ઑપઇન્ડિયા એ સમાચાર અને કરન્ટ અફેર્સની એક એવી વેબસાઈટ છે જે વિભિન્ન સ્ત્રોતોમાંથી મળતા સમાચારો પર નજર રાખી સામાન્ય અહેવાલોથી માંડીને મંતવ્યો, વિશ્લેષણ અને ફેક્ટચેક વગેરે પ્રકાશિત કરે છે.
ભારતમાં રાજકારણ અને મિડિયાની વાત કરીએ તો કેટલાક અતિધૂર્ત લોકો આ બંને ક્ષેત્રો પર કબ્જો જમાવીને બેઠા છે. લોકપ્રિય નરેટિવના નામે તેમના એકપક્ષીય સંવાદનાં પરિણામ સમગ્ર સમાજે ભોગવવાં પડી રહ્યાં છે. તેમની આત્મમુગ્ધતાથી અલગ વિચાર રાખનારાઓને નીચા દેખાડવા અને ડિજિટલ પ્લેટફોર્મ્સ પર પોતાના ચેલાઓની સેના છોડી મૂકીને તેમના અવાજને દબાવવું તેમની આદત રહી છે. તેના મૂળમાં સમયાંતરે તૈયાર થયેલી એક વ્યવસ્થા છે, જે એક જ પ્રકારના વિચારોની ઉપજ છે, જ્યાં અન્ય વિચારધારાને સ્વતઃ ખોટી માની લેવામાં આવતી હોય છે. ઑપઇન્ડિયા આ વ્યવસ્થામાંથી મુક્ત થવાનો એક પ્રયાસ છે.
અમે એ જ કહીશું જે સત્ય હોય. ‘પોલિટિકલી કરેક્ટ’ હોવાનો અંચળો નહીં ઓઢીએ. જો નરેટિવ પર એક જ પ્રકારના દુર્બુદ્ધિજીવીઓ કબજો કરવાના પ્રયાસ કરશે તો અમે તેમનાં બેવડાં ધોરણોનો જવાબ આપીશું. વાત ફક્ત એટલી જ છે કે એકતરફી સંવાદ અને એક જ વિચારધારાના દિવસો હવે સમાપ્ત થઇ ગયા છે, કારણકે વિવિધતાના આ દેશમાં દરેક વિચારધારાની પોતાની એક ખાસ ઓળખ બની રહેવી જોઈએ.
અમે આ જ વિવિધતાની સાથે તમારા સુધી પહોંચવાના પ્રયાસો કરી રહ્યા છીએ. અમારી ટીમનો દરેક વ્યક્તિ પત્રકારના વ્યવસાયમાં સંકળાયેલો નથી, પરંતુ આ એવા લોકો છે જેમનામાં રાજકીય અને સામાજીક મુદ્દાઓની સમજ છે. અમારી સાથે એવા અન્ય લોકો પણ જોડાયા છે જે સોશિયલ મિડિયા પર ઘણું સારું લખે છે અને તેમના વિચારોને એક યોગ્ય માધ્યમની જરૂર છે.
ઑપઇન્ડિયાની શરૂઆત ડિસેમ્બર 2014માં થઇ હતી. ઘણા લાંબા સમયથી ગુજરાતમાં સમાચારોના સતત ચાલી રહેલા એકતરફી વલણને નકારીને ઑપઇન્ડિયા અંગ્રેજી તેમજ હિન્દીના અમારા બહોળા ગુજરાતી વાચકવર્ગ દ્વારા ઑપઇન્ડિયાને ગુજરાતીમાં પણ શરૂ કરવાના સૂચનો અમને સતત મળતાં રહ્યાં હતાં. અમારા આ જ વાચકવર્ગની માંગણીને માન આપીને 2019માં ઑપઇન્ડિયા હિન્દી બાદ વર્ષ 2022માં ઑપઇન્ડિયા ગુજરાતીની શરૂઆત કરવામાં આવી હતી.
ઑપઇન્ડિયા ગુજરાતીના વર્તમાન સંપાદક લિંકન સોખડિયા છે, જેમનો સંપર્ક lincolnopindia.com પર કરી શકાશે.