બાંગ્લાદેશમાં હિંદુ સંત ચિન્મય કૃષ્ણ દાસને અચાનક ઢાકાની જેલમાં ખસેડાયા, વકીલોએ વ્યક્ત કરી ચિંતા

બાંગ્લાદેશના ઑગસ્ટ 2024માં શેખ હસીના સરકારના પતન બાદ હિંદુઓ પર ચારેકોરથી હુમલાઓ થઈ રહ્યા હતા ત્યારે એક હિંદુ સંત ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ કરી લેવામાં આવી હતી, ત્યારથી તેઓ જેલમાં બંધ છે. તાજેતરના અહેવાલ મુજબ 16 નવેમ્બર 2026ની વહેલી સવારે કડક સુરક્ષા વચ્ચે તેમને ચટગાંવની જેલમાંથી અચાનક ઢાકાની કેરાનીગંજ સેન્ટ્રલ જેલમાં ખસેડવામાં આવ્યા છે. જેના કારણે હવે તેમની સુરક્ષા વિશે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

માહિતી અનુસાર 16મીએ સવારે 5 વાગ્યે તેમને ચટગાંવથી રવાના કરીને 10 વાગ્યે ઢાકા પહોંચાડી દેવામાં આવ્યા હતા. જેલ પ્રશાસન આ કાર્યવાહીને માત્ર ‘સામાન્ય વહીવટી પ્રક્રિયા’ ગણાવી રહ્યું છે, પરંતુ આ અચાનક લેવાયેલા નિર્ણયથી હિંદુ સમુદાય અને તેમના સમર્થકોમાં ભારે ચિંતા પ્રસરી ગઈ છે.

આ જેલ બદલીના કારણે ચિન્મય દાસ માટે સૌથી મોટી સમસ્યા ભોજનની ઊભી થઈ છે. દાસના વકીલ અપુર્વ કુમાર ભટ્ટાચાર્યએ જણાવ્યું છે કે ચિન્મય દાસ એક વૈષ્ણવ સંન્યાસી છે. તેઓ ચુસ્ત શાકાહારી છે અને ધાર્મિક નિયમો મુજબ માત્ર સાત્વિક અને જાતે બનાવેલું ભોજન જ ગ્રહણ કરે છે.

વકીલના જણાવ્યા પ્રમાણે, ચટગાંવની જેલમાં રંજનાથ બ્રહ્મચારી નામના અન્ય એક વ્યક્તિ તેમની ભોજનની વ્યવસ્થામાં મદદ કરતા હતા. તેઓ ચિન્મય દાસ માટે ભોજન બનાવતા હતા. આ કારણે જેલમાં હોવા છતાં ચિન્મય દાસને પોતાની ધાર્મિક માન્યતાઓ પ્રમાણે ભોજન મળી શકતું હતું. પરંતુ હવે તેમને ઢાકાની જેલમાં ખસેડવામાં આવ્યા છે અને રંજનાથ બ્રહ્મચારીને તેમની સાથે મોકલવામાં આવ્યા નથી. તેઓ ચટગાંવની જેલમાં જ છે. વકીલના જણાવ્યા પ્રમાણે, ઢાકાની જેલમાં ચિન્મય દાસ માટે અગાઉ જેવી ભોજનની વ્યવસ્થા ઉપલબ્ધ નથી. આ કારણે તેઓ અત્યારે માત્ર ફળ ખાઈને દિવસો પસાર કરી રહ્યા છે.

ગંભીર લિવરની બીમારીથી પીડિત

ચિંતાની વાત એ છે કે ચિન્મય કૃષ્ણ દાસ ગંભીર લિવરની બીમારીથી પીડાઈ રહ્યા છે. આવી નાજુક સ્થિતિમાં તેમને ચોક્કસ પ્રકારના પરેજીવાળા અને પૌષ્ટિક આહારની ખાસ જરૂર હોય છે. ચટગાંવમાં તેમને આ સુવિધા મળતી હતી, જે ઢાકાની જેલમાં સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે. આ પરિસ્થિતિને જોતાં તેમના વકીલે સીધી આશંકા વ્યક્ત કરી છે કે જો આવી જ હાલત રહેશે તો ચિન્મય દાસના સ્વાસ્થ્ય અને જીવ સામે મોટું જોખમ ઊભું થઈ શકે છે.

અહીં એ ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચાર અને મંદિરો પરના હુમલા સામે અવાજ ઉઠાવવા બદલ ચિન્મય દાસને નિશાન બનાવવામાં આવ્યા હતા. 2024માં શેખ હસીના સરકારના પતન બાદ હિંદુઓની સુરક્ષા માટે યોજાયેલી રેલીઓમાં તેઓ અગ્રેસર હતા. આ જ કારણે ઑક્ટોબર 2024માં તેમની સામે રાષ્ટ્રધ્વજના અપમાનનો ખોટો દેશદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો અને 25 નવેમ્બર 2024ના રોજ એરપોર્ટ પરથી તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી.

ત્યારબાદ તેમની સામે કાયદાકીય ગાળિયો વધુ મજબૂત કરવા માટે વકીલ સૈફુલ ઇસ્લામ અલીફની હત્યાના કેસમાં પણ તેમનું નામ જોડી દેવામાં આવ્યું હતું. ચિન્મય દાસ સામે કુલ છ ફોજદારી કેસ નોંધાયા છે, જેમાંથી કેટલાકમાં જામીન મળ્યા હોવા છતાં દેશદ્રોહ અને હત્યાના કેસને કારણે તેઓ લગભગ બે વર્ષથી જેલમાં બંધ છે.

જેલમાં રહીને ચિન્મય દાસે અત્યંત કપરા દિવસો જોયા છે. સપ્ટેમ્બર 2026માં જ્યારે તેમની માતા સંધ્યા રાની ધરનું અવસાન થયું, ત્યારે અંતિમ સંસ્કાર માટે તેમને માત્ર પાંચ કલાકના પેરોલ આપવામાં આવ્યા હતા. તે સમયે રાધા-કૃષ્ણની મૂર્તિના ચરણોમાં બેસીને રડતા સંતનો વિડીયો સામે આવ્યો હતો. હવે ફરી એકવાર અચાનક જેલ બદલીને તેમને માનસિક અને શારીરિક રીતે તોડવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાની આશંકા સેવાઈ રહી છે.