NEET UG પેપર લીક સહિતના વિદ્યાર્થીઓના મુદ્દાઓની આડમાં શરૂ કરવામાં આવેલું કોકરોચ જનતા પાર્ટીનું આંદોલન વાસ્તવમાં આ બધાની આડમાં બીજા જ રાજકીય એજન્ડાઓ પાર પાડવા માટે શરૂ કરવામાં આવ્યું હોવાની આશંકા પહેલા દિવસથી વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારબાદ 20 જુલાઈના રોજ સંસદ કૂચના બહાને જે ઉત્પાત મચાવવામાં આવ્યો તેનાથી આ આશંકા વધુ બળવત્તર બની. બીજું એક કારણ એ પણ છે કે આ પ્રદર્શનમાં રાજકીય પાર્ટીના માણસો પણ સામેલ થઈ ગયા હતા. જેમાં આમ આદમી પાર્ટી મોખરે છે. સમાજવાદી પાર્ટી પણ ઉત્તર પ્રદેશથી ટોળાં લઈને આવી હતી. ચંદ્રશેખર આઝાદની પાર્ટીના માણસો પણ હતા.
આમ આદમી પાર્ટી અને કોકરોચ જનતા પાર્ટી વચ્ચેનો સંબંધ પહેલા દિવસથી જગજાહેર છે. કોકરોચ પાર્ટીનો સ્થાપક અભિજીત દીપકે પોતે આમ આદમી પાર્ટીનાં સોશિયલ મીડિયા કેમ્પેઈન સંભાળી ચૂક્યો છે. તાજેતરમાં જંતર-મંતર પર જે પ્રદર્શન થયું તેમાં પણ આમ આદમી પાર્ટીના માણસો હતા, પણ જાણીજોઈને દિલ્હીના અને કેન્દ્રીય નેતૃત્વને દૂર રાખવામાં આવ્યું હતું. જ્યારે બીજાં રાજ્યોમાંથી માણસો બોલાવાયા હતા. આમાંથી ગુજરાત પણ બાકાત નથી.
ગુજરાતમાંથી અમુક આમ આદમી પાર્ટીના નેતાઓ પોતાની સાથે માણસોને લઈને દિલ્હીના જંતર-મંતર પર પહોંચી ગયા છે. મજાની વાત એ છે કે ત્યાં જઈને તેઓ પોતાને ‘બિઝનેસમેન’ ગણાવી રહ્યા છે અને પોતાની સાચી ઓળખ જણાવી રહ્યા નથી.
So AAP Gujarat leader Brijraj Solanki (Red Turban) is roaming by faking his identity as a businessman.
— Office Of Vijay Patel (@VijayGajeraO) July 21, 2026
Like Marxists, AAP has also mobilized its cadre in Delhi. pic.twitter.com/C8tSibdWCN
ગુજરાતનો આમ આદમી પાર્ટીનો નેતા બ્રિજરાજ સોલંકી પણ જંતર-મંતર પર પ્રદર્શન માટે પહોંચ્યો છે, જે તેની સોશિયલ મીડિયા પોસ્ટ થકી પણ જાણવા મળે છે. પરંતુ જંતર-મંતર પર એક પત્રકારે જ્યારે પ્રશ્ન કર્યો તો બ્રિજરાજ અને તેના અન્ય એક સાથીદારે પોતે આમ આદમી પાર્ટીમાંથી હોવાનું જણાવવાનું ટાળ્યું અને કહ્યું કે બિઝનેસમેન છે. ત્યારબાદ એકે કહ્યું કે તેઓ ખેતી કરે છે.
વાસ્તવમાં બ્રિજરાજ પોતે આમ આદમી પાર્ટીનો નેતા છે. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન સાથેની તેની તસવીરો છે. આ હકીકત ટાંકીને હવે સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી રહી છે કે વામપંથીઓની જેમ આમ આદમી પાર્ટીએ પણ દિલ્હીમાં પોતાની કેડર એકથી કરી હતી અને ખાસ પ્રદર્શન માટે માણસો બોલાવવામાં આવ્યા હતા.
સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી વિવિધ પોસ્ટ્સ અનુસાર, ગુજરાતમાંથી આમ આદમી પાર્ટી (AAP) અને તેના છાત્ર સંગઠનના સભ્યોને ટ્રેન અને બસ જેવી પરિવહન વ્યવસ્થાથી દિલ્હી પહોંચાડવામાં આવ્યા હતા. દાવાઓ મુજબ, આ આખા પ્રવાસનું સંચાલન સ્થાનિક હોદ્દેદારોએ કર્યું હતું, જે દર્શાવે છે કે વિરોધ પ્રદર્શનમાં માત્ર દિલ્હીના વિદ્યાર્થીઓ જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાંથી સંગઠિત ધોરણે લોકોને એકઠા કરવામાં આવ્યા હોઈ શકે છે.
આમાં ગુજરાત આમ આદમી પાર્ટી સ્ટુડન્ટ યુનિયન સ્ટેટ પ્રેસિડેન્ટ ધાર્મિક માથુકિયા પણ સામેલ છે. સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી રહી છે કે માથુકિયા પોતાની સાથે 200 લોકોને લઈને દિલ્હી પહોંચ્યા હતા. માથુકિયાએ પોતે સોશિયલ મીડિયા પર જંતર-મંતર પરથી વિડીયો મુક્યા છે.
ગુજરાત આમ આદમી પાર્ટી સ્ટુડન્ટ યુનિયન સ્ટેટ પ્રેસિડેન્ટ ધાર્મિક માથુકિયા તથા અન્ય ૨૦૦ લોકો ને બસ,ટ્રેન ટિકિટ અને અન્ય વ્યવસ્થા કરીને દિલ્હી લઈ જવામાં આવ્યા છે.આ બધા લોકોને મેનેજ પાયલ સાકરીયા કરી રહી છે.
— Mayur Ahir (@Mayur_0603) July 20, 2026
તમને શું લાગે આ પ્રદેશનકારી કોઈ પાર્ટીના મેમ્બર્સ નથી એમ? તમારો વહેમ છે,… https://t.co/VH9inAwgYc pic.twitter.com/d0SnXu8F5P
આ સિવાય આમ આદમી પાર્ટી ગુજરાતનાં મહિલા વિંગનાં નેતા પાયલ સાકરિયા પણ જંતર-મંતર પહોંચી ગયાં હતાં. તેમણે પોતે સોશિયલ મીડિયા પર ફોટોગ્રાફ શૅર કર્યા છે, જેમાં તેમની સાથે અન્ય મહિલાઓ પણ જોવા મળે છે. જંતર-મંતર પર કોકરોચ પાર્ટીના પ્રદર્શન સ્થળે સાકરિયાએ ભાષણ પણ કર્યું હતું.
CJP અને આપ સાથેના જોડાણ અંગેના વિસ્ફોટક દાવા
તાજેતરમાં જ CJPના આંદોલન સાથે જોડાયેલા વીરુ નામના યુવકે મીડિયા સમક્ષ આવીને એવો આરોપ મૂક્યો કે આ આંદોલન પર આમ આદમી પાર્ટીનો પ્રભાવ અને કબજો વધી ગયો હતો. તેમણે એવું પણ જણાવ્યું કે આ ચળવળ હવે જનહિતની ન રહેતાં રાજકીય બની ગઈ હોવાથી તેઓ પોતે આંદોલનથી અલગ થઈ રહ્યા છે. સાથે કહ્યું કે કોકરોચ જનતા પાર્ટી વાસ્તવમાં આમ આદમી પાર્ટીની જ બી ટીમ છે.
20 જુલાઈના રોજ પરવાનગી વિના યોજાયેલી સંસદ માર્ચ અંગે પણ આયોજકોની ભૂમિકા સામે આવી છે. વીરુના જણાવ્યા અનુસાર પરિસ્થિતિ જ્યારે વણસી અને પોલીસ સાથે ઘર્ષણ થવાની શક્યતા ઊભી થઈ ત્યારે દીપકે સહિતના મુખ્ય આયોજકો અને પ્રવક્તાઓ ઘટનાસ્થળેથી ગાયબ થઈ ગયા હતા. સામાન્ય યુવાનોને રસ્તા પર મુશ્કેલીનો સામનો કરવા માટે છોડી દેવામાં આવ્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે, જે આંદોલનની જવાબદારી પર પ્રશ્નો ઊભા કરે છે.
અહેવાલો અને આક્ષેપોમાં એવો પણ ગંભીર દાવો કરવામાં આવ્યો છે કે સંસદ માર્ચ દરમિયાન કાર્યવાહીથી બચવા માટે મહિલાઓને આગળ કરવામાં આવી હતી. આ રણનીતિને ભૂતકાળના શાહીનબાગ આંદોલન સાથે સરખાવવામાં આવી રહી છે જ્યાં પોલીસ કાર્યવાહી અટકાવવા અને તણાવ ઊભો કરવા મહિલાઓને આગળ કરવામાં આવી હતી.
જંતર-મંતર પર દેશના અલગ-અલગ રાજ્યોમાંથી આવેલા રાજકીય પાર્ટીના માણસોની હાજરીથી એ સ્પષ્ટ થાય છે કે આ સમગ્ર પ્રદર્શન માટે વ્યાપક સ્તરે નેટવર્કનો ઉપયોગ કરાયો હતો. ગ્રાઉન્ડ પર હાજર લોકોનું પણ કહેવું છે કે વિરોધ પ્રદર્શનમાં રાજકીય પાર્ટીઓના માણસો મોટી સંખ્યામાં હતા. જે દર્શાવે છે કે આ પ્રદર્શન ઓર્ગેનિક ન હતું.


