હોમપેજરાજકારણECI સાથે બેઠકની પ્રક્રિયા હતી, મેમોરેન્ડમ લેવાની ઓફર હતી, છતાં ઉત્પાત મચાવ્યો:...

ECI સાથે બેઠકની પ્રક્રિયા હતી, મેમોરેન્ડમ લેવાની ઓફર હતી, છતાં ઉત્પાત મચાવ્યો: રાહુલ ગાંધી માટે મુદ્દો નહીં, હોબાળો જ રાજકારણ છે

જ્યાં બેઠક માટેની પ્રક્રિયા પણ છે, મેમોરેન્ડમ સ્વીકારવાનો વિકલ્પ પણ છે અને છતાં પસંદગી રસ્તા પરના હોબાળાની થાય, ત્યાં મુદ્દો શું છે એ કરતાં રાજકારણ કેવી રીતે કરવું છે એ વધુ સ્પષ્ટ થાય છે. રાહુલ ગાંધી માટે આ જ રાજકારણ છે. પ્રશ્નનો જવાબ શોધવાનો નહીં, પ્રશ્નને એટલો મોટો બનાવવાનો કે જવાબ પાછળ રહી જાય.

- Advertisement -

રાહુલ ગાંધીના રાજકારણમાં હવે એક બાબત સમજવી બહુ મુશ્કેલ રહી નથી. તેમના રાજકારણમાં મુદ્દો ઉકેલવા માટે નથી આવતો, હોબાળો કરવા માટે આવે છે. ચૂંટણી પંચ સામે 6 ઑક્ટોબરે થયેલું નાટક પણ એ જ રાજકારણનું વધુ એક ઉદાહરણ છે. કૂચ થઈ, પોલીસ સાથે ઘર્ષણ થયું, બેરિકેડ પર ચઢવાનાં દૃશ્યો આવ્યાં, આકાશવાણી ભવનમાં ધરણાં થયાં અને આખા દિવસનો રાજકીય સંદેશ એવો બનાવવામાં આવ્યો કે જાણે ચૂંટણી પંચ વિપક્ષના સાંસદોને મળવા તૈયાર જ નહોતું. પરંતુ રાત્રે ચૂંટણી પંચની છ મુદ્દાની પ્રેસ રિલીઝ બહાર આવી અને દિવસભર જે વાતને લઈને હોબાળો કરવામાં આવ્યો હતો તેની અંદરની હકીકતો પણ સામે આવી ગઈ.

કારણ કે વાત અહીંથી રસપ્રદ બને છે. સાંજે ચાર વાગ્યા સુધી કોઈ રાજકીય પક્ષે પોતાના પ્રતિનિધિ મારફતે ચૂંટણી પંચ સાથે મુલાકાત માટે ઔપચારિક સમય માગ્યો નહોતો. ચાર વાગ્યા પછી દિલ્હી પોલીસ મારફતે ચૂંટણી પંચને જાણ થઈ કે રાહુલ ગાંધીના નેતૃત્વમાં સાંસદોનું પ્રતિનિધિમંડળ પંચને મળવા અને મેમોરેન્ડમ આપવા માગે છે. એટલે જે મુલાકાતને લઈને દિવસભર એવો માહોલ બનાવવામાં આવ્યો કે જાણે ચૂંટણી પંચે વિપક્ષ માટે પોતાના દરવાજા બંધ કરી દીધા હતા, તેની ઔપચારિક શરૂઆત જ સાંજે ચાર વાગ્યા પછી થઈ હતી.

હવે અહીં એક વાત ધ્યાનમાં લેવી જરૂરી છે. ચૂંટણી પંચ કોઈ ચાની કીટલી નથી કે 240 લોકોનો કાફલો લઈને પહોંચ્યા અને અધિકારી બહાર આવીને તરત બેઠક ગોઠવી દે. બંધારણીય સંસ્થા સાથે રાજકીય પક્ષોની મુલાકાત માટે પ્રક્રિયા હોય છે. ચૂંટણી પંચે જણાવ્યું કે 2025માં રાજકીય પક્ષો સાથે બેઠકો માટે પ્રક્રિયા નક્કી કરવામાં આવી હતી અને તમામ પક્ષોને તેની જાણ કરવામાં આવી હતી. કોઈ પક્ષ કે અનેક પક્ષોનું સંયુક્ત પ્રતિનિધિમંડળ મળવા માગે તો તેના અધિકૃત પ્રતિનિધિ મારફતે સમય માગવાનો અને બંને પક્ષની અનુકૂળતા પ્રમાણે બેઠક નક્કી કરવાની વ્યવસ્થા છે. આ કોઈ રાહુલ ગાંધી માટે ખાસ બનાવેલો નિયમ નથી.

