
જૂનાગઢમાં હિંદુ યુવતીને લગ્નની લાલચ આપી તેની સાથે વારંવાર દુષ્કર્મ આચરવા અને ગુપ્ત વિડીયો-ફોટા વાયરલ કરવાની ધમકી આપવાના ગંભીર આરોપમાં દરગાહના મુજાવર અને તેના પુત્રની ધરપકડ કરવામાં આવી છે. શહેરના માનવી ચોકમાં આવેલી સંઘાડીયા બજારની મૌનીશાપીર દરગાહના મુજાવર જાવિદ કરીમભાઈ શેખ અને તેના પુત્ર વાહીદ સામે યુવતીની ફરિયાદના આધારે દુષ્કર્મ, ધમકી અને મારપીટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા બાદ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે.
FIR મુજબ, આ સમગ્ર ઘટનાની શરૂઆત વર્ષ 2021 દરમિયાન થઈ હતી. આશરે 30 વર્ષની હિંદુ યુવતી અવારનવાર મૌનીશાપીર દરગાહમાં જતી હતી. તે દરમિયાન દરગાહના મુજાવર જાવિદ કરીમભાઈ શેખ સાથે તેનો પરિચય થયો હતો. ધીમે-ધીમે બંને વચ્ચે પારિવારિક અને ઘર જેવા સંબંધો બંધાયા હતા. આ દરમિયાન જાવિદે પોતાના પુત્ર વાહીદ સાથે યુવતીના લગ્ન કરાવવાની વાત કરી હતી. જોકે, આ લગ્નની વાત વચ્ચે યુવતીની મરજી વિરુદ્ધ તેની સાથે શારીરિક સંબંધો બાંધવામાં આવ્યા હોવાનો આરોપ છે.
ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આરોપીઓ યુવતીને અલગ-અલગ જગ્યાએ લઈ જતા હતા અને ત્યાં તેના ગુપ્ત ફોટા તથા વિડીયો ઉતારતા હતા. ત્યારબાદ આ સામગ્રી સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેવાની ધમકી આપીને યુવતીને વારંવાર શારીરિક સંબંધો બાંધવા મજબૂર કરવામાં આવતી હતી. યુવતીએ લગ્ન કરવાની ના પાડતા તેની સાથે મારપીટ કરવામાં આવી હતી અને છરીથી હુમલો કરાયો હોવાનો પણ આક્ષેપ છે. એટલું જ નહીં, યુવતીના સગા-સંબંધીઓને બદનામ કરવાની ધમકી પણ આપવામાં આવી હતી.
FIRમાં યુવતીએ એવો પણ ઉલ્લેખ કર્યો છે કે આરોપીઓએ તેને અલગ-અલગ સ્થળોએ લઈ જઈને તેની સાથે બળજબરી કરી હતી. તેના ફોટા અને વિડીયોનો ઉપયોગ કરીને તેને સતત ડરાવવામાં આવતી હતી. યુવતીના જણાવ્યા અનુસાર, આરોપીઓ દ્વારા તેને શારીરિક ઇજા પહોંચાડવામાં આવી હતી અને તેના પર દબાણ જાળવી રાખવામાં આવતું હતું. ફરિયાદમાં વાહીદના પિતા જાવિદની ભૂમિકા પણ દર્શાવવામાં આવી છે. યુવતીનો આક્ષેપ છે કે જાવિદે પણ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને પુત્ર સાથે મળીને આ કૃત્યોમાં મદદગારી કરી હતી.
જૂનાગઢના ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ આ મામલે જણાવ્યું હતું કે યુવતીની ફરિયાદના આધારે મુખ્ય આરોપી વાહીદ અને તેના અબ્બા જાવિદ કરીમભાઈ શેખ સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે બંનેની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા હતા, જ્યાંથી તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે.
પોલીસ હવે આ મામલે વધુ તપાસ કરી રહી છે. યુવતીને અન્ય કોઈ સ્થળે કે દરગાહમાં લઈ જવામાં આવી હતી કે કેમ, આ ગુનામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ અને યુવતીના ફોટા-વિડીયોનો ઉપયોગ કરીને તેને કેવી રીતે ધમકાવવામાં આવતી હતી તે સહિતના પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. ભોગ બનનાર યુવતીનું વિગતવાર નિવેદન પણ નોંધવામાં આવ્યું છે.

