
મેરઠના બહુચર્ચિત ‘બ્લૂ ડ્રમ મર્ડર કેસ’માં અદાલતે મોટો ચુકાદો આપ્યો છે. અદાલતે 30 સપ્ટેમ્બરના રોજ બંને આરોપીઓને હત્યા અને પુરાવાનો નાશ કરવા માટે દોષિત ઠેરવ્યાં હતાં. ત્યારબાદ સજા અંગેની સુનાવણી પૂરી કરીને, 14 ઑક્ટોબર, 2026ના રોજ અદાલતે મુસ્કાન અને તેના પ્રેમી સાહિલ બંનેને ફાંસીની સજા ફટકારી છે.
આ કેસમાં પત્ની મુસ્કાન રસ્તોગીએ તેના પ્રેમી સાહિલ શુક્લા સાથે મળીને પોતાના જ પતિ સૌરભ રાજપૂતની અત્યંત નિષ્ઠુરતાથી હત્યા કરી હતી. હત્યા બાદ પુરાવા છુપાવવા માટે મૃતદેહના ટુકડા કરીને તેને સિમેન્ટ ભરેલા વાદળી રંગના પ્લાસ્ટિકના ડ્રમમાં પેક કરી દેવામાં આવ્યા હતા. આ ભયાનક ઘટના સામે આવ્યા બાદ સમગ્ર દેશમાં ભારે ચકચાર મચી ગઈ હતી.
13 મહિના સુધી ચાલેલી સુનાવણી બાદ આવ્યો ચુકાદો
મેરઠની જિલ્લા અને સત્ર અદાલતમાં ન્યાયાધીશ અરવિંદ કુમાર મિશ્રાએ આ કેસની સુનાવણી કરી હતી. અદાલતે 30 સપ્ટેમ્બર, 2026ના રોજ મુસ્કાન રસ્તોગી અને સાહિલ શુક્લાને દોષિત જાહેર કર્યાં હતાં. ત્યારબાદ 14 ઑક્ટોબરે આખરી ચુકાદો આપતા બંને દોષિતોને મૃત્યુદંડની સજા સંભળાવી હતી.
આ કેસમાં ન્યાય મેળવવા માટે એક લાંબી કાયદાકીય પ્રક્રિયા ચાલી હતી. આ દરમિયાન આશરે 126 વખત અદાલતી કાર્યવાહી થઈ અને 22 જેટલા સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યા હતા. પોલીસે આ કેસમાં 1,000 પાનાંની ચાર્જશીટ રજૂ કરી હતી, જેમાં સંજોગજન્ય પુરાવા, મેડિકલ રિપોર્ટ અને ફોરેન્સિક પુરાવા સામેલ હતા.
સરકારી પક્ષે કેમ માગી હતી ફાંસીની સજા?
સજાની સુનાવણી દરમિયાન સરકારી પક્ષે દલીલ કરી હતી કે આ કોઈ ભૂલથી કે આવેશમાં આવીને કરેલી હત્યા નહોતી, પરંતુ પહેલેથી પ્લાનિંગ કરીને કરવામાં આવેલો ગંભીર ગુનો હતો. હત્યા કર્યા પછી મૃતદેહના ટુકડા કરીને તેને સિમેન્ટના ડ્રમમાં છુપાવવામાં આવ્યા હતા. તેથી આ કેસને રેરેસ્ટ ઑફ રેર કેસ ગણાવીને બંને દોષિતોને ફાંસીની સજા આપવાની માંગ કરવામાં આવી હતી. બીજી તરફ, બચાવ પક્ષે ઓછી સજા આપવા રજૂઆત કરી હતી, પરંતુ અદાલતે ગુનાની ગંભીરતા જોઈને મૃત્યુદંડની સજા સંભળાવી હતી.
શું હતી આખી ઘટના?
આ ઘટના માર્ચ 2025ની છે. સૌરભ રાજપૂત મર્ચન્ટ નેવીમાં નોકરી કરતા હતા અને 24 ફેબ્રુઆરી, 2025ના રોજ લંડનથી ભારત આવ્યા હતા. ત્યારબાદ તેમણે પરિવાર સાથે જન્મદિવસની ઉજવણી પણ કરી હતી. પરંતુ 3 માર્ચની આસપાસ સૌરભની હત્યા કરી નાખવામાં આવી હતી.
સામે આવ્યું હતું કે સૌરભને પહેલાં ઊંઘની દવા આપવામાં આવી અને પછી તેમની હત્યા કરવામાં આવી અને મૃતદેહના ટુકડા કરીને બ્લૂ ડ્રમમાં ભરી દેવામાં આવ્યા હતા. હત્યા કર્યા બાદ મુસ્કાન તેની દીકરીને તેના પિયરીયા પાસે મૂકીને સાહિલ સાથે શિમલા ભાગી ગઈ હતી. આ દરમિયાન સૌરભના પરિવારને પણ અંધારામાં રાખવામાં આવ્યો હતો.
આખી ઘટના હત્યાના 14 દિવસ બાદ એટલે કે 17 માર્ચ 2025ના રોજ સામે આવી હતી. ઘરમાં રાખી મૂકવામાં આવેલ ડ્રમમાંથી ગંધ આવતા પડોશીઓએ પોલીસને જાણ કરી હતી. તપાસ દરમિયાન તેમાંથી સૌરભના મૃતદેહના ટુકડા મળી આવ્યા. ત્યારપછી મુસ્કાન અને સાહિલની ધરપકડ કરવામાં આવી હતી.
આ કેસમાં સૌરભના પરિવારજનો તરફથી આરોપીઓને કડકમાં કડક સજા આપવાની માગ કરવામાં આવી હતી. માર્ચ 2025થી શરૂ થયેલી આ કાયદાકીય પ્રક્રિયા દરમિયાન અનેક સુનાવણીઓ થઈ. સાક્ષીઓનાં નિવેદનો, ફોરેન્સિક પુરાવાઓ અને અન્ય દસ્તાવેજોની તપાસ બાદ અદાલતે બંનેને દોષિત ઠેરવ્યાં અને અંતે ફાંસીની સજા સંભળાવી છે.

