2.6% GDP ગ્રોથનો દાવો કરનાર પૂર્વ નાણાં સચિવે હવે ફેરવી તોળ્યું, કહ્યું– ‘5% સુધી તો ગ્રોથ દેખાય છે’

ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળાનો જીડીપી વૃદ્ધિ દર સરકાર કહી રહી છે એ પ્રમાણે 7.8% નહીં પણ 2.6% જ છે એવો દાવો કરનાર નાણાં મંત્રાલયના પૂર્વ સચિવ સુભાષ ચંદ્ર ગર્ગે હવે ફેરવી તોળ્યું છે અને કહ્યું છે કે લગભગ પાંચ ટકા ગ્રોથ તો છે જ પણ તેનાથી વધુ ગ્રોથની વાત સંશય પેદા કરે છે.

આ પહેલાં ગર્ગે અનેક ટીવી ચેનલો સાથેના ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે જીડીપી ગ્રોથ રેટ 2.6% જેટલો જ છે પણ સરકાર 7.8% કહી રહી છે.

આ દાવો તેમણે જૂની જીડીપી સિરીઝ અને નવી જીડીપી સિરીઝ વચ્ચે સરખામણી કરીને કરી નાખ્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે ઑગસ્ટ 2025માં પાછલા વર્ષના પહેલા ત્રિમાસિક ગાળાની જીડીપી ₹86 લાખ કરોડ જાહેર કરવામાં આવી હતી. ત્યારબાદ ફેબ્રુઆરી 2026માં સરકારે આ ડેટા રિવાઈઝ કર્યો અને આંકડો ₹80 લાખ કરોડ કરી દેવામાં આવ્યો. જો ડેટા રિવાઇઝ ન થયો હોત તો આ વર્ષના ₹88 લાખ કરોડ સાથે ₹86 લાખ કરોડ સરખાવીએ તો 2.6% જ વૃદ્ધિ દર મળે છે.

ગર્ગ એ કહેતા નથી કે ફેબ્રુઆરીમાં ડેટા રિવાઈઝ એટલા માટે થયો હતો કારણ કે સરકારે નવી જીડીપી સિરીઝ અપનાવી હતી અને તેમાં બેઝ યર 2011-12થી બદલીને 2022-23 કરવામાં આવ્યું હતું. નવી સિરીઝ પ્રમાણે ગણતરી કરીને ₹80 લાખ કરોડનો આંકડો નક્કી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ એ જ સિરીઝ પ્રમાણે આ વખતે ગણતરી થઈ તો ₹88 લાખ કરોડનો આંકડો આવ્યો. બંને વચ્ચેના અંતરમાંથી ભાવવધારાની અસર બાદ કરીએ એટલે 7.8% ગ્રોથ મળે છે.

આ બાબતનું ફેક્ટચેક થઈ ગયા બાદ ગર્ગે હવે આંકડો બદલી નાખ્યો છે અને કહ્યું કે ગ્રોથ 5% જેટલો છે.

‘સત્ય હિન્દી’ ચેનલ પર ‘પત્રકાર’ આશુતોષ સાથે વાતચીત દરમ્યાન ગર્ગે કહ્યું, “આ આખું મિક્સ્ડ પિક્ચર છે. અમુક ગ્રોથ છે, અમુક નેગેટિવ ફેક્ટર છે. મને લાગે છે લગભગ 5% ગ્રોથ તો ચોક્કસપણે છે. તેનાથી વધારે જે ગ્રોથની વાત કહેવાય રહી છે એની ઉપર સંશય પેદા થાય છે. એટલે 7.8%ની વાત કરીએ તો 5% સુધી તો ગ્રોથ છે પણ ત્યારપછી મને શંકા જાય છે.”

ટૂંકમાં સુભાષ ગર્ગ પોતાના જ આંકડા પર કાયમ રહી શક્યા નથી. ઈન્ટરનેટ પર લોકો હવે આ ક્લિપ ફેરવીને તેમના દાવાઓ પર પ્રશ્નો ઉઠાવી રહ્યા છે.  

ગર્ગના અગાઉના 2.6%ના દાવાઓનું વિગતવાર ખંડન અહીંથી વાંચી શકાશે.