અરબી સમુદ્રની લહેરો દ્વારકાના કિનારે આવીને પાછી વળી જાય છે. સદીઓથી આ આવનજાવન અવિરત છે. કિનારે દ્વારકાધીશનું ધામ છે અને તેની સામે અનંત સુધી પથરાયેલો સમુદ્ર. ઉપરથી જુઓ તો આ સમુદ્ર એકદમ સામાન્ય લાગે, પરંતુ તેની સપાટીથી નીચે એક એવી દુનિયા છે જ્યાં સમય જાણે થંભી ગયો છે. પથ્થરો વચ્ચે દટાયેલા અવશેષો, પ્રાચીન માળખાં અને દરિયાના પેટાળમાં વિખરાયેલાં નિશાન આજે પણ એ દ્વારકાની વાત કહે છે, જે ભગવાન શ્રીકૃષ્ણની નગરી તરીકે ભારતીય ચેતનામાં અમર છે.
હવે 19 વર્ષ બાદ આ જ સમુદ્ર ફરી એક વાર મરજીવાઓની રાહ જોઈ રહ્યો છે. ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ એટલે કે ASI દ્વારકા અને બેટ દ્વારકાના દરિયામાં ફરી ડીપ-સી એક્સપ્લોરેશન માટે તૈયારી કરી રહ્યું છે. મંજૂરી અને જરૂરી વ્યવસ્થાઓ પૂર્ણ થયા બાદ આ નવી શોધખોળ ડિસેમ્બરથી શરૂ થઈ શકે છે. આ વખતે અંડરવોટર આર્કિયોલોજીના નિષ્ણાતોની ટીમ પ્રો. આલોક ત્રિપાઠી સાથે સમુદ્રના પેટાળમાં ઉતરશે. 2007માં થયેલી મોટી શોધખોળ બાદ લગભગ બે દાયકા પછી ફરી એ જ દરિયાઈ વિસ્તારને વધુ ઊંડાણથી વાંચવાની તૈયારી થઈ રહી છે.
આ નવી ડૂબકી માત્ર દરિયામાં ઉતરવાની ઘટના નથી. તેની પાછળ ચાર દાયકાથી પણ વધુ લાંબી એક એવી શોધયાત્રા છે જેમાં પુરાતત્ત્વવિદોએ કિનારે ઊભા રહીને સમુદ્રને વાંચવાનો પ્રયાસ કર્યો, મરજીવાઓએ પોતાની આંખો સામે અંધારું હોવા છતાં પાણીની નીચે હાથ ફેરવીને પ્રાચીન પથ્થરો શોધ્યા, ભારે પ્રવાહ સામે લડતી હોડીઓ પલટી ગઈ અને મર્યાદિત સાધનો વચ્ચે પણ એક ડૂબેલી નગરીનાં નિશાન દુનિયા સામે લાવવામાં આવ્યાં. આજે જ્યારે ફરી એક વાર સમુદ્રના પેટાળમાં ઉતરવાની તૈયારી થઈ રહી છે ત્યારે પાછળ વળીને જોવું પડે કે આ યાત્રા ક્યાંથી શરૂ થઈ હતી.
મથુરાથી સમુદ્રકાંઠે આવીને વસેલી નગરી
ભગવાન શ્રીકૃષ્ણની દ્વારકા માત્ર એક નગરી નહોતી. તે શ્રીકૃષ્ણના જીવનના એક મહત્ત્વપૂર્ણ અધ્યાયનું નામ હતી. મથુરામાં કંસનો વધ કર્યા પછી યદુવંશની સુરક્ષા માટે શ્રીકૃષ્ણ પશ્ચિમ તરફ આવ્યા અને સમુદ્રકાંઠે પોતાની નવી નગરી વસાવી. આ નગરી દ્વારકા તરીકે અમર થઈ. મહાભારત અને અન્ય પ્રાચીન સાહિત્યમાં દ્વારકાનો ઉલ્લેખ આવે છે. સમુદ્ર પાસેથી ભૂમિ મેળવીને આ નગરી વસાવવામાં આવી હતી. અહીં રાજધાની હતી, રાજમહેલો હતા, રસ્તાઓ હતા, દ્વારો હતા અને સમુદ્ર સાથે જોડાયેલું એક વિશાળ જીવન હતું. સમય આગળ વધ્યો અને એક દિવસ એ જ સમુદ્રે દ્વારકાને પોતાના ગર્ભમાં સમાવી લીધી.
દ્વારકા પછીથી માત્ર એક સ્મૃતિ રહી નહીં. તે ભારતની ધાર્મિક ચેતનામાં જીવંત રહી. દ્વારકાધીશનું ધામ આજે પણ એ જ સ્મૃતિને જીવંત રાખે છે. પરંતુ સદીઓ બાદ જ્યારે પુરાતત્ત્વવિદોની નજર આ વિસ્તાર તરફ ગઈ ત્યારે એક અલગ જ પ્રશ્ન સામે હતો. સમુદ્રની નીચે જે પથ્થરો, માળખાં અને વસ્તુઓ દેખાય છે તે શું કહે છે? આ પ્રશ્નનો જવાબ શોધવા માટે માણસને પહેલી વાર દરિયાની અંદર જવું પડ્યું.
જ્યારે જમીન પરની શોધખોળ સમુદ્ર સુધી પહોંચી
દ્વારકામાં પુરાતત્ત્વીય તપાસનો ઇતિહાસ આજથી શરૂ થયો નથી. જમીન પર થયેલી શરૂઆતની શોધખોળમાં પણ પ્રાચીન વસાહતના અવશેષો મળ્યા હતા. ત્યારબાદ સંશોધકોનું ધ્યાન દરિયાકાંઠા અને સમુદ્ર તરફ ગયું. 1979-80માં દ્વારકાધીશ મંદિરના પરિસરમાં થયેલી ખોદકામ કામગીરીમાં પ્રાચીન વસાહતના સ્તરો મળ્યા હતા. ત્યારબાદ સમુદ્ર તરફની તપાસમાં ડૂબેલા વસાહતી અવશેષો, પથ્થરનું વિશાળ જેટી જેવું માળખું અને પથ્થરના એન્કર મળ્યા. આ શોધોએ દ્વારકાના દરિયાઈ ભૂતકાળ તરફ સંશોધકોનું ધ્યાન વધુ ખેંચ્યું. પછી આવ્યું એ કામ, જેને ભારતીય મરીન આર્કિયોલોજીના ઇતિહાસમાં એક અલગ સ્થાન મળ્યું.
1980ના દાયકામાં પ્રો. એસ. આર. રાવ અને તેમની ટીમે દ્વારકા અને બેટ દ્વારકાના દરિયામાં અંડરવોટર શોધખોળ શરૂ કરી. દરિયાના પેટાળમાં માત્ર કોઈ એક વસ્તુ શોધવાની નહોતી. આખી ભૂમિની રચના સમજવાની હતી. ક્યાંક દીવાલ હતી, ક્યાંક પથ્થરનું માળખું, ક્યાંક બંદર સાથે જોડાયેલી રચના અને ક્યાંક માનવ ઉપયોગની વસ્તુઓ.
એક વૈજ્ઞાનિક અભ્યાસમાં એસ. આર. રાવે દ્વારકા અને બેટ દ્વારકાના દરિયામાં ડૂબેલા કિલ્લેબંધી જેવાં માળખાં, હોડીઓ ઉતારવા માટે ઉપયોગમાં લેવાતી રોક કટ-સ્લીપવે, જેટી અને મંદિરના અવશેષો નોંધ્યા હતા. સાથે જ કાંસ્ય યુગના પથ્થરના એન્કર, સીલ, લખાણવાળું પાત્ર, તાંબાની વસ્તુઓ બનાવવા માટે વપરાતું પથ્થરનું બીબું, લોખંડ અને શંખની વસ્તુઓ તથા પ્રાચીન માટીનાં વાસણો જેવી વસ્તુઓ પણ નોંધાઈ હતી. આ શોધખોળનો અર્થ એ હતો કે દ્વારકાનો દરિયો હવે માત્ર દરિયો રહ્યો નહોતો. તે ભારતના પ્રાચીન દરિયાઈ જીવનના એક વિશાળ સ્થળમાં ફેરવાઈ ગયો હતો.
પરંતુ દરિયાના પેટાળમાં ઉતરવું એટલું સરળ નહોતું
જમીન પર પુરાતત્ત્વવિદ ખોદકામ કરે ત્યારે તેમની સામે માટી હોય છે. દરિયામાં ઉતરતા પુરાતત્ત્વવિદ સામે માટી ઉપરાંત પાણી હોય છે, પ્રવાહ હોય છે, અંધકાર હોય છે અને સમયની દરેક ક્ષણ બદલાતી પરિસ્થિતિ હોય છે. દરિયાના પેટાળમાં ડૂબકી લગાવતા જ શરીર પર પાણીનું દબાણ વધે છે. થોડું વધુ ઊંડાણ એટલે વધુ દબાણ. આંખ સામે પાણી હોય છે અને ઘણી વાર પાણી એટલું ગંદુ કે ધૂંધળું હોય છે કે થોડા અંતરે પડેલી વસ્તુ પણ દેખાતી નથી. ઉપરથી સૂર્યપ્રકાશ પહોંચતો હોય તો પણ નીચે પહોંચતાં પહોંચતાં અંધકાર ઘેરો થતો જાય છે.
દ્વારકાના દરિયાની પોતાની અલગ મુશ્કેલીઓ છે. અરબી સમુદ્રના આ વિસ્તારમાં ભરતી અને ઓટનો ફેરફાર, જોરદાર પ્રવાહ અને બદલાતું હવામાન મરજીવાઓ માટે સતત પડકાર ઊભો કરે છે. પ્રો. આલોક ત્રિપાઠીએ અગાઉ સમજાવ્યું હતું કે સારો મરજીવો ગમે ત્યારે ડૂબકી લગાવી શકે, પરંતુ પુરાતત્ત્વીય કામ માટે ડૂબકીનો સમય દરિયો શાંત હોય, વિઝિબિલિટી સારી હોય અને દસ્તાવેજીકરણ શક્ય બને તે પ્રમાણે પસંદ કરવો પડે છે.
કારણ કે અહીં માત્ર કોઈ વસ્તુ શોધી લેવી પૂરતી નથી. તેને જ્યાં મળી છે ત્યાં જ તેનું સ્થાન નોંધવું પડે છે. તેની તસવીર લેવી પડે છે. માળખાનો નકશો તૈયાર કરવો પડે છે. આસપાસની માટી, પથ્થર અને અન્ય અવશેષોનું દસ્તાવેજીકરણ કરવું પડે છે. પાણીની અંદર આ બધું કરવું એટલે દરેક નાની કામગીરીને અનેક ગણી મુશ્કેલ બનાવવી અને દ્વારકાની શોધખોળમાં દરિયાએ આ મુશ્કેલી ઘણી વાર પોતાની રીતે દેખાડી હતી.
જ્યારે સમુદ્રે હોડીઓ પલટી નાખી
એસ. આર. રાવની ટીમે વર્ષો સુધી દ્વારકાના દરિયામાં કામ કર્યું. 1980ના દાયકાની શોધખોળ દરમિયાન ભારે પ્રવાહ અને ખરાબ હવામાનને કારણે ઘણી વાર કામ રોકવું પડતું. સવારે દરિયો થોડો શાંત હોય અને મરજીવાઓ ઉતરી જાય, પરંતુ બપોર સુધીમાં પરિસ્થિતિ બદલાઈ જાય તો આખી કામગીરી બંધ કરવી પડતી. કેટલાક વિસ્તારોમાં ચીકણી માટી હતી. મરજીવાઓ જે માળખું સાફ કરવા માટે નીચે જતા, ત્યાં જ પાણીનો પ્રવાહ માટીને ફરી ઉડાવી દેતો. વિઝિબિલિટી ઘટી જાય એટલે તસવીરો ખેંચવી મુશ્કેલ બની જાય અને દસ્તાવેજીકરણ અટકી જાય. દરિયો ક્યારે પોતાનો મિજાજ બદલી નાખે તેની કોઈ ખાતરી નહોતી.
12 ડિસેમ્બર 1986ની બપોરે એક નાની હોડી ડૂબી ગઈ હતી. હોડીને નુકસાન થયું, પરંતુ નાવિકને બચાવી લેવામાં આવ્યો. થોડા વર્ષ બાદ 7 જાન્યુઆરી 1989ના રોજ ફરી એક વાર મધદરિયામાં હોડી પલટી ગઈ. ત્યારે પણ મરજીવાઓએ નાવિકને બચાવ્યો હતો. આ ઘટનાઓ બતાવે છે કે દ્વારકાના પેટાળ સુધી પહોંચવાનો રસ્તો માત્ર વૈજ્ઞાનિક પડકારોથી ભરેલો નહોતો, તેમાં માનવીય જોખમ પણ જોડાયેલું હતું. દરિયાની અંદર પડેલો એક પથ્થર શોધવો કદાચ કાગળ પર સરળ લાગે, પરંતુ તેના સુધી પહોંચવા માટે કોઈ માણસે પોતાના શરીર સાથે પાણીના દબાણ અને સમુદ્રના પ્રવાહનો સામનો કર્યો હતો.
મર્યાદિત સાધનો, પરંતુ શોધવાની ધગશ મોટી
આજે અંડરવોટર આર્કિયોલોજીની વાત કરીએ ત્યારે સોનાર, બેથિમેટ્રી, સબ-બોટમ પ્રોફાઇલિંગ અને અન્ય આધુનિક ટેક્નોલોજીની વાત થાય છે. પરંતુ શરૂઆતના વર્ષોમાં સંસાધનો ખૂબ મર્યાદિત હતાં. એસ. આર. રાવે પોતાના અભ્યાસોમાં નોંધ્યું છે કે 1983થી શરૂ થયેલી કામગીરી અનુકૂળ હવામાન મળતું ત્યારે જ આગળ વધતી હતી. બજેટ, માણસો અને સાધનોની મર્યાદાને કારણે વર્ષમાં થોડા જ દિવસો પૂરતી કામગીરી શક્ય બનતી. એક સિઝનમાં જ્યાં ખોદકામ થયું હોય ત્યાં આગામી સિઝનમાં ફરી સફાઈ કરવી પડતી, કારણ કે પાણીની અંદર વનસ્પતિ અને કાપ ફરીથી બધું ઢાંકી દેતી. જૂના ફોટોગ્રાફ અને ડ્રોઇંગના આધારે ફરી એ જ જગ્યા શોધવી પડતી.
પરંતુ આ મર્યાદાઓ વચ્ચે પણ દરિયાના પેટાળમાંથી મળતી દરેક નવી વસ્તુ જાણે કોઈ બંધ દરવાજાની ચાવી બની રહી હતી. બેટ દ્વારકા અને દ્વારકાના દરિયામાં મળેલા પથ્થરના એન્કરોએ પ્રાચીન દરિયાઈ પ્રવૃત્તિ તરફ સંકેત આપ્યો. દીવાલો અને અન્ય માળખાંએ ત્યાં માનવ વસાહત અને સ્થાપત્યની હાજરી બતાવી. વિવિધ પ્રકારની પ્રાચીન વસ્તુઓએ એ સમયના લોકોના જીવન અને દરિયાઈ સંપર્ક અંગે વધુ પ્રશ્નો ખોલ્યા. એટલે શોધખોળ આગળ વધતી રહી.
2007માં ફરી ખૂલ્યો દ્વારકાનો અધ્યાય
2005થી 2007 દરમિયાન ASIની અંડરવોટર આર્કિયોલોજી વિંગ દ્વારા દ્વારકા અને બેટ દ્વારકામાં ફરી મોટા પાયે ઑફશોર અને ઑનશોર અભ્યાસ હાથ ધરાયો. આ અભિયાનમાં સમુદ્રના વિસ્તારનું સર્વેક્ષણ, હાઇડ્રોગ્રાફિક અને બેથિમેટ્રિક અભ્યાસ તથા ત્યારબાદ પાણીની અંદરનું પુરાતત્વીય ખોદકામ કરવામાં આવ્યું. 2006માં ભારતીય નૌકાદળની મદદથી દ્વારકા સામેના વિશાળ સમુદ્રી વિસ્તારમાં હાઇડ્રોગ્રાફિક સરવે કરવામાં આવ્યો અને પાણીની ઊંડાઈનો અભ્યાસ કરવામાં આવ્યો. 2007માં અંડરવોટર એક્સકેવેશન આગળ વધારવામાં આવ્યું.
આ કામગીરી દરમિયાન સમુદ્રના પેટાળમાં ડૂબેલા માળખાં, ગોળાકાર રચનાઓ, છૂટાછવાયા આર્કિટેક્ચરલ મેમ્બર્સ અને પથ્થરોનું દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું. દ્વારકાધીશ મંદિર પાસે જમીન પર પણ ખોદકામ થયું અને ત્યાં એકની ઉપર એક રચનાઓના સ્તરો મળ્યા. 2007ની કામગીરીમાંથી ટેરાકોટા વસ્તુઓ, માળા મણકા, તૂટેલી બંગડીઓ, કોપરના વલયો, લોખંડના ઇંગોટ્સ અને માટીનાં વાસણો જેવી વસ્તુઓ મળી હતી. આ વસ્તુઓ માત્ર જૂની વસ્તુઓ નહોતી. દરેક વસ્તુ પોતાના સમયની એક નાની બારી હતી. કોઈ મણકો પ્રાચીન વેપાર તરફ ઈશારો કરી શકે, કોઈ ધાતુની વસ્તુ ટેક્નોલોજી તરફ, કોઈ પાત્ર રોજિંદા જીવન તરફ અને કોઈ સ્થાપત્ય અવશેષ એક આખી વસાહતની રચના તરફ અને આ જ કારણ છે કે 2007 પછી દ્વારકાની શોધખોળ પૂરી થઈ ગઈ નહોતી. તે વધુ મોટા પ્રશ્નોની શરૂઆત હતી.
પાણીની નીચે પુરાતત્ત્વવિદો શું શોધે છે?
દરિયાના પેટાળમાં ઉતરવું એટલે આંખે દેખાય તે વસ્તુ ઉઠાવી લેવી એટલું નહીં. અંડરવોટર આર્કિયોલોજી પોતે એક જટિલ વિજ્ઞાન છે. સૌપ્રથમ દરિયાનું ભૂગોળ સમજવું પડે છે. ક્યાં કેટલી ઊંડાઈ છે, તળિયાની રચના કેવી છે, ક્યાં કાપ છે, ક્યાં પથ્થર છે, ક્યાં પ્રવાહ વધુ છે, આ બધું સમજવું પડે છે. આ માટે બેથિમેટ્રી (સમુદ્રની નીચેનો નકશો) ઉપયોગી બને છે. પાણીની ઊંડાઈ અને સમુદ્રતળની રચનાનો નકશો તૈયાર થાય છે. સાઇડ-સ્કેન સોનાર સમુદ્રતળ પર પડેલી અથવા ઉભી રહેલી રચનાઓને શોધવામાં મદદ કરે છે. સબ-બોટમ પ્રોફાઇલર કાપ અને તળિયાની સપાટી નીચે રહેલી રચનાઓ વિશે માહિતી આપી શકે છે. મેટલ ડિટેક્ટર ધાતુની વસ્તુઓ શોધવામાં મદદ કરે છે.

પછી આવે છે મરજીવાઓનો વારો. તેઓ પાણીની નીચે જઈને જે દેખાય છે તેનું દસ્તાવેજીકરણ કરે છે. કેમેરા અને વિડીયો માત્ર તસવીર માટે નથી. તે પુરાતત્ત્વીય રેકોર્ડ છે. કઈ વસ્તુ ક્યાં મળી, તેની આસપાસ શું હતું, માળખું કઈ દિશામાં હતું, પથ્થરો કેવી રીતે ગોઠવાયેલા હતા, આ બધું પછીથી સંશોધન માટે ઉપયોગી બને છે. એટલે પાણીની નીચેની દરેક ડૂબકી પાછળ ઉપર બેઠેલી એક આખી વૈજ્ઞાનિક ટીમ કામ કરતી હોય છે.
હવે 19 વર્ષ બાદ ફરી કેમ?
2007 પછી દ્વારકાના સમુદ્રમાં એવી વ્યાપક શોધખોળ લાંબા સમય સુધી થઈ નહોતી. આ વચ્ચે ASIની અંડરવોટર આર્કિયોલોજી વિંગને ફરી સક્રિય કરવામાં આવી અને 2025માં દ્વારકા તથા બેટ દ્વારકામાં નવી શરૂઆત થઈ. ફેબ્રુઆરી 2025માં ASIની પાંચ સભ્યોની ટીમે દ્વારકાના દરિયામાં પ્રાથમિક અંડરવોટર એક્સપ્લોરેશન શરૂ કર્યું હતું. ટીમે ગોમતી ક્રીક પાસેનો વિસ્તાર પસંદ કર્યો હતો અને અગાઉના અભિયાનમાં તપાસાયેલા વિસ્તારોને ફરી સમજવાનો પ્રયાસ કર્યો હતો. આ અભિયાનનો હેતુ માત્ર જૂની વસ્તુઓ ફરી જોવાનો નહોતો, પરંતુ આગળ ક્યાં અને કેવી રીતે વધુ કામ કરી શકાય તે નક્કી કરવાનો પણ હતો.
2026માં પણ દ્વારકા અને બેટ દ્વારકા સહિતના સ્થળોએ ASIની ટીમ દ્વારા સંશોધન અને એક્સપ્લોરેશન ચાલુ હોવાનું સંસદીય માહિતીમાં જણાવાયું છે. ભારત સરકારે 2030 સુધી અંડરવોટર એક્સપ્લોરેશન માટે દ્વારકા અને બેટ દ્વારકા સહિત અનેક સ્થળોને ઓળખ્યાં છે. હવે નવેમ્બર 2026માં ફરી એક મોટા ડીપ-સી એક્સપ્લોરેશનની તૈયારી થઈ રહી છે. 19 વર્ષ પહેલાંની શોધખોળ કરતાં હવે ટેક્નોલોજી વધુ આગળ છે, અગાઉની શોધખોળમાંથી પ્રાપ્ત માહિતી ઉપલબ્ધ છે અને કયા વિસ્તારોમાં વધુ ઊંડાણથી તપાસ કરવાની જરૂર છે તેનો અનુભવ પણ છે. આ વખતે ઉદ્દેશ્ય અગાઉના અભ્યાસને આગળ લઈ જઈને સ્થળનું વધુ સંપૂર્ણ વિશ્લેષણ કરવાનો છે. આ એક રીતે પાછા ફરવું છે. પરંતુ એ જ જગ્યાએ પાછા ફરવું નહીં. આ વખતે અગાઉના અનુભવ અને નવી ટેક્નોલોજી સાથે પાછા ફરવું છે.
સમુદ્ર હજુ કેટલું સાચવીને બેઠો છે?
દ્વારકાની સૌથી મોટી વિશેષતા કદાચ એ છે કે તેના અતીતનો એક ભાગ જમીન પર છે અને બીજો ભાગ સમુદ્રની નીચે. દ્વારકાધીશ મંદિર આજે પણ ભક્તોને પોતાની તરફ ખેંચે છે. ગોમતી ઘાટ પર આરતી થાય છે. શંખધ્વનિ સંભળાય છે. યાત્રાળુઓ દ્વારકાધીશના દર્શન કરે છે અને મંદિરથી થોડે દૂર એ જ અરબી સમુદ્ર પોતાની અંદર પ્રાચીન સમયના અવશેષો સાચવીને બેઠો છે. સમુદ્ર પોતાના ગર્ભમાં શું સાચવી રાખે છે તેનો અંદાજ માત્ર સપાટી પરથી લગાવી શકાય નહીં. કદાચ કોઈ જૂનું માળખું હજુ નીચે દટાયેલું હશે. કદાચ કોઈ પ્રાચીન બંદરની વધુ સ્પષ્ટ રચના હશે. કદાચ માનવ વસાહતના વધુ અવશેષો હશે. કદાચ અગાઉ મળી આવેલી વસ્તુઓ કરતાં વધુ મહત્વપૂર્ણ કોઈ રચના હશે અને અત્યાર સુધી જે મળ્યું છે તેને જોડતી કોઈ એવી કડી હશે જે દ્વારકાના પ્રાચીન દરિયાઈ જીવનને વધુ સ્પષ્ટ રીતે સમજવામાં મદદ કરશે. આ જ શોધખોળનો મૂળ હેતુ છે.
દ્વારકાની શોધ માત્ર દ્વારકાની શોધ નથી
દ્વારકાના સમુદ્રમાં ઉતરવાની વાત આવે ત્યારે તેને માત્ર એક પુરાતત્ત્વીય અભિયાન સમજી લેવું એ તેની વ્યાપકતા ઘટાડવા જેવું છે. ભારતનો ઇતિહાસ માત્ર જમીન પર લખાયો નથી. તેની નદીઓ, બંદરો, દરિયાકાંઠા અને સમુદ્રોએ પણ આ ઇતિહાસને પોતાના અંદર સાચવ્યો છે. ભારત હજારો વર્ષથી દરિયાઈ વેપાર અને દરિયાઈ સંસ્કૃતિ સાથે જોડાયેલું રહ્યું છે. પશ્ચિમ કિનારો તો પ્રાચીન સમયમાં ભારતના દરિયાઈ સંપર્કનો એક મહત્વપૂર્ણ માર્ગ હતો. દ્વારકાની શોધખોળ આ આખા દરિયાઈ ઇતિહાસને સમજવાની મોટી કડી બની શકે છે.
જો દરિયાના પેટાળમાં રહેલી રચનાઓને વધુ સારી રીતે ઓળખી શકાય, તેમની તારીખ નક્કી કરી શકાય અને વિવિધ અવશેષોને એકસાથે વાંચી શકાય તો ભારતના પ્રાચીન દરિયાઈ જીવનનું ચિત્ર વધુ સ્પષ્ટ થઈ શકે. કયા પ્રકારની વસાહતો દરિયાકાંઠે હતી, લોકો સમુદ્રનો ઉપયોગ કેવી રીતે કરતા હતા, બંદરો કેવી રીતે રચાતાં હતાં, કઈ વસ્તુઓનું ઉત્પાદન અને વિનિમય થતો હતો, આવા અનેક પ્રશ્નોના જવાબો આ પ્રકારની શોધખોળમાંથી મળી શકે છે અને અહીં એક બીજી વાત પણ એટલી જ મહત્વની છે. જે વસ્તુ જમીન પર નથી બચી, તેનો અર્થ એ નથી કે તે ઇતિહાસમાંથી અદૃશ્ય થઈ ગઈ. ઘણી વાર સમય કોઈ વસાહતને જમીન પરથી મિટાવી દે છે, પરંતુ સમુદ્ર તેના અવશેષોને પોતાના ગર્ભમાં સાચવી રાખે છે. અંડરવોટર આર્કિયોલોજી એ જ વિસરાયેલાં પાનાંઓ સુધી પહોંચવાનો પ્રયાસ છે.
હવે ફરી સમુદ્રમાં ઉતરશે મરજીવા
દ્વારકાના કિનારે આજે પણ લહેરો આવે છે અને પાછી જાય છે. હજારો વર્ષ પહેલાં પણ આ જ સમુદ્ર અહીં હતો. તેની લહેરો કદાચ એ નગરીની દીવાલોને અડતી હતી, જેના નામ સાથે ભગવાન શ્રીકૃષ્ણની સ્મૃતિ જોડાયેલી છે. સમય પસાર થયો. નગરી સમુદ્રના ગર્ભમાં સમાઈ ગઈ. ઉપર નવી પેઢીઓ આવી. મંદિર ઊભું રહ્યું. ભક્તિની પરંપરા જીવંત રહી અને પછી એક દિવસ માણસે નક્કી કર્યું કે હવે સમુદ્રની અંદર જઈને એ પ્રાચીન સ્મૃતિને ફરી વાંચવી છે. 1980ના દાયકામાં મરજીવાઓ ઊતર્યા. દરિયાએ તેમને સરળ રસ્તો આપ્યો નહીં. હોડીઓ પલટી. પ્રવાહ સામે લડવું પડ્યું. અંધારા અને ગંદા પાણીમાં હાથથી અવશેષો શોધવા પડ્યા. મર્યાદિત સાધનો વચ્ચે દસ્તાવેજીકરણ કરવું પડ્યું. 2007માં ફરી મોટી શોધખોળ થઈ અને હવે લગભગ બે દાયકા બાદ ફરી એક ટીમ એ જ સમુદ્ર તરફ આગળ વધી રહી છે. આ વખતે તેમની પાસે અગાઉની શોધખોળનો અનુભવ છે, નવી ટેક્નોલોજી છે અને દરિયાના પેટાળમાં હજુ શું શોધવાનું બાકી છે તેની વધુ સ્પષ્ટ સમજ છે.
દ્વારકા માટે આ માત્ર એક નવું ખોદકામ નથી. આ એક અધૂરી યાત્રાનો આગળનો અધ્યાય છે. સમુદ્રે દ્વારકાને પોતાના ગર્ભમાં સમાવી લીધી હશે, પરંતુ દ્વારકા ભારતની સ્મૃતિમાંથી ક્યારેય સમાપ્ત થઈ નથી. કિનારે ઊભેલા દ્વારકાધીશના ધામથી લઈને દરિયાના અંધકારમય પેટાળ સુધીનું તેનું અતીત સતત વહેતું રહ્યું છે, ગોમતીની માફક. હવે ફરી એકવાર માણસ એ અતીતનાં આગળનાં પાનાં સુધી પહોંચવા જઈ રહ્યો છે. સમુદ્રની સપાટી પર માત્ર લહેરો દેખાશે. પરંતુ તેની નીચે હજારો વર્ષ જૂની એક નગરી પોતાના આગામી રહસ્ય નહીં, પોતાના આગામી પુરાવાની રાહ જોઈ રહી છે અને ડિસેમ્બરમાં જ્યારે ફરી મરજીવા પાણીમાં ઉતરશે ત્યારે તેમની ડૂબકી માત્ર સમુદ્રની ઊંડાઈ નહીં માપે. તે ભારતના પોતાના પ્રાચીન ભૂતકાળ સુધી પહોંચવાની વધુ એક ડૂબકી હશે.
આ શોધખોળ કેમ જરૂરી છે?
દ્વારકા માત્ર સમુદ્રના પેટાળમાં દટાયેલું કોઈ પ્રાચીન સ્થળ નથી. ભારતીય ચેતનામાં તે ભગવાન શ્રીકૃષ્ણની નગરી છે, એવી દ્વારકા જ્યાં શ્રીકૃષ્ણે મથુરા છોડ્યા બાદ યદુવંશ સાથે આવીને પોતાનું રાજ્ય વસાવ્યું હતું. મહાભારતથી લઈને પુરાણો સુધી દ્વારકાની સ્મૃતિ સતત વહેતી રહી છે અને આજે પણ દ્વારકાધીશનું ધામ એ જ પરંપરાને જીવંત રાખે છે. હવે જ્યારે સમુદ્રની નીચે દ્વારકા સાથે જોડાયેલા પ્રાચીન માળખાં, પથ્થરના એન્કર, સ્થાપત્યના અવશેષો અને માનવ ઉપયોગની વસ્તુઓ મળી રહી છે ત્યારે આ શોધખોળનું મહત્વ માત્ર એક પુરાતત્વીય સ્થળ શોધવા પૂરતું રહેતું નથી.
તે ભગવાન શ્રીકૃષ્ણની દ્વારકા સાથે જોડાયેલા પ્રાચીન ભૂગોળ, નગરરચના, દરિયાઈ જીવન અને માનવ વસાહતને વધુ સારી રીતે સમજવાનો પ્રયાસ બની જાય છે. જમીન પરનું દ્વારકાધીશ મંદિર આજે જીવંત પરંપરાનું કેન્દ્ર છે અને સમુદ્રની નીચે રહેલા અવશેષો એ જ દ્વારકાના પ્રાચીન અધ્યાય સુધી પહોંચવાનો માર્ગ છે. દ્વારકાની શોધખોળનું બીજું મહત્વ એ છે કે તે ભારતના પ્રાચીન દરિયાઈ ઇતિહાસને સમજવા માટે એક અસાધારણ બારી ખોલે છે. શ્રીકૃષ્ણની દ્વારકા સમુદ્રકાંઠે વસેલી નગરી હતી અને અત્યાર સુધીની અંડરવોટર શોધખોળમાં મળેલા પથ્થરના એન્કર, દીવાલો, જેટી જેવી રચનાઓ અને અન્ય અવશેષો દર્શાવે છે કે આ વિસ્તારનું જીવન સમુદ્ર સાથે ઊંડે જોડાયેલું હતું. પ્રાચીન ભારતનાં નગરો, બંદરો, નૌકાવિહાર અને દરિયાઈ વ્યવહાર વિશેની ઘણી માહિતી જમીન પર નહીં, પરંતુ પાણીની નીચે મળી શકે છે.
એટલે દ્વારકાના પેટાળમાં થતી દરેક નવી શોધ માત્ર એક પથ્થર કે એક માળખું શોધતી નથી, તે શ્રીકૃષ્ણની દ્વારકા સાથે જોડાયેલી પ્રાચીન નગરી કેવી હતી, તેના લોકો સમુદ્રનો ઉપયોગ કેવી રીતે કરતા હતા અને પશ્ચિમ કિનારે ભારતનું દરિયાઈ જીવન કેટલું વિકસિત હતું તેની તસવીરને વધુ સ્પષ્ટ બનાવે છે અને આ જ કારણથી 19 વર્ષ બાદ થનારું ડીપ-સી એક્સપ્લોરેશન મહત્વપૂર્ણ બની જાય છે. અગાઉના અભિયાનોમાં જ્યાં મરજીવાઓ મર્યાદિત સાધનો અને મુશ્કેલ પરિસ્થિતિઓ વચ્ચે સમુદ્રના પેટાળ સુધી પહોંચ્યા હતા, આજે સોનાર, બેથિમેટ્રી, સબ-બોટમ પ્રોફાઇલિંગ, હાઇડ્રોગ્રાફિક સર્વે અને આધુનિક ડોક્યુમેન્ટેશન જેવી ટેકનોલોજી સાથે એ જ વિસ્તારને વધુ ઊંડાણથી વાંચી શકાય છે.
દ્વારકાના સમુદ્રમાં હજુ કેટલા અવશેષો દટાયેલા છે, અગાઉ મળેલી રચનાઓ કેટલી દૂર સુધી ફેલાયેલી છે અને આ બધું મળીને ભગવાન શ્રીકૃષ્ણની દ્વારકાના પ્રાચીન નગરજીવનની કેવી તસવીર બનાવે છે, તેના જવાબો આગામી શોધખોળમાંથી મળી શકે છે. એટલે આ ડૂબકી માત્ર ભૂતકાળમાં ઉતરવાની નથી. આ ભગવાન શ્રીકૃષ્ણની દ્વારકા સાથે જોડાયેલી ભારતની એક સૌથી પ્રાચીન અને જીવંત સ્મૃતિને સમુદ્રના ગર્ભમાંથી વધુ નજીકથી સમજવાની ડૂબકી પણ છે.


