હોમપેજમંતવ્યહવે આગલો ટાર્ગેટ ન્યાયતંત્ર છે

હવે આગલો ટાર્ગેટ ન્યાયતંત્ર છે

ન્યાયતંત્ર ટીકાથી પર નથી એ હકીકત છે, પરંતુ એ તથ્યાત્મક હોવી જોઈએ અને મુદ્દાસરની હોવી જોઈએ. અહીં આખી એક સંસ્થાને અવિશ્વસનીય સાબિત કરવાનો કારસો ઘડાઈ રહ્યો છે.

- Advertisement -

કેન્દ્રમાં અને રાજ્યોમાં દર પાંચ વર્ષે સરકાર બનાવવા માટે લોકસભા અને વિધાનસભા ચૂંટણીઓની વ્યવસ્થા કરતી, આ ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ, ન્યાયી અને પારદર્શી રીતે થાય એ સુનિશ્ચિત કરતી સ્વાયત્ત બંધારણીય સંસ્થા ચૂંટણી પંચ છેલ્લા દોઢેક વર્ષથી સતત ઇકોસિસ્ટમના ટાર્ગેટ પર રહી છે. કોઈ પણ રીતે લોકોનો ચૂંટણી પંચ પરથી, ચૂંટણી પ્રક્રિયા પરથી વિશ્વાસ ઉઠી જાય અને લોકો આ સંસ્થાને અને તેની પ્રક્રિયાને જ અનુસરવાની બંધ કરી દે તે માટેના વ્યવસ્થિત પ્રયાસો થતા રહ્યા છે, પણ એ સફળ રહ્યા નથી એ ભારતની પ્રજાનું સામૂહિક સૌભાગ્ય છે. હવે આ જ કડીમાં આગલો ટાર્ગેટ ન્યાયતંત્ર છે.

હમણાં જે પ્રકારે રાજકારણ થઈ રહ્યું છે, પરિસ્થિતિ સર્જાઈ રહી છે અને કોંગ્રેસ અને INDI ગેંગ જે દિશામાં જઈ રહી છે તેનાથી આ જ સમજાય રહ્યું છે. વહેલું મોડું ન્યાયતંત્ર ટાર્ગેટ પર ચડશે. સ્વાભાવિક રીતે ચૂંટણી પંચની જેમ સીધું ન્યાયતંત્રને ટાર્ગેટ ન કરી શકાય, પરંતુ કાવાદાવા થશે અને શરૂ થઈ પણ ગયા છે.

2024ની લોકસભા ચૂંટણીમાં પરાજય બાદ વિપક્ષોને સમજાયું કે લોકો ઈવીએમ ટેમ્પરિંગ અને હેકિંગની થિયરીઓને જડમૂળમાંથી નકારી રહ્યા છે અને એ નરેટિવ પણ પ્રસ્થાપિત ન થઈ શક્યો. ઉપરથી વિપક્ષો માટે ઇવીએમ હેકિંગનાં બહાનાં હસવાનું કારણ બની રહ્યાં. ત્યારબાદ આ નરેટિવને બળ આપવા માટે ‘વોટ ચોરી’નું તૂત ઘૂસાડવામાં આવ્યું. કારણ કે ઇવીએમ હેકિંગની વાતો બહુ સીધી અને સરળ હતી. લોકોને પહેલાં ગૂંચવી મારવા જરૂરી હતા એટલે વોટચોરીની અટપટી વાતો લઈ આવવામાં આવી.

- Advertisement -

પરંતુ જ્યારે ચૂંટણી પંચે SIR પ્રક્રિયા શરૂ કરી તો તેનો પણ વિરોધ કરવાનો શરૂ કર્યો. જ્યારે જો ખરેખર વોટચોરી થઈ રહી હોય તો SIR થાય એ સૌના હિતમાં જ હતું! રાહુલ ગાંધીએ ‘વોટચોરી’ના જે આરોપો લગાવ્યા હતા એ વાસ્તવમાં પ્રક્રિયાગત ખામીઓ અને વહીવટી ભૂલો હતી અને તેને સુધારવા માટે જ ચૂંટણી પંચે SIR ઉપાડ્યું હતું. પરંતુ વિપક્ષોએ તેની સામે જ ટાર્ગેટેડ કેમ્પેઈન શરૂ કરી દીધું.

SIR સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી. કોર્ટે અરજીઓ સાંભળી, વિગતવાર સૌને સાંભળ્યા અને મે 2026માં ચુકાદો આપીને SIRને લીલી ઝંડી આપી દીધી. કોર્ટમાં કોઈ આરોપ સાબિત ન થયા. જનતાની કોર્ટમાં પણ આ પ્રોપગેન્ડા કકડભૂસ થઈ ગયો અને ત્યારપછીની તમામ ચૂંટણીઓ પણ વ્યવસ્થિત થઈ અને મજાની વાત એ છે કે અમુક રાજ્યોમાં વિપક્ષોની પણ સરકાર બની. કેરળમાં કોંગ્રેસની સરકાર બની તો ત્યાં કોઈ જાતની માથાકૂટ કર્યા વગર કોંગ્રેસના મુખ્યમંત્રીએ શપથ લઈ લીધા, ત્યાં વોટચોરી કે SIR યાદ ન આવ્યાં!

હવે ફરી એક વખત મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે અભિયાન ઉપાડવામાં આવ્યું છે, પરંતુ હજુ સુધી ધારેલી સફળતા મળી નથી. કારણ કે એક પ્રશ્ન કાયમ આવીને ઉભો રહે છે, જો ખરેખર કોઈ સમસ્યા હોય તો કોર્ટ જવું જોઈએ. કોર્ટ સમક્ષ પુરાવાઓ આપવા જોઈએ. કારણ કે ન્યાયતંત્ર લોકશાહીમાં સ્વતંત્ર છે એ સર્વમાન્ય છે.

આ જ કારણ છે કે હવે આગલો ટાર્ગેટ ન્યાયતંત્ર હશે. કારણ કે પાછલાં ઘણાં વર્ષોથી અને છેલ્લાં બે વર્ષથી અતિશય મહેનત કરતી આખી ઈકોસિસ્ટમ એટલી બેબાકળી બની ગઈ છે કે હવે સત્તા મેળવવા માટે આખી સિસ્ટમ ધરાશાયી કરવા માગે છે. રાહુલ ગાંધીનામાં પરિપક્વતા અને સમજણ બંનેનો અભાવ છે એટલે ઘણી વખત જાહેરમાં સીધી કે આડકતરી રીતે ઈરાદાઓ જણાવી દે છે. હમણાં પણ તેમણે એક પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું કે આ લોકોની (સરકારની, સત્તામાં બેઠેલાઓની) આખી સિસ્ટમ કોલેપ્સ થઈ રહી છે! આ સિસ્ટમનો એક ભાગ ન્યાયતંત્ર પણ છે, ભલે સરકારમાં એ નથી આવતું.

કોર્ટમાં પુરાવા જોઈએ છે. બહાર આરોપો લગાવનારાઓ કે રાજકીય હેતુઓ સિદ્ધ કરવા માટે અરજી કરી દેનારાઓ પુરાવાઓ રજૂ કરી શકતા નથી તેના કારણે અરજીઓ ટકી શકતી નથી અને મુદ્દાઓ પૂરા થઈ જાય છે. ભૂતકાળમાં અનેક કેસોમાં આવું બન્યું છે. SIR પણ તેનો જ એક પુરાવો છે. SIR પર બહુ હાયતોબા મચાવ્યા પછી સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો તો તેમાં કોર્ટે ચૂંટણી પંચને SIR માટે ગ્રીન સિગ્નલ આપી દીધું.

ન્યાયતંત્ર વિરુદ્ધ નરેટિવ કેમ ગોઠવાય રહ્યો છે?

જેથી હવે પ્રયાસો એવા શરૂ થશે કે ન્યાયતંત્ર વિરુદ્ધ એક નરેટિવ ગોઠવવામાં આવે, જેનાથી લોકોમાં એ સંદેશ જાય કે ચૂંટણી પંચની જેમ જ્યુડિશરી પણ કોમ્પ્રોમાઇઝ્ડ છે અને સરકારનો તેમાં હસ્તક્ષેપ રહે છે. ઇકોસિસ્ટમ જાણે છે કે આ નરેટિવ સીધી રીતે સેટ થઈ શકે એમ નથી, એટલે તેને અલગ રીતે રજૂ કરવો પડશે એ પણ તેઓ જાણે છે.

છેલ્લા થોડા સમયની ઘટનાઓ આ જ બધી બાબતો તરફ ઈશારો કરે છે.

થોડા દિવસ પહેલાં રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેએ ચૂંટણી પંચ બાબતે મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતને એક પત્ર લખ્યો અને મુલાકાત માટે સમય માગ્યો. મુખ્ય ન્યાયાધીશે બહુ સ્પષ્ટ શબ્દોમાં મુલાકાત નકારી દીધી અને સમજાવ્યું કે બંધારણમાં સેપરેશન ઑફ પાવરનો સિદ્ધાંત સમજાવ્યો છે અને મામલો ન્યાયાલયમાં હોય ત્યારે ન્યાયાધીશો આ રીતે રાજકારણીઓને ન મળી શકે, જે કોઈ મુદ્દા હોય એ કોર્ટમાં રજૂ કરવા જોઈએ. પરંતુ સમાચારો એવા પ્રકાશિત થયા કે ન્યાયાધીશે કોંગ્રેસને મુલાકાતનો સમય ન આપ્યો.

કોંગ્રેસે હમણાં કેમ દાખલ કરી અરજી?

ત્યારબાદ રાહુલ ગાંધી સમર્થકો સાથે માર્ચ કરીને સુપ્રીમ કોર્ટ પહોંચી ગયા. પછીથી રાહુલ ગાંધીના નામે જ એક અરજી દાખલ થઈ તેમાં INDI ગઠબંધનના અન્ય નેતાઓ પણ પક્ષકારો તરીકે જોડાયા. જોકે સુપ્રીમ કોર્ટ રજિસ્ટ્રીએ અરજી 14 ભૂલો સાથે પરત મોકલી છે, એ સુધારવામાં આવશે પછીથી લિસ્ટ થશે અને સુનાવણી થશે.

મૂળ પ્રશ્ન એ છે કે રાહુલ ગાંધી કથિત વોટચોરીના આરોપો લગાવે છે એ આરોપો નવા નથી, એક વર્ષથી તેઓ કહેતા રહે છે. હમણાં આ માહોલમાં અરજી દાખલ કરવાનું કારણ શું છે? સ્વાભાવિકપણે જ્યારે અરજી સુનાવણી પર લેવામાં આવશે ત્યારે કોર્ટ પુરાવાઓ માગશે, સંભવતઃ બની શકે કે સ્વતંત્ર તપાસ થાય અને તેમાં કંઈ ન નીકળ્યું અને ચૂંટણી પંચને ક્લીન ચિટ મળી ગઈ તો ઈકોસિસ્ટમ નાળચું સુપ્રીમ કોર્ટ તરફ ફેરવી દેશે એની શક્યતા કેટલી? અનેકગણી.

ઇન ફેક્ટ, આ શરૂ થઈ પણ ચૂક્યું છે. કેરળ કોંગ્રેસના હેન્ડલ પરથી મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતને ટાર્ગેટ કરતી એક પોસ્ટ કરવામાં આવી હતી જોકે પછી એ હટાવી લેવામાં આવી, પરંતુ એ દર્શાવે છે કે મૂળ ઇરાદો શું છે. મહુઆ મોઈત્રા જેવા અમુક વધુ ‘ઉત્સાહી’ સાંસદોએ પણ સૂર્યકાંતને ટાર્ગેટ કરવાના શરૂ કરી દીધા છે– આ બધું દર્શાવે છે કે હવે આગળ ટાર્ગેટ પર કોણ છે.

આ જ ઇકોસિસ્ટમે બે દિવસ પહેલાં ફોર્મ 6 બાબતે પણ મુખ્ય ન્યાયાધીશના શબ્દોને તોડીમરોડીને બહુ પ્રોપગેન્ડા ચલાવ્યો અને ગઈકાલે કોર્ટે ચોખવટ કરવી પડી કે તેમણે ફોર્મ 6 પર કોઈ નિર્ણય આપ્યો જ નથી. એ હકીકત ચૂંટણી પંચ અને આપના વિશ્વાસુ વગેરે ઘણા સમયથી જણાવી રહ્યા છે. કારણ કે ફોર્મ 6 ન ચૂંટણી પંચ બદલી શકે ન સુપ્રીમ કોર્ટ. એ સંસદનું કામ છે અને ફોર્મ બદલાયું જ નથી એ પણ હકીકત છે એટલે સુપ્રીમ કોર્ટે માન્યતા આપવાનો કોઈ પ્રશ્ન પેદા થતો નથી. તેમ છતાં પ્રોપગેન્ડા ચલાવવામાં આવ્યો.

ન્યાયતંત્ર ટીકાથી પર નથી એ હકીકત છે, પરંતુ એ તથ્યાત્મક હોવી જોઈએ અને મુદ્દાસરની હોવી જોઈએ. અહીં આખી એક સંસ્થાને અવિશ્વસનીય સાબિત કરવાનો કારસો ઘડાઈ રહ્યો છે. કારણ કે ઇકોસિસ્ટમ હવે જાણે છે કે સરકારના પાયા હલાવવા હશે તો સિસ્ટમ તોડવી પડશે અને તેના માટે બંધારણીય સંસ્થાઓ નબળી પાડવાના પ્રયાસ કરવા પડશે. ચૂંટણી પંચ અને ન્યાયતંત્ર વગેરે એટલા માટે જ ટાર્ગેટ પર છે.

લોકતંત્રમાં બંધારણીય સંસ્થાઓ પરથી, ખાસ કરીને ન્યાયતંત્ર પરથી લોકોનો વિશ્વાસ ઉઠે તો તેઓ રસ્તા પર આવે છે. આ ગેંગે કોઈ પણ રીતે આપણને રસ્તા પર લાવવા છે. દેશને અરાજકતા હેઠળ ધકેલી દેવો છે. સત્તાપલટો કરાવવો છે અને પોતે સત્તા આંચકી લેવી છે. કારણ કે એક દાયકા સુધી પ્રયાસો કર્યા પછી પણ તેમને સફળતા મળી નથી, એટલે હવે ફ્રસ્ટ્રેશનનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જાય છે. આ ફ્રસ્ટ્રેશન બધું કરાવશે. આપણે સાવધ રહેવાનો સમય છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં