સ્વરા ભાસ્કરે જૌહર વિશે જે કહ્યું છે એ કદાચ થોડા દિવસની ચર્ચા બનીને રહી જશે. પરંતુ જે વાત સ્વરાના નિવેદન કરતાં અનેક ગણી મોટી છે, જે વાત સદીઓથી હિંદુ સમાજની સ્મૃતિમાં જીવતી રહી છે, એ છે ચિત્તોડનો જૌહરનો અગ્નિ. સ્વરાના શબ્દો ભૂલાઈ જશે, પરંતુ એ અગ્નિ ભૂલાશે નહીં, કારણ કે એમાં માત્ર કેટલીક સ્ત્રીઓના શરીર ભસ્મ થયાં નહોતાં, એમાં પોતાની આબરૂને ઇસ્લામી આક્રાંતાઓની હવસથી બચાવવા માટે હિંદુ સ્ત્રીઓએ આપેલું મહાબલિદાન ધગધગી ઊઠ્યું હતું. આ ઇતિહાસ માત્ર મૃત્યુનો નથી. આ ઇતિહાસ છે એ ક્ષણનો, જ્યારે જીવતા રહેવાનો અર્થ શું છે અને ગરિમા સાથે જીવવાનો અર્થ શું છે, એનો નિર્ણય કેટલીક સ્ત્રીઓએ પોતે કર્યો હતો.
ચિત્તોડની એ રાત કેવી હશે?
કલ્પના કરો કે કિલ્લો ઘેરાઈ ચૂક્યો છે. બહાર ઇસ્લામી આક્રાંતાની સેના છે અને અંદર પોતાના અંતની રાહ જોતું એક આખું રાજ્ય. રણમાં જવાની તૈયારી થઈ રહી છે. પુરુષો જાણે છે કે હવે પાછા ફરવાનું કદાચ નહીં બને. કેસરિયો ધારણ કરવાનો સમય આવી ગયો છે. પરંતુ મહેલોની અંદર બેઠેલી સ્ત્રીઓ સામે જે સવાલ છે તે પણ એટલો જ ભયાનક છે. કિલ્લો તૂટશે તો માત્ર રાજપાટ નહીં જાય, તેમનું પોતાનું ભાગ્ય પણ આક્રાંતાઓની તલવાર સાથે બંધાઈ શકે છે.
પોતાના ઘર-પરિવારથી છૂટીને ઇસ્લામી આક્રાંતાની દયા પર જીવવું પડે, પોતાની ઇચ્છા વિરુદ્ધ તેના હાથમાં સોંપાઈ જવું પડે, તેની હવસનો ભોગ બનવું પડે, આ ભવિષ્ય સામે ચિત્તોડની ક્ષત્રાણીઓએ પોતાની અંદર નિર્ણય લઈ લીધો હતો. પછી અગ્નિ પ્રગટ્યો હશે.
એ અગ્નિ સામે ઊભી રહેલી સ્ત્રીઓ માટે કદાચ આખી દુનિયા એ ક્ષણે એક બાજુ હતી અને પોતાની આબરૂ બીજી બાજુ. તેઓ જાણતી હતી કે મૃત્યુ સામે ઊભા રહેવું કેટલું ભયાનક છે, છતાં તેમણે પોતાના શરીર પર ઇસ્લામી આક્રાંતાનો અધિકાર સ્થાપિત થવા દેવા કરતાં પોતે જ અંતિમ નિર્ણય લેવાનું પસંદ કર્યું. તેમના માટે પ્રશ્ન માત્ર એટલો નહોતો કે ‘જીવવું કે મરવું?’ પ્રશ્ન હતો કે ‘કેવાં જીવન સાથે જીવવું?’ અને આ બે પ્રશ્ન વચ્ચે જે અંતર છે, એ જ જૌહરની આખી સમજ છે.
જૌહર એટલે મૃત્યુ નહીં એવું કહેવું ખોટું થશે. મૃત્યુ તો હતું જ. અગ્નિમાં શરીરો ભસ્મ થયાં હતાં. માતાઓએ પોતાનાં બાળકોને હૃદય સાથે લગાડ્યાં હશે, પત્નીઓએ પોતાના પતિને અંતિમ વાર જોયા હશે, યુવાન ક્ષત્રાણીઓએ જીવનની બધી આશાઓ આંખ સામે ઓગળતી જોઈ હશે. આમાં કરુણા છે, એવી કરુણા કે જેનું સ્મરણ કરતા આજે પણ કાળજું કંપી ઊઠે.
પરંતુ આ કરુણાની વચ્ચે એક એવી અડગતા પણ હતી જેને અવગણીને જૌહરને સમજવાનો પ્રયાસ કરવામાં આવે તો આખી વાત અધૂરી રહી જાય. તેઓ મૃત્યુને પ્રેમ કરતી નહોતી, તેઓ પોતાના સ્વાભિમાનને એટલો પ્રેમ કરતી હતી કે ઇસ્લામી આક્રાંતાની હવસ સામે પોતાને સોંપવાનું સ્વીકાર્યું નહીં. આ જ જૌહર છે.
એક હોય છે જીવન, એક હોય છે ગરિમાયુક્ત જીવન
આ વાત કદાચ આજે સૌથી પહેલાં સમજવાની જરૂર છે. એક હોય છે જીવન અને એક હોય છે ગરિમાયુક્ત જીવન. માત્ર શ્વાસ ચાલતો રહે, હૃદય ધબકતું રહે અને શરીર જીવતું રહે એટલે જીવનનો અર્થ પૂરો થઈ જતો નથી. માણસ પોતાના જીવનને કેટલાક મૂલ્યો સાથે જોડે છે. ઘર, પરિવાર, ધર્મ, સ્વાભિમાન, આબરૂ, સ્વતંત્રતા અને પોતાની ઓળખ, આ બધું જીવનને માત્ર શરીર કરતાં મોટું બનાવે છે. ચિત્તોડની સ્ત્રીઓએ જીવનનો તિરસ્કાર કર્યો નહોતો, તેમણે જીવન કરતાં પણ કેટલીક વસ્તુઓને મોટી માની હતી. આ તફાવત સમજાય તો જૌહર સમજાય.
નહીં તો દૂર બેઠેલા માણસને માત્ર અગ્નિ દેખાશે અને સદીઓ પહેલાં એ અગ્નિ સુધી પહોંચાડનાર તલવાર દેખાશે નહીં. તેને માત્ર સ્ત્રીઓનું મૃત્યુ દેખાશે, પરંતુ એ મૃત્યુ પાછળ ઊભેલી ઇસ્લામી બર્બરતા દેખાશે નહીં. તેને માત્ર જીવવાનો વિકલ્પ દેખાશે, પરંતુ એ જીવન કોની દયા પર અને કઈ કિંમત ચૂકવીને મળવાનું હતું તે દેખાશે નહીં. ચિત્તોડની સ્ત્રીઓએ પોતાના માટે એ ગણિત કરી લીધું હતું અને તેમનું ગણિત આજે પણ હિંદુ સમાજની સ્મૃતિમાં જીવતું છે.
ઇસ્લામી આક્રાંતાની જીત અધૂરી રહી
કિલ્લો જીતવો એ વિજેતા માટે યુદ્ધનો અંત હોઈ શકે છે, પરંતુ ચિત્તોડની સ્ત્રીઓએ નક્કી કરી દીધું હતું કે ઇસ્લામી આક્રાંતાની જીત તેમના શરીર સુધી નહીં પહોંચે. પુરુષો રણમાં લડવાના હતા અને સ્ત્રીઓએ પોતાના અંતિમ યુદ્ધ માટે આગ પસંદ કરી હતી. એક તરફ તલવાર હતી અને બીજી તરફ અગ્નિ. એક તરફ કબજો હતો અને બીજી તરફ અસ્વીકાર. ઇસ્લામી આક્રાંતા કિલ્લાની દિવાલો તોડી શકે, રાજપાટ કબજે કરી શકે, પરંતુ હિંદુ સ્ત્રી પોતાની આબરૂ અંગેનો અંતિમ નિર્ણય કોને આપશે એ નક્કી કરવાની શક્તિ તેની તલવાર પાસે નહોતી.
એટલે જૌહરને હારની ગાથા કહેવી ચિત્તોડ સાથે અન્યાય છે. હા, યુદ્ધમાં કોઈ હણાયું હશે. કિલ્લો પડ્યો હશે. સૈન્ય પરાજિત થયું હશે. પરંતુ જે વસ્તુ મેળવવા માટે વિજેતા તલવાર આગળ વધી રહી હતી, તેની સામે ચિત્તોડની સ્ત્રીઓએ પોતાનો દરવાજો જાતે બંધ કરી દીધો હતો. અગ્નિ એ દરવાજો બની ગયો અને એ દરવાજાની બીજી બાજુ હતું હિંદુ સ્ત્રીઓનું સ્વાભિમાન.
આબરૂનો અર્થ સમજ્યા વિના જૌહર સમજાશે નહીં
આજના સમયમાં ‘આબરૂ’ શબ્દ સાંભળતાં પણ ઘણા લોકોના મનમાં જૂની, પિતૃસત્તાક કે સામાજિક બંધનોની છબી ઊભી થાય છે. પરંતુ ચિત્તોડની સ્ત્રીઓ માટે આબરૂનો અર્થ કોઈ બીજા પુરુષની મિલકત હોવાનો નહોતો. આબરૂનો અર્થ હતો- હું કોણ છું, મારું શરીર કોનું છે, મારી ઇચ્છા વિરુદ્ધ કોઈ મને પોતાની સંપત્તિ બનાવી શકે નહીં.
આથી જૌહરના અગ્નિને માત્ર સ્ત્રીવિરોધી પરંપરા તરીકે જોવી એ પણ એક પ્રકારની ક્રૂરતા છે. જે સ્ત્રીઓએ પોતાના જીવનના સૌથી ભયાનક નિર્ણયની ઘડીમાં પણ પોતાના શરીર અંગેનો અંતિમ અધિકાર પોતાના હાથમાં રાખ્યો, તેમની પસંદગીને સમજ્યા વિના તેમના માટે નૈતિક ભાષણ ઠોકવું કેટલું વિચિત્ર છે.
આજે સ્ત્રીની પસંદગીની વાત થાય છે. તેનું શરીર, તેની ઇચ્છા, તેનો નિર્ણય, આ બધું તેની સ્વતંત્રતા સાથે જોડાય છે. તો પછી ચિત્તોડની સ્ત્રીઓએ પોતાની પરિસ્થિતિમાં પોતાનો અંતિમ નિર્ણય લીધો ત્યારે એ પસંદગી અચાનક શા માટે અદૃશ્ય થઈ જાય છે? કારણ કે તેમની પસંદગી આધુનિક વિચારધારાને અનુકૂળ નથી? કે કારણ કે તેમણે જીવનને કોઈ પણ કિંમતે બચાવી લેવાની જગ્યાએ ગરિમાને પસંદ કરી હતી?
ક્ષત્રાણીની તલવાર ક્યારેક અગ્નિ પણ હોય છે
ક્ષત્રાણીનું શૌર્ય માત્ર હાથમાં તલવાર લઈને રણમાં ઊતરવામાં નથી. યુદ્ધના મેદાનમાં પુરુષો લડ્યા, રક્ત વહાવ્યું અને કેસરિયો ધારણ કરીને મૃત્યુને ભેટ્યા. પરંતુ કિલ્લાની અંદર સ્ત્રીઓએ જે કર્યું તે પણ યુદ્ધથી ઓછું નહોતું. તેમની સામે શત્રુની તલવાર નહોતી, પરંતુ તલવારથી આગળનું ભયાનક ભવિષ્ય હતું અને તે ભવિષ્ય સામે ઊભા રહેવા માટે તેમણે પોતાની જાતને જ અંતિમ કિલ્લો બનાવી દીધી.
આ દૃશ્યમાં સ્ત્રી નબળી દેખાતી નથી. અહીં સ્ત્રી પાસે બચવા માટે કોઈ સૈન્ય નથી. કોઈ કવચ નથી. કોઈ કિલ્લાની બહારથી મદદ આવવાની નથી. પરંતુ તેની પાસે પોતાનો નિર્ણય છે અને એ નિર્ણય એટલો અંતિમ છે કે ઇસ્લામી આક્રાંતાની આખી સૈન્યશક્તિ પણ તેને બદલી શકતી નથી. આ જ ક્ષત્રાણીનું શૌર્ય છે. તેના હાથમાં તલવાર ન હોય તો પણ તેનો સંકલ્પ તલવાર કરતાં ઓછો ધારદાર નથી.
અગ્નિમાં માત્ર સ્ત્રીઓ નહોતી, આખી પેઢીઓનું ભવિષ્ય હતું
જૌહરની વાત કરતા સૌથી વધુ કઠોર સવાલ કદાચ માતાઓને લઈને ઊભો થાય છે. જે સ્ત્રી પોતાના સંતાન માટે જીવવાની દરેક શક્યતા પકડી રાખે છે, એ જ સ્ત્રી પોતાના બાળકને લઈને અગ્નિમાં કેમ ઉતરે? આ સવાલનો જવાબ એલફેલ વાતોમાં શોધી લેવો સરળ છે. પરંતુ કદાચ એ જવાબમાં જ એ સમયની ભયાનકતા પ્રત્યેનો સૌથી મોટો અન્યાય છુપાયેલો છે.
એ માતાઓએ પોતાના સંતાનો માટે જ આ નિર્ણય લીધો હશે. પોતાની સમજ પ્રમાણે. તેઓ પોતાના બાળકને એવી દુનિયામાં છોડવા માગતી નહોતી જ્યાં તેનું અસ્તિત્વ ઇસ્લામી આક્રાંતાની દયા પર હોય. તેઓ પોતાના સંતાનના ભવિષ્ય અંગેનો નિર્ણય કોઈ અજાણી શક્તિના હાથમાં સોંપવા તૈયાર નહોતી. એટલે જૌહરની અગ્નિમાં માતૃત્વ પણ હતું. વેદના પણ હતી અને બલિદાન પણ. કદાચ એ જ કારણ છે કે જૌહરની સ્મૃતિને માત્ર કરુણાથી યાદ કરવી પૂરતી નથી. એમાં રહેલા શૌર્યને પણ યાદ કરવું પડે છે.
રાણી પદ્મિનીની ગાથાથી આગળ
રાણી પદ્મિનીનું નામ ચિત્તોડના જૌહર સાથે સૌથી વધુ જોડાય છે. તેમના ઇતિહાસ વિશે ઐતિહાસિક સ્ત્રોતો અને લોકપરંપરાઓ વચ્ચે ચર્ચા છે અને આ ચર્ચા પોતાની જગ્યાએ છે. પરંતુ એ ચર્ચાને આધારે ચિત્તોડની જૌહરની આખી સ્મૃતિને જ નકારી દેવી યોગ્ય નથી. કારણ કે જૌહર કોઈ એક સ્ત્રીની કથા પૂરતું સીમિત નથી. એમાં અસંખ્ય નામવિહોણી સ્ત્રીઓ છે. એવી સ્ત્રીઓ, જેમના ચહેરા ઇતિહાસે સાચવ્યા નથી.
એવી માતાઓ, જેમનાં નામ કોઈ ગ્રંથમાં નથી. એવી ક્ષત્રાણીઓ, જેમની વ્યક્તિગત કથા કોઈને ખબર નથી. પરંતુ તેમની અગ્નિની સ્મૃતિ બચી છે. આ જ ઇતિહાસની એક અદભુત વાત છે. ક્યારેક માણસનું નામ ખોવાઈ જાય છે, પરંતુ તેનું બલિદાન રહી જાય છે. ચિત્તોડની સ્ત્રીઓમાંથી કેટલીયનાં નામ આપણે જાણતા નથી, પરંતુ એ જાણીએ છીએ કે જ્યારે સમય આવ્યો ત્યારે તેમણે પોતાની આબરૂ માટે પોતાનું સર્વસ્વ અર્પણ કર્યું. તેમનું નામ ભૂંસી શકાય. તેમનું બલિદાન નહીં.
સ્વરાના શબ્દો સામે ચિત્તોડનો જવાબ
સ્વરાની વાત અહીં ફરી યાદ આવે છે. જૌહર ન કરનાર બળાત્કારપીડિત સ્ત્રીને જીવતી રહી હોવા બદલ કાયર લાગવાની વાત સ્વરાએ કરી હતી અને પછી તેણે સ્પષ્ટતા કરી કે તેણે રાણી પદ્મિની કે જૌહર કરનારી સ્ત્રીઓને સીધી રીતે કાયર કહી નહોતી. પરંતુ ચર્ચાનો મૂળ પ્રશ્ન તો એ જ રહે છે કે જૌહરને સમજવાનો માપદંડ શું હશે? શું જીવન બચી ગયું એટલે ઇતિહાસનો અંત આવી ગયો? કે પછી એ પણ જોવું પડશે કે એ જીવન કઈ પરિસ્થિતિમાં બચ્યું, કોના હાથમાં બચ્યું અને પોતાના અસ્તિત્વ પર કેટલો અધિકાર બચ્યો?
ચિત્તોડની સ્ત્રીઓએ પોતાનો જવાબ આપી દીધો હતો. તેમણે જીવનની કિંમત જાણતી હોવા છતાં ગરિમાને પસંદ કરી. તેમણે મૃત્યુને પસંદ કર્યું કારણ કે તેમને મૃત્યુ વહાલું હતું એવું નહોતું, તેમણે એવું જીવન ન સ્વીકાર્યું જેમાં ઇસ્લામી આક્રાંતાની હવસ સામે પોતાની આબરૂની કોઈ કિંમત ન રહે. આ તફાવત બહુ મોટો છે અને કદાચ આજના સમયમાં એ જ તફાવત સૌથી વધુ સમજવાની જરૂર છે.
આગ બુઝાઈ ગઈ, ગાથા નહીં
ચિત્તોડની એ આગ ક્યારન બુઝાઈ ગઈ. ત્યાંથી ધુમાડો પણ હવે ઊઠતો નથી. મહેલો ખંડેર થયા, યુદ્ધોના અવાજો બંધ થયા, તલવારો સંગ્રહાલયોમાં પહોંચી ગઈ અને એ સમયની પેઢીઓ પણ કાળની ગતિમાં સમાઈ ગઈ. પરંતુ એક વસ્તુ રહી ગઈ. બલિદાનની સ્મૃતિ. હિંદુ સમાજ એ સ્ત્રીઓને ભૂલ્યો નહીં. તેમને માત્ર મૃત્યુ પામનાર સ્ત્રીઓ તરીકે યાદ ન કરી. તેમને બલિદાનની પ્રતિમૂર્તિ તરીકે યાદ કરી. તેમને ક્ષત્રાણીના શૌર્ય તરીકે યાદ કરી. તેમના અગ્નિને પોતાની આબરૂ અને સ્વાભિમાનની ગાથા બનાવી.
આથી જ જૌહર એટલે માત્ર અગ્નિમાં ભસ્મ થયેલાં શરીરો નહીં. જૌહર એટલે ઇસ્લામી હવસ સામે અંતિમ અસ્વીકાર. જૌહર એટલે અંતિમ ઘડીમાં પણ પોતાના નિર્ણયની માલિકી ન છોડવી. જૌહર એટલે જીવન પ્રિય હોવા છતાં જીવન કરતાં મોટાં મૂલ્યો માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરી દેવું અને જૌહર એટલે એ હિંદુ સ્ત્રીઓનું શૌર્ય, જેમણે પોતાના પ્રાણ આપી દીધા, પરંતુ પોતાની આબરૂ કોઈના હાથમાં સોંપી નહીં.
એક હોય છે જીવન. એક હોય છે ગરિમાયુક્ત જીવન. ચિત્તોડની ક્ષત્રાણીઓએ બીજું પસંદ કર્યું હતું અને કદાચ એટલા માટે જ સદીઓ પછી પણ તેમના ઇતિહાસની વાત આજે પણ થઈ રહી છે. કારણ કે ઇસ્લામી આક્રાંતાઓ કિલ્લો જીતી શક્યા હશે પણ ચિત્તોડની જ્વાળાઓમાં સમાયેલું બહાદુર મહિલાઓનું આત્મસન્માન જીતી શક્યા નહોતા.


