Tuesday, April 23, 2024
More
  હોમપેજગુજરાતજામનગરના કુખ્યાત રઝાક સાઇચાએ સરકારી જમીન પર દબાણ કરીને તાણી બાંધ્યા હતા...

  જામનગરના કુખ્યાત રઝાક સાઇચાએ સરકારી જમીન પર દબાણ કરીને તાણી બાંધ્યા હતા 2 બંગલા, તંત્રે બુલડોઝર ફેરવ્યું: અગાઉ ડિસેમ્બરમાં પણ થઈ હતી કાર્યવાહી 

  શુક્રવારે (8 માર્ચ) જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની આગેવાની હેઠળ વહેલી સવારથી જ ડિમોલિશનનું કામ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન મામલતદાર કચેરીની ટીમ તેમજ જામનગર પાલિકાના અધિકારીઓ પણ હાજર રહ્યા.

  - Advertisement -

  જામનગરના કુખ્યાત રઝાક સાઈચા દ્વારા સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે દબાણ કરીને 2 મકાન તાણી બાંધવામાં આવ્યાં હોવાનું જાણવા મળતાં સ્થાનિક તંત્રે બુલડોઝર ફેરવી દીધું છે. શુક્રવારે (8 માર્ચ, 2024) સ્થાનિક તંત્રે પોલીસ પ્રશાસનને સાથે રાખીને કાર્યવાહી પાર પાડી હતી. 

  અનેક ગુનાઓમાં સંડોવાયેલા સાઇચા ભાઈઓ હાલ જેલવાસ ભોગવી રહ્યા છે. તાજેતરમાં મામલતદાર કચેરી દ્વારા તેમની સામે સરકારી જમીન પર મકાન બાંધવા બાબતની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના પગલે સ્થાનિક પોલીસે સરવેની કામગીરી હાથ ધરી હતી. જેમાં જામનગરના બેડી બંદર રોડ ઉપર આવેલી એક સરકારી જમીન પર બંગલાનું બાંધકામ કરવામાં આવ્યું હોવાનું ખૂલ્યું હતું. 

  મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર હિતેશ જાદવે રઝાક સાઇચા અને હનીફ સાઇચા વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે બંનેએ સરકારી જમીન પર પોતાની કોઇ પણ જાતની કાયદેસરની માલિકી ન હોવા છતાં તેને પચાવી પાડીને રહેણાંક ઉપયોગવાળું મકાન બનાવી દીધું હતું અને તેમાં પરિવાર સાથે વસવાટ પણ શરૂ કરી દીધો હતો. આ મામલે પછીથી પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. 

  - Advertisement -

  શુક્રવારે (8 માર્ચ) જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની આગેવાની હેઠળ વહેલી સવારથી જ ડિમોલિશનનું કામ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન મામલતદાર કચેરીની ટીમ તેમજ જામનગર પાલિકાના અધિકારીઓ પણ હાજર રહ્યા. સાથે મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ બુલડોઝર ફેરવીને ગેરકાયદેસર બાંધકામ ધ્વસ્ત કરવામાં આવ્યું હતું. 

  નોંધવું જોઈએ કે અગાઉ આ દબાણો વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી ત્યારે સાઇચા બંધુઓ હાઇકોર્ટ પહોંચી ગયા હતા અને ત્યાંથી હંગામી ધોરણે સ્ટે મેળવી લીધો હતો. પરંતુ કોર્ટે આ સ્ટે ઉઠાવી લેતાં તંત્રે ફરી ડિમોલિશનનું કામ હાથ ધરીને બુલડોઝર ફેરવી દીધાં હતાં. 

  કાર્યવાહી અંગે પોલીસ અધિક્ષકે જણાવ્યું કે, “સાઇચા પરિવાર દ્વારા સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરવાના તેમજ અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓ આચરવાના ગુનાઓ નોંધાયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા જામનગર સહિત રાજ્યમાં ક્યાંય પણ ગેરકાયદેસર બાંધકામો અને પ્રજાની શાંતિમાં ખલેલ પહોંચાડતા ગુનેગાર તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે. જેના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. જામનગર શહેર અને જિલ્લામાં આ પ્રકારે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યાં હશે તો તેને તોડી પાડવામાં પોલીસ અને વહીવટી તંત્ર ક્યાંય ઊણાં ઉતારશે નહીં.”

  ડિસેમ્બરમાં પણ થઈ હતી કાર્યવાહી

  ઉલ્લેખનીય છે કે આ પહેલાં ગત ડિસેમ્બર મહિનામાં પણ રઝાક સાઇચાના એક ગેરકાયદેસર મકાન પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. તેણે બેડી વિસ્તારમાં જ એક સરકારી જમીન પર બંગલો બાંધી દીધો હતો, જે પછીથી તોડી પાડવામાં આવ્યો. 

  હાલ રઝાક સાઇચા જામનગરની એક શિક્ષિકાના આપઘાત કેસમાં જેલમાં બંધ છે. મે, 2023માં જામનગરની એક શિક્ષિકાએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. ત્યારબાદ તેની સ્યૂસાઈડ નોટ મળી આવતાં તેમાં રઝાક સાઇચા, અખતર અનવર ચમડિયા, અફરોઝ તૈયબ ચમડીયા વગેરેનાં નામ લખવામાં આવ્યાં હતાં અને આરોપ લગાવ્યો હતો કે તેઓ તેને પ્રેમ માટે દબાણ કરતા અને બદનામી કરતા હતા. 

  ઉપરાંત, રઝાક અને તેના પરિવાર વિરુદ્ધ જામનગરમાં હત્યાના પ્રયાસ, રાયોટિંગ, સરકારી કર્મચારી પર હુમલો, મકાન પચાવી પાડવાં, મારી નાખવાની ધમકી, જુગાર, પ્રોહિબિશન, વ્યાજવટાવ જેવા લગભગ 50થી વધુ ગુનાઓ નોંધાયેલા છે. 

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં