
અંજારમાં સગીર બાળકી સાથે દુષ્કર્મની ગંભીર ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયા મારફતે સગીરાના સંપર્કમાં આવેલા ભુજના સાહિલ ઇલિયાસ કુંભાર નામના યુવક પર સગીરાને પોતાની સાથે લઈ જઈ તેની ઇચ્છા વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધવાનો આક્ષેપ છે. આ મામલે અંજાર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે આરોપી સાહિલ કુંભારને ઝડપી લીધો છે.
મળતી વિગતો અનુસાર સાહિલ કુંભાર સોશિયલ મીડિયા મારફતે અંજારની સગીરાના સંપર્કમાં આવ્યો હતો. બંને વચ્ચે મિત્રતા થયા બાદ લગ્નની લાલચ આપીને આરોપી અંજાર આવ્યો હતો અને સફેદ રંગની કારમાં સગીરાને પોતાની સાથે લઈ ગયો હતો. 13 નવેમ્બરથી 16 નવેમ્બર દરમિયાન બનેલી આ ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદમાં સગીરાની ઇચ્છા વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ મામલો સામે આવ્યા બાદ સમાજના આગેવાનો તેમજ વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓએ સક્રિયતા દાખવી હતી. તેમણે પરિવારજનો સાથે રહી અંજાર પોલીસ સમક્ષ રજૂઆત કરી હતી અને ઘટનાની નિષ્પક્ષ તથા ઝડપી તપાસ કરી આરોપી સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
બીજી તરફ અંજાર પોલીસે મામલામાં કાર્યવાહી આગળ ધપાવી આરોપી સાહિલ ઇલિયાસ કુંભારને ઝડપી લીધો છે. પોલીસના જણાવ્યા મુજબ સાહિલ કુંભારની ઉંમર 22 વર્ષ છે અને તે ભુજના ભક્તિનગર વિસ્તારમાં રહે છે. પોલીસે ભોગ બનનારને આરોપીના કબજામાંથી છોડાવી તેના પરિવારને સુરક્ષિત સોંપી છે.
પોલીસે જણાવ્યું છે કે આ કેસમાં BNSની કલમ 137(2), 87 અને 64(2)(m) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. વધુમાં ફરિયાદ સંબંધિત વિગતોમાં POCSO એક્ટ હેઠળની કાર્યવાહી કરવામાં આવી હોવાનો પણ દાવો થઈ રહ્યો છે. હાલ પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે અને ઘટનાની અન્ય વિગતો તપાસ બાદ સામે આવે તેવી શક્યતા છે.
સગીર બાળકી સાથે બનેલી આ ઘટનામાં આરોપી સુધી પહોંચવા માટે અંજાર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ PI જી. એન. વાઘેલા, PSI એસ. જી. વાળા અને પોલીસ ટીમે કાર્યવાહી કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ બાતમીના આધારે આરોપી તથા ભોગ બનનારને શોધી કાઢવામાં આવ્યા હતા. ભોગ બનનારને પરિવારને સોંપ્યા બાદ આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

