
સુરતના ભટાર વિસ્તારમાં દિવાળીની રાત્રે ફટાકડા ફોડી રહેલા એક 18 વર્ષીય હિંદુ યુવક પ્રસિદ્ધ સંતોષ મોરે ઉર્ફે સન્નીની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને નિર્મમ હત્યા કરી દેવામાં આવી. બાળકો સાથે ફટાકડા ફોડી રહેલા નિર્દોષ સન્ની પર અચાનક શાહિદ નામના શખ્સે અન્ય અમુક માણસો સાથે મળીને હુમલો કર્યો અને તેની છાતીમાં 5 જેટલા તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દીધા હતા.
દિવ્ય ભાસ્કરના અહેવાલ અનુસાર મૃતકના મિત્ર ધર્મેન્દ્રએ જણાવ્યું છે કે સન્ની વિસ્તારના બાળકો સાથે શાંતિથી ફટાકડા ફોડી રહ્યો હતો. તેણે કોઈને કંઈ કહ્યું ન હોવા છતાં શાહિદ અને તેના પરિવારે અચાનક આવીને ગાળાગાળી શરૂ કરી દીધી હતી. સન્નીએ ઝઘડો ટાળવા માટે ત્યાંથી નીકળી જવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે નીકળી શક્યો નહોતો.
અહેવાલ મુજબ સન્ની નીકળી રહ્યો હતો ત્યારે શાહિદ અને તેના 6-7 સાગરીતોએ સન્નીને ઘેરી લીધો અને પાછળથી અચાનક હુમલો કરી દીધો હતો. હુમલાખોરોએ સન્નીની છાતીના ભાગે 5 જેટલા ઊંડા ઘા ઝીંકી દીધા, જેના કારણે તે લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો. દરમિયાન સન્નીને તેના મિત્રો રિક્ષા મારફતે તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા.
છાતીમાં તીક્ષ્ણ હથિયારના ઊંડા ઘા વાગ્યા હોવાથી હોસ્પિટલમાં તબીબોએ સન્નીને મૃત જાહેર કર્યો હતો. અહેવાલ મુજબ સન્ની કલરકામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ઘટનાસ્થળે લાગેલા CCTV કેમેરામાં આખી ઘટના કેદ થઈ ગઈ હતી.
પ્રત્યક્ષદર્શીઓ અને મિત્રોના જણાવ્યા અનુસાર, આરોપી શાહિદ અને તેની સાથે જોડાયેલા લોકો વિસ્તારમાં ગેરકાયદેસર રીતે દારૂ તથા ગાંજાનો કાળો કારોબાર ચલાવે છે. આરોપીઓ અને સન્ની વચ્ચે પહેલેથી જ દુશ્મની હતી. એટલે શાહિદ તથા તેના સાગરીતો અવારનવાર સન્નીને આવતા-જતા ગાળો બોલતા હતા અને તેને જાનથી મારી નાખવાની ફિરાકમાં હતા.
આ ઘટનાના કારણે ભટાર વિસ્તારમાં ભારે આક્રોશ અને અસંતોષનો માહોલ સર્જાયો છે. હાલમાં પોલીસની ટીમે CCTV ફૂટેજના આધારે ગુનો નોંધ્યો છે. જોકે હજી સુધી કોઇની ધરપકડ થઈ છે કે કેમ તેની માહિતી સામે આવી નથી પરંતુ પોલીસ કાર્યવાહી ચાલુ છે.

