હોમપેજમિડિયાગુજરાત સમાચારે ફરી અંગ્રેજી અખબારનો તંત્રીલેખ ઉઠાંતરી કરીને છાપ્યો, આ વખતે 'ધ...

ગુજરાત સમાચારે ફરી અંગ્રેજી અખબારનો તંત્રીલેખ ઉઠાંતરી કરીને છાપ્યો, આ વખતે ‘ધ હિન્દુ’નો વારો

ગયા વર્ષે ગુજરાત સમાચારે 'બિઝનેસ સ્ટાન્ડર્ડ'નો એક તંત્રીલેખ ઉઠાવીને, ગુજરાતીમાં છાપી માર્યો હતો. આ વખતે અખબાર 'ધ હિન્દુ'નો વારો આવ્યો છે.

- Advertisement -

હેડલાઇનોમાં મોદીવિરોધી પ્રોપગેન્ડા ચલાવવામાં અને ધરાર સરકાર સામે મુદ્દા ઊભા કરવામાં વ્યસ્ત રહેતા ‘ગુજરાત સમાચાર’ના તંત્રીઓને તંત્રીલેખ લખવા માટેનો સમય રહેતો નથી એટલે ઉઠાંતરી કરવી પડે છે. અગાઉ ગુજરાત સમાચારે ‘બિઝનેસ સ્ટાન્ડર્ડ’નો એક તંત્રીલેખ ઉઠાવીને, હિન્દીમાંથી ગુજરાતીમાં ભાષાંતર કરીને છાપી માર્યો હતો એ ઘટના ઑપઇન્ડિયાના વાચકો જાણતા હશે. હવે ફરી આવું થયું છે. આ વખતે માત્ર અખબાર બદલાઈ ગયું છે. ગત વખતે ‘બિઝનેસ સ્ટાન્ડર્ડ’ હતું, આ વખતે ‘ધ હિન્દુ’નો વારો ચડ્યો છે!

17 ઑગસ્ટના ‘ગુજરાત સમાચાર’ના તંત્રીલેખનું શીર્ષક છે– ‘વર્ષા સત્રનું સરવૈયું.’ સંસદનું ચોમાસું સત્ર 13 ઑગસ્ટે પૂરું થયું એમાં કેટલું કામકાજ થયું અને કેટલું રાજકારણ થયું એ લેખનો મૂળ વિષય છે.

લેખ વાંચો એટલે પહેલી નજરે સમજાય એમ છે કે આ હિન્દી કે અંગ્રેજી લખાણનું નબળું ભાષાંતર છે. ભાષાંતર ઓળખવાનો સરળ માર્ગ એ છે કે આવા લખાણમાં અલ્પવિરામો આડાંઅવળાં થઈ જાય છે. ભાષાંતર કરતાં મશીનો કે એઆઈ ટૂલ હજુ એટલાં સક્ષમ થયાં નથી કે અલ્પવિરામ યોગ્ય ઠેકાણે મૂકી શકે. ભાષા પણ બહુ બનાવટી હોય એટલે નજરે ચડ્યા વગર રહે નહીં.

- Advertisement -

આમાં પણ એમ જ થયું છે.

‘ગુજરાત સમાચાર’નો મોટાભાગનો તંત્રીલેખ વાસ્તવમાં ‘ધ હિન્દુ’ના એક લેખના ભાષાંતરનું ભાષાંતર છે!

15 ઑગસ્ટે ‘ધ હિન્દુ’એ એક તંત્રીલેખ લખ્યો હતો, જેનું શીર્ષક છે– ‘હાઉસ ઇન ડિસઓર્ડર: ઓન ધ મોન્સૂન સેશન ઑફ પાર્લિયામેન્ટ.’

પછીથી આ લેખનું એક હિન્દી ભાષાંતર પણ થયું અને એ પણ ‘ધ હિન્દુ’એ જ કર્યું છે. તેનું શીર્ષક છે– ‘અવ્યવસ્થા મેં સદન: સંસદ કા માનસૂન સત્ર.’

વિષયવસ્તુ પર હમણાં ન જઈએ તોપણ આ બંને લેખ વાંચો અને ‘ગુજરાત સમાચાર’નો લેખ વાંચો તો સમજાશે કે ગુજરાત સમાચારે સીધો લેખ ઉઠાવીને ગુજરાતીમાં (નબળું) ભાષાંતર કરીને છાપી માર્યો છે અને વચ્ચે એક ફકરો ઉમેરી દીધો છે.

અંગ્રેજી લેખનું સીધું ભાષાંતર હિન્દીમાં થયું છે. બંને એક જ સંસ્થાએ કર્યું એટલે સમજી શકાય એમ છે. પણ ગુજરાત સમાચારના તંત્રીલેખમાં સીધું હિન્દીમાંથી ભાષાંતર કરવામાં આવ્યું છે. વચ્ચે એક ફકરો અલગથી ઉમેરાયો છે. એ ગુજરાત સમાચારના લેખકે પોતે લખ્યો છે કે તેનું ઉદગમસ્થાન પણ ક્યાંક બીજે છે એ અલગ સંશોધનનો વિષય છે.

