ફ્રી ઈ-વિઝા, દરિયાઈ સુરક્ષા અને સાયબર ફોરેન્સિક્સમાં સહયોગ: ASEAN સમિટમાં પીએમ મોદીના સાત પ્રસ્તાવ

ફિલિપિન્સની રાજધાની મનિલામાં 17 નવેમ્બર 2026ના રોજ 23મી ભારત-ASEAN સમિટ યોજાઈ હતી. આ બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત અને દક્ષિણ-પૂર્વ એશિયાના દેશો વચ્ચે સહયોગ વધારવા માટે ઘણી મહત્વપૂર્ણ દરખાસ્તો રજૂ કરી છે. બંને પક્ષો મળીને દુનિયાની લગભગ એક ચતુર્થાંશ વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે. આ સમિટમાં પીએમ મોદીએ સ્પષ્ટ કહ્યું કે ભારત અને ASEAN દેશોએ સ્પર્ધા કરવાને બદલે પરસ્પર સહકારને વધુ પ્રાથમિકતા આપવી જોઈએ.

વડા પ્રધાન મોદીએ રજૂ કરેલી દરખાસ્તોમાં લાંબાગાળાની ભારત-ASEAN દરિયાઈ સહયોગ યોજના મુખ્ય છે. આ યોજના હેઠળ દરિયાઈ માર્ગો સુધારવા, વૈજ્ઞાનિક સંશોધન કરવા અને કુદરતી આફતો વખતે એકબીજાને મદદ કરવાનું નક્કી થયું છે. આ ઉપરાંત કોસ્ટ ગાર્ડ વચ્ચે સહયોગ વધારવા અને દરિયાઈ સુરક્ષા અંગે ગુપ્ત માહિતીની આપ-લે કરવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. દરિયામાં કામ કરતા નાવિકોની સુરક્ષા પણ આ યોજનાનો એક મહત્વપૂર્ણ ભાગ છે.

દરિયાઈ સીમાઓની સાથે સાથે ટેક્નોલોજી અને સુરક્ષાના મામલે પીએમ મોદીએ સંયુક્ત સાયબર ફોરેન્સિક્સ તાલીમ કાર્યક્રમ શરૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ તાલીમ દ્વારા ડિજિટલ પુરાવાઓની તપાસ કરીને સાયબર ગુનાઓ સામે વધુ સારી રીતે લડી શકાશે. આ ઉપરાંત, પરમાણુ ઊર્જા ક્ષેત્રે ટેક્નિકલ જાણકારીની આપ-લે કરવા પર ભાર અપાયો છે. આ સિવાય ભારત-ASEAN સ્પેસ હેકાથોન યોજવા અને મહત્વપૂર્ણ ખનિજોના ક્ષેત્રે પણ પરસ્પર સહયોગ વધારવાની દરખાસ્ત પણ કરવામાં આવી છે.

પ્રવાસીઓ માટે મફત ઈ-વિઝાની દરખાસ્ત

વ્યૂહાત્મક અને ટેક્નિકલ ભાગીદારી ઉપરાંત સામાન્યલોકો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવા માટે પીએમ મોદીએ એક મોટું સૂચન કર્યું છે. તેમણે ASEAN દેશોના પ્રવાસીઓને ભારત આવવા માટે મફત ઈ-વિઝા આપવાની દરખાસ્ત રજૂ કરી છે. જોકે, આ હાલમાં માત્ર એક દરખાસ્ત છે અને તેનો અમલ હજુ શરૂ થયો નથી. આ ઇલેક્ટ્રોનિક વિઝાથી પ્રવાસીઓ ખૂબ જ સરળતાથી ઘર બેઠા ઑનલાઇન અરજી કરી શકશે અને ભારતની મુલાકાતે આવી શકશે.

આ સંબંધોને આવનારી પેઢી સુધી લઈ જવા માટે  ‘ASEAN-ઇન્ડિયા યૂથ કનેક્ટ’ કાર્યક્રમ શરૂ કરવાનો પ્રસ્તાવ છે. તેમાં યુવા સમિટ, યુવા સાંસદોની મુલાકાત અને સ્ટાર્ટઅપ હેકાથોન જેવા આકર્ષક કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત, નાલંદા યુનિવર્સિટીમાં ASEAN દેશોના વિદ્યાર્થીઓ માટે વધુ શિષ્યવૃત્તિ આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે. આ સિવાય વર્ષ 2027માં યોજાનારા WAVES કાર્યક્રમમાં ભારત-ASEAN ક્રિએટિવ પાર્ટનરશિપ પેવેલિયન બનાવવાની પણ યોજના છે.

કુદરતી આફતોના વ્યવસ્થાપન પર સંયુક્ત નિવેદન

કુદરતી આફતોના સમયે એકબીજાની પડખે ઊભા રહેવા માટે એક સંયુક્ત નિવેદન પણ સ્વીકારવામાં આવ્યું છે. પીએમ મોદીએ જણાવ્યું કે આપણા સંબંધો માત્ર વેપાર કે રાજકારણ પૂરતા સીમિત ન રહેવા જોઈએ. તે ટેક્નોલોજી, સંરક્ષણ, અવકાશ, શિક્ષણ અને સાંસ્કૃતિક સ્તરે પણ વિસ્તરવા જોઈએ જેથી બંને પક્ષોના નાગરિકોને સીધો ફાયદો થઈ શકે.

ઉલ્લેખનીય છે કે ASEAN એટલે કે એસોસિએશન ઑફ સાઉથઈસ્ટ એશિયન નેશન્સ એ દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોનું એક મોટું સંગઠન છે. તેની સ્થાપના વર્ષ 1967માં થઈ હતી અને હાલમાં તેમાં 11 દેશો સભ્ય તરીકે સામેલ છે. ભારત અને ASEAN વચ્ચેનો સત્તાવાર સંબંધ વર્ષ 1992માં શરૂ થયો હતો. વર્ષ 2002થી બંને વચ્ચે સમિટ સ્તરની ભાગીદારી શરૂ થઈ અને 2022માં તેને ‘વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી’નો દરજ્જો મળ્યો. ભારતની ‘એક્ટ ઈસ્ટ’ નીતિમાં પણ આ દેશોનું સ્થાન ખૂબ જ મહત્વનું છે.

નોંધનીય છે કે વડા પ્રધાન મોદીએ વર્ષ 2027ને ભારત-ASEAN સંબંધો માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાવ્યું છે. વર્ષ 2027માં બંને વચ્ચેના સંબંધોને 35 વર્ષ પૂર્ણ થશે અને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને પણ 5 વર્ષ પૂરા થશે. ભારત અને ASEAN વચ્ચેનો આ વધતો સહયોગ ભવિષ્યમાં વેપાર, સુરક્ષા, પ્રવાસન અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં વિકાસની નવી ઊંચાઈઓ સર કરશે અને અઢળક નવી તકો ઊભી કરશે.