- Advertisement -

તો પછી ચાર વાગ્યા સુધી રાહ શા માટે? જો ચૂંટણી પંચ સાથે વાત કરવી જ હતી તો એક અધિકૃત પ્રતિનિધિ મારફતે સમય માગવામાં શું અડચણ હતી? મુલાકાતની પ્રક્રિયા પહેલેથી નક્કી હતી, રાજકીય પક્ષોને તેની જાણ હતી અને ચૂંટણી પંચે પોતે 2025 દરમિયાન અનેક રાજકીય પક્ષો સાથે બેઠકો પણ કરી હતી. એટલે ચૂંટણી પંચ મળતું જ નથી એવો નેરેટિવ ઊભો કરવામાં આવ્યો, જ્યારે પંચ સાથે બેઠક માટેની પ્રક્રિયા પહેલેથી નક્કી છે અને રાજકીય પક્ષો તેનો ઉપયોગ કરતા આવ્યા છે. રાહુલ ગાંધીની મુશ્કેલી અહીં જ છે. સંવાદમાં દૃશ્ય ઓછું હોય છે અને હોબાળામાં કેમેરા વધારે હોય છે.

240 સાંસદો અને પાર્લામેન્ટ હાઉસ ઍનેક્સ

ચાર વાગ્યા પછી જ્યારે ચૂંટણી પંચ આ મુલાકાતની વિનંતી પર વિચાર કરી રહ્યું હતું ત્યારે દિલ્હી પોલીસના DCP મારફતે પંચને બીજી માહિતી મળી. બેઠક 240 સાંસદોનાં જૂથ સાથે કરવાની હતી અને સ્થળ તરીકે પાર્લામેન્ટ હાઉસ ઍનેક્સ સૂચવવામાં આવ્યું હતું. ચૂંટણી પંચે આ વિનંતીને અસામાન્ય ગણાવી, કારણ કે તેના પ્રોટોકોલ પ્રમાણે આવી બેઠકો ચૂંટણી પંચના પરિસરમાં યોજાય છે. અહીં પણ એક બાબત સ્પષ્ટ રાખવી જોઈએ. ચૂંટણી પંચે 240 સાંસદો સાથે મળવાનો અધિકાર નકારી કાઢ્યો નથી. તેણે માત્ર પોતાના નક્કી કરેલા પ્રોટોકોલનો ઉલ્લેખ કર્યો. વાત એ હતી કે બેઠક ક્યાં થવાની હતી. ચૂંટણી પંચના જણાવ્યા પ્રમાણે 2025થી નક્કી પ્રક્રિયામાં રાજકીય પ્રતિનિધિમંડળ પંચના પરિસરમાં મળે છે. બીજી તરફ, રાહુલ ગાંધીના નેતૃત્વમાં આવેલા જૂથ માટે પાર્લામેન્ટ હાઉસ ઍનેક્સમાં બેઠકની માંગ કરવામાં આવી હતી.

હવે જો વાત અહીં પૂરી થઈ હોત તો પણ રાહુલ ગાંધી માટે રસ્તો ખુલ્લો હતો. ચૂંટણી પંચે કહી દીધું હતું કે નિયમ પ્રમાણે આવો અને બેઠક કરો. પરંતુ વાતચીતના રસ્તાને બદલે વિવાદને વધુ મોટો બનાવવામાં રસ હોય તો નિયમ પોતે જ રાજકીય અડચણ બની જાય છે.

ચૂંટણી પંચે તો અસાધારણ રસ્તો પણ ખોલી આપ્યો

આ આખી ઘટનાની સૌથી મહત્વની બાબત પણ એ જ છે, જેને દિવસભરના રાજકીય હોબાળામાં સૌથી ઓછું સ્થાન મળ્યું. ચૂંટણી પંચે પ્રસ્તાવ મૂક્યો કે તેના ફરજ પરના સૌથી વરિષ્ઠ અધિકારીને પાર્લામેન્ટ હાઉસ ઍનેક્સ મોકલી શકાય, જે સાંસદોનું મેમોરેન્ડમ સ્વીકારી લે. ચૂંટણી પંચે પોતે કહ્યું કે આ પણ એક અભૂતપૂર્વ પગલું હોત. પરંતુ આ વિકલ્પ પણ સાંસદોએ નકારી દીધો! હવે આખી ઘટનાને એક ક્ષણ માટે રાજકીય ભાષણોથી દૂર રાખીને માત્ર આ ત્રણ બાબતો સાથે મૂકી જુઓ. ચાર વાગ્યા સુધી ઔપચારિક મુલાકાત માગવામાં આવી નહોતી. ત્યારબાદ 240 સાંસદો સાથે પાર્લામેન્ટ હાઉસ ઍનેક્સમાં બેઠકની માંગ આવી અને જ્યારે પંચે મેમોરેન્ડમ લેવા પોતાના વરિષ્ઠ અધિકારીને મોકલવાની ઓફર કરી ત્યારે એ પણ સ્વીકારાઈ નહીં.

તો પછી ખરેખર અડચણ ક્યાં હતી?

જો હેતુ મેમોરેન્ડમ પહોંચાડવાનો હતો તો અધિકારી તેને સ્વીકારી શકતા હતા. જો હેતુ ચૂંટણી પંચ સાથે ચર્ચા કરવાનો હતો તો નિયમિત પ્રક્રિયા હેઠળ મુલાકાત માગી શકાતી હતી. બંને રસ્તા ઉપલબ્ધ હતા. પરંતુ દિવસભર જે બન્યું તે બંને રસ્તાથી અલગ હતું અને આ જ રાહુલ ગાંધીના રાજકારણની સૌથી મોટી ઓળખ બની ગઈ છે. તેમને મુદ્દો જોઈએ છે, પરંતુ મુદ્દાનો સંસ્થાકીય ઉકેલ નહીં. તેમને વિરોધ જોઈએ છે, પરંતુ વિરોધ પછીની પ્રક્રિયા કરતાં વિરોધનું દૃશ્ય વધુ મહત્વનું બની જાય છે. તેમને ચૂંટણી પંચ સાથે અસહમતિ વ્યક્ત કરવી હોય તો તેનો અધિકાર છે. પરંતુ અસહમતિને એવી રીતે રજૂ કરવી કે જાણે લોકશાહી સામેનો સંઘર્ષ હોય, એ રાજકીય ડ્રામા છે.

વિરોધ અને હોબાળા વચ્ચેનો ફરક

ચૂંટણી પંચ સામે SIR અંગે વાંધો હોય તો રાખો. મતદાર યાદી અંગે પ્રશ્નો હોય તો દસ્તાવેજો સાથે રજૂ કરો. ચૂંટણી પંચના નિર્ણય સામે અસહમતિ હોય તો સંસદમાં બોલો, જાહેરમાં બોલો, કાયદાકીય રસ્તો અપનાવો અને પંચ સાથે બેઠક કરો. લોકશાહીમાં આ બધા રસ્તા ખુલ્લા છે. પરંતુ જ્યારે વાતચીત માટેનો રસ્તો પણ ખુલ્લો હોય અને મેમોરેન્ડમ સ્વીકારવાનો વિકલ્પ પણ આપવામાં આવે, છતાં રાજકીય કૂચ બેરિકેડ, પોલીસ સાથેની ખેંચતાણ અને ધરણાં તરફ જતી હોય ત્યારે રાજકીય પ્રાથમિકતા વિશે સવાલ ઊભો થાય જ.

