હોમપેજસ્પેશ્યલ600થી વધુ માર્ક્સ હોવાનો દાવો, OMR બદલાઈ ગયાનો આરોપ અને રાજકીય પ્રોપગેન્ડા:...

600થી વધુ માર્ક્સ હોવાનો દાવો, OMR બદલાઈ ગયાનો આરોપ અને રાજકીય પ્રોપગેન્ડા: જાણો NEET-UG 2026ના 5 વાયરલ કેસોમાં NTAએ કેવી રીતે ખોલી પોલ

NTAએ હવે એક પછી એક ઉમેદવારોનાં નામ સાથે જાહેરમાં જવાબ આપીને અને ટેક્નિકલ પુરાવા રજૂ કરીને પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી છે. જોકે આ જ બધા કેસોનો આધાર બનાવીને વિપક્ષી ઇકોસિસ્ટમે સરકારને ઘેરવા પ્રયાસ કર્યો હતો, પરંતુ આ વખતે પણ તે સફળ થઈ શકી નથી.

- Advertisement -

NEET-UG 2026ની પરીક્ષા આ વર્ષે માત્ર પેપર લીકને કારણે જ ચર્ચામાં રહી ન હતી. પેપર લીક બાદ રદ થયેલી પરીક્ષાની પુનઃ પરીક્ષા લેવામાં આવી, પરિણામ જાહેર થયું અને ત્યારબાદ સોશિયલ મીડિયા પર એક પછી એક એવા દાવાઓ સામે આવવા લાગ્યા, જેણે લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓમાં નવી શંકાઓ ઊભી કરી દીધી. કોઈ વિદ્યાર્થીએ આરોપ લગાવ્યો કે તેને 600થી વધુ માર્ક્સ મળવા જોઈએ હતા પરંતુ પરિણામમાં 100-150 માર્ક્સ જ દર્શાવાયા. કોઈએ કહ્યું કે તેની OMR શીટ જ બદલી નાખવામાં આવી છે તો કોઈએ વળી દાવો કર્યો કે તેણે એટેમ્પટ કરેલા પ્રશ્નો જ OMRમાંથી ગાયબ કરી દેવામાં આવ્યા છે.

આ દાવાઓ માત્ર વિદ્યાર્થીઓ સુધી સીમિત રહ્યા નહોતા. અનેક સોશિયલ મીડિયા ‘ઇન્ફ્લુએન્સર્સે’ તેને મોટાપાયે વાયરલ કર્યા. સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવથી લઈને કોંગ્રેસ સુધીના રાજકીય પક્ષોએ પણ આ દાવાઓને શેર કરીને નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) અને કેન્દ્ર સરકાર પર સવાલો ઉઠાવવાનું શરૂ કર્યું. થોડા જ દિવસોમાં વાત એવી સ્થિતિએ પહોંચી કે NTAને સામાન્ય પ્રેસનોટથી આગળ વધીને એક પછી એક ઉમેદવારોના નામ સાથે જાહેરમાં ફેક્ટચેક રજૂ કરવા પડ્યા.

NTAએ જણાવ્યું કે તેની પાસે મોટી સંખ્યામાં એવી ફરિયાદો આવી રહી હતી, જેમાં વિદ્યાર્થીઓ પોતાની OMR શીટમાં ગેરરીતિનો દાવો કરી રહ્યા હતા. તપાસ દરમિયાન એજન્સીને જાણવા મળ્યું કે ઘણી OMR શીટ ડિજિટલી બદલાયેલી અથવા AI દ્વારા તૈયાર કરાયેલી હતી. ત્યારબાદ NTAએ પાંચ એવા કેસો જાહેર કર્યા, જે સોશિયલ મીડિયા પર સૌથી વધુ ચર્ચામાં હતા. દરેક કેસમાં તેણે અસલી OMRમાં શું હતું અને વાયરલ તસવીરોમાં કઈ રીતે છેડછાડ કરવામાં આવી હતી તેની વિગતવાર માહિતી આપી.

- Advertisement -

આર્યા સિંઘનો દાવો રાજકીય મુદ્દો બન્યો, NTAએ કહ્યું- વાયરલ OMRમાં જ કરવામાં આવી હતી છેડછાડ

સૌથી વધુ ચર્ચામાં રહેલો કેસ આર્યા સિંઘનો હતો. પરિણામ જાહેર થયા બાદ આર્યાએ સોશિયલ મીડિયા પર વિડીયો જાહેર કરીને દાવો કર્યો હતો કે શરૂઆતમાં તેના માર્ક્સ લગભગ 540 દર્શાવવામાં આવ્યા હતા, પરંતુ થોડા સમય પછી તે ઘટીને માત્ર 167 થઈ ગયા. તેણે એવો પણ દાવો કર્યો કે તેની OMR શીટ પ્રમાણે તેને કુલ 609 માર્ક્સ મળવા જોઈતા હતા અને પરિણામમાં ગંભીર ગેરરીતિ થઈ છે.

આ વિડીયો ઝડપથી વાયરલ થયો. અનેક સોશિયલ મીડિયા હેન્ડલોએ તેને શેર કર્યો અને NEET-UGની વિશ્વસનીયતા પર સવાલો ઉઠાવ્યા. સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે પણ આ વિડીયો પોતાના X હેન્ડલ પર શેર કરીને ‘NEET છે કે CHEAT?’ એવો સવાલ ઉઠાવ્યો અને કેન્દ્રની મોદી સરકાર તથા શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પર નિશાન સાધ્યું.

થોડા જ કલાકોમાં આર્યા સિંઘનો કેસ સમગ્ર NEET વિવાદનું પ્રતીક બની ગયો.

આ પછી NTAએ આર્યા સિંઘનાં નામ સાથે જાહેરમાં ફેક્ટચેક કરી નાખ્યું. એજન્સીએ જણાવ્યું કે OMR Challenge Window દરમિયાન ઉમેદવારને અસલી OMR ઈ-મેઈલ મારફતે મોકલવામાં આવી હતી અને વાયરલ કરવામાં આવેલી OMR તેની અસલી નકલ નહોતી. NTAના જણાવ્યા અનુસાર વાયરલ OMRમાં ઇન્વિજિલેટરની સહીનો સમય 3:45 PMમાંથી બદલીને 2:45 PM કરવામાં આવ્યો હતો. ઉપરાંત દસ્તાવેજમાં અન્ય ડિજિટલ ફેરફારો પણ જોવા મળ્યા હતા. NTAએ સ્પષ્ટ કહ્યું કે તેના રેકોર્ડ મુજબ આર્યા સિંઘનો 167 માર્ક્સનો સ્કોર જ સાચો છે અને સોશિયલ મીડિયા પર શેર કરાયેલી OMRમાં એડિટિંગ કરીને છેડછાડ કરવામાં આવી હતી.

‘660 માર્ક્સ મળવા જોઈએ હતા’ કહીને લક્ષ્ય સિંઘના પિતાએ લગાવ્યો આરોપ, તપાસમાં સામે આવી અલગ જ હકીકત

બીજો ચર્ચાસ્પદ કેસ લક્ષ્ય સિંઘનો હતો. આ વખતે આરોપ વિદ્યાર્થીએ નહીં પરંતુ તેના પિતા ડૉ. રાજેશ કુમાર સિંઘે જાહેરમાં મૂક્યો હતો. તેમણે X પર પોસ્ટ કરીને જણાવ્યું કે તેમના પુત્રની OMR પ્રમાણે 660 માર્ક્સ બનતા હતા, પરંતુ પરિણામમાં માત્ર 116 માર્ક્સ દર્શાવવામાં આવ્યા. તેમણે એવો પણ દાવો કર્યો કે તેમની પાસે OMR, ઈ-મેઈલ અને અન્ય તમામ દસ્તાવેજો છે, જે તેમની વાતને સમર્થન આપે છે.

આ પોસ્ટ પણ ઝડપથી વાયરલ થઈ અને NEET પરિણામમાં ગેરરીતિના વધુ એક પુરાવા તરીકે રજૂ કરવામાં આવી. અનેક લોકોએ NTA સામે ગંભીર સવાલો ઉઠાવ્યા.

પરંતુ NTAએ પોતાના ફેક્ટચેકમાં જણાવ્યું કે વાયરલ OMRમાં અસલી શીટ કરતાં વધારાના બબલ્સ ડિજિટલ રીતે ભરી દેવામાં આવ્યા હતા. એજન્સીના રેકોર્ડ મુજબ લક્ષ્ય સિંઘે કુલ 180માંથી માત્ર 54 પ્રશ્ન જ એટેમ્પટ કર્યા હતા, જેમાંથી 34 સાચા અને 20 ખોટા હતા. બાકીના 126 પ્રશ્ન એટેમ્પટ જ કરવામાં આવ્યા નહોતા. તેથી 116 માર્ક્સનો સ્કોર જ સાચો હોવાનું NTAએ સ્પષ્ટ કર્યું અને વાયરલ OMRને ડિજિટલ રીતે બદલાયેલી ગણાવી.

અભય યાદવે કહ્યું- માત્ર 5 પ્રશ્ન છોડ્યા હતા, NTAએ OMR અને કેલ્ક્યુલેશન શીટ જાહેર કરીને આપ્યો જવાબ

ત્રીજો કેસ અભય યાદવનો હતો. પરિણામ જાહેર થયાં બાદ તેણે વિડીયો જાહેર કરીને દાવો કર્યો કે તેને કુલ 634 માર્ક્સ મળવા જોઈતા હતા, પરંતુ પરિણામમાં તેને માત્ર 164 માર્ક્સ આપવામાં આવ્યા. પોતાના વિડીયોમાં તેણે એવો પણ દાવો કર્યો કે તેણે પરીક્ષામાં માત્ર પાંચ પ્રશ્ન જ એટેમ્પટ કર્યા નહોતા, છતાં પરિણામમાં એવું દર્શાવવામાં આવ્યું કે તેણે અનેક પ્રશ્નોના જવાબ આપ્યા જ નથી.

આ વિડીયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો અને ઘણા લોકોએ તેને NEET-UG 2026માં ગેરરીતિના વધુ એક પુરાવા તરીકે રજૂ કર્યો.

અભયના દાવા બાદ NTAએ તેના નામ સાથે જાહેર ફેક્ટચેક કર્યું. એજન્સીએ જણાવ્યું કે ઉમેદવારને OMR Challenge Window દરમિયાન તેની અસલી OMR ઈ-મેઈલ મારફતે મોકલવામાં આવી હતી અને તેના આધારે જ પરિણામ તૈયાર કરવામાં આવ્યું હતું. NTAના જણાવ્યા અનુસાર અભય યાદવે માત્ર પાંચ નહીં, પરંતુ કુલ 44 પ્રશ્ન એટેમ્પટ કર્યા જ નહોતા. OMR અને તેના આધારે તૈયાર થયેલી કેલ્ક્યુલેશન શીટ એકબીજા સાથે સંપૂર્ણપણે મેળ ખાતી હોવાનું એજન્સીએ જણાવ્યું. તેથી 164 માર્ક્સનો સ્કોર જ સાચો હોવાનું NTAએ સ્પષ્ટ કર્યું અને 634 માર્ક્સ મળવા જોઈતા હતાનો દાવો નકારી કાઢ્યો. સાથે જ એજન્સીએ ફરી ભારપૂર્વક જણાવ્યું કે સોશિયલ મીડિયા પર ફરતી OMR અને સત્તાવાર રેકોર્ડ વચ્ચે કોઈ સામ્ય નથી.

638 માર્ક્સનો દાવો કરનાર પ્રતિભા ત્રિવેદીએ તપાસની માંગ કરી, NTAએ કહ્યું- વાયરલ OMR જ અસલી નથી

ચોથો કેસ પ્રતિભા ત્રિવેદીનો હતો. તેણે દાવો કર્યો કે જ્યારે OMR Challenge Window દરમિયાન તેની OMR અપલોડ કરવામાં આવી હતી ત્યારે તેણે તેનો સ્ક્રીનશૉટ સાચવી રાખ્યો હતો. તેના જણાવ્યા અનુસાર સત્તાવાર આન્સર કીના આધારે તેના લગભગ 638 માર્ક્સ બનતા હતા, પરંતુ પરિણામ જાહેર થતાં તેને માત્ર 38 માર્ક્સ આપવામાં આવ્યા.

તેણે NTA અને શિક્ષણ મંત્રાલયને લેખિત રજૂઆત કરીને સમગ્ર મામલાની ફરી તપાસ કરવાની માંગ કરી હતી. સોશિયલ મીડિયા પર પણ આ કેસની ભારે ચર્ચા થઈ અને અનેક લોકોએ તેને NEET પરિણામમાં ગંભીર ગેરરીતિ તરીકે રજૂ કર્યો.

NTAએ આ કેસમાં પણ જાહેરમાં જવાબ આપ્યો. એજન્સીના જણાવ્યા અનુસાર ઉમેદવારને મોકલાયેલી અસલી OMR તેના રેકોર્ડ સાથે સંપૂર્ણપણે મેળ ખાતી હતી, જ્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી OMR ડિજિટલી બદલાયેલી હતી. એટલે કે એઆઈ દ્વારા બદલવામાં આવી હતી. NTAએ જણાવ્યું કે વાયરલ દસ્તાવેજ એજન્સીના રેકોર્ડમાં રહેલી OMR નહોતો અને તેના આધારે કરવામાં આવતો કોઈ પણ દાવો ભ્રામક હતો. તપાસ બાદ એજન્સીએ સ્પષ્ટ કર્યું કે પ્રતિભા ત્રિવેદીને મળેલા 38 માર્ક્સ જ સાચા છે અને પરિણામમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

‘મારા પુત્રની OMR બીજા ઉમેદવારની છે’ કહીને કોંગ્રેસ સુધી પહોંચ્યો અવનીશ શ્રીવાસ્તવનો કેસ

પાંચમો અને સૌથી વધુ ચર્ચાસ્પદ કેસ અવનીશ શ્રીવાસ્તવનો હતો. તેના પરિવારનો આરોપ હતો કે NTAએ તેમને જે OMR શીટ મોકલી હતી, તેમાં તેમના પુત્રનું નામ જ નહોતું. તેના સ્થાને ‘અજીત સિંઘ, પુત્ર લખન સિંઘ અને રીના સિંઘ’ નામના ઉમેદવારની વિગતો હતી. પરિવારનો આરોપ હતો કે OMR શીટ જ બદલી નાખવામાં આવી છે અને તેમના પુત્રનું મૂલ્યાંકન બીજા ઉમેદવારની OMRના આધારે કરવામાં આવ્યું છે. આ દાવાને કોંગ્રેસે પણ પોતાના સત્તાવાર X હેન્ડલ પરથી શેર કર્યો અને તેને ‘Re-NEETમાં પણ સ્કેમ’ ગણાવીને મોદી સરકાર તથા શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પર નિશાન સાધ્યું.

આ કેસમાં NTAએ સૌથી વિગતવાર ફેક્ટચેક રજૂ કર્યું. એજન્સીએ જણાવ્યું કે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવેલી OMRની ફોરેન્સિક તપાસ કરવામાં આવી હતી અને તે અસલી દસ્તાવેજ નહીં, પરંતુ ડિજિટલી બદલાયેલી અથવા AI આધારિત રીતે તૈયાર કરાયેલી તસવીર હોવાનું સામે આવ્યું. NTAએ જણાવ્યું કે વાયરલ OMRમાં ‘Roll No.’ના સ્થાને ‘Roll Ne’, ‘correctly filled’ના સ્થાને ‘correctly Nilled’, ‘OFFICE Copy’ના સ્થાને ‘OFFICF Copy’ જેવા સ્પષ્ટ ભાષાકીય અને ટેક્નિકલ દોષ જોવા મળ્યા હતા. ઉપરાંત અનેક જગ્યાએ અર્થહીન શબ્દો, ખોટા ફિલ્ડ લેબલ અને પ્રશ્ન નંબરિંગમાં ગડબડ પણ જોવા મળી હતી, જે AI આધારિત ડોક્યુમેન્ટ રિજનરેશનના સામાન્ય સંકેતો હોવાનું એજન્સીએ જણાવ્યું.

NTAએ વધુમાં જણાવ્યું કે વાયરલ OMRમાં દર્શાવવામાં આવેલ ‘અજીત સિંઘ’ નામના કોઈ ઉમેદવારનું અસ્તિત્વ જ NEET-UG 2026ના સમગ્ર ડેટાબેઝમાં નથી. એટલું જ નહીં, વાયરલ OMR અને અસલી OMRમાં ટેસ્ટ બુકલેટ નંબર, બારકોડ, બુકલેટ કોડ અને તમામ 180 જવાબોના શેડિંગ પેટર્ન એકસરખા હતા. જો OMR બીજી વ્યક્તિની હોત તો આ બધું એકસરખું હોઈ જ શકે નહીં. એજન્સીએ એ પણ જણાવ્યું કે અસલી OMRમાં અવનીશ શ્રીવાસ્તવનું નામ, માતા-પિતાના નામ, સહી અને અંગૂઠાની છાપ સ્પષ્ટ રીતે નોંધાયેલી છે અને તેનું મૂલ્યાંકન પણ એ જ OMRના આધારે કરવામાં આવ્યું હતું. તેથી OMR બદલાઈ હોવાનો સમગ્ર દાવો તથ્યવિહોણો હોવાનું NTAએ જણાવ્યું અને અવનીશનો જાહેર કરાયેલો 337 માર્ક્સનો સ્કોર જ સાચો હોવાનું સ્પષ્ટ કર્યું.

એક પછી એક વાયરલ થયેલા દાવાઓ બાદ NTAની ચેતવણી

આ પાંચેય કેસ જાહેર કર્યા બાદ NTAએ જણાવ્યું કે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આવા તમામ દાવાઓની તપાસ કરવામાં આવી રહી છે અને અત્યાર સુધી તપાસ માટે મોકલવામાં આવેલી ઘણી OMR શીટ ડિજિટલી બદલાયેલી અથવા AI દ્વારા તૈયાર કરાયેલી હોવાનું સામે આવ્યું છે. એજન્સીએ વિદ્યાર્થીઓ અને વાલીઓને માત્ર સત્તાવાર રીતે પ્રાપ્ત થયેલી અસલી OMR જ તપાસ માટે રજૂ કરવાની અપીલ કરી છે. સાથે જ ચેતવણી આપી છે કે બનાવટી અથવા AI દ્વારા તૈયાર કરાયેલા દસ્તાવેજો રજૂ કરવા કે પ્રસારિત કરવા સામે Public Examinations (Prevention of Unfair Means) Act, 2024 સહિતના લાગુ કાયદા હેઠળ કાર્યવાહી થઈ શકે છે.

NEET-UG 2026ના પરિણામ બાદ ઊભા થયેલા આ વિવાદમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા અનેક દાવાઓએ લાખો વિદ્યાર્થીઓમાં શંકા ઊભી કરી હતી. જોકે, NTAએ હવે એક પછી એક ઉમેદવારોનાં નામ સાથે જાહેરમાં જવાબ આપીને અને ટેક્નિકલ પુરાવા રજૂ કરીને પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી છે. આ જ બધા કેસોનો આધાર બનાવીને વિપક્ષી ઇકોસિસ્ટમે સરકારને ઘેરવા પ્રયાસ કર્યો હતો, પરંતુ આ વખતે પણ તે સફળ થઈ શકી નથી.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં