિક બળાત્કાર કેસના બે આરોપી મુન્ના બંજારા અને મુમતાજ ઉર્ફે આફતાબ બંજારા એકતા નગર વસાહત ખાતે ગેરકાયદેસર મકાનોમાં રહેતા હોવાનું પાલિકાના ધ્યાને આવ્યું હતું. મહા નગર પાલિકાએ ત્વરિત એક્શન લઈને તેમને ત્રણ દિવસમાં પુરાવા રજૂ કરવા માટે નોટિસ આપવામાં આવી હતી. જોકે, સુપ્રીમ કોર્ટે આરોપીઓનું ઘર નહીં તોડવાનો આદેશ આપ્યો હોવાથી હાલ પાલિકા દ્વારા આરોપી મુન્ના બંજારાના ઘરનું પાણી અને ડ્રેનેજ કનેક્શન કાપવાની જ કાર્યવાહી કરી હતી.

    સુરત-નવસારીમાં કરવામાં આવેલી બુલડોઝર કાર્યવાહી

    હવે વાત કરીએ સુરતની, તો સુરત અને નવસારીમાં પણ કેટલાક ઠેકાણે દાદાનું બુલડોઝર ચાલ્યું અને મઝહબી સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા.

    લંબે હનુમાન રોડ પર ઉભી કરી દેવામાં આવેલી દરગાહ પર ફર્યું બુલડોઝર

    23 ડિસેમ્બર 2024ની મોડી રાત્રે સુરતના લંબે હનુમાન રોડ પર અતિક્રમણ કરી ગેરકાયદે ઉભી કરેલ દરગાહને દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મહાપાલિકાની ટીમ રાત્રે લગભગ 11 વાગ્યા પછી ગુપ્ત ઓપરેશન હાથ ધર્યું હતું. રાત્રે 11 વાગ્યા લંબે હનુમાન રોડ આસપાસના વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો જેથી ત્યાં કોઈ પ્રવેશી શકે નહીં. તથા ડિમોલિશનની કામગીરી અડધી રાત પછી શરૂ કરવામાં આવી હતી. અહેવાલ અનુસાર આ દરગાહ ટ્રાફિકને અવરોધે એવી જગ્યાએ ઉભી કરવામાં આવી હતી.

    આ જગ્યા મેટ્રોને સોંપવાની હતી. આ ડિમોલેશનની કામગીરી દરમિયાન કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જેના પગલે કોઈપણ અનધિકૃત ફોટોગ્રાફી અથવા વિડીયોગ્રાફી ન કરે તેની પણ તકેદારી રાખવામાં આવી હતી. આ સ્થળ પર અધિકારીઓ સિવાય કોઈ પ્રવેશી શકે નહીં તે માટેની પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી. ગુપ્તતા જાળવવા માટે ડિમોલિશન દરમિયાન ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સિવાય દરેકના મોબાઇલ ફોન પર પણ સખત પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. રીંગરોડ પર સહારા દરવાજા પાસે રોડની વચ્ચે આવેલી દરગાહ અને માતાજીના મંદિર ત્યારપછી વેદ-વરિયાવ પુલ નજીક સ્થિત અન્ય દરગાહને દૂર કરવામાં આવી હતી.

    સૈયદપૂરમાં ગણેશ પંડાલ પર હુમલો અને બાદમાં થયેલું બુલડોઝર એક્શન

    સુરતના સૈયદપુરામાં ‘વરિયાવી ચા રાજા’ તરીકે ઓળખાતી ભગવાન ગણેશની પ્રતિમા પર મુસ્લિમોએ પથ્થરમારો કરીને કરોડો હિંદુઓની આસ્થાને ઠેસ પહોંચાડી હતી. ઘટના બાદ આખા સુરત શહેરમાં ભારે તંગદિલી સર્જાઇ હતી. પોલીસના કાફલે-કાફલા ખડકી દેવામાં આવ્યા હતા અને હજારો હિંદુઓ પણ ઘટનાના વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા. ગૃહમંત્રી સંઘવીએ સંકલ્પ લીધો હતો કે, સૂર્યોદય પહેલાં તમામ પથ્થરબાજોને પકડી પાડવામાં આવશે અને એવું થયું પણ. આ ઘટના બાદ 9 સપ્ટેમ્બરના રોજ ગુનાખોરીને ધ્યાને રાખીને સૈયદપુરામાં ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.

    સૈયદપુરા પોલીસ સ્ટેશનની આસપાસ દબાણ કરેલી મિલકતો પર પણ તાત્કાલિક અસરથી બુલડોઝર કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી. દરમિયાન ભારે મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. વહીવટીતંત્રની કડક કાર્યવાહીને લઈને ગુનાખોરી સાથે સંકળાયેલા અને ગેરકાયદેસર દબાણો ઉભા કરનાર લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.

    લિંબાયતમાં સરકારી જમીન પર માથાભારે હાસિમ સિદ્દીકીએ કરેલા દબાણો પર કાર્યવાહી

    સુરત પોલીસ અને સ્થાનિક પ્રશાસને 10 જુલાઈના રોજ મોટી કાર્યવાહી કરીને અનેક ગુનામાં સપડાઇ ચૂકેલા સુરતના માથાભારે ઇસમ હાસિમ સિદ્દીકીએ કરેલા દબાણો પર બુલડોઝર ફેરવી દીધું હતું. હાસિમે લિંબાયતમાં સરકારી જમીન પર અતિક્રમણ કરીને જિમ અને ક્રિકેટ બોક્સ તાણી બાંધ્યાં હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ સુરત મહાનગરપાલિકાની (SMC) ટીમ અને સુરત પોલીસ સ્પેશિયલ ઑપરેશન ગ્રુપની (SOG) ટીમ સ્થળ પર બુલડોઝર લઈને પહોંચી હતી અને ડિમોલિશનની કામગીરી હાથ ધરી હતી. આ અતિક્રમણ મંદિરની બાજુમાં જ કરવામાં આવ્યું હતું.

    કાર્યવાહીને લઈને DCP ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે, ‘ભાવનાનગર સોસાયટીમાં હાસિમ સિદ્દીકી નામના અસામાજિક વ્યક્તિએ ગેરકાયદેસર રીતે બાંધકામ કર્યું હતું અને જિમ અને બૉક્સ ક્રિકેટનાં સ્ટ્રકચર બનાવ્યાં હતાં, જે SMC દ્વારા તોડી પાડવામાં આવ્યાં છે. આ દરમિયાન સુરત પોલીસ ઝોન-2 અને SOGની ટીમ હાજર રહી.’ તેમણે વધુમાં જણાવ્યું કે, સિદ્દીકી સામે 20 જેટલા ગુના નોંધવામાં આવ્યા હતા.

    નવસારીના ચીખલીમાં ગેરકાયદેસર દરગાહ પર ફરી વળ્યું બુલડોઝર

    તાજેતરમાં જ નવસારી જિલ્લાના વાંસદા ચીખલી રોડ પર આવેલી ગેરકાયદેસર દરગાહ પર બુલડોઝર ફરી વળ્યું હતું. આ કર્યવાહી 28 ડિસેમ્બરના રોજ કરવામાં આવી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને ઉચ્ચ અધિકારીઓ સાથે કરવામાં આવેલી આ કાર્યવાહી બાદ રેફરલ હોસ્પિટલ પાસેના રોડના એક મોટા ભાગને દબાણમુક્ત કરવામાં આવ્યો છે. ઘણા લાંબા સમયથી સરકારી જમીન પર દબાણ કરીને આ દરગાહ ઉભી કરી દેવામાં આવી હતી. રેફરલ હોસ્પિટલ પાસેના રોડને અડીને ઉભું કરી દેવામાં આવ્યું હતું. ફોર લેન રોડ પર બની હોવાના કારણે તે રસ્તામાં અવરોધરૂપ હતી.

    આ આખા ડિમોલિશન ઓપરેશન દરમિયાન જિલ્લા પોલીસ અધીક્ષક, DYSP, PI સહિત મોટી સંખ્યામાં પોલીસ દળ અને મામલતદાર, નાયબ મામલતદાર, રોડ-રસ્તા અને બાંધકામ વિભાગના અધિકારીઓ હાજર હતા. મોડી રાત્રે પોલીસે અને પ્રશાસને વિસ્તારને કોર્ડન કરીને ડિમોલીશન ઓપરેશન શરૂ કર્યું હતું. આ માટે બંને તરફથી રોડને કોર્ડન કરીને વાહન વ્યવહાર ડાયવર્ટ કરી દેવામાં આવ્યો હતો. પ્રશાસન દ્વારા એકદમ ગુપ્ત રીતે ચલાવવામાં આવેલા આ ઓપરેશનમાં 6થી વધુ JCB, 8થી વધુ ટ્રેક્ટર, 2 રોડ રોલર, ડામર પાથરવાની મશીનરી સહિતના ઉપકરણો કામે લેવામાં આવ્યા હતા.

    કોઈ અણબનાવ ન બને તે માટે પોલીસ પ્રશાસન પણ એકદમ તૈયારી સાથે આવ્યું હતું. એક માહિતી મુજબ પોલીસે આ ડિમોલીશન ઓપરેશન માટે વોટર કેનન, ટીયરગેસના સેલ્સ તેમજ ટોળાને કાબુમાં લેવા માટે વપરાતા સાધનો સાથે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. પોલીસ દ્વારા આખા વિસ્તારને પહેલા કોર્ડન કરી દેવામાં આવ્યો હતો અને બાદમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી.

    મહેસાણા-સાબરકાંઠામાં બુલડોઝર એક્શન

    મહેસાણાના ખેરાલુમાં રામલલાની શોભાયાત્રામાં પથ્થરમારો, અને બાદમાં બુલડોઝર એક્શન

    મહેસાણાના ખેરાલુમાં હાટડિયા બજાર વિસ્તારમાં બુલડોઝર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ એ જ વિસ્તાર છે જ્યાં ગત 21 જાન્યુઆરી, 2024ના રોજ પ્રભુ શ્રીરામની શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી ખેરાલુના હાટડિયા બજાર અને જકાતનાકા પાસે હાથ ધરવામાં આવી હતી. પાલિકાએ પંચમુખી હનુમાન મંદિરથી હાટડિયાના બેલીમ વાડા સુધીમાં આવેલ કુલ 30-35 કાચાં-પાકાં દબાણો હટાવવા માટે તેના માલિકોને નોટિસ પાઠવી હતી અને મિલકતના પુરાવા રજૂ કરવા અથવા સ્વયં દબાણ હટાવવા માટે આદેશ આપવામાં આવ્યા હતા.

    જોકે, નોટિસ બાદ પણ જવાબ ન આપવામાં આવતાં અંતે 5 ફેબ્રુઆરી, 2024ના રોજ સિટી સરવે વિભાગે માપણી શરૂ કરી હતી. સરવે પૂર્ણ કર્યા બાદ આખરે બુલડોઝર ફેરવીને દબાણો દૂર કરવામાં હતા. આ સમયે નગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં પોલીસ કાફલો હાજર હતો.

    સાબરકાંઠાના પ્રાંતિજમાં હિંદુની હત્યા બાદ ફર્યું દાદાનું બુલડોઝર

    ફેબ્રુઆરી મહિનામાં સાબરકાંઠાના પ્રાંતિજ વિસ્તારમાં સાની લેવડદેવડ મામલે મુસ્લિમોના ટોળાંએ એક હિંદુ વ્યક્તિનો જીવ લઈ લીધો હતો.આ મામલે પોલીસે 7 મુસ્લિમ આરોપીઓ વિરુદ્ધ નામજોગ ગુનો દાખલ કરીને ધરપકડ કરવા માટે કાર્યવાહી શરૂ કરી હતી અને મોટા ભાગના આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા. આ પોલીસ કાર્યવાહી બાદ આ ઉપદ્રવીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને તંત્ર દ્વારા બુલડોઝર એક્શન લેવામાં આવ્યું. પ્રશાસને 12 ગેરકાયદેસર દુકાનો અને 2 મટન શોપ પર બુલડોઝર ફેરવી દીધું હતું.

    સાબરકાંઠા પોલીસના ચુસ્ત બંદોબસ વચ્ચે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પ્રાંતિજના પોલીસ સ્ટેશન વિસ્તારથી લઈને ગલેચી ભાગોળ સુધીના વિસ્તારમાં દાદાનું બુલડોઝર ચાલ્યું હતું. પોલીસ સ્ટેશન વિસ્તારના સ્થળો પર હાલમાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો અને પાલિકા ફાયર સાથે તંત્ર ખડપગે રહ્યું હતું.

    જૂનાગઢ, સોમનાથ અને દેવભૂમિ દ્વારકામાં બુલડોઝર એક્શન

    જૂનાગઢમાં જે ગેરકાયદેસર દરગાહ માટે 2023માં મુસ્લિમ ટોળાએ મચાવ્યો હતો ઉત્પાત, આખરે તે જમીનદોસ્ત

    9 માર્ચની મોડી રાતે જૂનાગઢ મહાનગરપાલિકાએ મોટું ઑપરેશન પાર પાડ્યું હતું. પ્રશાસન દ્વારા શહેરના મજેવડી ગેટ પાસે આવેલી વિવાદિત અને ગરકાયદેસર દરગાહ આખરે તોડી પાડવામાં આવી હતી. આ સિવાય અન્ય પણ અમુક મજહબી અને ધાર્મિક દબાણો હટાવવામાં આવ્યાં હતાં. મજેવડી ગેટની દરગાહ એ જ સ્થળ છે, જેને હટાવવા માટે નોટિસ આપવામાં આવતાં ગત વર્ષે મુસ્લિમ ટોળાંએ ઉત્પાત મચાવ્યો હતો.

    લગભગ 2 દાયકા પહેલાં આ દરગાહ મજેવડી ગેટ પાસે બનવાની શરૂ થઈ હતી અને ધીમે-ધીમે તેનો વિસ્તાર વધતો ગયો. દરગાહ ગેરકાયદેસર રીતે બની હોવાના કારણે ઘણા સમયથી તેને હટાવવાની માંગ કરવામાં આવી રહી હતી અને ભૂતકાળમાં પણ નોટિસ આપવામાં આવી ચૂકી હતી. આખરે 9-10 માર્ચની મધ્ય રાત્રિએ જૂનાગઢ મહાનગરપાલિકાની ટીમે પોલીસ તંત્રએ રાત્રે તેને બુલડોઝર ફેરવીને હટાવી દીધી હતી. મોડી રાત્રે આ ઑપરેશન પાર પાડવામાં આવ્યું હતું. ઑપરેશન રાત્રે 2 વાગ્યે લગભગ 1000 પોલીસકર્મીઓને સાથે રાખીને શરૂ કરવામાં આવ્યું હતું. તે પહેલાં સમગ્ર વિસ્તારમાં બેરિકેડ લગાવીને અવરજવર બંધ કરી દેવામાં આવી હતી. ત્યારબાદ બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું. કાર્યવાહી બાદ રાતોરાત કાટમાળનો પણ નિકાલ કરી દેવામાં આવ્યો હતો અને સવારે 5 વાગ્યા સુધીમાં જામીન સમતલ કરી દેવાઇ હતી.

    મજેવડી ગેટ પાસે આવેલી આ દરગાહ ગેરકાયદેસર હતી, જે હટાવવા માટે મહાનગરપાલિકાએ જૂન, 2023માં નોટિસ પણ પાઠવી હતી. પરંતુ નોટિસ મળતાંની સાથે જ મુસ્લિમ ટોળાં એકઠાં થવા માંડ્યાં હતાં અને ત્યારબાદ રાત્રે પોલીસ સમજાવટ કરવા જતાં તેમની ઉપર જીવલેણ હુમલો કરી દીધો હતો, જેમાં અનેક પોલીસકર્મીઓને ઈજા પહોંચી હતી.

    સોમનાથમાં સરકારનું મેગા ડિમોલિશન, ફર્યા એકસાથે 36 બુલડોઝર

    27/28 સપ્ટેમ્બરના રોજ વેરાવળના સોમનાથમાં મોટાપાયે ડિમોલિશન કામગીરી હાથ ધરીને દબાણો દૂર કરવામાં આવ્યાં હતા. ગીર સોમનાથમાં આ અત્યાર સુધીની સૌથી મોટી ડિમોલિશન ડ્રાઈવ હતી. સમગ્ર ઑપરેશનમાં ઉચ્ચ અધિકારીઓ સહિત 1500 પોલીસકર્મીઓ ખડેપગે રહ્યા તો 36 બુલડોઝર અને 70 ટ્રેકટર ટ્રોલીઓનો ઉપયોગ થયો હતો. ડિમોલિશન ડ્રાઇવ દરમિયાન અમુક ઇદગાહ, મસ્જિદ જેવાં અમુક મઝહબી બાંધકામો પણ હટાવવામાં આવ્યાં. જેના કારણે વિરોધ કરવા માટે સ્થાનિક મુસ્લિમોનાં ટોળાં મોટી સંખ્યામાં એકઠાં થઈ ગયાં હતાં, પરંતુ પ્રશાસને કડક હાથે કામ લઈને સ્થિતિ પર નિયંત્રણ મેળવી લીધું હતું અને ડિમોલિશનનું કામ સુપેરે પાર પાડ્યું હતું.

    ડ્રાઈવ એટલી મોટી અને સંવેદનશીલ હતી કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તમામ ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર હાજર હતા. અહેવાલોમાં જણાવ્યા અનુસાર ડિમોલિશન દરમિયાન જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા, રેન્જ આઇજી નિલેશ ઝાંઝડીયા, જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા ઉપરાંત 3 SP, 6 Dy.SP, 50 PI તથા PSI સહિત ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદર એમ ત્રણ જિલ્લાના 1500 જેટલા પોલીસ કર્મચારીઓ ખડે પગે રહ્યા હતા. આટલું જ નહીં, 2 SRP કંપનીઓ પણ બંદોબસ્ત અને સુરક્ષામાં લગાવી દેવામાં આવી હતી.

    સવારે લગભગ 5 વાગ્યાથી શરૂ થયેલી દબાણ હટાવવાની કાર્યવાહીમાં પાકાં બાંધકામો તોડવા 36 જેટલા બુલડોઝર, 5 હિટાચી મશીન અને કાટમાળ હટાવવા 50 ટ્રેક્ટર/ટ્રોલી તેમજ 10 જેટલા મોટાં ડમ્પરો કામમાં લાગ્યાં હતાં. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આખા વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી કોર્ડન કરી લેવામાં આવ્યો હતો. સમાન્ય માણસો તો ઠીક, પણ મીડિયા માટે પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો.

    27/28 જાન્યુઆરીમાં મંદિરના મેઈન રોડ પર સતત બે દિવસ ફર્યા હતા બુલડોઝર

    મેગા ડ્રાઈવ પહેલા જાન્યુઆરી મહિનામાં પણ પ્રશાસને સતત બે દિવસ સુધી દબાણો હટાવવાની કાર્યવાહી કરી હતી. યાત્રાધામ સોમનાથ મંદિરની નજીક દબાણો વધી ગયાં હોવાની અનેક ફરિયાદો મળ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. 27 જાન્યુઆરીએ સવારથી જ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વન્યુ અને પોલીસ વિભાગનો મોટો કાફલો દબાણો હટાવવા પહોંચ્યો તો લોકોએ ઘરોની બહાર નીકળીને વિરોધ પણ દર્શાવ્યો હતો. જોકે, તંત્રએ આ મામલે પીછેહઠ ન કરતાં તમામ ગેરકાયદેસર દબાણોને દૂર કરવા કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહીમાં 100 જેટલાં ઝૂંપડાં અને 21 જેટલા પાક્કા મકાનો પર બુલડોઝર ફેરવી દેવામાં આવશે. આ ઉપરાંત 17 વીઘાં જમીનને પણ દબાણોથી મુક્ત કરી દેવામાં આવી હતી.

    બીજા દિવસે કામગીરીમાં મંદિર નજીકના મુખ્ય માર્ગ પરથી દબાણો હટાવવામાં આવ્યાં હતાં. આ સરકારી જગ્યા પર લોકોએ વર્ષોથી ગેરકાયદે દબાણ કરીને કબજો કરી રાખ્યો હતો. જિલ્લા તંત્રએ મોટા પોલીસ કાફલાને સાથે રાખીને આ કાર્યવાહી હાથ ધરી હતી. આ ડિમોલિશન ડ્રાઇવ દરમિયાન તંત્રએ સોમનાથ મંદિરના મુખ્ય માર્ગમાં ઉભા કરવામાં આવેલા 144થી વધુ ગેરકાયદેસર દબાણો દૂર કર્યાં હતાં. આ કામગીરી આરંભાય તે પહેલાં તંત્રએ દબાણ કરનારાઓને નોટિસ ફટકારીને જગ્યા ખાલી કરવા માટે આદેશ આપ્યા હતા. તંત્રએ શંખ સર્કલથી માંડીને હમીરજી સર્કલ સુધી આ ડ્રાઈવ ચલાવી હતી. આ કામગી દરમિયાન મામલતદાર, કલેકટર, પોલીસ અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓ ત્યાં હાજર છે. આ ઉપરાંત બંદોબસ્તમાં 2 DySP અને 7 PI સહિતના અધિકારીઓ જોડાયા હતા. આ સિવાય SOG, LCB તેમજ પોલીસ GRD મળીને કુલ 500 જેટલા પોલીસ કર્મચારીઓનો કાફલો બંદોબસ્તમાં તૈનાત કરી દેવામાં આવ્યા હતા.

    દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં મંદિર બહારની સરકારી જમીન પર કબજો, બુલડોઝરથી હટાવાયું દબાણ

    દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં એક હિંદુ મંદિરની આગળની સરકારી જમીન પર ગેરકાયદેસર કબજો કરીને અમુક મુસ્લિમ શખ્સોએ દીવાલ તાણી બાંધી હતી, જેના કારણે મંદિરનો રસ્તો બ્લૉક થઈ ગયો હતો. આખરે પ્રશાસને દબાણ કરનારાઓ સામે FIR નોંધીને ધરપકડ કરી લીધી અને બીજી તરફ બુલડોઝર ફેરવીને જગ્યા ખાલી કરાવીને મંદિર જવાનો માર્ગ ખુલ્લો કરાવી દીધો હતો. અહીં મુખ્ય પૂજારી તરીકે સેવા આપતા હિરેનપુરી ગોસ્વામીએ સ્થાનિક પોલીસ મથકે કુલ પાંચ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી હતી. તેમની આરોપ હતો કે આ તમામે મંદિરની ઉત્તર દિશામાં આવેલી સરકારી જમીન ખોટા દસ્તાવેજો તૈયાર કરીને, પચાવી પાડીને મંદિરે શ્રદ્ધાળુઓ દર્શન કરવા ન આવી શકે તેવા ઇરાદે આડશ ઊભી કરી દીધી હતી અને રસ્તો બ્લૉક કરી દીધો હતો.

    પોલીસે આ ફરિયાદના આધારે ગુલમામદ સુલેમાન ખફી, હનીફ સુલેમાન ખફી, ગફાર સુલેમાન ખફી, અબ્બાસ ઉમર ખીરા અને ખતીજા કાસમ ખફી આમ કુલ પાંચ વ્યક્તિઓ વિરુદ્ધ IPCની કલમ 420, 120B, 465, 467, 468, 471, 474 હેઠળ ગુનો દાખલ કરીને ત્રણની ધરપકડ કરી લીધી હતી. ધરપકડ કરવામાં આવેલી વ્યક્તિઓની ઓળખ હનીફ, અબ્બાસ અને ગફાર તરીકે થઈ હતી. આ કાર્યવાહી બાદ 17 ડિસેમ્બરના રોજ પોલીસ અને સ્થાનિક તંત્રએ સાથે મળીને બુલડોઝર ફેરવીને સરકારી જમીન ખાલી કરાવી દીધી અને મંદિર જવાનો માર્ગ ખુલ્લો કરી દીધો હતો.

    કચ્છમાં ક્યાં-ક્યાં થઈ બુલડોઝર કાર્યવાહી?

    માંડવીમાં બુલડોઝર એક્શન

    હવે વાત કરીએ કચ્છની, તો પાકિસ્તાન સાથે સીમાડાઓ વેચતા ગુજરાતના આ સહુથી મોટા જિલ્લાને સુરક્ષાની દ્રષ્ટિએ અતિ સંવેદનશીલ માનવામાં આવે છે. આ વર્ષે કચ્છ જિલ્લામાં પ્રશાસનની નોંધનીય કામગીરી રહી છે. કંડલાથી લઈને અંતરિયાળ ગામોમાં દાદાનું બુલડોઝર ફર્યું છે.

    ફેબ્રુઆરી મહિનામાં કચ્છના માંડવીથી બુલડોઝર એક્શન શરૂ કરવામાં આવ્યું હતું. અહીં માંડવી દરિયાકિનારે મસ્કાની સીમમાં બનેલી યુસુફ શાહ પીરની દરગાહ અને ગુંદિયાળી સરહદમાં આવેલી આરિફ-એ-બિલ્લાહની દરગાહ દ્વારા આસપાસની જમીન કબજે કરી દેવામાં આવી હતી. ગેરકાયદેસર દબાણ કરીને અહીં વધુ બાંધકામ કરીને સમુદ્રકિનારે દબાણ કરવામાં આવ્યું હોવાનું ધ્યાને ચડ્યું હતું. તંત્રના ધ્યાને આ બાબત આવતાની સાથે જ 28 ફેબ્રુઆરીના રોજ કાર્યવાહી કરવામાં આવી હતી.

    આ કાર્યવાહી દરમિયાન મામલતદાર, નાયબ મામલતદાર, સર્કલ ઓફિસર જેવા સ્થાનિક તંત્રના ઉચ્ચ અધિકારીઓ તેમજ પોલીસ તંત્રના પણ ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. બંને દરગાહની આસપાસ જેટલું વધારાનું બાંધકામ કરવામાં આવ્યું હતું, તેને તોડી પાડવામાં આવ્યું હતું.

    ભૂજમાં તોડી પાડવામાં આવ્યા ભૂંગા

    આ સિવાય તે જ દિવસે ભુજના તંત્રે ભુજ-ખાવડા રોડ કાર્યવાહી કરીને ગેરકાયદેસર ઉભા કરવામાં આવેલા ભૂંગા તોડી પાડ્યા હતા. તંત્ર દ્વારા અહીં 2 હાજર ચોરસ મીટર ગેરકાયદેસર જગ્યા ખાલી કરાવવામાં આવી હતી. આ મામલે પ્રાંત અધિકારીએ મીડિયાને જણાવ્યું કે, આ મામલે અગાઉથી નોટિસ પાઠવવામાં આવી હતી અને ત્યારબાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. ભીરંડીયારાથી ધોરડો સુધી બનાવવામાં આવેલી રિસોર્ટ અને તેમની કાયદેસરતા મામલે તપાસ કરવામાં આવી હતી, જેમાં જાણવા મળ્યું હતું કે આ વિસ્તારમાં દબાણો વધ્યાં છે. ત્યારબાદ આ કામગીરી કરવામાં આવી. સ્થાનિક તંત્રનું કહેવું છે કે તેઓ આ પ્રકારની કાર્યવાહી ચાલુ જ રાખશે અને દબાણો સાંખી લેશે નહીં.

    અંજારના મઝહબી બાંધકામો પર બુલડોઝર

    કચ્છમાં સહુથી વધુ ડિમોલીશનની કામગીરી માર્ચ મહિનામાં કરવામાં આવી હતી. તંત્રએ 12 માર્ચના રોજ મોડી રાત્રે કચ્છના અંજારમાં આવેલા મઝહબી દબાણો પર બુલડોઝર ફેરવી દીધું હતું. સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધવામાં આવેલી ત્રણ દરગાહોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સરકારી તંત્રએ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. આ કામગીરીમાં હાજીપીરની દરગાહ, નાગેશાપીરની દરગાહ અને વલ્લીપીરની દરગાહને દૂર કરીને સરકારી જમીન ખાલી કરવામાં આવી હતી.

    અબડાસામાં દરિયાકાંઠે ચાલ્યું દાદાનું બુલડોઝર

    11 માર્ચના રોજ કચ્છના અબડાસામાં તંત્ર દ્વારા ભંગોરી વાઢમાં આવેલી બે ગેરકાયદેસર દરગાહ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. આ દરમિયાન 2 પાણીના ટાંકા પણ તોડી પાડવામાં આવ્યા હતા. બુલડોઝર કાર્યવાહી પહેલાં દરગાહની સારસંભાળ રાખતા વ્યક્તિઓને નોટિસ પણ આપવામાં આવી હતી. તેમ છતાં દરગાહ ન હટાવાતાં આખરે સ્થાનિક તંત્ર દ્વારા બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી હતી.

    આ કાર્યવાહી સઘન પોલીસ સુરક્ષા સાથે કરવામાં આવી હતી. SDM કે.જે વાઘેલા, મામલતદાર મહેશ કતિરા, Dy.SP બી.બી ભગોરા, સર્કલ ઓફિસર વિનોદ ચૌધરી, CPI ડી. આર ચૌધરી, વાયોર PSI આઈ.આર ગોહિલ, PSI એમ.બી ચાવડા, કોઠારા PSI જે.જે રાણા, નિરોણા PSI હરદીપસિંહ પરમાર સહિતના અધિકારીઓ આ કાર્યવાહી દરમિયાન હાજર હતા.

    જામકુનરિયા અને કુરન સહિતનાં ગામોમાં મદરેસાઓ સહિતના 26 દબાણો હટાવાયા

    તે પહેલા 9 માર્ચના રોજ પ્રશાસને જામકુનરિયા અને કુરન સહિતનાં ગામોમાં મદરેસાઓ સહિતના 26 દબાણો હટાવવાની કામગીરી કરી હતી. દરમ્યાન સરકારી જમીન પર અતિક્રમણ કરીને ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલી ત્રણ મદરેસા પર પણ બુલડોઝર ચાલ્યું હતું. સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા જામકુનરિયા, કુરન, રાયમાવાંઢ, કાઢવાંઢ સહિતના ગામોમાં દબાણ કરીને બાંધવામાં આવેલાં દુકાન, હોટલ, ઓરડા સહિતનાં બાંધકામો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. આ પહેલાં સરહદના સંત્રી કાળા ડુંગર પરનાં 24 અને ધ્રોબાણામાં 2 મળી કુલ 26 દબાણો દૂર કરવામાં આવ્યાં હતાં.

    ભચાઉમાં નજીવી બાબતમાં વૃદ્ધ પર હુમલો કરનારની ગેરકાયદેસર સંપત્તિઓ પર બુલડોઝર એક્શન

    1 માર્ચના રોજ ભચાઉમાં બે વૃધ્ધો પર હુમલો કરનાર મુસ્લિમ કિશોરના અબ્બાએ કરેલા ગેરકાયદેસર દબાણો પર કાર્યવાહી કરવામાં આવી હતી. આરોપીના પિતા હાજી આમદ ત્રાયા અને તેના ભાઈ સામે શિકારપુર ગામે સરકારી જમીનમાં દબાણ કર્યું હોવાની ફરિયાદ હિંદુ સંગઠનો દ્વારા કરવામાં આવી હતી. આ રજૂઆતોને ધ્યાનમાં લઈને ભચાઉ તાલુકા વહીવટી તંત્રે સરકારી જમીનમાં થયેલું દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.

    આ બુલડોઝર કાર્યવાહી દરમિયાન મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, વિસ્તરણ અધિકારી ઉપરાંત DySP, SOGના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ સ્થળ પર હાજર રહ્યા હતા. તંત્રના જણાવ્યા અનુસાર, આરોપીએ 2 દબાણો કર્યાં હોવાની જાણકારી મળી હતી, જેમાંથી 1 પર કોર્ટનો સ્ટે હોવાથી હાલ કાર્યવાહી થઈ નથી, જ્યારે બીજું હટાવી દેવામાં આવ્યું હતું.

    કંડલા બંદર વિસ્તારમાં ફર્યું ગુજરાત સરકારનું બુલડોઝર

    કચ્છના અતિ મહત્વના કંડલા બંદર વિસ્તારમાં સતત ગુજરાત સરકારનું બુલડોઝર ફરતું રહ્યું છે. સરકારે સુરક્ષાને ધ્યાનમાં રાખીને કંડલા પોર્ટની આસપાસ કરવામાં આવેલાં દબાણો પર બુલડોઝર ફેરવી દીધું હતું. અહીં કેટલાક સ્થાનિક તો કેટલાક બહારથી આવેલા ઈસમોએ નાનાં-મોટાં છાપરાં ઊભાં કરી ઝૂંપડાં બાંધી દીધાં હતાં. આમ પોર્ટની હજારો સ્ક્વેર ફૂટ જમીન પર દબાણો ઉભા કરી દેવામાં આવ્યાં હતાં. આ સાથે જ છેલ્લા કેટલાક સમયથી વિસ્તારમાં ગુનાખોરી પણ વધી રહી હોવાનું પોલીસના ધ્યાને આવ્યું હતું. દરમિયાન આ દબાણો દૂર કરવાની તાતી જરૂરિયાત લાગતાં પ્રશાસન હરકતમાં આવ્યું હતું.

    દબાણ હટાવવાની કામગીરી દરમિયાન તંત્રને ઘર્ષણની શક્યતા લાગતાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠી દેવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર કચ્છ પોલીસે અહીં 200થી વધુ પોલીસ જવાનો ખડકીને કાર્યવાહી આરંભી હતી. જોતજોતામાં આખા વિસ્તારમાં તાણી દેવામાં આવેલાં ઝૂંપડાં પર બુલડોઝર ફરેવી દેવામાં આવ્યું અને સરકારી જમીન ખાલી કરાવવામાં આવી હતી. કાર્યવાહીમાં ગુજરાત પોલીસ સાથે CISFના જવાનોનો પણ એક સુરક્ષા ઘેરો બનાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું.

    કંડલાની ₹400 કરોડથી વધુની કિંમતની 250 એકર જમીન ખાલી કરાવવામાં આવી

    કંડલામાં પ્રશાસને સતત કામગીરી કરીને 400 કરોડથી વધુની કિંમતની 250 એકર જમીન ખાલી કરાવી હતી. અતિમહત્વના દીનદયાળ પોર્ટ ઑથોરિટી અને કચ્છ પોલીસે કંડલામાં 2 દિવસીય ડિમોલિશન ડ્રાઇવ ચલાવીને 600થી વધુ ઝૂંપડાં પર બુલડોઝર ફેરવી દીધું હતું. અહીં 6000થી વધુ લોકોએ ₹400 કરોડથી વધુની કિંમતની 250 એકરથી વધુ જમીન પર પાછલાં અનેક વર્ષોથી કબજો કરી રાખ્યો હતો. કંડલા પોર્ટ ઑથોરિટી છેલ્લાં 2 વર્ષથી તેમને નોટિસો પાઠવીને જગ્યા ખાલી કરવા જણાવી રહી હતી પણ લાંબા સમય સુધી કબજાખોરોના પેટનું પાણી ન હાલતાં અંતે પ્રશાસને લાલ આંખ કરવી પડી હતી.

    અહીં ડિમોલિશન ડ્રાઇવ પૂર્ણ થઈ ત્યાં સુધીમાં લગભગ 600થી વધુ કાચાં-પાકાં બાંધકામો તોડવામાં આવ્યાં છે. અહીં વસતા મોટાભાગના લોકો મુસ્લિમ સમુદાયના હતા. અનેક લોકો એવા છે જે બહારના રાજ્યોથી અહીં આવીને વસી રહ્યા હતા. આ મામલે કંડલા પોર્ટના ચેરમેન સુશીલ કુમારે ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, દબાણ કરનારા લોકોએ કાર્ગો જેટી અને ક્રિક વિસ્તારમાં રહેલી પોર્ટની અઢી કિલોમીટર લાંબી જમીન પર બાંધકામો કરી દીધાં હતાં. પોર્ટ પાસે નજીકના વોટરફ્રન્ટ સુધી પહોંચવાનો આ એક માત્ર રસ્તો હતો. અહીં નોંધવું જરૂરી છે કે કંડલા પોર્ટ ગુજરાતનું સૌથી મોટું બંદર છે અને દરિયાઈ સીમાની દ્રષ્ટિએ અતિસંવેદનશીલ પણ છે. અહીંથી પાકિસ્તાન પણ નજીક છે.

    ઊભાં કરવામાં આવેલાં ગેરકાયદેસર બાંધકામો અમોનિયા જેવા ખતરનાક રસાયણોના સંચરણ માટેની બનાવવામાં આવેલી પાઈપલાઈનો, તેમજ 34 લાખ કિલો લિટર ક્ષમતા ધરાવતા ટેન્ક ફાર્મ વચ્ચે સ્થિત હતાં. અહીંથી અવારનવાર પાઈપોને કાપીને ચોરીઓ થતી હોવાની ફરિયાદો આવતી રહેતી. જો એમોનિયા જેવો ખતરનાક ગેસ લીક થાય અને તે આસપાસના વિસ્તારોમાં પ્રસરી જાય તો ભોપાલ ગેસ ત્રાસદી કરતાં પણ ભયાવહ દુર્ઘટના સર્જાઈ શકે. પાકિસ્તાન સાથે દરિયાઈ સીમા લાગતી હોવાથી સુરક્ષાની દ્રષ્ટિએ પણ આ દબાણો ચિંતાજનક હતાં.

    જામનગરમાં ક્યાં ફર્યા દાદાના બુલડોઝર?

    ઑપઇન્ડિયાના રિપોર્ટ બાદ રણજીતસાગર ડેમ દબાણમુક્ત, દરગાહ પર ફર્યું હતું બુલડોઝર

    જામનગર શહેરના બહુ પ્રખ્યાત રણજીતસાગર ડેમની પાછળના ભાગમાં એક દરગાહ બાંધી દેવામાં આવી હતી. ઑપઇન્ડિયાના ધ્યાને આ આવતાં મે, 2024માં વિશેષ અહેવાલો પ્રકાશિત કરીને તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. અહેવાલો પ્રકાશિત થયા બાદ 19 મેના રોજ તંત્રએ ભારે પોલીસ કાફલા વચ્ચે સ્થળ પર પહોંચીને બુલડોઝર ફેરવી દીધું હતું. આ દરગાહ હટાવવા માટે મામલતદાર દ્વારા વર્ષ 2022માં પણ આદેશ કરવામાં આવ્યા હતા, પરંતુ ત્યારે કોઇ કાર્યવાહી થઈ ન હતી. દરમ્યાન, સતત હિંદુ કાર્યકર્તાઓ રજૂઆતો કરતા રહ્યા. થોડા સમય પહેલાં આ મુદ્દો ફરી ઊંચકાયો હતો અને ઑપઇન્ડિયાએ પણ રિપોર્ટ પ્રકાશિત કર્યા હતા. આખરે અધિકારીઓએ સંજ્ઞાન લઇને કાર્યવાહીને અંજામ આપ્યો અને સમગ્ર જગ્યા ખુલ્લી કરાવી દેવામાં આવી.

    આ સમગ્ર મુદ્દે ઑપઇન્ડિયાએ ગ્રાઉન્ડ ઝીરો પર જઈને રિપોર્ટીંગ કરી ગંભીર પ્રશ્ન પર તંત્રનું ધ્યાન દોર્યું હતું. સ્થાનિક હિંદુ આગેવાન યુવરાજ સોલંકીની મદદથી પ્રકાશિત થયેલા અહેવાલો બાદ તંત્ર દ્વારા બુલડોઝર એક્શન લેવામાં આવ્યું અને તાત્કાલિક ધોરણે દરગાહના દબાણને દૂર કરીને ડેમની જગ્યા ખાલી કરાવી લેવામાં આવી હતી.

    લાલપુર બાયપાસ પાસેની દરગાહ પર ફર્યું હતું બુલડોઝર

    જામનગરના લાલપુર બાયપાસ પાસે ગેરકાયદેસર રીતે એક દરગાહ ઉભી કરી દેવામાં આવી હતી જેને તોડી પાડવામાં આવી હતી. બારીયાપીર દરગાહ તરીકે ઓળખાતી આ જગ્યા પર ઘણા લાંબા સમયથી દબાણ હતું. જામનગર જિલ્લાના પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ ઑપઇન્ડિયા સાથે વાતચીત દરમિયાન આ કાર્યવાહીની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, બારીયાપીરની દરગાહ ગેરકાયદેસર રીતે ઊભી કરવામાં આવી હતી. જે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર જમીનદોસ્ત કરી દેવામાં આવી હતી. નોંધવું જોઈએ કે આ બાંધકામ ગાડા માર્ગ ઉપર થયેલું હતું.તંત્રે પહેલાં દરગાહને નોટિસ આપી હતી અને માલિકીના દસ્તાવેજો માંગવામાં આવ્યા હતા. પરંતુ બાંધકામ જાહેર માર્ગ પર હોય અને કોઈ દસ્તાવેજો પણ રજૂ કરવામાં ન આવ્યા. ત્યારબાદ પોલીસ તંત્રએ ડિમોલિશનની કામગીરી હાથ ધરી હતી.

    જામનગરના કુખ્યાત રઝાક સાઇચાના બાંધકામો પર બુલડોઝર

    જામનગરમાં કુખ્યાત રઝાક સાઇચાના અનેક ગેરકાયદેસર બાંધકામો પર તંત્રએ બુલડોઝર એક્શન લીધું હતું. બેડેશ્વર અને બેડી વિસ્તારમાં તેણે ગેરકાયદેસર નિર્માણ કરેલા અનેક બાંધકામો પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી દેવામાં હતું. બેડી વિસ્તારમાં તેણે બનાવેલા ગેરકાયદે મકાનો અને દુકાનો પર સ્થાનિક પ્રશાસને બુલડોઝર ફેરવી દેવાયા બાદ 2 ગેરકાયદેસર બંગલા પર બુલડોઝર ફેરવી દીધું હતું. ડિસેમ્બર 2023માં પણ રઝાક સાઇચાના એક ગેરકાયદેસર મકાન પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું.

    અનેક ગુનાઓમાં સંડોવાયેલા સાઇચા ભાઈઓ હાલ જેલવાસ ભોગવી રહ્યા છે. તાજેતરમાં મામલતદાર કચેરી દ્વારા તેમની સામે સરકારી જમીન પર મકાન બાંધવા બાબતની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના પગલે સ્થાનિક પોલીસે સરવેની કામગીરી હાથ ધરી હતી. જેમાં જામનગરના બેડી બંદર રોડ ઉપર આવેલી એક સરકારી જમીન પર બંગલાનું બાંધકામ કરવામાં આવ્યું હોવાનું ખૂલ્યું હતું.

    હાલ રઝાક સાઇચા જામનગરની એક શિક્ષિકાના આપઘાત કેસમાં જેલમાં બંધ છે. મે, 2023માં જામનગરની એક શિક્ષિકાએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. ત્યારબાદ તેની સ્યૂસાઈડ નોટ મળી આવતાં તેમાં રઝાક સાઇચા, અખતર અનવર ચમડિયા, અફરોઝ તૈયબ ચમડીયા વગેરેનાં નામ લખવામાં આવ્યાં હતાં અને આરોપ લગાવ્યો હતો કે તેઓ તેને પ્રેમ માટે દબાણ કરતા અને બદનામી કરતા હતા.

    નોંધનીય છે કે વર્ષ 2024માં ગુજરાતમાં સતત દાદાનું બુલડોઝર ફરતું રહ્યું અને સરકારી તથા ખાનગી જગ્યાઓને ગેરકાયદેસર કબજાઓથી મુક્ત કરાવતું રહ્યું. વચ્ચે સોમનાથ ડિમોલીશન કેસમાં મુસ્લિમ પક્ષ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો અને કાર્યવાહી પર રોક લગાવવાની માંગ કરી હતી, પરંતુ જે મુજબના ગેરકાયદેસર દબાણો હતા તેને જોઈ સુપ્રીમ કોર્ટે પણ કાર્યવાહી યથાવત રાખવા નિર્દેશ આપેલા. હા, કેટલીક બાબતોમાં ધ્યાન આપવાના નિર્દેશ કોર્ટે ચોક્કસ આપ્યા હતા. આમ આ આખું વર્ષ આપણે એવી અનેક ઘટનાઓ જોઈ કે જેમાં દાદાનું બુલડોઝર સતત એક્શનમાં રહ્યું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં