
રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાનું નામ પંજાબની ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી ‘પરમેનન્ટલી શિફ્ટેડ’ કેટેગરી હેઠળ દૂર કરવામાં આવ્યું છે. ચૂંટણી પંચના SIR હેઠળ બહાર પાડવામાં આવેલી યાદીમાં આ ફેરફાર સામે આવ્યો છે. આ યાદીમાં નામ રદ થતા પંજાબના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે.
ચઢ્ઢાએ આ બાબતને સત્તાધારી AAP સરકારનો ‘રાજકીય બદલો’ ગણાવ્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું કે તેઓ પંજાબમાંથી ચૂંટાયેલા રાજ્યસભા સાંસદ છે અને તેમનું વોટર આઈડી મોહાલીનું છે. આમ છતાં તેમનું નામ ‘શિફ્ટેડ’ દર્શાવીને યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યું છે.
AAP સરકારના અધિકારીઓ પર આરોપ
ચઢ્ઢાએ ખુલાસો કર્યો હતો કે મતદાર યાદીની સુધારણા પ્રક્રિયા ભલે ચૂંટણી પંચ હેઠળ થતી હોય, પરંતુ નીચલા સ્તરના BLOથી લઈને વરિષ્ઠ અધિકારીઓ સુધી તમામ પંજાબ શાસનના કર્મચારીઓ છે. આ અધિકારીઓ જાણે છે કે ચૂંટણી કામગીરી પૂરી થયા પછી તેમની બદલીઓ અને કરિયર પંજાબની AAP સરકારના હાથમાં જ છે, જેથી તેમના પર રાજકીય દબાણ બનાવીને આ પ્રકારનાં કામ કરાવવામાં આવી રહ્યાં છે.
તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે તેમનું નામ કઈ રીતે અને કોના કહેવાથી શિફ્ટેડ દર્શાવવામાં આવ્યું. ચઢ્ઢાના જણાવ્યા અનુસાર ચૂંટણી સુધારણા પ્રક્રિયામાં પંજાબ સરકારના જ અધિકારીઓ સામેલ હોય છે. આ અધિકારીઓની બદલી અને કરિયર રાજ્ય સરકારના હાથમાં હોવાથી AAP સરકાર પોતાની રાજકીય ક્ષુન્નતા કાઢવા માટે આ અધિકારીઓ પર દબાણ બનાવી રહી છે.
AAP છોડી તેથી થઈ રહી છે બદલાની રાજનીતિ
ઉલ્લેખનીય છે કેજરીવાલ અને તેમની પાર્ટીમાંથી મોહભંગ થતાં રાઘવ ચઢ્ઢા સહિતના રાજ્યસભા સાંસદો ભાજપમાં જોડાયા હતા. ચઢ્ઢાએ આક્ષેપ કર્યો હતો કે AAPમાંથી બહાર નીકળેલા નેતાઓ સામે પંજાબ પોલીસ અને રાજ્યના વહીવટીતંત્રને હથિયાર બનાવીને ઉતારી દેવામાં આવ્યાં છે અને મતદાર યાદીમાંથી નામ કાપવું એ તે જ ખુન્નસનું નવું ઉદાહરણ છે.
બીજી તરફ, આમ આદમી પાર્ટીએ આ તમામ આક્ષેપોને નકારી કાઢ્યા છે. AAP સરકારના પ્રવક્તાએ સ્પષ્ટતા કરી છે કે મતદાર યાદી તૈયાર કરવાનું કે સુધારવાનું કામ ચૂંટણી પંચનું (EC) હોય છે, જેમાં રાજ્ય સરકારની કોઈ ભૂમિકા હોતી નથી. તેથી મતદાર યાદીમાં નામ ઉમેરવાં કે ઘટાડવામાં સરકારનો કોઈ હાથ નથી.
રાઘવ ચઢ્ઢાએ સ્પષ્ટ કર્યું છે કે હાલમાં બહાર પડેલી યાદી માત્ર ‘ડ્રાફ્ટ’ છે અને પંજાબની મતદાર યાદી AAPની કોઈ ખાનગી મિલકત નથી. તેમણે નિયમો મુજબ વાંધા-અરજી દાખલ કરીને પોતાનું નામ પુનઃસ્થાપિત કરવાની કાનૂની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
ચૂંટણી નિયમો અનુસાર આ યાદીમાંથી નામ કપાવાથી ચઢ્ઢાના રાજ્યસભા સાંસદ પદને કોઈ ક્ષતિ પહોંચશે નહીં, કારણ કે 2003ના કાયદાકીય સુધારા મુજબ રાજ્યસભા સાંસદ માટે જે-તે રાજ્યનો મતદાતા હોવું ફરજિયાત નથી. આ સમગ્ર મામલે આખરી મતદાર યાદી ઑક્ટોબર 2026માં પ્રકાશિત થવાની શક્યતા છે.

