તાપીના સોનગઢમાં મુસ્લિમ પાડોશીઓના ત્રાસથી હિંદુ યુવકે જીવન ટૂંકાવ્યું, સલીમ સહિત 6 સામે દુષ્પ્રેરણાનો ગુનો

તાપી જિલ્લાના સોનગઢમાં એક હિંદુ યુવકે મુસ્લિમ પાડોશીઓના ત્રાસથી જીવન ટૂંકાવી લીધું છે. 23 ઑક્ટોબરે વહેલી સવારે યુવકે પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે માતાની ફરિયાદ પર આરોપીઓ સામે આત્મહત્યા દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી છે.

મામલો સોનગઢના જુના મુસ્લિમ ફળિયા વિસ્તારનો છે. અહીં રહેતા દીપક નાયરે શુક્રવારે (23 ઑક્ટોબર) વહેલી સવારે અંતિમ પગલું ભર્યું હતું. તે પહેલાં તેણે એક ઓડિયો પણ રેકોર્ડ કરીને સ્થાનિક ગ્રુપમાં પોસ્ટ કર્યો હતો.

આ ઓડિયોમાં તે જણાવે છે કે, “આ બધું કારસ્તાન અમારી જમીન લેવા માટે કરવામાં આવી રહ્યું છે. તેની પાછળ સલીમ મુલ્લો, તેની પુત્ર ઈમ્તિયાઝ શેખ અને રિયાઝ શેખ છે. હર્ષ સંઘવી સાહેબને જણાવવા માગું છું કે અમને ન્યાય અપાવજો, મારી મમ્મીને ન્યાય અપાવજો. મમ્મીને ન્યાય અપાવવા માટે જ મેં આ બધું કર્યું છે.”

પોલીસે દીપકની માતાની ફરિયાદના આધારે સલીમ મુલ્લા, વસીમ, રિયાઝ શેખ, ઈમ્તિયાઝ શેખ, શબ્બીર પઠાણ અને બિપીનભાઈ ગામિત વિરુદ્ધ આત્મહત્યા દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે. સાથે ઓડિયો ક્લિપ અને અન્ય પુરાવાઓની પણ તપાસ ચાલી રહી છે. યુવકે અમુક નોંધ પણ લખી હતી, જે પણ પોલીસને સોંપવામાં આવી છે.

ફરિયાદમાં જણાવવામાં આવ્યું કે સલીમ અને તેના પુત્રો દીપકનું ઘર પડાવી લેવા માગતા હતા અને તેના માટે તેને ત્રાસ આપવામાં આવતો હતો. અગાઉ તેને મારી નાખવાની અને જીવતો સળગાવી દેવાની ધમકી પણ આપવામાં આવી હતી. જેથી આરોપીઓના ત્રાસ અને ધમકીઓથી કંટાળીને દીપકે આપઘાત કરી લીધો હોવાનો આરોપ ફરિયાદમાં મૂકવામાં આવ્યો છે. જ્યારે એક આરોપ દીપકના દાદાની બીજી પત્નીના પરિવારના સભ્ય બિપીન ગામિત વિરુદ્ધ છે, જેમણે પણ મિલકતમાંથી ભાગ પડાવવા માટે અગાઉ પ્રયાસ કર્યો હોવાનું જણાવવામાં આવ્યું છે.

જિલ્લા પોલીસ વડાએ આ મામલે જાણકારી આપતાં કહ્યું કે, “યુવકની માતાની ફરિયાદના આધારે પહેલાં અકસ્માતે મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને પોસ્ટમોર્ટમની કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારબાદ મૃતકની માતાને એક ઓડિયો ક્લિપ ધ્યાને આવી હતી, જે પોલીસને આપવામાં આવતાં પોલીસે મામલો આત્મહત્યા દુષ્પ્રેરણાનો જણાતાં યુવકની માતાની ફરિયાદ નોંધીને ગુનો દાખલ કર્યો હતો.”

પોલીસ અધિકારી અનુસાર આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 108 અને 54 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને હાલ આગળની તપાસ ચાલી રહી છે. તેમણે જણાવ્યું કે ફરિયાદ અનુસાર મૃતકના મકાનની બાજુમાં જ રહેતા આરોપીઓ માનસિક દબાણ લાવી ત્રાસ આપતા હતા અને ધાકધમકીઓ આપતા હતા, જેના કારણે યુવકે આ પગલું ભર્યું છે.

પોલીસ હાલ મામલાની તપાસ કરી રહી છે.

આ જ વિસ્તારમાં હિંદુ ઘર પર થયો હતો પથ્થરમારો

ઉલ્લેખનીય છે કે ચાર દિવસ પહેલાં જ સોનગઢના આ જ જૂના મુસ્લિમ ફળિયામાં એક હિંદુ યુવકના ઘર પર પથ્થરમારો થયો હતો. પહેલાં એક મુસ્લિમ શખ્સે એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર ગરબા પંડાલને ‘ગર્ભવતી પંડાલ’ ગણાવ્યો હતો, જેના વિરોધમાં હિંદુ યુવકે ટિપ્પણીઓ કરતાં તેની વિરુદ્ધ સ્થાનિક પોલીસ મથકે ફરિયાદ આપવામાં આવી હતી.

સ્થાનિક પોલીસે પછીથી યુવક પાસે કૉમેન્ટ ડિલીટ કરાવીને સમાધાન કરી લીધું હતું પરંતુ ત્યારબાદ મંગળવારે સાંજની નમાજ બાદ યુવકના ઘરથી થોડા જ અંતરે આવેલી એક મસ્જિદમાંથી મુસ્લિમોનું ટોળું ધસી આવ્યું હતું અને ‘સર તન સે જુદા’ના નારા લગાવીને ઘર પર પથ્થરમારો કર્યો હતો. ત્યારબાદ યુવકની ફરિયાદના આધારે ટોળા સામે ગુનો દાખલ કરીને પોલીસે 10 આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. ત્યારબાદ અન્ય પણ પકડાયા હતા, હાલ ફરાર આરોપીઓની શોધખોળ ચાલી રહી છે.

જૂના મુસ્લિમ ફળિયા મુસ્લિમ બહુલ વિસ્તાર છે અને હિન્દુઓનાં થોડાં જ ઘરો છે.