રાહુલ ગાંધીને હવે આનો જવાબ આપવો જોઈએ. ચૂંટણી પંચની રાત્રે આવેલી પ્રેસ રિલીઝ પછી ‘અમને મળવા દેવામાં આવ્યા નહીં’ કહીને આખી ઘટના પૂરી કરી શકાય તેમ નથી. પંચે કહ્યું છે કે ચાર વાગ્યા સુધી કોઈ ઔપચારિક વિનંતી નહોતી. પછી 240 સાંસદોની મુલાકાતની માહિતી આવી. સ્થળ તરીકે પાર્લામેન્ટ હાઉસ ઍનેક્સ સૂચવાયું. પંચે તેને પોતાના પ્રોટોકોલ મુજબ અસામાન્ય ગણાવ્યું. ત્યારબાદ મેમોરેન્ડમ લેવા વરિષ્ઠ અધિકારી મોકલવાની ઓફર થઈ અને એ પણ નકારી દેવામાં આવી.

એટલે રાહુલ ગાંધી માટે હવે પ્રશ્ન ચૂંટણી પંચ મળવા માંગે છે કે નહીં એટલો નથી. પ્રશ્ન એ છે કે મળવું જ હતું તો નિયમિત રસ્તો કેમ નહીં? મેમોરેન્ડમ આપવું જ હતું તો અધિકારીની ઓફર કેમ નહીં? અને જો બંનેનો જવાબ ‘ના’ હોય તો પછી આખો હોબાળો શેના માટે હતો? રાહુલ ગાંધીના રાજકારણમાં કેમેરો સંવાદ કરતાં વધુ મહત્વનો બની ગયો છે. સંસ્થાની સામે ઊભા રહીને સંસ્થાને પ્રશ્ન કરવો સરળ છે. સંસ્થાના ટેબલ પર બેસીને દસ્તાવેજો, નિયમો અને દલીલો સાથે લડવું થોડું અઘરું કામ છે, જે આ કોંગ્રેસના યુવરાજથી થઈ શકે એમ નથી. પહેલી રીતમાં બેરિકેડ દેખાય છે, પોલીસ દેખાય છે, સૂત્રોચ્ચાર દેખાય છે અને સમાચાર બને છે. બીજી રીતમાં ફાઇલ હોય છે, પ્રક્રિયા હોય છે અને કેમેરા ઓછા હોય છે.

એટલે જ રાહુલ ગાંધીનાં નાટકોમાં વારંવાર એવું લાગે છે કે મુદ્દો માત્ર નિમિત્ત છે. મૂળ રાજકીય ઉત્પાદન તો હોબાળો છે. ચૂંટણી પંચે પોતાની પ્રેસ રિલીઝના અંતે કહ્યું છે કે કોઈ પણ રાજકીય પક્ષ કોઈ પણ સમયે મુલાકાત માગી શકે છે અને પંચ સમયની અનુકૂળતા પ્રમાણે તારીખ અને સમય નક્કી કરે છે. આ સામાન્ય પ્રક્રિયા છે. સામાન્ય પ્રક્રિયા કદાચ રાહુલ ગાંધીના નાટકને એટલી અનુકૂળ નથી જેટલો અસામાન્ય હોબાળો છે. કારણ કે સામાન્ય પ્રક્રિયામાં મુદ્દો સંસ્થાની સામે જાય છે. હોબાળામાં મુદ્દો પાછળ રહી જાય છે અને દૃશ્ય આગળ આવે છે.

ચૂંટણી પંચ સાથે મતભેદ હોય તો રાહુલ ગાંધી પાસે તેને વ્યક્ત કરવા માટે પૂરતા બંધારણીય અને રાજકીય રસ્તા છે. પરંતુ જ્યાં બેઠક માટેની પ્રક્રિયા પણ છે, મેમોરેન્ડમ સ્વીકારવાનો વિકલ્પ પણ છે અને છતાં પસંદગી રસ્તા પરના હોબાળાની થાય, ત્યાં મુદ્દો શું છે એ કરતાં રાજકારણ કેવી રીતે કરવું છે એ વધુ સ્પષ્ટ થાય છે. રાહુલ ગાંધી માટે આ જ રાજકારણ છે. પ્રશ્નનો જવાબ શોધવાનો નહીં, પ્રશ્નને એટલો મોટો બનાવવાનો કે જવાબ પાછળ રહી જાય.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં