
ગુજરાતના કચ્છ જિલ્લાના ભુજમાં આવેલી મોહમ્મદી મસ્જિદ તોડી પાડવાના મામલે ગુજરાત હાઇકોર્ટે તંત્રની કાર્યવાહી સામે પ્રશ્નો ઉઠાવ્યા છે. નોંધનીય છે કે મસ્જિદના ગેરકાયદે ભાગને દૂર કરવાની પ્રક્રિયા ઝડપથી કરવામાં આવી એટલે હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. કોર્ટનું કહેવું છે કે કચ્છ જિલ્લા કલેક્ટરએ આપેલ સોગંદનામાંમાં કાર્યવાહી ઉતાવળે કેમ કરવામાં આવી તે અંગે કોઈ સંતોષકારક જવાબ નથી. આથી હાઇકોર્ટે જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાને 30 ઑક્ટોબર, 2026ના રોજ વ્યક્તિગત રીતે હાજર રહીને જવાબ આપવા આદેશ આપ્યો છે.
નોંધનીય છે કે ગુજરાતમાં સરકારી અને ગૌચરની જમીનો પર થતાં ગેરકાયદે દબાણો સામે રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટીતંત્ર ઘણા સમયથી ઝુંબેશ ચલાવી રહ્યા છે. આ જ કાર્યવાહીના ભાગરૂપે કચ્છના ભુજ તાલુકામાં સરકારી જમીન પર કોઈ પણ પ્રકારની મંજૂરી વિના ઊભી કરી દેવાયેલી ‘મોહમ્મદી મસ્જિદ’ના ગેરકાયદે બાંધકામ પર તંત્રએ બુલડોઝરવાળી કરી હતી.
સરકારી જમીન પર કબ્જો અને વહીવટીતંત્રની કાર્યવાહી
સરકારી કાગળો અને રેવન્યુ રેકોર્ડ મુજબ, ભુજ ગ્રામ્ય વિસ્તારમાં જે જમીન પર મસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યું હતું, તે સરકારી માલિકીની જમીન હતી. આ જમીન પર મસ્જિદ કે ટ્રસ્ટને કોઈ પણ પ્રકારની ફાળવણી અથવા નિર્માણ માટેની કાયદેસરની પરવાનગી આપવામાં આવી નહોતી.
જમીન પર થયેલા આ ગેરકાયદે દબાણને દૂર કરવા માટે ભુજ મામલતદાર દ્વારા ‘ગુજરાત લેન્ડ રેવેન્યુ કોડ’ની કલમ 61 હેઠળ નોટિસ આપવામાં આવી હતી. નોટિસના જવાબમાં મસ્જિદ ટ્રસ્ટ જમીનની માલિકી કે બાંધકામની કાયદેસરતા દર્શાવતા કોઈ પણ પુરાવા કે દસ્તાવેજો રજૂ ન કરી શક્યું. તેથી તંત્રએ 21 જૂનના રોજ બુલડોઝર ફેરવીને સરકારી જમીન મુક્ત કરાવી હતી.
ગુજરાત હાઇકોર્ટમાં મામલો અને કલેક્ટરનો જવાબ
આ કાર્યવાહી સામે મોહમ્મદી મસ્જિદ જમાતના ટ્રસ્ટીએ ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેમાં તંત્રની કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા હતા. અરજીમાં એવો દાવો કરાયો હતો કે તંત્રએ કોઈ સમય આપ્યા વગર ઉતાવળે કાર્યવાહી કરી નાખી હતી. આ અરજીના આધારે હાઇકોર્ટે 13 ઑકટોબરના રોજ કલેકટર પાસેથી એફિડેવિટ દાખલ કરીને જવાબ માંગ્યો હતો. ત્યારબાદ કચ્છ જિલ્લા કલેક્ટર અનિલ રણવાસીયાએ હાઇકોર્ટ સમક્ષ સોગંદનામું રજૂ કરીને કાર્યવાહી અંગે જવાબ આપ્યા હતા.
એફિડેવિટમાં તેમણે જણાવ્યું હતું કે રેવન્યુ રેકોર્ડમાં આ જમીન કોઈને ફાળવવામાં આવી હોવાનો કોઈ ઉલ્લેખ નથી. આ સિવાય મસ્જિદ ટ્રસ્ટ પાસે જમીનનો કબજો રાખવા કે મસ્જિદ બાંધવા માટેનો કોઈ પણ કાયદેસરનો અધિકાર કે પરવાનગી નથી. તેમને જણાવ્યું કે નોટિસના જવાબમાં પણ માત્ર એટલું જ કહ્યું હતું કે મસ્જિદ મજહબી કામકાજ માટે વપરાય છે, પણ એટલા માટે થઈને ગેરકાયદે કબજાને કાયદેસર ગણી શકાય નહીં.
જોકે હાઇકોર્ટમાં જસ્ટિસ નિરલ આર. મહેતાની બેન્ચને આ જવાબો સંતોષકારક લાગ્યા નહોતા. તેથી કોર્ટે કલેકટરને રૂબરૂ હાજર રહી જવાબ આપવા કહ્યું છે. હવે 30 ઑક્ટોબરે કલેકટર કોર્ટમાં હાજર રહી આ મામલે ખુલાસો આપશે.

