અખબારી સંશોધન અહેવાલો લખવા-વાંચવામાં ખોટું કશું નથી, પણ તેમાં સંશોધન કેટલું છે, તેમાંથી સ્પષ્ટ રીતે દેખીતી બાબતો કેટલી અને કઈ છે અને નિષ્કર્ષ શું નીકળે છે અને કયા નિષ્કર્ષો અહેવાલ લખનારે પોતાની રીતે કાઢ્યા છે– આ બધું જોવું પણ જરૂરી છે. જટિલ બાબતોને સરળ કરીને સમજાવવામાં આવે ત્યારે સમજાવનાર તેમાં શું ઉમેરે છે, શું બાકી રાખે છે અને પોતાની રીતે કેટલા નિષ્કર્ષો આપે છે એ પણ જોવાનું રહે. ઇન્ડિયન એક્સપ્રેસ અખબારે છાપેલા અને દિવસભર ચર્ચામાં રહેલા ચૂંટણી પંચ અને ચૂંટણી કમિશનરો વચ્ચેના કથિત મતભેદો અને વિખવાદના સમાચારમાં આ જ જોવું જરૂરી છે.
‘ઇન્ડિયન એક્સપ્રેસ’ની બુધવારની (23 સપ્ટેમ્બર) આવૃત્તિમાં સમાચાર પ્રકાશિત થયા. વેબસાઈટ પર તેનું શીર્ષક છે– ’14 ટાઈમ્સ ઇન ટેન મન્થ્સ, ટૂ ઈલેક્શન કમિશનર્સ ઓબ્જેક્ટેડ ઓન રેકોર્ડ ટૂ પોલ પેનલ સ્ટેપ્સ.’ ગુજરાતી કરીએ તો કહેવાય કે છેલ્લા દસ મહિનામાં 14 વખત બે ઈલેક્શન કમિશનરોએ ચૂંટણી પંચના અમુક નિર્ણયો અને પગલાં સામે સત્તાવાર રીતે વાંધો નોંધાવ્યો.

રિપોર્ટમાં શું છે અને શું નહીં એ પછી ચર્ચા કરવાનો વિષય છે પણ આ રિપોર્ટને વિપક્ષી પાર્ટીઓએ કઈ રીતે રજૂ કર્યો એ પણ જોવાનું રહે.
2024ની લોકસભા ચૂંટણી પછી કોંગ્રેસ અને એક રીતે આખો વિપક્ષ ગમે તેમ કરીને ચૂંટણી પંચની વિશ્વસનીયતા તળિયે બેસાડી દેવા માટે ધરતી-આકાશ એક કરી રહ્યો છે. એ પણ વક્રતા છે કે 2024 પહેલાં અને 2024 પછી થયેલી ઘણી ચૂંટણીમાં વિપક્ષો જીત્યા છે. આ જ વ્યવસ્થા અને આ જ ચૂંટણી પંચ હેઠળ થતી ચૂંટણીમાં જીત્યા છે, પણ તેમ છતાં કમિશન ભાજપ સાથે મળીને, કેન્દ્ર સરકાર સાથે મળીને ચૂંટણી પ્રક્રિયામાં ગડબડ, ગેરરીતિ કરી રહ્યું છે એવો એક વ્યવસ્થિત નરેટિવ પ્રસ્થાપિત કરવાનો ખેલ ચાલે છે. રાહુલ ગાંધી ‘વોટ ચોરી’નું તૂત લાવ્યા હતા એ આ જ ખેલનો ભાગ હતું.
આ રિપોર્ટ આવ્યા પછી ફરી એક વખત વિપક્ષે કહેવાનું ચાલુ કર્યું કે તેઓ જે કહેતા હતા એ હવે અખબારોના સંશોધનમાં પણ બહાર આવી રહ્યું છે. ચૂંટણી પંચના મુખ્ય કમિશનર જ્ઞાનેશ કુમાર મનસ્વી રીતે નિર્ણયો લઈ રહ્યા છે અને સ્વયં બાકીના બે કમિશનરો પણ તેમની સાથે સહમત નથી. ચૂંટણી પંચની વ્યવસ્થા પડી ભાંગી છે.
પણ વાસ્તવિકતા શું છે?
તે પહેલાં એ જોઈએ કે એક્સપ્રેસનો રિપોર્ટ શું કહે છે.
રિપોર્ટમાં કહેવાયું છે કે ચૂંટણી પંચના ત્રણ કમિશનરોમાંથી બે કમિશનરો સુખબીર સિંઘ સંધુ અને વિવેક જોશીએ 10 મહિનામાં 14 વખત લેખિતમાં અમુક નિર્ણયો સામે વાંધો ઉઠાવ્યો છે કે અલગ મત રજૂ કર્યો છે અને અમુક નિર્ણયોને ગેરકાયદેસર અને અનઅધિકૃત ગણાવ્યા છે. જેમાં મતદાર યાદી, ફોર્મ 6, સોફ્ટવેર, નામ ઉમેરવા-કાઢવા અને અન્ય વહીવટી મુદ્દાઓ સામેલ છે.
અહીં એટલી સ્પષ્ટતા હોવી આવશ્યક છે કે આવી મોટી સંસ્થામાં બે માણસોના મત અલગ પડે એ વાત સામાન્ય બાબત છે. દરેક સંસ્થામાં જોવા મળે છે. સુપ્રીમ કોર્ટમાં બે જજોના નિર્ણયો અલગ હોય શકે. ઇન ફેક્ટ આજે જ અને ચૂંટણી પંચને લગતા એક કેસમાં જ એવું બન્યું છે. તમામ ન્યાયાધીશો એકમત ન થઈ શક્યા અને મામલો ઉપલી બેન્ચને મોકલાયો. દરેક કિસ્સામાં એવું થતું નથી. બહુમતી જજો એકમત ધરાવતા હોય તો અમુક જજો વિરોધમાં હોય તોય ચુકાદા પસાર થાય છે.
ચૂંટણી પંચે પણ આ જ વાત પોતાની પ્રેસ રિલીઝમાં સમજાવી છે. કમિશન કહે છે કે પોતે એક મલ્ટી-મેમ્બર કોન્સ્ટિટ્યુશનલ બોડી છે. એટલે તેમાં સલાહ-સૂચનો, આંતરિક મતભેદો બધું સામાન્ય છે. અંતિમ નિર્ણય લેવાય તે પહેલાં કમિશનરો અને અધિકારીઓ વચ્ચે પરામર્શ થાય અને અંદરોઅંદર પ્રશ્નો ઉઠે એ સ્વાભાવિક છે અને પ્રક્રિયાનો હિસ્સો છે.
એટલે અમુક બાબતે કમિશનરોએ અલગ મત વ્યક્ત કર્યા હોય તો તેનો અર્થ એ ન કરી શકાય કે ચૂંટણી પંચમાં સંસ્થાકીય ભંગાણ સર્જાયું છે.
ફોર્મ 6, ડિજિટલ ડેટાબેઝ અને ઑપઇન્ડિયાનું ફેક્ટચેક
ફોર્મ 6 વિશે એક્સપ્રેસના રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે નવા મતદારો માટેના આ ફોર્મમાં અગાઉની SIRની યાદીમાં અરજદારના માતા-પિતા કે દાદા-દાદીનું નામ હતું કે નહીં તેનો સવાલ ઉમેરાયો હતો. કમિશનર વિવેક જોશીનું માનવું હતું કે ફોર્મમાં આ રીતે કમિશન ફેરફાર ન કરી શકે. એવો જ મત પછીથી સુખબીર સિંઘ સંધુએ રજૂ કર્યો.
પરંતુ આ એક વાત થઈ. કોઈએ અલગ મત રજૂ કર્યો એ અને ચૂંટણી પંચે ગેરકાયદેસર રીતે ફોર્મ બદલી નાખ્યું એ– બંને અલગ ચીજ છે. નિયમોનું ઉલ્લંઘન થયું હોય તો કયો નિયમ તૂટ્યો, ફેરફાર કયા સંજોગોમાં થયો, કાયદાકીય પ્રક્રિયા શું કહે છે અને ઉલ્લંઘન થયું તો કઈ રીતે થયું– આનો કોઈ ઉલ્લેખ રિપોર્ટમાં નથી. માત્ર ઇન્ટર્નલ નોટમાં ‘ઇલીગલ’ લખાયું હોય તેનાથી નિર્ણય સીધો ગેરકાયદેસર બની જતો નથી.
એક મુદ્દો મતદાર યાદીના ડિજિટલ ડેટાબેઝના કેન્દ્રીકરણ અંગેનો છે. બે કમિશનરોએ રાજ્યના અધિકારીઓને પૂરતું ઍક્સેસ ન મળતું હોવાની ચિંતા વ્યક્ત કરી હોવાનું અહેવાલમાં લખવામાં આવ્યું છે. પણ અહીં પણ બે બાબતો ભેગી કરી દેવાઈ છે– સોફ્ટવેરનું સેન્ટ્રલાઇઝેશન એ સત્તાનું કેન્દ્રીકરણ નથી. બંને અલગ બાબત છે. મતદાર યાદી માટે એક જ ડિજિટલ સિસ્ટમ હોય એ પણ અસામાન્ય બાબત નથી. મૂળ પ્રશ્ન એ છે કે ERO કે DEO પાસેથી કાયદાકીય સત્તા લઈ લેવામાં આવી છે? જેનો જવાબ છે– ના.
EXCLUSIVE GROUND CHECK | EROs On Record: No Lockout, No Remote Control From Delhi
— OpIndia.com (@OpIndia_com) September 23, 2026
Officers spoken to by OpIndia’s @RitikaChandola said their ECINet access was never withdrawn and that deletion orders continued to rest with the ERO, challenging a central claim in the Indian… pic.twitter.com/UzwNjxHENP
ચૂંટણી પંચે પણ સ્પષ્ટતા કરી છે કે તમામ અધિકારીઓ પાસે પૂરતી સત્તા છે. એટલે તમામ સંચાલન દિલ્હીથી થાય છે અને અધિકારીઓની સત્તા ઘટી રહી છે તેવું પણ નથી. ઑપઇન્ડિયાએ પછીથી અમુક EROનો સંપર્ક કર્યો ત્યારે તેમણે આ તમામ દાવા નકારી કાઢ્યા કે ન એવું કહ્યું કે દરેક ફેરફાર માટે દિલ્હીની મંજૂરી જરૂરી હોય છે. ECI વેબસાઈટે અધિકારીઓની જવાબદારી પણ પોતાની પાસે લઈ લીધી હોવાનો દાવો પણ નકારી દીધો.
એક્સપ્રેસના રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે ગોવામાં SIR દરમ્યાન એક ઠેકાણે EROએ દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ 97 મતદારોને યોગ્ય ઠેરવ્યા હતા પણ સોફ્ટવેરમાં આ નિર્ણય નોંધવાની સુવિધા સમયસર ઉપલબ્ધ ન થઈ અને આ 97 લોકો અંતિમ મતદાર યાદીમાં સમાવેશિત ન થયા.
આ ટેકનિકલ ભૂલ કહેવાય. બહુ બહુ તો વહીવટી ભૂલ કહેવાય. પણ સોફ્ટવેરમાં ખામી સર્જાઈ એટલે EROની સત્તાનું કેન્દ્રીકરણ કરીને બધું સંચાલન દિલ્હીથી થયું એવું સાબિત નથી થતું. જો એવું હોય તો EROનો નિર્ણય કોણે રોક્યો, કઈ સત્તા હેઠળ રોક્યો અને નિર્ણય લેવાની અંતિમ સત્તા કોના હાથમાં હતી– આ પણ દર્શાવવું પડે.
એક્સપ્રેસે કહ્યું છે કે 30 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ડ્રાફ્ટ વોટર રોલમાંથી 13 કરોડ નામ હટાવી દીધાં છે. આંકડો બહુ મોટો લાગે પણ અહીં ‘ડ્રાફ્ટ રોલ’ શબ્દ છે. ડ્રાફ્ટમાં નામ ન હોય એટલે માણસનું નામ કાયમી રીતે કમી થતું નથી. મતદાર યાદીના સઘન પરીક્ષણ દરમ્યાન મૃત્યુ પામેલા, એકથી વધુ સ્થળે નોંધાયેલા અને સ્થળાંતર કરી ચૂકેલા મતદારોને અલગ તારવવામાં આવે છે. પહેલાં ડ્રાફ્ટ બને છે, ચોક્કસ પ્રક્રિયા થાય છે અને આખરે અંતિમ યાદી બહાર પાડવામાં આવે છે. તમામને નોટિસ આપીને પક્ષ મૂકવાનો સમય અને તક આપવામાં આવે છે. એટલે 13 કરોડ ડ્રાફ્ટ સ્ટેજનો આંકડો છે, 13 કરોડ લોકો મતદાનનો હક ગુમાવી ચૂક્યા હોય એવું નથી. એ પણ એક હકીકત છે કે આટલાં રાજ્યોમાં SIR થઈ પણ એક પણ કિસ્સો એવો આવ્યો નથી જેમાં કોઈ વ્યક્તિએ સામે આવીને કહ્યું હોય કે પોતે લાયક હોવા છતાં તેમનું નામ મતદાર યાદીમાં ઉમેરવામાં નથી આવ્યું.
Official Press Note pic.twitter.com/xIQvXHqMSt
— Election Commission of India (@ECISVEEP) September 23, 2026
ઈલેક્શન કમિશને એક અગત્યની બાબત પર ધ્યાન દોરતાં કહ્યું કે માત્ર ઈન્ટરનલ નોટ, અન્ય કમ્યુનિકેશન કે મતભેદોને હાઈલાઈટ કરવાથી અધૂરું ચિત્ર ઉપસે છે. એ પણ જોવું પડે કે આટલા સમયમાં ઈલેક્શન કમિશને કેટલા નિર્ણયો કર્યા, કેટલી ચૂંટણી કરાવી. આ બધા જ નિર્ણયો સર્વાનુમતે લેવાયા હતા. એટલે ડ્રાફ્ટ સ્ટેજ પર મતભેદો સર્જાય એ સ્વાભાવિક છે પણ પછીથી સર્વાનુમતે નિર્ણયો પણ લેવાય છે.
એટલે એક્સપ્રેસના રિપોર્ટ પરથી માત્ર એટલું તારણ કાઢી શકાય કે ચૂંટણી પંચના ત્રણ કમિશનરોમાં અમુક બાબતોએ મતભેદો છે. પણ એ કોઈ પણ મોટી સંસ્થામાં બહુ સામાન્ય બાબત છે. મૂળ પ્રશ્ન એ હોવો જોઈએ કે આ મતભેદોના કારણે શું આખી સંસ્થાની વ્યવસ્થા ખોરવાઈ રહી છે કે સંસ્થા મૂળ ઉદ્દેશ્યથી દૂર થઈ રહી છે કે તેમાં ભંગાણ સર્જાઈ રહ્યું છે? તમામનો જવાબ નકારમાં છે પણ એક ઇકોસિસ્ટમ મારી-મચેડીને અલગ તારણ પર જવા માગે છે. આપણને પણ સાથે લઈ જવા માગે છે.


