રાહુલની સામે કોંગ્રેસી સમિટમાં ઇટાલિયન નેતાનો ‘વોટ ચોર’નો નારો, દેશની લોકશાહી પર સવાલ: મેલોનીની પાર્ટીનાં નેતાએ કહ્યું- ભારતને લોકતંત્ર શીખવવાની જરૂર નથી

ભારતની લોકશાહી અને ચૂંટણી પ્રક્રિયાને લઈને ઇટાલીના એક નેતાએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. હૈદરાબાદમાં કોંગ્રેસ દ્વારા આયોજિત ‘ભારત સમિટ’માં યુરોપિયન સોશિયલિસ્ટ્સ એન્ડ ડેમોક્રેટ્સ જૂથના પ્રતિનિધિ જિયાકોમો ફિલિબેકે હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં તેણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ વિરુદ્ધ કોંગ્રેસના ‘વોટ ચોરી’ના નારાનું સમર્થન કર્યું હતું.

આ ઘટના બાદ ઇટાલીની શાસક ગઠબંધનની પાર્ટી ફોર્ઝા ઇટાલીનાં નેતા ડેબોરા બર્ગામિનીએ સોશિયલ મીડિયા પર ફિલિબેકની ટીકા કરી છે. બર્ગામિનીએ ભારતની લોકશાહી અને ચૂંટણી વ્યવસ્થાનો બચાવ કરતા જવાબ આપ્યો હતો કે યુરોપના નેતાઓએ ભારતને લોકશાહી શીખવવાની જરૂર નથી. તેમણે ઉમેર્યું કે 97 કરોડ મતદારો ધરાવતા ભારત પાસે પોતાની મજબૂત રાજકીય સંસ્થાઓ અને ન્યાયતંત્ર છે, તેથી દેશના આંતરિક રાજકીય વિવાદોનો ઉકેલ ભારતની પોતાની વ્યવસ્થામાંથી જ આવવો જોઈએ.

SIR પ્રક્રિયા અંગે પણ બર્ગામિનીએ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે મતદાર યાદીમાંથી ડુપ્લિકેટ, મૃત્યુ પામેલા અને સ્થળાંતર કરી ચૂકેલા લોકોનાં નામ દૂર કરવાની કામગીરી સામે ભારતીય વિપક્ષ ટીકા કરી રહ્યો છે, જેના આધારે ફિલિબેકે નિવેદન આપ્યું હતું. બર્ગામિનીએ સ્પષ્ટ કર્યું કે લોકશાહીમાં દરેકને પોતાના વિચારો કે આરોપો રજૂ કરવાની સ્વતંત્રતા છે, પરંતુ કોઈ પણ આરોપ મૂકતા પહેલા તેની સાથે યોગ્ય પુરાવા હોવા જરૂરી છે.

ઉલ્લેખનીય છે કે જિયાકોમો ફિલિબેક યુરોપના લેફ્ટ જૂથ સાથે જોડાયેલો છે. તે ‘પાર્ટી ઑફ યુરોપિયન સોશિયલિસ્ટ્સ’નો (PES) મહાસચિવ છે, જે યુરોપના સમાજવાદી અને લેફ્ટ પક્ષોનું સંગઠન છે. બીજી તરફ, ભારતની લોકશાહીનો બચાવ કરનાર ડેબોરા બર્ગામિની ઇટાલીની ‘ફોર્ઝા ઇટાલી’ પાર્ટીનાં નેતા છે. આ પાર્ટી વડાં પ્રધાન જ્યોર્જિયા મેલોનીની સરકારના ગઠબંધનનો હિસ્સો છે.

શું છે આખો વિવાદ?

આ સમગ્ર વિવાદની શરૂઆત 14 નવેમ્બર 2026ના રોજ હૈદરાબાદમાં યોજાયેલી ‘ભારત સમિટ’થી થઈ હતી. કોંગ્રેસ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં રાહુલ ગાંધી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન જિયાકોમો ફિલિબેકે રાહુલ ગાંધીની હાજરીમાં ‘વોટ ચોર, ગદ્દી છોડ’નો નારો લગાવ્યો હતો. તેણે રાહુલ ગાંધીના SIRવિરોધી અભિયાનના વખાણ પણ કર્યા હતા. નોંધનીય છે કે આ સમગ્ર ઘટના દરમિયાન રાહુલ ગાંધી હસતા અને તાળીઓ પાડી રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે જિયાકોમો ફિલિબેકે તેના ભાષણમાં પણ દાવો કર્યો હતો કે ભારતમાં લોકશાહી જોખમમાં છે. તેણે કહ્યું કે લોકશાહી બચાવવાનો શ્રેષ્ઠ રસ્તો રાહુલ ગાંધી અને કોંગ્રેસની સાથે ઊભા રહેવાનો છે. ફિલિબેકે કોંગ્રેસ અને અન્ય વૈશ્વિક સંસ્થાઓને પ્રગતિશીલ ગઠબંધનનો ભાગ ગણાવી દીધી હતી!

આ મામલે ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ સવાલ ઉઠાવ્યો હતો કે શું કોઈ વિદેશી વ્યક્તિ ભારતનું અપમાન કરે ત્યારે કોઈ ભારતીય નેતાએ હસવું જોઈએ? ભાજપના નેતા બાંડી સંજય કુમારે કોંગ્રેસના આ કાર્યક્રમને ‘એન્ટી-ભારત સમિટ’ ગણાવ્યો હતો. તેમણે સ્પષ્ટ કહ્યું કે ભારતની લોકશાહી 140 કરોડ લોકોની છે અને કોંગ્રેસને દેશના આંતરિક મામલામાં વિદેશી નેતાઓની દખલ કરાવવાનો કોઈ અધિકાર નથી.

ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રદીપ ભંડારીએ પણ કોંગ્રેસ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે રાહુલ ગાંધી દેશની સત્તા બદલવા માટે વિદેશી તાકાતો અને સમર્થન મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આ સમગ્ર ઘટનામાં સૌથી મહત્વની વાત એ છે કે વિદેશી નેતાની ટિપ્પણી અને ભારતની ચૂંટણી પ્રક્રિયાના આરોપો વચ્ચે મોટો તફાવત છે. ભારતમાં ચૂંટણી પંચ અને ન્યાયતંત્ર જેવી મજબૂત બંધારણીય સંસ્થાઓ હાજર છે. જો કોઈને ચૂંટણી પ્રક્રિયા કે મતદાર યાદી સામે વાંધો હોય તો તેઓ પુરાવા સાથે ભારતીય સંસ્થાઓ સમક્ષ રજૂઆત કરી શકે છે. વિપક્ષને સરકારની ટીકા કરવાનો પૂરો અધિકાર છે, પરંતુ કોઈ વિદેશી નેતાનું ભારતીય પક્ષના સમર્થનમાં આવીને લોકશાહી પર સવાલ ઉઠાવવો એ મોટો ચર્ચાનો વિષય બન્યો છે.