દેવભૂમિ દ્વારકામાં બનશે ભગવાન શ્રીકૃષ્ણના જીવનને સમર્પિત ભવ્ય મ્યુઝિયમ, AIની મદદથી ‘કૃષ્ણ’ સાથે સંવાદ કરી શકશે શ્રદ્ધાળુઓ

ગુજરાત સરકારે દેવભૂમિ દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણના જીવન અંગે માહિતી આપતું એક મ્યુઝિયમ બનાવવાનો નિણર્ય લીધો છે. આ પ્રોજેક્ટનો હેતુ આધુનિક ટેક્નોલોજીની મદદથી લોકોને ભગવાન શ્રીકૃષ્ણના જીવનની ઘટનાઓનો અનુભવ કરાવવાનો છે. આ માટે સરકારે ₹92.70 કરોડ ફાળવ્યા છે.

આ મ્યુઝિયમ પ્રખ્યાત જગતમંદિરથી માત્ર 1.6 કિલોમીટરના અંતરે આવેલું હશે. તેમાં મુલાકાતીઓને ડિજિટલ ડિસ્પ્લે અને ઓડિયો-વિઝ્યુઅલ માધ્યમથી એક અનોખો અનુભવ મળશે. તેમાં ખાસ 9 પ્રકારની ગેલેરી બનાવવામાં આવશે, જેમાં ભગવાન શ્રીકૃષ્ણના જીવનના જુદા-જુદા તબક્કાઓ દર્શાવ્યા હશે.

9 ગેલેરીઓમાં ભગવાનના જીવનના જુદા-જુદા તબક્કાઓનું વર્ણન

અહેવાલ મુજબ, ગેલેરીમાં શ્રીકૃષ્ણનો જન્મ, ગોકુળ-વૃંદાવનની બાળલીલાઓ, ગોવર્ધન પર્વત ઉપાડવો, કાળિયો નાગ નાથવો અને રાસલીલા, મથુરા ગમન, કંસનો વધ, દ્વારકા નગરીની સ્થાપના અને મહાભારતમાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા તથા શ્રીમદ્ભગવદ્ ગીતાના સંદેશ અંગે ઓડિયો-વિઝ્યુઅલથી રજૂઆત કરવામાં આવશે.

આ ઉપરાંત ભગવદ્ ગીતાને સમજાવવા માટે પણ અહીં ખાસ વ્યવસ્થા હશે. ગીતાના જ્ઞાનયોગ, ભક્તિયોગ અને કર્મયોગનું મહત્વ સામાન્ય લોકો સમજી શકે તેવી સરળ ભાષામાં રજૂ કરવામાં આવશે. ગીતાના શ્લોકોનો અર્થ અને આજના જીવનમાં તેમની ઉપયોગિતા સમજાવવા પર ભાર મૂકવામાં આવશે. આ જ માહિતી ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં પણ માહિતી આપવાનું આયોજન છે.

મ્યુઝિયમમાં 3D જેવી આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ભગવાન કૃષ્ણના જીવનની ઘટનાઓને વધુ જીવંત રીતે રજૂ કરવાની યોજના પણ છે. આ ટેકનોલોજીથી મુલાકાતીઓ દ્વારકા, મથુરા અને વૃંદાવન સાથે જોડાયેલી ઘટનાઓનો જીવંત અનુભવ કરી શકશે.

AIની મદદથી ભગવાન કૃષ્ણ સાથે વાત કરી શકશે લોકો

આ મ્યુઝિયમની એક વિશેષતા AI આધારિત ‘સ્પીક ટુ કૃષ્ણ’નો અનુભવ પણ છે. આ સુવિધાનો ઉપયોગ કરીને મુલાકાતીઓ ભગવાન કૃષ્ણને સવાલ પૂછી શકશે અને AIની મદદથી જવાબ મેળવી શકશે. આ માટે હેડફોન સાથેના ખાસ કિયોસ્ક બનાવવાનું આયોજન છે. મુલાકાતીઓ પોતાની સમસ્યાઓ વિશે સવાલ પૂછી શકે અને તેમને સકારાત્મક જવાબો મળે તેવો હેતુ છે.

આ ઉપરાંત મ્યુઝિયમ પરિસરમાં મુલાકાતીઓ માટે સુંદર બગીચાઓ, કમળ કુંડ, લાઈટ-એન્ડ-સાઉન્ડ શો અને ખુલ્લું એમ્પિથિયેટર બનાવવામાં આવશે, જેથી પ્રવાસીઓને સાંસ્કૃતિક શીખવાની સાથે મનોરંજન પણ મળી રહે. આ ઉપરાંત, લોકોની સુવિધા માટે અહીં કાફે, સોવેનિયર શોપ, વાહન પાર્કિંગ, માહિતી કેન્દ્ર અને દિવ્યાંગજનો માટે ખાસ અનુકૂળ વ્યવસ્થાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

નોંધનીય છે કે દ્વારકા ગુજરાતનું એક ખૂબ જ મહત્વનું ધાર્મિક સ્થળ છે, જ્યાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ ભગવાન દ્વારકાધીશના દર્શને આવે છે. આ નવું મ્યુઝિયમ બનવાથી અહીં આવતા પ્રવાસીઓને દર્શનની સાથે સાથે ભગવાન કૃષ્ણના જીવન, ભગવદ્ ગીતા અને આપણી સંસ્કૃતિ વિશે વધુ જાણવા મળશે. આનાથી સ્થાનિક પ્રવાસનને વેગ મળશે અને હોટેલ, વાહનવ્યવહાર તેમજ ખાણીપીણી જેવા નાના-મોટા ધંધા-રોજગારને પણ મોટો ફાયદો થશે.