વળી અંતભાગ એ જ છે જે ‘ધ હિન્દુ’ના લેખમાં છે. અંતે એક-બે લીટી ગુજરાત સમાચારે બહારની ઉમેરી છે. પણ એનો કોઈ નિષ્કર્ષ નીકળતો નથી! ‘ધ હિન્દુ’ના અંગ્રેજી અને હિન્દી લેખોના વિષયવસ્તુ, ક્રમ, દલીલો, ભાષા, નિષ્કર્ષ– આ બધું જ સીધું ‘ગુજરાત સમાચાર’ના લેખમાં લઈ લેવાયું છે.

ગુજરાત સમાચારે જે ભાષાંતર કર્યું છે એ કેટલું નબળું છે એનો આ એક નમૂનો છે:

‘ખાણકામના નિયમોમાં આ સુધારો રાજ્યો અને સ્થાનિક સમુદાયોના ભોગે ઉતાવળમાં કાયદા ઘડવા અને કેન્દ્ર સરકારની સત્તાઓના સતત વિસ્તરણની કમનસીબ પેટર્નને ચાલુ રાખે છે.’

વિષયવસ્તુ પર જઈએ તોપણ ‘ધ હિન્દુ’એ તેની ઓળખ પ્રમાણે જ જે વિપક્ષના ઉત્પાત અને હોબાળાના કારણે સંસદનું સત્ર સતત અવરોધાતું રહ્યું અને એક પછી એક બેઠકો સ્થગિત થતી રહી તેને દોષ આપવાના સ્થાને ગોળગોળ ફેરવીને આખરે સરકાર પર જ દોષ નાખી દીધો છે. સ્પષ્ટ તરીકે લખવામાં આવ્યું નથી કે વિપક્ષે હવે સમજવાની જરૂર છે.

ગુજરાત સમાચારને આ વિષય પસંદ પડે એ દેખીતી વાત છે. અંગ્રેજીમાં જે કામ ‘ધ હિન્દુ’ કરે છે એ જ ગુજરાતીમાં ‘ગુજરાત સમાચાર’નું છે. પણ કઠણાઈ એ છે કે ગુજરાત સમાચાર પોતે લખી શકતું નથી એટલે કાયમ ઉઠાંતરી પર આધાર રાખવો પડે છે.

ગુજરાત સમાચારે વર્ષ પહેલાં પણ આ જ કર્યું હતું!

આવું જ વર્ષ પહેલાં એક તંત્રીલેખમાં થયું હતું. ગુજરાત સમાચારે ‘બિઝનેસ સ્ટાન્ડર્ડ’નો એક તંત્રીલેખ હિન્દીમાંથી ગુજરાતી કરીને સીધો છાપી માર્યો હતો.

ઑપઇન્ડિયાએ ‘બિઝનેસ સ્ટાન્ડર્ડ’નો સંપર્ક કર્યો ત્યારે જાણવા મળ્યું કે બંને વચ્ચે કોઈ પ્રકારનું ટાઈ-અપ પણ નથી કે ન અખબારે ‘ગુજરાત સમાચાર’ને પોતાની સામગ્રી ઉઠાવવાની અને છાપવાની પરવાનગી આપી હતી.

સામાન્ય રીતે અખબારો એકબીજાની સામગ્રી ઉઠાવે એવું બનતું નથી. ઘણી વખત વિદેશી અખબારો સાથે ભારતનાં અખબારોનું ટાઈ-અપ હોય છે પણ એવા કિસ્સામાં સ્પષ્ટપણે લખવામાં આવે છે. એમાં પણ તંત્રીલેખો ક્યારે શૅર થતા નથી. એક જ સંસ્થાનાં બે અખબારો કે બે જુદી-જુદી ભાષાનાં આઉટલેટ ભાષાંતર કરે એ તો સ્વાભાવિક છે. પણ તંત્રીલેખો આ રીતે વહેંચાતા નથી.

‘ગુજરાત સમાચાર’ અને ‘ધ હિન્દુ’ વચ્ચે આવું કોઈ ટાઈ-અપ છે કે નહીં એની જાણ નથી, હોય તો એ સ્પષ્ટતા કરવી જોઈએ. અન્યથા આ અંગ્રેજી અખબારોની જ લિન્ક આપી દેવી જોઈએ, જેથી વાચકો સીધું ત્યાં જઈને વાંચી લે અને ગુજરાત સમાચારના પત્રકારોએ એટલી મહેનત ઓછી કરવી પડે! વાચકોના માથે નબળાં, બનાવટી ભાષાંતર ન મરાય એ નફામાં!

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં