‘ન્યાયતંત્ર પર કોઈ ધૌંસ ન જમાવી શકે’: 12 ઑક્ટોબરની માર્ચ મુદ્દે દાખલ અરજી પર સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધી અને કોંગ્રેસને મોકલી નોટિસ

12 ઑક્ટોબરના રોજ અરજી દાખલ કરવા માટે વકીલો અને કોંગ્રેસ કાર્યકર્તાઓની ફૌજ લઈને સુપ્રીમ કોર્ટ ધસી ગયેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને INDI ગઠબંધનના અન્ય નેતાઓ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી મુદ્દે સુપ્રીમ કોર્ટે નેતાઓને નોટિસ પાઠવી છે.

અરજીમાં માંગ કરવામાં આવી છે કે સુપ્રીમ કોર્ટને રાજકીય મંચ બનાવવાના પ્રયાસો થતા અટકાવવામાં આવે. સાથે કોંગ્રેસના કેરળ યુનિટે મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત વિશે કરેલી ટિપ્પણી મામલે અદાલતની અવમાનનાની કાર્યવાહી શરૂ કરવા માટે પણ માંગ કરવામાં આવી છે. ચાર વકીલોએ આ અરજી દાખલ કરી હતી, જેની ઉપર ગુરુવારે (15 ઑક્ટોબર) સુનાવણી હાથ ધરવામાં આવી.

અરજદારો તરફથી વકીલ ગૌરવ ભાટિયાએ કહ્યું, “સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટ પરિસરમાં પ્રદર્શનો કરવા પર નિયંત્રણ મૂકવું જોઈએ. સુપ્રીમ કોર્ટને મંચ ન બનાવી શકાય અને એ બિલકુલ સ્વીકાર્ય નથી. જે કંઈ પણ બન્યું હતું એ દુર્ભાગ્યપૂર્ણ હતું અને આ ફરીથી ન બને એ જોવું જોઈએ. સુપ્રીમ કોર્ટમાં કામ કરતા વકીલો પણ આક્રોશિત છે. બસો વકીલોએ એક આવેદન પર હસ્તાક્ષર પણ કર્યા છે અને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ન્યાયતંત્ર પર દબાણ ન લાવી શકાય.

જેના જવાબમાં મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે કહ્યું, “ન્યાયતંત્ર પર કોઈ ધૌંસ જમાવી ન શકે.” આગળ તેમણે કહ્યું, “અમે આઇવરી ટાવરમાં બેઠા નથી. અમને બધી ખબર પડે છે. અમે એ પણ જાણીએ છીએ કે તેઓ બહાર જઈને જુદાં નિવેદનો આપે છે અને કોર્ટમાં આવીને જુદી વાતો કરે છે.”

દરમ્યાન ભાટિયાએ માંગ કરી કે કેરળ કોંગ્રેસ યુનિટને કન્ટેમ્પ્ટ નોટિસ મોકલવામાં આવે. જોકે કોર્ટે હાલ અવમાનના પર કોઈ કાર્યવાહી શરૂ કરી નથી અને પહેલાં કોંગ્રેસ, રાહુલ ગાંધી અને અન્ય નેતાઓ પાસે જવાબ માગ્યા છે.

કોર્ટે કહ્યું, “આજે કન્ટેમ્પ્ટ નહીં. અમે માત્ર નોટિસ ઇસ્યુ કરી રહ્યા છીએ. જવાબ આવવા દો ત્યારબાદ આગળ વધીશું.”

ઉલ્લેખનીય છે કે 12 ઑક્ટોબરના રોજ રાહુલ ગાંધી અને અન્ય નેતાઓ સુપ્રીમ કોર્ટ પહોંચી ગયા હતા. ત્યારબાદ રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ, કમિશનરો વગેરે સામે અરજી દાખલ કરી હતી. જોકે અરજીમાં ભૂલો આવતાં રજિસ્ટ્રીએ ફરી મોકલી અને ત્યારબાદ ફરીથી દાખલ કરવામાં આવી હતી, જેની ઉપર પણ કોર્ટે તાજેતરમાં નોટિસ પાઠવી છે.

રાહુલ ગાંધીની આ સુપ્રીમ કોર્ટ માર્ચ બાદ કેરળ કોંગ્રેસે X પર એક પોસ્ટ કરીને લખ્યું હતું, ‘સૂર્યકાંત, જો કાયદો વ્યવસ્થા તમારું કામ ન હોય તો હમણાં જ રાજીનામું મૂકી દો. તમારા સ્થાને કોણ આ કામ કરી શકે એ અમે જોઈ લઈશું.”

આ પોસ્ટ જોકે પછીથી ડિલીટ કરી દેવામાં આવી હતી, પરંતુ તેની સામે કોર્ટમાં હવે અરજી થઈ છે અને વકીલોએ કહ્યું છે કે આ સ્પષ્ટ રીતે સિટિંગ ચીફ જસ્ટિસને દબાણમાં લાવવાનો પ્રયાસ છે.

આ સિવાય અન્ય એક પોસ્ટ સામે પણ વાંધો ઉઠાવવામાં આવ્યો છે, જેમાં TMC (મમતા જૂથ) સાંસદ મહુઆ મોઈત્રાએ લખ્યું હતું, ‘સૂર્યા ક્લીયરલી કાન્ટ, સો વી વિલ.’

હવે આ મુદ્દે કોર્ટ આગળ સુનાવણી હાથ ધરશે.