2028 સુધીમાં ગુજરાતને ડ્રગ્સમુક્ત બનાવીશું: ગૃહ પ્રધાન શાહ, 1 ડિસેમ્બરથી શરૂ થશે ટોલ ફ્રી હેલ્પલાઈન

ગુજરાતમાં ડ્રગ્સની હેરાફેરીને નાથવા માટે રાજ્યવ્યાપી અભિયાનની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં એક જાહેર કાર્યક્રમ દરમિયાન ગુજરાતને 31 ડિસેમ્બર, 2028 સુધીમાં સંપૂર્ણ રીતે ડ્રગ્સમુક્ત બનાવવાનો લક્ષ્યાંક જાહેર કર્યો છે. સમગ્ર દેશ માટે કેન્દ્ર સરકારે 2029ની સમયમર્યાદા નક્કી કરી છે, પરંતુ ગુજરાત આ સિદ્ધિ એક વર્ષ વહેલી હાંસલ કરે તેવો આગ્રહ રાખવામાં આવ્યો છે.

આ અભિયાનને સફળ બનાવવા માટે 1 ડિસેમ્બરથી રાજ્યમાં ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 1033 અને આધુનિક કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવશે. આ નંબર પર કોઈપણ નાગરિક ડ્રગ્સના વેચાણ, હેરાફેરી કે સેવન સંબંધિત માહિતી આપી શકશે. સરકાર તરફથી ખાતરી આપવામાં આવી છે કે માહિતી આપનાર વ્યક્તિની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે અને મળેલી ફરિયાદ પર માત્ર ત્રણ કલાકની અંદર જ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.

‘ડ્રગ્સના નેટવર્કને તોડવું આવશ્યક’

અમિત શાહે જણાવ્યું હતું કે ડ્રગ્સ એ માત્ર કાયદો અને વ્યવસ્થાની બાબત નથી, પરંતુ દેશના યુવાનોના ભવિષ્ય અને રાષ્ટ્રીય સુરક્ષા માટે પણ મોટો ખતરો છે. વધુમાં તેમણે ઉમેર્યું કે નશાની લત યુવાનોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચાડે છે. આ ઉપરાંત, ડ્રગ્સના ગેરકાયદેસર વેપારથી મળતા નાણાંનો ઉપયોગ આતંકવાદી પ્રવૃત્તિઓમાં થતો હોવાથી તેના સમગ્ર નેટવર્કને તોડી પાડવું અત્યંત જરૂરી બન્યું છે.

કેન્દ્રીય ગૃહમંત્રીના જણાવ્યા અનુસાર નશાના આ કારોબારને જડમૂળથી ઉખાડી ફેંકવા માટે માત્ર નાના વેપારીઓ કે પેડલર્સ નહીં, પરંતુ તેના મુખ્ય સંચાલકો અને હેન્ડલરો સુધી પહોંચવા કડક સૂચના આપવામાં આવી છે. અમદાવાદ ખાતે યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં ડ્રગ્સના વેપારથી કમાયેલા ગેરકાયદેસર નાણાંની તપાસ કરવા અને દોષિતોની સંપત્તિ જપ્ત કરવાની કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સરહદી દળો વચ્ચે પણ સંકલન સાધવાની યોજના

નોંધનીય છે કે ગુજરાતનો દરિયાકિનારો આશરે 2,340 કિલોમીટર લાંબો છે અને રાજ્ય પાકિસ્તાન સાથે આંતરરાષ્ટ્રીય સરહદ પણ ધરાવે છે. આ ભૌગોલિક સ્થિતિને ધ્યાનમાં રાખીને સરહદી સુરક્ષા વધુ મજબૂત કરવા માટે BSF, રાજ્ય પોલીસ, કોસ્ટ ગાર્ડ અને કેન્દ્રીય એજન્સીઓ વચ્ચે સુમેળ અને સંકલન વધારવાની યોજના બનાવવામાં આવી છે.

આ ઉપરાંત ડ્રગ્સ સામેની આ લડાઈમાં નશાની લતમાં ફસાયેલા યુવાનો માટે સારવાર અને રિહેબિલિટેશન કેન્દ્રોની સુવિધા પણ પૂરી પાડવામાં આવશે. શાળાઓમાં શિક્ષકોને વિદ્યાર્થીઓના વર્તન પર ધ્યાન આપવા અપીલ કરવામાં આવી છે. જો કોઈ વિદ્યાર્થીમાં એકાગ્રતાની કમી કે અન્ય ફેરફારો દેખાય તો તેના વાલીઓને જાણ કરી યોગ્ય તપાસ અને તબીબી સલાહ લેવા કહેવામાં આવ્યું છે.

વધુમાં વાલીઓને પણ ખાસ વિનંતી કરવામાં આવી છે કે જો તેમનું સંતાન નશાની લતમાં ફસાયું હોય તો સામાજિક બદનામીના ડરથી આ વાત છુપાવવી ન જોઈએ. જે રીતે અન્ય બીમારીઓની સારવાર માટે હોસ્પિટલ જવાય છે તેમ નશામાંથી મુક્તિ મેળવવા માટે પણ સારવાર લેવી જોઈએ. સરકાર આવા યુવાનોની ઓળખ ગુપ્ત રાખીને તેમને પુનર્વસન કેન્દ્રો દ્વારા મદદ કરશે.

ગૃહમંત્રી શાહે જણાવ્યું કે ડ્રગ્સમુક્ત ગુજરાત બનાવવાનું આ લક્ષ્ય માત્ર સરકાર કે પોલીસ એજન્સીઓ એકલી પૂરી કરી શકે નહીં, તેમાં સામાન્ય નાગરિકોની ભાગીદારી પણ એટલી જ મહત્વપૂર્ણ છે. પરિવાર, શાળા અને સમાજે સાથે મળીને જાગૃત રહેવું પડશે.