ONGCના કૂવામાંથી 8,000 લિટર ક્રૂડ ઓઇલની ચોરી, ગુજરાત ATSએ કોન્ટ્રાક્ટર નસીરુદ્દીન-ગફ્ફાર સહિત 6ને પકડ્યા

ગુજરાત ATSએ અમદાવાદમાં એક સંગઠિત ક્રૂડ ઓઇલ ચોરીની ગેંગનો પર્દાફાશ કર્યો છે. ONGCના ઓઇલ વેલમાંથી ગેરકાયદે રીતે ક્રૂડ ઓઇલ કાઢીને તેને ONGCના જ નામવાળા ટેન્કરમાં અમદાવાદ લાવવામાં આવતું હતું અને ત્યારબાદ અન્ય વાહનમાં ટ્રાન્સફર કરીને વેચવાની તૈયારી કરવામાં આવી રહી હતી. ATSની કાર્યવાહીમાં 8,000 લિટર ક્રૂડ ઓઇલ સહિત કુલ ₹22.35 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

ગુજરાત ATSને ક્રૂડ ઓઇલની ગેરકાયદે ચોરી અને હેરફેર કરતી ગેંગ અંગે બાતમી મળી હતી. DySP એસ. એલ. ચૌધરીને મળેલી બાતમીની ચકાસણી કર્યા બાદ ગુજરાત ATSના SP કે. સિદ્ધાર્થના માર્ગદર્શન હેઠળ ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું કે ખેડા જિલ્લાના સારસા ખાતે આવેલા ONGCના ઓઇલ વેલમાંથી ક્રૂડ ઓઇલ કાઢીને અમદાવાદ લાવવામાં આવતું હતું.

આ ગેંગે સારસા ખાતે આવેલા ONGCના ઓઇલ વેલ નંબર 26માંથી કેસિંગ વાલ્વ મારફતે ‘ફાઇટર પંપ’ની મદદથી ક્રૂડ ઓઇલ કાઢ્યું હોવાનું સામે આવ્યું છે. ત્યારબાદ ચોરાયેલું ઓઇલ ONGCના નિશાનવાળા ટેન્કરમાં ભરીને અમદાવાદના વટવા-વિંઝોલ રીંગ રોડ તરફ લાવવામાં આવતું હતું. અહીં પંચરત્ન ફ્લોરા ફ્લેટ્સની પાછળ આવેલા પાર્કિંગ પ્લોટમાં તેને બીજા વાહનમાં ટ્રાન્સફર કરવામાં આવતું હતું.

ATSએ વટવા GIDC વિસ્તારમાં આવેલા આ પાર્કિંગ પ્લોટ પર દરોડો પાડ્યો ત્યારે આરોપીઓ ONGCના નિશાનવાળા ટેન્કરમાંથી ક્રૂડ ઓઇલ આઈસર ટ્રક પર લગાવવામાં આવેલી ટાંકીમાં ટ્રાન્સફર કરી રહ્યા હતા. દરોડા દરમિયાન ONGCના ટેન્કરમાંથી આશરે 4,500 લિટર અને આઈસર ટ્રકની ટાંકીમાંથી આશરે 3,500 લિટર ક્રૂડ ઓઇલ મળી આવ્યું હતું. આમ કુલ 8,000 લિટર ક્રૂડ ઓઇલ જપ્ત થયું છે, જેની કિંમત આશરે ₹4 લાખ હોવાનું જણાવાયું છે.

આ ઉપરાંત ATSએ ONGCનું ટેન્કર, આઈસર ટ્રક, પાંચ મોબાઇલ ફોન અને ક્રૂડ ઓઇલની ચોરી તથા હેરફેરમાં ઉપયોગમાં લેવાયેલાં અન્ય સાધનો પણ જપ્ત કર્યાં છે. તમામ જપ્ત મુદ્દામાલની કુલ કિંમત આશરે ₹22.35 લાખ હોવાનું જણાવાયું છે.

આ કેસમાં ONGC સાથે કોન્ટ્રાક્ટ પર કામ કરતો નસીરુદ્દીન ઉર્ફે વિકી તાજુદ્દીન મલેક પણ ઝડપાયો હોવાનું સામે આવ્યું છે. ATS તેની ભૂમિકા અંગે તપાસ કરી રહી છે. બીજી તરફ દાણીલીમડાનો ઉસ્માન ઉર્ફે ટિકડી આ સમગ્ર રેકેટમાં મહત્વની ભૂમિકા ધરાવતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે અને તે હાલ ફરાર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તેના સુધી પહોંચવા માટે ATSએ શોધખોળ શરૂ કરી છે.

ATSએ આ કેસમાં ગફ્ફાર અબ્દુલભાઈ રંગરેજ, મોહસિન રફીકભાઈ રંગરેજ, મોહમ્મદ જાવેદ મોહમ્મદ સાબીર રંગરેજ, ભીખાભાઈ કાળાભાઈ ચૌહાણ, નસીરુદ્દીન ઉર્ફે વિકી તાજુદ્દીન મલેક અને રાયસંગભાઈ બચુભાઈ ઠાકોરની ધરપકડ કરી છે. ગફ્ફાર અબ્દુલભાઈ રંગરેજની ઉંમર 61 વર્ષ, મોહસિન રફીકભાઈ રંગરેજની 35 વર્ષ, મોહમ્મદ જાવેદ મોહમ્મદ સાબીર રંગરેજની 44 વર્ષ, ભીખાભાઈ કાળાભાઈ ચૌહાણની 46 વર્ષ, નસીરુદ્દીન ઉર્ફે વિકી તાજુદ્દીન મલેકની 42 વર્ષ અને રાયસંગભાઈ બચુભાઈ ઠાકોરની 40 વર્ષ હોવાનું જણાવાયું છે.

પ્રાથમિક તપાસ મુજબ ગેંગ ચોરાયેલું ક્રૂડ ઓઇલ ONGCના જ નામવાળા ટેન્કરમાં લઈ જતી હોવાથી રસ્તામાં કોઈને શંકા ન જાય તેવી રીત અપનાવવામાં આવતી હતી. ત્યારબાદ અમદાવાદમાં આવેલા પાર્કિંગ પ્લોટમાં ઓઇલને અન્ય વાહનમાં ટ્રાન્સફર કરવામાં આવતું હતું. ATS હવે આ ક્રૂડ ઓઇલ કોને વેચવાનું હતું, અગાઉ પણ આ પ્રકારની ચોરી કરવામાં આવી હતી કે નહીં અને આ નેટવર્કમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તે અંગે તપાસ કરી રહી છે.

આ સમગ્ર મામલે ATS પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 303(2), 287, 61(2), 125 અને 316(5) તેમજ આવશ્યક ચીજવસ્તુ અધિનિયમની કલમ 3 અને 7 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

ક્રૂડ ઓઇલ જેવી જ્વલનશીલ વસ્તુને પાઇપલાઇનમાંથી ગેરકાયદે રીતે કાઢવા માટે કેસિંગ વાલ્વ સાથે પંપ લગાવવાની પ્રક્રિયા માત્ર ચોરી પૂરતી મર્યાદિત નથી રહેતી, પરંતુ પાઇપલાઇનની સુરક્ષા અને આસપાસના વિસ્તાર માટે પણ ગંભીર જોખમ ઊભું કરી શકે છે. આ કારણે ATS હવે માત્ર ઝડપાયેલા આરોપીઓ સુધી તપાસ સીમિત રાખવાને બદલે સમગ્ર નેટવર્ક, ચોરીની અગાઉની ઘટનાઓ અને ચોરાયેલા ક્રૂડ ઓઇલના અંતિમ ખરીદદારો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.