હોમપેજવિશેષ49 વર્ષ, 25.9 અબજ કિલોમીટર અને એક ઐતિહાસિક યાત્રા: એક પ્રકાશદિવસ દૂર પહોંચેલા...

49 વર્ષ, 25.9 અબજ કિલોમીટર અને એક ઐતિહાસિક યાત્રા: એક પ્રકાશદિવસ દૂર પહોંચેલા વોયેજર-1ની વાત

બ્રહ્માંડના માપદંડ પર પૃથ્વીનું સ્થાન જોઈએ તો અત્યંત નાનું છે, પણ એ જ પૃથ્વી પરથી માણસે પોતાના ગ્રહની સીમાઓ ઓળંગીને સૌરમંડળના પ્રભાવની બહાર સુધી પહોંચવાની ક્ષમતા વિકસાવી એનો વોયેજર જીવંત પુરાવો છે.

- Advertisement -

લગભગ પચાસ વર્ષ પહેલાં પૃથ્વી પરથી પોતાની યાત્રા શરૂ કરનાર અવકાશયાન વોયેજર-1 એક પ્રકાશદિવસ દૂર પહોંચી ગયું છે. માણસે બનાવેલી કોઈ ચીજ અવકાશમાં પહેલી વખત આટલી દૂર પહોંચી. એક પ્રકાશદિવસનો અર્થ થાય પ્રકાશે એક દિવસમાં, 24 કલાકમાં કાપેલું અંતર. અર્થાત્ હવે વોયેજર એ અંતરે પહોંચ્યું છે કે ત્યાંથી પ્રકાશની ઝડપે પણ કોઈ સિગ્નલ મોકલે તો પૃથ્વી પર તેને પહોંચતાં 24 કલાક થશે. પૃથ્વી પરથી વળતો જવાબ આપવામાં આવે તો તે પહોંચતાં બીજા 24 કલાક. એટલે એક સંવાદ 48 કલાકે થશે. (આ સમય પ્રકાશની ઝડપે થતી આપ-લે માટેનો છે.)

એક પ્રકાશદિવસ બોલવામાં ખ્યાલ ન આવે, પણ અવકાશની વિશાળતા અને તેમાં પ્રકાશની ગતિ વિશે જાણીએ ત્યારે સમજાય છે કે આ ખરેખર કેટલું મોટું અંતર છે.

અવકાશમાં પ્રકાશ લગભગ 3 લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપે ટ્રાવેલ કરે છે. એટલે જ પૃથ્વીથી સૂર્ય વચ્ચેનું અંતર લગભગ 15 કરોડ કિલોમીટર છે, પણ સૂર્યથી પૃથ્વી સુધી પ્રકાશને પહોંચતાં માત્ર આઠ મિનિટ અને 20 સેકન્ડ લાગે છે. ચંદ્ર સાથેનું અંતર 3.84 લાખ કિલોમીટર છે. ત્યાંથી પ્રકાશને પહોંચતાં માત્ર એક સેકન્ડ થાય છે.

- Advertisement -

પ્રકાશ એક વર્ષમાં જેટલું અંતર કાપે એ એક પ્રકાશ વર્ષ કહેવાય. એટલે પ્રકાશ વર્ષ એ સમયનો નહીં પણ અંતરનો એકમ છે. એ રીતે એક દિવસમાં કાપેલા અંતરને એક પ્રકાશદિવસ કહેવાય. ઇંગ્લિશમાં વન લાઇટ યર. અર્થાત્ પ્રકાશ 3 લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપે 24 કલાકમાં જેટલું અંતર કાપે એ એક પ્રકાશદિવસ. વોયેજર અત્યારે 25.9 બિલિયન કિલોમીટર દૂર પહોંચી ગયું છે. માનવજાતના ઇતિહાસમાં કોઈ પણ ચીજ અવકાશમાં આટલે દૂર પહોંચી નથી.

18 નવેમ્બરે ત્રણેક વાગ્યાની આસપાસ વોજેયર-1 સત્તાવાર રીતે વન લાઈટ ડે દૂર પહોંચી જશે. 1977માં આ અવકાશયાન નાસાએ લૉન્ચ કર્યું હતું. એક પ્રકાશ દિવસ અંતર કાપતાં તેને 49 વર્ષ, 2 મહિના અને 11 દિવસ લાગ્યા. તે લગભગ 61000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અવકાશમાં મુસાફરી કરે છે તેમ છતાં તેને આટલો સમય લાગી ગયો. એક પ્રકાશવર્ષ જેટલું, એટલે 9.46 ટ્રિલિયન કિલોમીટર અંતર કાપતાં વોયેજરને 17000થી 18000 વર્ષ લાગશે!

1977માં રવાનાં થયાં હતાં વોયેજર-1 અને 2

વોયેજર-1ને અમેરિકી અંતરિક્ષ સંસ્થા NASAએ સપ્ટેમ્બર, 1977માં રવાના કર્યું હતું. તેના બે અઠવાડિયાં પહેલાં વોજેયર-2નું પણ પ્રક્ષેપણ થયું. બંને યાનનો હેતુ એ હતો કે સૌરમંડળના ગુરુ અને શનિ જેવા વિશાળ ગ્રહોનો નજીકથી અભ્યાસ કરી શકાય.

પાંચ દાયકા પહેલાં આ ગ્રહો વિશેની સમજણ મર્યાદિત હતી. પૃથ્વી પરથી દૂરબીન વડે જોવાથી અમુક વિશેષતાઓ જાણી શકાય પણ એટલું પૂરતું ન હતું. તેમની નજીક જઈને તસવીરો લેવી અને વૈજ્ઞાનિક માપન કરવું–એ અલગ બાબતો છે અને તેના માટે યાન મોકલવાં પડે. 1970ના દાયકામાં ગ્રહોની સ્થિતિ પણ એવી હતી કે જો કોઈ અવકાશયાન મોકલવામાં આવે તો એ એક પછી એક ગ્રહોની મુલાકાત લઈ શકે. આવી ગોઠવણ 176 વર્ષે એક વખત થાય છે. નાસાએ 1977માં તકનો લાભ લઈ લીધો.

ફોટો- નાસા

આના માટે યાનમાં ગ્રેવિટી આસિસ્ટનો ઉપયોગ થાય છે. આ પદ્ધતિ પ્રમાણે ગ્રહના ગુરુત્વાકર્ષણનો ઉપયોગ કરીને અંતરિક્ષયાનની ગતિ અને દિશામાં ફેરફાર કરાય છે. એટલે યાનને વધારે ઇંધણ સાથે લઈ જવાની જરૂર પડતી નથી.

વોયેજર માર્ચ 1979માં ગુરુની નજીકથી પસાર થયું. દરમ્યાન ગુરુના વાતાવરણ, ચુંબકીય ક્ષેત્ર, ઉપગ્રહોનો અભ્યાસ કર્યો. નવેમ્બર 1980માં તેની યાત્રા શનિ સુધી પહોંચી. બંને ગ્રહ વિશે અઢળક જાણકારીઓ પૃથ્વી પર મોકલી.

મિશનનો મૂળ હેતુ આટલે દૂર જવાનો જતો જ નહીં!

મજાની વાત એ પણ છે કે વોયેજર મિશનનો હેતુ તેને આટલે દૂર મોકલવાનો હતો જ નહીં. નાસાએ મુખ્યત્વે તો તેને ગુરુ અને શનિનો અભ્યાસ કરવા માટે મોકલ્યું હતું અને તેનું આયુષ્ય પણ પાંચેક વર્ષનું ધારવામાં આવ્યું હતું. પણ શનિના સૌથી મોટા ઉપગ્રહ ટાઇટનનો અભ્યાસ કરવા માટે એક માર્ગ પસંદ કરવામાં આવ્યો જેનાથી તેની દિશા બદલાઈ ગઈ. પરિણામે એ યુરેનસ અને નેપ્ચ્યુન તરફ જવાને બદલે સૌરમંડળના ગ્રહોની ભ્રમણકક્ષાના સમતલથી ઉપરના પ્રદેશ તરફ આગળ વધી ગયું. બાકીના ગ્રહોનો અભ્યાસ પછી વોયેજર-2એ કર્યો હતો. પછી જોકે વોયેજર-2 પણ આગળ વધતું રહ્યું. અત્યારે તે 21.7 અબજ કિમી અંતરે છે. એક લાઇટ ડે અંતર કાપતાં 2035 આવી જશે.

વોયેજર-1એ ગુરુની મુલાકાત લીધી ત્યારે તેના ઉપગ્રહ ‘આયો’ વિશે પણ જાણકારી મળી. આ ઉપગ્રહ પર સક્રિય જ્વાળામુખી જોવા મળ્યા. સૌરમંડળમાં પૃથ્વી સિવાય અન્ય કોઈ ગ્રહ પર સક્રિય જ્વાળામુખી છે એવું આપણને આ ઘટના પરથી જાણવા મળ્યું. ઉપરાંત ગુરુની આસપાસ પાતળી રિંગ સિસ્ટમ હોવાનું આજે આપણે જાણીએ છીએ એ પણ આ વોયેજરની મહેનતના પ્રતાપે. ઉપરાંત ગુરુના વાતાવરણની જટિલ રચના સમજવામાં પણ વોયેજરની મુલાકાતનો સિંહફાળો છે.

આવું જ શનિની મુલાકાત દરમ્યાન જાણવા મળ્યું. તેના વલયોની રચના, નાના ભાગો અને ઉપગ્રહો વિશે જાણકારી મળી. ખાસ કરીને શનિના સૌથી મોટા ઉપગ્રહ ટાઇટન વિશે જાણવા મળ્યું. તેનું વાતાવરણ ગાઢ છે અને મુખ્યત્વે તેમાં નાઇટ્રોજન અને મિથેન જેવા વાયુઓ છે એ જાણકારી મળી. વાતાવરણનો અભ્યાસ ભવિષ્યમાં જીવનની ઉત્પત્તિ સાથે જોડાયેલી રાસાયણિક પ્રક્રિયાઓ સમજવામાં મદદરૂપ થશે.

શનિના ઉપગ્રહ ટાઇટનની નજીકથી પસાર થવા માટે જે માર્ગ પસંદ કરવામાં આવ્યો હતો તેના કારણે જ પછીથી યાનની દિશા બદલાઈ અને તે યુરેનસ અને નેપ્ચ્યુન તરફ ન જઈ શક્યું.

વોયેજર-1એ આગળની યાત્રા ચાલુ રાખી અને 25 ઑગસ્ટ, 2012ના દિવસે હેલિઓપોઝ નામની સીમા પાર કરીને આંતરતારાકીય અવકાશમાં પ્રવેશી ગયું. ઇંગ્લિશમાં જાણીતો શબ્દ છે ઇન્ટરસ્ટેલર સ્પેસ. સરળ ભાષામાં કહીએ તો એક તારાની આસપાસના પ્રભાવક્ષેત્રની બહાર નીકળ્યા પછી અને બીજા તારાના પ્રભાવક્ષેત્ર સુધી પહોંચ્યા પહેલાં જે વિશાળ અવકાશ આવે એને ઇન્ટરસ્ટેલર સ્પેસ કહેવાય છે.

ફોટો- નાસા

હેલિઓસ્ફિયરની વાત કરીએ તો સૂર્યના ચુંબકીય ક્ષેત્રના કારણે તેની આસપાસ એક વિશાળ પ્રદેશ રચાય તેને હેલિઓસ્ફિયર કહે છે. તેની બહાર ઇન્ટરસ્ટેલર સ્પેસ શરૂ થાય. વોયેજર હવે હેલિઓસ્ફિયરની બહાર નીકળી ગયું છે, જોકે એ પણ સાચું કે સૂર્યના ગુરુત્વાકર્ષણનો પ્રભાવ હજુ ઘણે દૂર સુધી વિસ્તર્યો છે.

માનવજાતની ઓળખ પ્રતિબિંબિત કરતી ડિસ્ક લઈને બ્રહ્માંડમાં વિચારી રહ્યું છે યાન

વોયેજર 1 અને 2 બંને સાથે અવકાશના અભ્યાસ માટેનાં વૈજ્ઞાનિક ઉપકરણો તો ખરાં જ પણ સાથે એક 12 ઇંચની સોનાની પરત ચડાવેલી તાંબાની ડિસ્ક પણ મોકલવામાં આવી છે. આ ડિસ્ક તૈયાર કરવા પાછળનો વિચાર એવો હતો કે ભવિષ્યમાં કોઈ પરગ્રહની સભ્યતા આ યાન સુધી પહોંચી ગઈ તો તેને પૃથ્વી અને માનવજાત વિશેની માહિતી મળી રહેશે.

ડિસ્કમાં પૃથ્વી પરના કુદરતી અવાજો, સમુદ્રી મોજાં, વરસાદ, પવન, પક્ષીઓ અને પ્રાણીઓના અવાજોનો સમાવેશ કરાયો છે. લગભગ 55 ભાષાઓમાં અભિવાદન છે, જેમાંથી એક હિન્દી પણ છે. લગભગ 90 મિનિટનું સંગીત પણ છે, જેમાં પણ ભારતીય સંગીત છે. સાથે માનવજીવન, પ્રકૃતિ, પૃથ્વી અને વિજ્ઞાન વગેરે દર્શાવતાં ચિત્રો પણ મોકલવામાં આવ્યાં છે. સાથે ડિસ્ક પર આ બધું કઈ રીતે જાણવું અને માહિતી કઈ રીતે સમજવી તેની પ્રતીકાત્મક સૂચનાઓ પણ છે. એક વિશિષ્ટ નકશો પણ છે જેની મદદથી પૃથ્વીનું સંભવિત સ્થાન જાણી શકાશે.

જોકે આ બધું કોઈ પરગ્રહીઓ શોધી કાઢશે અને શોધી કાઢે તો તેને સમજી શકે તેની કોઈ ખાતરી નથી, પણ માનવજાતે પોતાની ઓળખ બ્રહ્માંડમાં તરતી મૂકી દીધી છે. ફિલ્મોમાં એક બોટલમાં એક સંદેશ લખીને વિશાળ સમુદ્રમાં તરતી મૂકી દેવામાં આવે એમ!

પૃથ્વીની ઐતિહાસિક તસવીર વોયેજરે લીધી હતી

વોયેજરે કરોડો કિલોમીટર દૂર જઈને લીધેલી પૃથ્વીની તસવીર

વોયેજરે લગભગ 6 અબજ કિલોમીટર દૂર જઈને પૃથ્વીની એક તસવીર લીધી હતી અને અહીં મોકલાવી હતી. 14 ફેબ્રુઆરી, 1990ના દિવસે અવકાશયાને આ કરતબ કર્યું હતું. આ તસવીરમાં પૃથ્વી અંતરિક્ષના વિશાળ અંધકારમાં માત્ર એક નાના ટપકા જેવી દેખાય છે. અંતરિક્ષના આ વિશાળ પટ પર આપણું અસ્તિત્વ કેટલું નાનું છે એ સમજવા માટે વૈજ્ઞાનિકોએ આ તસવીર લીધી હતી. આ નાનકડા ટપકામાં માનવજાત સમાઈ છે, તેનો ઇતિહાસ સમાયો છે, સંસ્કૃતિઓ, સામ્રાજ્યો, યુદ્ધો અને સંઘર્ષો સમાયા છે. બ્રહ્માંડની વિશાળતા કેટલી છે ને પૃથ્વી તેની સામે કેટલી નાની છે તેનો આ દૃશ્યમાન પુરાવો બની ગયો અને એ કામ વોયેજરે કર્યું હતું.

આ તસવીર લીધી અને વોયેજરના કૅમેરા કાયમ માટે બંધ કરી દેવામાં આવ્યા. એટલે હવે તે પૃથ્વીની કે બીજે ક્યાંયની આવી કોઈ તસવીર મોકલતું નથી. હવે તેનો ઉદ્દેશ્ય ઇન્ટરસ્ટેલર સ્પેસનો અભ્યાસ કરવાનો છે. ગ્રહોની તસવીરો લેવાનું કામ પૂરું થયું.

વોયેજર કામ કઈ રીતે કરે છે, સંદેશા કઈ રીતે મોકલે છે

મોટું આશ્ચર્ય એ પણ છે કે 1977માં બનેલું અને મોકલાયેલું યાન આજે પણ કામ કરી રહ્યું છે. તેમાં સોલાર પેનલો નથી તો ઊર્જા ક્યાંથી મળે એ પણ પ્રશ્ન છે. તે રેડિયોઆઇસોટોપ થર્મોઇલેક્ટ્રિક જનરેટર નામની પદ્ધતિથી વીજળી મેળવે છે. આ પદ્ધતિમાં પ્લુટોનિયમ-238ના રેડિયોએક્ટિવ ક્ષયથઈ ઉત્પન્ન થતી ગરમીનો ઉપયોગ કરીને વીજળી બનાવવામાં આવે છે એટલે સૂર્યપ્રકાશની જરૂર પડતી નથી.

જોકે પ્લુટોનિયમ-238નો ક્ષય થાય એટલે વીજળી ઉત્પન્ન કરવાની ક્ષમતા ઘટતી જાય છે. એટલે જ નાસાના વૈજ્ઞાનિકો હવે ધીમે-ધીમે વોયેજરનાં અમુક સાધનો બંધ કરી રહ્યા છે એટલે જરૂરી વૈજ્ઞાનિક ઉપકરણો ચાલુ રાખી શકાય. છતાં ડિઝાઇન, કમ્પ્યુટર અને જે-તે સમયની સંચાર વ્યવસ્થા જોઈએ તો આટલા લાંબા સમય સુધી યાન કાર્યરત રાખવું એ અસાધારણ સિદ્ધિ છે.

વોયેજર પૃથ્વી સાથે સંપર્ક કરવા માટે નાસાના ડીપ સ્પેસ નેટવર્કનો ઉપયોગ કરે છે. વિશ્વના જુદા-જુદા ભાગોમાં સ્થિત વિશાળ રેડિયો એન્ટેનાની મદદથી સંકેતો પ્રાપ્ત થાય છે. આ માહિતી પહોંચતાં સમય લાગે છે અને આટલા મોટા અંતરેથી સંકેતો પકડવા અને તેને સમજવા એ નાની વાત નથી.

વોયેજરે આજે સ્પેસમાં એક લાઈટડે અંતર કાપ્યું અને આ સિદ્ધિ મેળવનારું પહેલું માનવસર્જિત ઉપકરણ બન્યું. આ યાત્રા 61 હજાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલતી રહેશે. જોકે સંપર્ક હંમેશાં રહેવાનો નથી. એક સમયે તેની ક્ષમતા પૂરી થશે, પણ ત્યારપછી પણ યાન આગળ વધતું રહેશે અને ગોલ્ડન રેકોર્ડ સાથે બ્રહ્માંડની સફર ચાલુ રાખશે.

એક પ્રકાશવર્ષ જેટલું અંતર કાપી શકે તોય સૈદ્ધાંતિક રીતે જોઈએ તો 17000 વર્ષ લાગે, એ કલ્પનાતીત વાતો થઈ પડે. વૈજ્ઞાનિકોએ તો જોકે આનાથી મોટો અંદાજ મૂક્યો છે. જે પ્રમાણે લગભગ 40 હજાર વર્ષ જો આગળ વધતું રહે તો યાન Gliese 445 નામના એક તારાની નજીકથી પસાર થશે અને ત્યારે તેનું અંતર 1.7 પ્રકાશવર્ષ જેટલું હશે.

આ રીતે જોવા જઈએ તો વોયેજર-1 વિજ્ઞાનની સફળતા પ્રતિબિંબિત તો કરે જ છે પણ તેનાથી આગળ વધીને માનવજાતની જિજ્ઞાસા અને કલ્પનાશક્તિ અને મર્યાદા ઓળંગવાની જીદની પણ કથા કહે છે. દાયકાઓ પહેલાં નીકળેલું યાન અબજો કિલોમીટર દૂર ભ્રમણ કરી રહ્યું છે અને અફાટ અંધકારમાં આગળ વધી રહ્યું છે. પોતાની સાથે તે માનવજાતની ઓળખ લઈ ગયું છે, જે હજારો વર્ષ પછી કોઈ અજાણી સભ્યતાની નજરે પડશે, કદાચ નહીં પણ પડે.

બ્રહ્માંડના માપદંડ પર પૃથ્વીનું સ્થાન જોઈએ તો અત્યંત નાનું છે, પણ એ જ પૃથ્વી પરથી માણસે પોતાના ગ્રહની સીમાઓ ઓળંગીને સૌરમંડળના પ્રભાવની બહાર સુધી પહોંચવાની ક્ષમતા વિકસાવી એનો વોયેજર જીવંત પુરાવો છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં