પંજાબ અને હિમાચલ પ્રદેશની સરહદે આવેલા ભાખરા નાંગલ ડેમ અંગે છેલ્લા કેટલાક દિવસથી સોશિયલ મીડિયા પર ભ્રામક દાવાઓ કરવામાં આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવો થયો કે ડેમની દીવાલોમાં જોખમી ‘ડિફ્લેક્શન’ નોંધાયું છે અને ડેમની સ્થિતિ ચિંતાજનક છે. નેપાળમાં જળપ્રલયની સ્થિતિ બાદ 1.77 ઇંચ ડિફ્લેક્શનનો આંકડો બતાવીને માહોલ ઉભો કરવામાં આવી રહ્યો છે કે દેશના મહત્ત્વપૂર્ણ અને મોટા ડેમમાંથી એક જોખમી સ્થિતિમાં આવી ગયો હોય. જ્યારે હકીકત જુદી છે. સરકારી રેકોર્ડ અને ટેકનિકલ અભ્યાસ અને સંશોધનો જોઈએ તો વાસ્તવિકતા તદ્દન ભિન્ન છે.
સૌથી પહેલાં આ આખા વિવાદમાં થયેલી સૌથી મોટી ગેરસમજ સમજવી જરૂરી છે.
ભાખરા ડેમ માટે સત્તાવાર રીતે નોંધાયેલું મહત્તમ ડિફ્લેક્શન 1.1770 ઇંચ હતું, 1.77 ઇંચ નહીં. બંનેમાં ફેર છે. ઉપરાંત આ રીડિંગ 19 નવેમ્બર 2025ના રોજ નોંધાયું હતું. ત્યારબાદ પાણીના સ્તર અને ડેમના વર્તનમાં ફેરફાર સાથે ડિફ્લેક્શન ઘટ્યું અને 10 માર્ચ 2026ના રોજ તે આશરે 0.9623 ઇંચ નોંધાયું હતું. આ માહિતી કેન્દ્ર સરકારના ઊર્જા મંત્રાલયે 19 માર્ચ 2026ના રોજ લોકસભામાં આપેલા સત્તાવાર જવાબમાં રજૂ કરી હતી.
પછીથી પીઆઈબી ફેક્ટચેક દ્વારા પણ આ દાવાનું ખંડન કરવામાં આવ્યું અને સાચી હકીકત જણાવવામાં આવી.
📢 विभिन्न सोशल मीडिया हैंडल्स द्वारा एक वीडियो साझा कर दावा किया जा रहा है कि वर्तमान में भाखड़ा नांगल बांध की दीवार में 1.77 इंच का झुकाव आया है और बांध की दीवार टूटने पर दिल्ली समेत कई शहरों के बाढ़ में डूबने की आशंका है।#PIBFactCheck
— PIB Fact Check (@PIBFactCheck) August 28, 2026
❌ यह दावा भ्रामक है।
✅ 27.08.2026 को… pic.twitter.com/n5fpTXHiTi
એટલે વાયરલ વિડીયોમાં દેખાતી બાબત અને તેની સાથે કરવામાં આવી રહેલા ‘ડેમ ખતરામાં છે’ જેવા દાવાઓ વચ્ચે ફરક છે. સોશિયલ મીડિયા પર 1.1770 ઇંચને 1.77 ઇંચ બનાવી દેવું માત્ર નાની ટાઇપિંગ ભૂલ નથી; કારણ કે 1.1770 અને 1.77 વચ્ચેનો તફાવત ડેમની સ્થિતિ અંગે લોકોની ધારણા જ બદલી નાખે છે.
ડિફ્લેક્શન એટલે શું?
હવે સવાલ આવે કે ડિફ્લેક્શન એટલે ખરેખર શું?
ડેમની વિશાળ કોંક્રિટ દિવાલ પર જળાશયમાં રહેલા પાણીનું ભારે દબાણ પડે છે. આ દબાણના કારણે ડેમની રચનામાં અત્યંત નાનું હલનચલન અથવા વળાંક આવે છે. આને ‘ડિફ્લેક્શન’ કહેવામાં આવે છે. એટલે ડિફ્લેક્શનનો અર્થ એ નથી કે ડેમમાં તિરાડ પડી ગઈ છે કે આખી દિવાલ પડી જવાની સ્થિતિમાં છે. આ ખાસ સમજવાની જરૂર છે.

ભાખરા ડેમના ઇતિહાસમાં પણ આ બાબત નવી નથી.
2015ના એક અહેવાલમાં સિંચાઈ બાબતોના નિષ્ણાતોએ સમજાવ્યું હતું કે જળાશય ભરાય ત્યારે ડેમની રચનામાં નાનું ડિફ્લેક્શન આવે છે અને પાણીનું સ્તર ઘટે ત્યારે ડેમ મોટાભાગે પહેલાં હતો એ જ સ્થિતિમાં આવી જાય છે. એટલે પાણીનું દબાણ અને ડેમમાં થતા નાનકડા હલનચલન વચ્ચે સીધો સંબંધ છે.
ભાખરા ડેમની શું સ્થિતિ છે?
ભાખરા કોઈ સામાન્ય ડેમ નથી. તે એક કોંક્રિટ ગ્રેવિટી ડેમ છે. એટલે તેની વિશાળ કોંક્રિટ રચનાનું વજન જ તેની સ્થિરતા જાળવવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે.
BBMBના સત્તાવાર દસ્તાવેજો અનુસાર ભાખરા ડેમની રચના અને ઊંચાઈ નક્કી કરતી વખતે ભૂગર્ભીય સ્થિતિ, ફાઉન્ડેશન, રિઝર્વોયર લેવલ, સિસ્મિસિટી અને અન્ય અનેક પરિબળોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. અભ્યાસ બાદ જ ડેમનું પૂર્ણ જળાશય સ્તર 1,685 ફૂટ સુધી નક્કી કરવામાં આવ્યું હતું.
હવે આવીએ 1.03 ઇંચના આંકડા પર.
આ આંકડો વાયરલ પોસ્ટ્સમાં ‘સેફ લિમિટ’ તરીકે રજૂ થાય છે. સત્તાવાર લોકસભા જવાબમાં જણાવાયું છે કે 1964ના યુનાઇટેડ સ્ટેટ્સ બ્યુરો ઓફ રેક્લેમેશનના ટ્રાયલ લોડ સ્ટડી મુજબ ભાખરા ડેમનું નોન-સિસ્મિક કન્ડિશન્સ એટલે કે બિન-ભૂકંપીય સ્થિતિ માટે ડિફ્લેક્શનની ડિઝાઇન લિમિટિંગ વેલ્યૂ 1.03 ઇંચ નક્કી કરવામાં આવી હતી. જે 2025માં નોંધાયેલું 1.1770 ઇંચનું રીડિંગ આ રેફરન્સ કરતાં થોડું વધારે હતું, જેથી તેના પર વિશેષ ધ્યાન આપવું જરૂરી બન્યું હતું, પરંતુ તે પણ કોઈ હોનારતનો સંકેત નથી.
ડેમની સુરક્ષા માટેનાં શું માપદંડો છે?
ડેમની સુરક્ષા માટે માત્ર ડિફ્લેક્શન જ એકમાત્ર માપદંડ નથી. કોંક્રિટ ગ્રેવિટી ડેમની સલામતી ચકાસવા માટે તેના પર પડતું દબાણ (સ્ટ્રેસ-સ્ટ્રેઇન), પાણીનું ઝીણું લીકેજ (સીપેજ), તાપમાન અને જળાશયમાં પાણીના સ્તર જેવાં અનેક ટેક્નિકલ પરિબળોને એકસાથે ધ્યાનમાં લેવામાં આવે છે. ભાખરા ડેમમાં આ તમામ બાબતો પર નજર રાખવા માટે આધુનિક મોનિટરિંગ ઉપકરણો વર્ષોથી સતત કાર્યરત છે.

બીજી મહત્વની બાબત એ છે કે 1.1770 ઇંચનું ડિફ્લેક્શન કાયમી નહોતું. 19 નવેમ્બર 2025ના રોજ મહત્તમ 1.1770 ઇંચ નોંધાયા બાદ પાણીના સ્તરમાં ફેરફાર થતાં 10 માર્ચ 2026 સુધીમાં તે ઘટીને 0.9623 ઇંચ થઈ ગયું હતું. આ દર્શાવે છે કે ડેમ પાણીના સ્તર મુજબ પોતાની મૂળ સ્થિતિ તરફ પાછો ફરે છે, એટલે કે દીવાલ સતત બહાર વળી રહી છે એવો સોશિયલ મીડિયાનો દાવો બિલકુલ ખોટો છે.
ડિફ્લેક્શન માટે તાપમાન પણ જવાબદાર, ઋતુઓ પ્રમાણે આવે છે બદલાવ
ડેમના ડિફ્લેક્શન પર માત્ર જળાશયના પાણીનું દબાણ જ નહીં, પરંતુ હવામાનનું તાપમાન પણ મોટો પ્રભાવ પાડે છે. ભાખરા ડેમ અંગેના ટેક્નિકલ અભ્યાસ મુજબ, ડેમના કોંક્રિટ માળખાનું તાપમાન પ્રત્યેનું વર્તન તેના આકારમાં થતા નાનકડા ફેરફાર (ડિફોર્મેશન) માટે જવાબદાર હોય છે. કેટલીક પરિસ્થિતિઓમાં કુલ ડિફ્લેક્શનમાં પાણીના દબાણ કરતાં તાપમાનની અસર વધુ મહત્વની ભૂમિકા ભજવે છે.
આ બાબતને એક સરળ ઉદાહરણથી સમજી શકાય.
જેમ ગરમી કે ઠંડીના કારણે રેલવેના પાટા કે પુલમાં અત્યંત નાનું વિસ્તરણ (એક્સપાન્શન) અને સંકોચન (કોન્ટ્રેક્શન) થાય છે, તેવી જ રીતે વિશાળ ડેમ પણ સંપૂર્ણપણે પથ્થરની જેમ જડ રહેતો નથી. તાપમાન અને પાણીના ભારમાં ફેરફાર થતાં ડેમમાં માપી શકાય તેવું નાનું હલનચલન થાય તે સ્વાભાવિક છે. મુખ્ય વાત એ છે કે આ હલનચલન ગણતરી મુજબનું જ છે અને સલામતીનાં અન્ય તમામ માપદંડો સુરક્ષિત છે.
વર્ષ 2022માં ‘સ્ટ્રક્ચરલ કંટ્રોલ એન્ડ હેલ્થ મોનિટરિંગ’ જર્નલમાં પ્રકાશિત સંશોધન મુજબ, ડેમમાં થતા ડિફ્લેક્શન માટે પાણીનું સ્તર અને તાપમાન બંને મુખ્ય કારણો છે. આ ફેરફારોમાં ઋતુઓ પ્રમાણે એક ચોક્કસ પેટર્ન જોવા મળે છે. તેથી, પાણીનું દબાણ કે સમયગાળો ધ્યાનમાં લીધા વિના માત્ર એક ચોક્કસ સમયના આંકડાને જોવાથી ડેમની સ્થિતિ વિશે ખોટું ચિત્ર ઊભું થઈ શકે છે.
ભાખરા ડેમના મુદ્દાને સરકાર અને BBMB ખૂબ જ ગંભીરતાથી લઈ રહ્યાં છે. લોકસભામાં અપાયેલી માહિતી અનુસાર, ભાખરા ડેમના ડિફ્લેક્શન અને સલામતી સંબંધિત બાબતોના ઊંડાણપૂર્વકના અભ્યાસ માટે IIT રૂડકીના ‘આઈસીઈડી’ (ICED) સાથે એમઓયુ (MoU) કરવામાં આવ્યા છે. આથી ‘સરકાર આ બાબતથી અજાણ છે’ અથવા ‘કોઈ તપાસ થઈ રહી નથી’ એવી વાતોમાં પણ તથ્ય નથી.
સરકારે જળાશયનું પાણી ઘટાડવા (ડ્રોડાઉન) અંગે પગલાં લેવાની વાત કરી છે. BBMBએ ભાખરાના પાણીનું સ્તર લઘુત્તમ 1,462 ફૂટ સુધી લાવવા માટે ભાગીદાર રાજ્યો સાથે ચર્ચા કરી છે. આનો મુખ્ય હેતુ પાણીનું સ્તર સંપૂર્ણ ઘટાડીને ડેમની મૂળ સરચનાની સ્થિતિસ્થાપકતા (ઇલાસ્ટિસિટી) પુનઃસ્થાપિત કરવાનો અને તે દરમિયાન જળાશયમાંથી કાંપ દૂર કરવાનો છે.
લોકસભામાં કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે 10 માર્ચ 2026 સુધી ડેમનું ડિફ્લેક્શન, સીપેજ (લીકેજ) અને સ્ટ્રેસ (દબાણ) જેવાં તમામ મહત્વપૂર્ણ માપદંડો નિર્ધારિત સુરક્ષિત મર્યાદાની અંદર જ છે. ડેમની સલામતીનો નિર્ણય સોશિયલ મીડિયાના વાયરલ વીડિયોથી નહીં, પરંતુ ડેમમાં સ્થાપિત સાધનો દ્વારા થતા સતત ટેક્નિકલ મોનિટરિંગ આધારે લેવાય છે.
માત્ર ડિફ્લેક્શનથી નક્કી ન થઈ જાય સલામતીનું સ્તર
ડેમના ટેક્નિકલ અભ્યાસ અનુસાર, સામાન્ય સ્થિતિ માટે ડિઝાઇન રેફરન્સ 1.03 ઇંચ છે, જ્યારે ભૂકંપ (સિસ્મિક કન્ડિશન) જેવી પરિસ્થિતિ માટે 1.53 ઇંચ સુધીનું ડિફ્લેક્શન કેલ્ક્યુલેટ કરવામાં આવ્યું છે. જોકે, આ માત્ર ડિઝાઇન એનાલિસિસ વેલ્યૂઝ છે અને ડેમની સાચી સલામતી નક્કી કરવા માટે તેની સાથે અન્ય સ્ટ્રક્ચરલ પેરામીટર્સ તપાસવાં પણ એટલાં જ જરૂરી છે.
19 નવેમ્બર 2025ના રોજ નોંધાયેલું 1.1770 ઇંચનું રીડિંગ 1.03 ઇંચની સામાન્ય ડિઝાઇન રેફરન્સ મર્યાદા કરતાં થોડું વધારે હતું, તેથી તેની ટેક્નિકલ તપાસ કરવી જરૂરી હતી. પરંતુ ‘રેફરન્સ લિમિટ થોડી વટાવી’ અને ‘ડેમ તૂટી જવાનો છે’– આ બંને વચ્ચે મોટો તફાવત છે. પાછળથી આ રીડિંગ ઘટીને 0.9623 ઇંચ થઈ ગયું હતું.
સોશિયલ મીડિયા પર 1.1770 ઇંચને 1.77 ઇંચ તરીકે રજૂ કરવામાં આવ્યું, જે વાસ્તવિક આંકડા કરતાં લગભગ 0.593 ઇંચ વધારે બતાવીને બિનજરૂરી ભય ઊભો કરે છે. ઉપરાંત, 2025ની જૂની રીડિંગને વર્તમાન સમયની નવી સ્થિતિ ગણાવીને લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે, જે લોકસભાના સત્તાવાર રેકોર્ડ સાથે મેળ ખાતું નથી.
ભાખરા ડેમ 1960ના દાયકામાં બનેલો હોવાથી જેમ-જેમ વર્ષો જાય છે તેમ કંઈક નવું ગતકડું શોધી કાઢવામાં આવે છે. પણ ડેમ બે-પાંચ-દસ કે પચાસ વર્ષ માટે બનતા નથી. દાયકાઓ અને સૈકાઓ સુધી ટકી રહે તે પ્રમાણે જ ડિઝાઇન કરવામાં આવે છે. ડેમની સુરક્ષા નિયમિત નિરીક્ષણ, મેન્ટેનન્સ, મોનિટરિંગ અને રિહેબિલિટેશન દ્વારા જાળવી રાખવામાં આવે છે, અને ભાખરા ડેમ માટે આ તમામ તપાસ પ્રક્રિયા સતત ચાલુ જ છે.
અંતે વાત એટલી જ છે કે ભાખરા ડેમમાં ડિફ્લેક્શન થયું છે આ વાત સાચી છે, પરંતુ ‘ડેમ 1.77 ઇંચ નમી ગયો છે અને હવે તૂટી પડશે’– આ સોશિયલ મીડિયા નેરેટિવ ભ્રામક છે. સત્તાવાર આંકડો 19 નવેમ્બર 2025ના રોજ 1.1770 ઇંચનો હતો અને 10 માર્ચ 2026 સુધીમાં તે 0.9623 ઇંચ થયો હતો. 1.03 ઇંચનું નોન-સિસ્મિક ડિઝાઇન રેફરન્સ પાર થયું હોવાથી ટેક્નિકલ તપાસ અને મોનિટરિંગ જરૂરી છે અને એ થઈ પણ રહી છે. પરંતુ ઉપલબ્ધ સરકારી માહિતીમાં ડિફ્લેક્શન, સીપેજ અને સ્ટ્રેસ જેવા મહત્વપૂર્ણ માપદંડો નિર્ધારિત મર્યાદામાં છે. તેથી ચિંતા કરતાં વધુ જરૂરી છે કે આ મુદ્દાને ટેક્નિકલ આંકડાઓ સાથે સમજવામાં આવે.


