હોમપેજદુનિયાઅસ્થિરતાના કુચક્રમાં ફસાયેલું બાંગ્લાદેશ: 'ક્રાંતિ' સત્તાપલટો કરે છે, સ્થિરતા લાવતી નથી

અસ્થિરતાના કુચક્રમાં ફસાયેલું બાંગ્લાદેશ: ‘ક્રાંતિ’ સત્તાપલટો કરે છે, સ્થિરતા લાવતી નથી

બાંગ્લાદેશમાં 2024માં સત્તા બદલાઈ, પછીથી ચૂંટાયેલી સરકાર પણ આવી ગઈ પરંતુ દેશ અસ્થિરતા અને અરાજકતાના કુચક્રમાંથી બહાર નીકળી શક્યો નથી. કથિત ક્રાંતિની આ જ વિસંગતિ છે.

- Advertisement -

દેશના કોઈ એક મોટા વર્ગને અસર કરતા મુદ્દાને બહાનું બનાવીને લોકોને રસ્તા પર ઉતારીને હિંસક-અરાજક આંદોલનોની આડમાં સત્તાપલટો કરી નાખવામાં આવે તેને રાજકીય શબ્દાવલિમાં ‘રિજિમ ચેન્જ’ કહેવાય છે. થોડા સમય પહેલાં ભારતમાં પણ એક જમાતને આ ‘રિજિમ ચેન્જ’નો અભરખો જાગ્યો હતો પણ આપણા સૌના સામૂહિક સદભાગ્યે અને ભારતની પરિપક્વ લોકશાહી, વિસ્તાર, વૈવિધ્ય અને અન્ય અમુક દેખીતાં કારણોસર ભારતમાં આ કામ પાર પાડવું એટલું સરળ નથી. પરંતુ પાડોશી દેશો સહિતના ઘણા દેશો આ તથાકથિત ક્રાંતિના રોગના ચેપથી બચી શક્યા નથી. બાંગ્લાદેશ તેનું ઉદાહરણ છે.

બાંગ્લાદેશમાં 2024માં એક આંદોલન ઊભું કરવામાં આવ્યું, જેના કેન્દ્રમાં યુવાનો હતા. મુદ્દો 1971ના યુદ્ધના સૈનિકોના પરિવારોને આપવામાં આવતા અનામતનો હતો. મામલો ન્યાયાલયના વિચાર હેઠળ હતો પણ મુદ્દાને રસ્તા પર લઈ જવામાં આવ્યો. વિદ્યાર્થીઓને અને યુવાનોને રસ્તે ઉતારાયા અને અરાજકતા અને હિંસાનો દોર શરૂ થયો. ક્રાંતિની ચૂરણ ચટાડીને છૂટું મૂકી દેવામાં આવેલું ટોળું મૂળ મુદ્દો શું હતો એ ભૂલીને ઉત્પાતે ચડ્યું અને સુરક્ષાબળોએ અટકાવવાનો પ્રયાસ કર્યો એટલે તેમની સાથે સંઘર્ષ કર્યો, જે હિંસામાં ફેરવાયો.

જે-તે સમયે સત્તામાં બેઠેલી અને વર્ષોથી સ્થિર શાસન ચલાવતી શેખ હસીના સરકારે આંદોલન સામે કડક હાથે કામ લેવાનો પ્રયાસ કર્યો અને તકનો લાભ લઈને બેઠેલી ટોળકી ધસી આવી. સરકાર કડકાઈ પર ક્યારે ઉતરી આવે એની રાહ જોવાતી હતી અને આખરે એ દિવસ 2024ની પાંચમી ઑગસ્ટે આવી ગયો. છેવટે ઉન્માદી ટોળું ઘર સુધી ધસી આવ્યું અને શેખ હસીનાએ દેશ છોડવો પડ્યો, રાતોરાત તેમની સરકાર પડી ભાંગી. તરત ‘નોબેલ પુરસ્કાર વિજેતા’ અને વિદેશી શક્તિઓની કઠપૂતળી જેવા મોહમ્મદ યુનુસના વડપણ હેઠળ નવી વચગાળાની સરકાર રચાઈ.

- Advertisement -

જે-તે સમયે બાંગ્લાદેશમાં સત્તાપલટો થયો ત્યારે તેના હિયામતીઓએ પ્રચાર એવો કર્યો હતો કે શેખ હસીનાની આતતાયી સરકારને હટાવવી જરૂરી છે તો જ દેશ આગળ વધી શકશે. દેશમાં નવી વ્યવસ્થા જરૂરી હોવાનું અને તેના માટે ક્રાંતિ કરવી જરૂરી હોવાનું કહીને યુવાનોના ખભે બંદૂક ફોડી દેવાઈ અને નવી સરકાર પણ રચાઈ ગઈ પણ બાંગ્લાદેશ હજુ ત્યાંનું ત્યાં જ છે, બીજી તરફ હિંસા અને અરાજકતા-અવ્યવસ્થા જાણે તેની નિયતિ બની ગયાં છે.

હિંસા-અરાજકતા હવે બાંગ્લાદેશમાં સામાન્ય

શેખ હસીનાની સરકાર ગઈ અને મોહમ્મદ યુનુસની નવી સરકાર આવી પછી પણ હિંસા ચાલુ જ રહી હતી. લઘુમતી હિંદુઓને નિશાન બનાવવામાં આવ્યા. ઠેરઠેર આગચંપી, તોડફોડ, હિંદુ ઘરો પર હુમલાના સમાચાર આવ્યા. હિંદુ સંતોને ટાર્ગેટ કરાયા. હિંદુ આગેવાનોને ટાર્ગેટ કરાયા. દિવસો સુધી અખબારોનાં પાનાં હિંસાના સમાચારોથી ભરાયેલાં રહ્યાં અને મોટાભાગના પીડિતો હિંદુ હતા. હિંદુઓને હિંદુ હોવાના કારણે મારવા-કાપવામાં આવ્યા. અનેક ઠેકાણે બની ચૂકેલો ઇતિહાસ ફરી એક વખત પુનરાવર્તિત થયો. મુસ્લિમ બહુમતી દેશમાં હિંદુઓ કપાતા હતા. આવી ઘટનાઓ આજની તારીખે પણ બાંગ્લાદેશમાં બને છે.

ડિસેમ્બરમાં શેખ હસીનાએ બાંગ્લાદેશ પરત ફરવાની ઘોષણા કરી છે. તે પહેલાં જેમ-જેમ સમય નજીક આવતો જાય છે એમ બાંગ્લાદેશમાં ફરી હિંસા માથું ઊંચકી રહી છે. 19મી નવેમ્બરના અહેવાલો કહે છે કે શેખ હસીનાના સમર્થકોના બંધના એલાન વચ્ચે દેશમાં અનેક ઠેકાણે હિંસા, આગચંપી અને હુમલાઓની ઘટના બની હતી. ચટગાંવમાં મોહમ્મદ યુનુસનું પૈતૃક ઘર પણ ફૂંકી મારવામાં આવ્યું. અનેક જિલ્લાઓમાં હિંસાની ઘટનાઓ નોંધાઈ, સરકારી-ખાનગી સંપત્તિમાં તોડફોડ કરવામાં આવી.

બાંગ્લાદેશમાં ગારમેન્ટ કામદારોનો મુદ્દો હજુ ઊભેલો છે. ઘણા સમયથી ચાલતા આ કામદારોના આંદોલનના કારણે ઔદ્યોગિક ફટકો પણ પડ્યો છે. બાંગ્લાદેશની અર્થવ્યવસ્થા પહેલેથી સારી રહી નથી એ પરિસ્થિતિમાં અમુક જ ઉદ્યોગો ધરાવતા દેશમાં જે ગારમેન્ટ ઉદ્યોગ દેશની કરોડરજ્જુ કહેવાય છે એ જ અસ્તવ્યસ્ત હોય એટલે મોટું નુકસાન જાય એ સ્વાભાવિક છે. બીજી તરફ આંદોલનો હિંસક સ્વરૂપ ધારણ કરે એટલે એ નુકસાન પણ વેઠવાનું રહે.

પાછલાં વર્ષોની ઘટનાઓ પછી બાંગ્લાદેશ ફરી બેઠું થવાનો પ્રયાસ કરી રહ્યું છે પરંતુ હવે સ્થિરતા પરત ફરી રહી નથી. આર્થિક રીતે પણ સ્થિરતા આવી રહી નથી, રાજકીય રીતે પણ નહીં.

બાંગ્લાદેશમાં 2024માં સરકાર પડી હતી, ત્યારબાદ વચગાળાની સરકાર આવી પણ હિંસા અને અરાજકતા યથાવત રહી અને ઉપરથી તેનું પ્રમાણ વધ્યું. ત્યારબાદ 2025માં ચૂંટણીઓ થઈ અને નવી ચૂંટાયેલી સરકાર આવી પરંતુ હજુ પણ દેશ સ્થિર થઈ શક્યો નથી. દેશ આંદોલનો અને હિંસાના કુચક્રમાં જ ફસાયેલો રહ્યો છે.

કથિત ક્રાંતિની આ વિસંગતિ છે

ક્રાંતિની, રિજિમ ચેન્જની આ વિસંગતિ છે. કારણ કે લોકોને રસ્તા પર ઉતારીને, તેમને આંદોલને ચડાવીને જૂની સરકારો હટાવી દેવી એક વાત છે અને દેશને નવી અને સ્થિર રાજકીય વ્યવસ્થા આપવી એ સંપૂર્ણપણે અલગ બાબત છે. એક સરકાર હટાવીને બીજી આવે ત્યાં સુધીમાં સ્વાભાવિક સ્થિરતા ડગમગી ચૂકી હોય છે એટલે નવી શાસનવ્યવસ્થા માટે આ કામ પાર પાડવું અત્યંત કઠિન બની પડે છે.

લોકોના અસંતોષને ઓળખવો, તેને સંગઠિત કરવો અને તેને રાજકીય દિશા આપવી પણ અલગ પ્રક્રિયા છે. પણ તેમાં પછીથી કોઈ રાજકીય પક્ષને સત્તા મળવાની તક દેખાય, કોઈ જૂથને વિચારધારાને પ્રોત્સાહન આપવાની તક મળે, કોઈ સત્તાકેન્દ્ર પોતાનું પ્રભાવક્ષેત્ર આગળ વધારવાની તક જુએ કે કોઈ બહારની શક્તિને પોતાનાં હિતો માટે અનુકૂળ રાજકીય પરિસ્થિતિ ઊભી કરવાની તક મળી જાય. ત્યારપછી આવી બધી પરિસ્થતિ વચ્ચે આંદોલન જે મૂળ હેતુએ થયું હોય એ ભુલાઈ જાય છે અને અંતિમ પરિણામો વચ્ચે જોજનો અંતર વધી જાય છે.

જે જનતાને ક્રાંતિની વાતો કહીને રસ્તા પર ઉતારવામાં આવી હોય તે માત્ર રિજિમ ચેન્જનું સાધન બનીને રહી જાય છે. સત્તા પલટાય છે પણ વ્યવસ્થામાં ફેરફારો આવતા હોતા નથી. વાસ્તવમાં તો આ ક્રાંતિનો વિચાર જ ભૂલભરેલો છે. વ્યવસ્થાઓમાં, સિસ્ટમોમાં ફેરફારો રાતોરાત આવતા હોતા નથી. તેના માટે વર્ષો લાગે છે. આ કામ સમય માગી લે છે, ધીરજ અને સંયમ માગી લે છે. મોટા દેશોમાં દાયકાઓ લાગે છે. ધીમેધીમે, ક્રમવાર પ્રાથમિકતાઓ નક્કી કરીને કામો કરતાં જવું પડે છે.

આ પરિપક્વતા ન હોય અને ક્રાંતિના રસ્તે ચડીને જ્યારે જનતા નિહિત સ્વાર્થ ધરાવતી શક્તિઓનો હાથો બને ત્યારે તેનું પરિણામ બાંગ્લાદેશ જેવું આવે છે. ત્યારે શાસન કરનારાઓ માત્ર બદલાય છે, પણ દેશની કે સમાજની પરિસ્થિતિમાં ઝાઝો ફેર પડતો નથી.

ઘણી વખત આ રિજીમ ચેન્જ માટે નીકળી પડેલું ટોળું માત્ર ચહેરો હોય છે, દોર બીજાઓના હાથમાં હોય છે. જેના કારણે ટોળાનું સંપૂર્ણ ધ્યાન માત્ર સત્તા બદલવા પર હોય છે. સત્તા હાથમાં મળ્યા પછી શું કરવું અને સ્થિરતા કઈ રીતે પુનઃસ્થાપિત કરવી એ ક્યારેય એજન્ડામાં હોતું નથી. એટલે સત્તા મળી ગયા પછી એજન્ડાના અભાવે શાસકો ફંટાઈ જાય છે. ત્યારબાદ જૂથવાદ પણ વધે છે. અંદરોઅંદરની હરીફાઈ શરૂ થાય છે. આખરે આ બધું અસ્થિરતા લાવે છે.

ભારતના સંદર્ભે ચર્ચા વાળીએ તો જેમને આંદોલનોના જોરે રિજિમ ચેન્જ કરવાની તાલાવેલી હતી તેઓ પણ આ જ શ્રેણીમાં આવે છે. દિલ્હીમાં શિક્ષણ વ્યવસ્થા મુદ્દે આંદોલને ચડેલા કોકરોચોને જ્યારે પૂછવામાં આવતું હતું કે તેઓ શિક્ષણ વ્યવસ્થામાં કેવો ફેરફાર લાવવા માગે છે ત્યારે તેમની પાસે તેના જવાબો ન હતા. તેઓ માત્ર રાજીનામા પર રહ્યા હતા. એવું જ મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાના મુદ્દા પર થયું હતું. ચૂંટણી પંચ જો ખોટું હોય તો કેમ ખોટું છે તેની ક્યાંય ચર્ચા ન હતી, ચર્ચા માત્ર રાજીનામા પર અટકાવી દેવામાં આવતી હતી. કારણ કે એ માત્ર એક બહાનું હતું. મૂળ હેતુ બીજા હતા. એ હેતુ પાર પાડવો જ ઉદ્દેશ્ય હતો, દેશમાં કોઈ ઠોસ કે નક્કર પરિવર્તન લાવવાનો નહીં.

આ જ કોકરોચ ટોળકી સાથે મળીને કામ કરતી નેહા બોરા બાંગ્લાદેશ પરથી પ્રેરણા લેવાની વાતો કરતી હતી. વિરોધ થયો અને લાગ્યું કે સેલ્ફગોલ થઈ ગયો છે તો તેણે ફેરવી તોળ્યું હતું પણ તેનાથી ઇરાદો શું હતો એ સ્પષ્ટ થાય છે.

પરંતુ બાંગ્લાદેશ એનું ઉદાહરણ છે કે સત્તા પરિવર્તનની પ્રક્રિયા જ્યારે હિંસક આંદોલનો અને અરાજકતામાંથી પસાર થાય છે ત્યારે સત્તાપલટાનો હેતુ તો પાર પડી જાય છે, પણ સ્થિરતા ક્યારેય પરત ફરતી નથી અને આ અરાજકતા જ દેશની નિયતિ બનીને રહી જાય છે.

આ સ્થિતિ માત્ર બાંગ્લાદેશની નથી, દુનિયાભરમાં ક્રાંતિની આ વામપંથી વિચારધારા સતત નિષ્ફળ જતી રહી છે અને ક્યારેય સ્થિરતા અપાવી શકી નથી. વિગતવાર ઑપઇન્ડિયાના જ ‘ચેપ્ટર વન મેગેઝિન’ પર વાંચવા મળી રહેશે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં