હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિજનોઈ એટલે શું? માત્ર ઓળખ નહીં, વેદાધ્યયન અને વેદ-રક્ષણની જવાબદારીનું પ્રતીક

જનોઈ એટલે શું? માત્ર ઓળખ નહીં, વેદાધ્યયન અને વેદ-રક્ષણની જવાબદારીનું પ્રતીક

એટલે જનોઈને માત્ર ખભા પર જોવી નહીં. તેના તાંતણામાં એક આખી પરંપરા ગૂંથાયેલી છે. વેદ છે, ઋષિ છે, સંકલ્પ છે, જવાબદારી છે અને બ્રહ્મની શોધ છે.

- Advertisement -

રક્ષાબંધન આવે એટલે દેશના અનેક ઘરોમાં એક દૃશ્ય જોવા મળે છે. બહેન ભાઈના કાંડે રાખડી બાંધે છે, ભાઈ તેની રક્ષા કરવાનો સંકલ્પ કરે છે અને આખો દિવસ ભાઈ-બહેનના સંબંધની આસપાસ ફરતો રહે છે. પરંતુ આ જ દિવસે હિંદુ સમાજની એક બીજી પ્રાચીન પરંપરા પણ જીવંત થાય છે. અનેક વૈદિક પરંપરાઓમાં આ દિવસ યજ્ઞોપવીત પરિવર્તન, ઉપાકર્મ અને વેદાધ્યયન સાથે જોડાયેલો છે. બ્રાહ્મણો માટે તો આ દિવસ પોતાની ઉપર આવેલી એક પ્રાચીન જવાબદારીને ફરીથી યાદ કરવાનો દિવસ છે.

આપણે તેને સરળતાથી ‘જનોઈ બદલવી’ કહી દઈએ છીએ. પણ ક્યારેય શાંતિથી વિચાર્યું છે કે જેને આપણે જનોઈ કહીને માત્ર બે શબ્દોમાં વાત પૂરી કરી દઈએ છીએ, તે આખરે છે શું? ખભા પર પડેલો સફેદ દોરો? કોઈ જાતિની ઓળખ? કોઈ જૂની ધાર્મિક પરંપરાનો અવશેષ? કે પછી હજારો વર્ષ જૂની એવી વ્યવસ્થાનું જીવતું પ્રતીક, જેમાં એક માણસના શરીર પર થોડા તાંતણા મૂકીને તેને જ્ઞાન, સંયમ, ઋષિપરંપરા અને પોતાના કર્તવ્યની યાદ સોંપવામાં આવે છે?

સાચી વાત એ છે કે જનોઈને માત્ર જનોઈ તરીકે જોવાથી તેની વાત શરૂ પણ થતી નથી. તેનું સાચું નામ છે યજ્ઞોપવીત અને ‘યજ્ઞોપવીત’ શબ્દની પાછળ જ એક આખી દુનિયા ઊભી છે.

- Advertisement -

યજ્ઞોપવીત પહેલાં સંસ્કાર

આપણે ઘણી વખત કહીએ છીએ કે અમુક ઉંમરે બાળકને જનોઈ પહેરાવવામાં આવી. જાણે કોઈ જન્મદિવસની જેમ એક દિવસ આવ્યો, વિધિ થઈ, ખભા પર દોરો આવ્યો અને વાત પૂરી. પરંતુ વૈદિક પરંપરામાં વાત એટલી સરળ નહોતી. જનોઈ પોતે અંતિમ વસ્તુ નહોતી, તે એક મોટા સંસ્કારનું દૃશ્યમાન પરિણામ હતું. એ સંસ્કાર હતો ઉપનયન.

‘ઉપનયન’ એટલે નજીક લઈ જવું. કોની નજીક? ગુરુની, વિદ્યાની, વેદની. બાળકને ઘરનાં સામાન્ય જીવનમાંથી કાઢીને આચાર્યની શરણમાં લઈ જવો, તેને બ્રહ્મચર્ય અને અધ્યયનની શિસ્તમાં પ્રવેશ કરાવવો અને જ્ઞાનની પરંપરા સાથે જોડવો, આ ઉપનયનના મૂળ ભાવોમાંથી એક હતો. ગૃહ્યસૂત્રોની પરંપરા હોય કે બ્રાહ્મણગ્રંથોમાં આવતા ઉપનયનના સંદર્ભો, અહીં માત્ર વસ્ત્ર બદલાતું નથી, જીવનની દિશા બદલાય છે. એક બાળકને કહેવામાં આવે છે કે હવે તારી સામે માત્ર મોટું થવાનું લક્ષ્ય નથી, તારે શીખવાનું છે, શિસ્તમાં રહેવાનું છે અને જે જ્ઞાન તને મળ્યું છે તેની પરંપરાને આગળ લઈ જવાની છે.

એટલા માટે જ ‘દ્વિજ’નો વિચાર અહીં આવે છે. એક જન્મ માતાના ગર્ભમાંથી મળે છે અને બીજો જન્મ સંસ્કાર તથા વિદ્યાના માર્ગે. આ બીજો જન્મ કોઈ ચમત્કાર નથી. તે એક વિચાર છે કે માણસ માત્ર શરીર લઈને જન્મતો નથી, સંસ્કાર અને જ્ઞાન દ્વારા તે પોતાને ફરીથી ઘડી શકે છે.

અને અહીંથી જનોઈનો અર્થ બદલાઈ જાય છે. કારણ કે જો ઉપનયન જ જ્ઞાનના માર્ગે પ્રવેશ છે તો યજ્ઞોપવીત માત્ર તે પ્રવેશની ઓળખ નથી. તે પ્રવેશ પછીની જવાબદારીનું સતત સ્મરણ છે.

એક પ્રકારનું ‘લાયસન્સ’, પણ અધિકારનું નહીં

આજની ભાષામાં આ વાત સમજાવવી હોય તો યજ્ઞોપવીતને એક પ્રકારના ‘લાયસન્સ’ સાથે સરખાવી શકાય. પરંતુ આ એવું લાયસન્સ નથી કે જેને ખિસ્સામાં રાખીને માણસને સત્તા મળી જાય. આ તો એવું લાયસન્સ છે, જેમાં અધિકારની સાથે ફરજ બાંધેલી છે.

વેદના અધ્યયનની પરંપરામાં પ્રવેશ એટલે વેદને માત્ર સાંભળવાનો કે મંત્રો યાદ કરવાનો અધિકાર નહીં, પરંતુ વેદવિદ્યાને જીવંત રાખવાની જવાબદારી પણ. જ્ઞાન એક પેઢી પાસેથી બીજી પેઢી સુધી પહોંચે છે ત્યારે વચ્ચે કોઈને તેને સાચવવું પડે, શીખવું પડે, શીખવવું પડે અને ભૂલાઈ ન જાય તેની ચિંતા કરવી પડે. હજારો વર્ષ સુધી વેદોની મૌખિક પરંપરા જે અદ્ભુત ચોકસાઈથી ચાલી તે પાછળ આ જ પ્રકારની જ્ઞાનપરંપરા અને અનુશાસનની મોટી ભૂમિકા હતી.

એટલે યજ્ઞોપવીત ધારણ કરનાર વ્યક્તિને જાણે કહેવામાં આવતું હતું હવે તું માત્ર જ્ઞાનનો ઉપભોક્તા નથી. તું જ્ઞાનપરંપરાનો વાહક છે. વેદ ભણવાનો અધિકાર મળ્યો છે તો વેદને જીવંત રાખવાની ફરજ પણ છે. ઋષિઓ પાસેથી મળેલું જ્ઞાન મળ્યું છે તો ઋષિઋણ પણ છે અને આ જ કારણથી યજ્ઞોપવીતનો સંબંધ ‘ઋષિઋણ’ જેવી કલ્પનાઓ સાથે જોડાય છે. માણસ જે જ્ઞાનનો ઉપયોગ કરે છે તે બધું તેણે પોતે બનાવેલું નથી. તેની પાછળ કોઈએ શોધ્યું છે, કોઈએ તેને યાદ રાખ્યું છે, કોઈએ તેને સાચવ્યું છે અને કોઈએ તેને આગળ પહોંચાડ્યું છે. 

યજ્ઞોપવીત જાણે આ અદૃશ્ય ઋણને દૃશ્યમાન બનાવી દે છે. ખભા પરનો તાંતણો કહે છે કે તું જ્યાં ઊભો છે ત્યાં સુધી પહોંચવા માટે તારા પહેલાં અસંખ્ય લોકો ઊભા રહ્યા હતા. પણ આટલું જ હોત તો જનોઈ ‘યજ્ઞોપવીત’ ન બનત અહીંથી યજ્ઞોપવીતની વાત વધુ ઊંડી થાય છે.

કારણ કે હિંદુ પરંપરામાં બહારની વસ્તુ ઘણી વખત અંદરની કોઈ મોટી વસ્તુનું સ્મરણ કરાવતી હોય છે. દીવો માત્ર તેલ અને વાટ નથી. તિલક માત્ર કપાળ પરનો રંગ નથી. મંદિરમાં ઘંટ માત્ર ધાતુનો અવાજ નથી. તેવી જ રીતે યજ્ઞોપવીત પણ માત્ર સૂતર નથી. તે એક ‘સૂત્ર’ છે અને સૂત્રનો સૌથી સુંદર અર્થ જ છે કે જે જુદી-જુદી વસ્તુઓને એક સાથે ગૂંથે.

યજ્ઞોપવીતના તાંતણામાં વેદ છે, ઋષિપરંપરા છે, સંસ્કાર છે, સંયમ છે, દેવતાઓનું સ્મરણ છે, ઋણની યાદ છે અને પોતાના જીવનને કોઈ ઊંચા આદર્શ સાથે બાંધવાનો સંકલ્પ છે. આ બધું એક નાનકડા તાંતણામાં ગૂંથાઈ જાય છે. અને અહીં ‘બ્રહ્મ’નો આધ્યાત્મિક ભાવ પ્રવેશ કરે છે.

‘બ્રહ્મ’ શબ્દને માત્ર ‘ભગવાન’ના એક સામાન્ય પર્યાય તરીકે સમજવાથી તેની ઊંડાઈ ઓછી થઈ જાય છે. ઉપનિષદિક પરંપરામાં બ્રહ્મ એ સર્વવ્યાપી, મૂળભૂત પરમ તત્ત્વનો વિચાર છે, જેની શોધમાં જ્ઞાનની આખી યાત્રા છે. ‘બ્રહ્મને જાણનાર બ્રાહ્મણ’ આ વિચાર પણ અહીંથી જ પોતાનો અર્થ મેળવે છે. એટલે યજ્ઞોપવીત અને બ્રહ્મનો સંબંધ માત્ર બહારના દોરા અને કોઈ દેવતાની કલ્પના વચ્ચેનો સંબંધ નથી, તે જ્ઞાનની એ યાત્રાનો સંકેત છે જેમાં બહારથી ધારણ કરેલું સૂત્ર અંતે માણસને અંદરના સત્યની શોધ તરફ લઈ જવાનું છે.

આથી જ આધ્યાત્મિક દૃષ્ટિએ ‘યજ્ઞોપવીત એટલે બ્રહ્મનું સ્મરણ’ કહેવાય ત્યારે તેની પાછળ એક ઊંડો અર્થ છે. દોરો ખભા પર છે, પરંતુ સંદેશ અંતરમાં ઉતરવાનો છે.

ત્રણ તાંતણા અને માણસના ત્રણ ઋણ

જનોઈને હાથમાં લઈ જુઓ તો કદાચ સૌથી પહેલાં ત્રણ તાંતણા જ દેખાય. પરંતુ આ ત્રણ તાંતણા પણ ભારતીય પરંપરામાં માત્ર ગણતરી નથી. અનેક પરંપરાગત વ્યાખ્યાઓમાં તેને દેવઋણ, ઋષિઋણ અને પિતૃઋણ સાથે સાંકળવામાં આવ્યા છે. આ વિચારને સમજીએ તો યજ્ઞોપવીતનો આખો સ્વભાવ જ બદલાઈ જાય છે.

દેવઋણ એટલે જે અસ્તિત્વ આપણને મળ્યું છે તેની પાછળ રહેલી દૈવી વ્યવસ્થાનું ઋણ. ઋષિઋણ એટલે જ્ઞાન આપનારા ઋષિઓનું ઋણ. પિતૃઋણ એટલે આપણાં પહેલાં જીવેલા અને આપણું અસ્તિત્વ શક્ય બનાવનારા પૂર્વજોનું ઋણ. માણસ જન્મે છે ત્યારે ખાલી હાથે નથી આવતો. તેને ભાષા મળે છે, જ્ઞાન મળે છે, સંસ્કાર મળે છે, ઘર મળે છે, સમાજ મળે છે, પરંપરા મળે છે. તેની પહેલાં કોઈએ આ બધું ઊભું કર્યું છે. યજ્ઞોપવીત આ વાતને સતત શરીર પર લઈને ચાલે છે.

એટલે આ તાંતણો માણસને બીજાથી શ્રેષ્ઠ બનાવે છે એવો વિચાર તેનો સૌથી નાનો અર્થ છે. તે તો માણસને પોતાની સામે જવાબદાર બનાવે છે. ‘મને ઘણું મળ્યું છે, એટલે મારે પણ કંઈક પાછું આપવાનું છે.’ કદાચ યજ્ઞોપવીતના ત્રણ તાંતણાનો આ ભાવ આજે સમજવો સૌથી જરૂરી છે.

નવ તાંતણા અને એક નાનું બ્રહ્માંડ

પરંપરાગત યજ્ઞોપવીતની રચના વિશે વાત કરીએ ત્યારે નવ તાંતણાની અને તેમાં વિવિધ દેવતાઓના અધિષ્ઠાનની માન્યતા પણ જોવા મળે છે. અલગ શાસ્ત્રીય અને પ્રાદેશિક પરંપરાઓમાં તેની વ્યાખ્યાઓમાં થોડો ફેરફાર મળે છે, પરંતુ મૂળ ભાવ અદ્ભુત છે, જે વસ્તુ બહારથી માત્ર સફેદ સૂતર દેખાય છે તેને પણ પરંપરાએ મંત્ર, દેવતા અને તત્ત્વના સ્મરણ સાથે જોડેલી છે.

એટલે જનોઈ પહેરનાર માટે તે માત્ર ‘મારા ખભા પર કંઈક છે’ એવી બાબત નથી. તે જાણે પોતાના શરીર પર એક સ્મૃતિ-વ્યવસ્થા લઈને ચાલે છે. વેદોની સ્મૃતિ. ઋષિઓની સ્મૃતિ. દેવતાઓની સ્મૃતિ. પૂર્વજોની સ્મૃતિ અને પોતાના કર્તવ્યની સ્મૃતિ. એક રીતે જોવામાં આવે તો યજ્ઞોપવીત હિંદુ સંસ્કૃતિની એ અદ્ભુત રીતનું ઉદાહરણ છે જેમાં આખું તત્ત્વજ્ઞાન કોઈ લાંબા ગ્રંથમાં જ નહીં, પરંતુ જીવનની નાની-નાની ક્રિયાઓમાં મૂકી દેવામાં આવ્યું.

ખભા પર કેમ?

જનોઈ પહેરનારના શરીર પર તેની સ્થિતિ પણ નિર્ધારિત છે. ડાબા ખભા પરથી પસાર થઈને શરીરના જમણા ભાગ તરફ આવતી યજ્ઞોપવીત તેની ધારણવિધિનું પરંપરાગત સ્વરૂપ છે. આ માત્ર કપડું પહેરવાની રીત જેવી વાત નથી. યજ્ઞોપવીત શરીર પર એવી રીતે રહે છે કે તે માણસ સાથે સતત રહે.

અને આ ‘સતતતા’ ખૂબ મહત્વની છે. મંદિરમાં જઈને માણસ બહાર આવે પછી મંદિર પાછળ રહી જાય છે. ગ્રંથ બંધ કરીને માણસ ઊભો થાય ત્યારે ગ્રંથ હાથમાં રહેતો નથી. પરંતુ યજ્ઞોપવીત તો શરીર સાથે રહે છે. એટલે કર્તવ્યની યાદ પણ શરીર સાથે રહે છે.

આથી તેની આસપાસ જે આધ્યાત્મિક ભાવ રચાયો છે તેમાં એક અત્યંત સુંદર વિચાર છે કે જે તું ધારણ કરે છે તે તારા આચરણમાં પણ દેખાવું જોઈએ. ખભા પર વેદની પરંપરા અને વર્તનમાં તેના વિરુદ્ધ જીવન, આ વિરોધાભાસ યજ્ઞોપવીતના મૂળ ભાવને જ ખંડિત કરી નાખે. આથી જ જનોઈ બહારની ઓળખ કરતાં અંદરની કસોટી વધારે છે.

બ્રાહ્મણ અને યજ્ઞોપવીત

અહીં બ્રાહ્મણની વાત આવવી સ્વાભાવિક છે. કારણ કે ભારતીય પરંપરામાં યજ્ઞોપવીત અને બ્રાહ્મણની ઓળખ એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલી રહી છે. પરંતુ આ સંબંધને માત્ર ‘બ્રાહ્મણ એટલે જનોઈ’ એટલી સરળ સમીકરણમાં મૂકવાથી વાત અધૂરી રહી જાય છે.

બ્રાહ્મણ શબ્દને તેની મૂળ વૈદિક-દાર્શનિક પૃષ્ઠભૂમિમાં જોવો હોય તો બ્રહ્મવિદ્યા, વેદાધ્યયન, અધ્યાપન અને ધાર્મિક-વૈદિક કર્તવ્યો સાથે તેનો સંબંધ સમજવો પડે. એટલે સમાજમાં બ્રાહ્મણને જે સ્થાન મળ્યું તેની પાછળ માત્ર જન્મની ઓળખનો પ્રશ્ન નહોતો, તેની સાથે જ્ઞાન અને ધર્મપરંપરાની જવાબદારી પણ જોડાયેલી હતી. આ જ જગ્યાએ યજ્ઞોપવીતનું સાચું વજન સમજાય છે.

પૂજનીયતા હોય તો તેની પાછળ કોઈ જવાબદારી પણ હોવી જોઈએ. સન્માન હોય તો તેની પાછળ કોઈ તપ પણ હોવું જોઈએ. જ્ઞાનનો અધિકાર હોય તો જ્ઞાનને સાચવવાનું કર્તવ્ય પણ હોવું જોઈએ. નહીં તો ખભા પરનો તાંતણો માત્ર તાંતણો જ રહી જાય.

જનોઈ બદલાય છે, સંકલ્પ નહીં

અને હવે પાછા આવીએ રક્ષાબંધનના આ દિવસે. યજ્ઞોપવીત પરિવર્તનની પરંપરા માત્ર એક વાર્ષિક ધાર્મિક ક્રિયા તરીકે જોવી સરળ છે. પરંતુ તેની અંદર રહેલા ભાવને સમજીએ તો આ દિવસ થોડો જુદો દેખાય છે. વર્ષમાં એક વાર યજ્ઞોપવીત બદલાય છે, પરંતુ જે પરંપરા તે તાંતણો પોતાની સાથે લઈને આવે છે તે તો આખું વર્ષ, આખું જીવન માણસ સાથે રહેવાની છે.

પરંપરા માત્ર સાચવી રાખવાની વસ્તુ નથી, તેને દર પેઢીએ ફરીથી ધારણ કરવાની હોય છે. આથી તાંતણો બદલાય છે, સંકલ્પ નહીં. યજ્ઞોપવીત નવી થાય છે, પરંતુ વેદ પ્રત્યેની નિષ્ઠા નવી થવાની નથી. ઋષિઋણની યાદ નવી થવાની નથી. પોતાના આચરણ તરફ જોવાની દૃષ્ટિ નવી થવાની નથી. જે જ્ઞાન પેઢીઓએ સાચવ્યું છે તેને આગળ લઈ જવાની જવાબદારી ફરીથી પોતાના ખભા પર અનુભવવાની છે.

અને કદાચ આ જ કારણ છે કે હજારો વર્ષ જૂની આ પરંપરા આજે પણ જીવંત છે. કારણ કે જનોઈ કોઈ જૂની વસ્તુને માત્ર શરીર પર બાંધી રાખવાનું નામ નથી. તે માણસને તેની મર્યાદા યાદ કરાવે છે. તે તેને તેના ઋણ યાદ કરાવે છે. તે તેને તેના જ્ઞાનની કિંમત યાદ કરાવે છે અને સૌથી ઊંડા આધ્યાત્મિક અર્થમાં, તે તેને એ પરમ તત્ત્વની શોધ તરફ ઈશારો કરે છે જેને ઋષિઓએ બ્રહ્મ કહ્યું.

એટલે જનોઈને માત્ર ખભા પર જોવી નહીં. તેના તાંતણામાં એક આખી પરંપરા ગૂંથાયેલી છે. વેદ છે, ઋષિ છે, સંકલ્પ છે, જવાબદારી છે અને બ્રહ્મની શોધ છે. ખભા પર ધારણ કરેલું આ નાનું સૂત્ર માણસને જાણે રોજ એક જ વાત પૂછે છે કે તું જે જ્ઞાનનો વારસદાર છે, તેનો વારસદાર બનીને જ જીવી રહ્યો છે કે માત્ર તેનો દોરો પહેરીને? અને કદાચ આ જ પ્રશ્ન યજ્ઞોપવીતને શક્તિશાળી બનાવે છે. કારણ કે તે શરીર પર ધારણ થાય છે, પરંતુ તેની સાચી પરીક્ષા માણસના જીવનમાં થાય છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં