અદાણી માનહાનિ કેસમાં વધુ પુરાવાઓ રજૂ કરવાની માંગ કરતી ‘પત્રકાર’ રવિ નાયરની અરજી હાઇકોર્ટે ફગાવી, મે 2026ના કેસમાં આગોતરા જામીન માટે વધુ એક અરજી દાખલ

અદાણી ગ્રુપ દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિ કેસમાં ‘પત્રકાર’ રવિ નાયરની વધુ એક અરજી ગુજરાત હાઇકોર્ટે ફગાવી દીધી છે. દોષી ઠેરવતા ટ્રાયલ કોર્ટના આદેશ વિરુદ્ધ ગાંધીનગર સેશન્સ કોર્ટમાં દાખલ કરેલી અપીલના કેસમાં નાયરે વધુ એક અરજી દાખલ કરીને વધારાના અમુક પુરાવાઓ રજૂ કરવાની માંગ કરી હતી, જે સેશન્સ કોર્ટે ફગાવી દીધી હતી. ત્યારબાદ નાયર હાઇકોર્ટ ગયો હતો, પરંતુ હવે હાઇકોર્ટે પણ અરજી રદ કરી છે. બીજી તરફ અન્ય એક મે 2026ની FIRમાં સેશન્સ કોર્ટમાંથી આગોતરા જામીન રદ થતાં રવિ નાયરે હાઇકોર્ટમાં અરજી કરી છે, જેની ઉપર આગામી સમયમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.

ફેબ્રુઆરી 2026માં ગાંધીનગરની માણસા તાલુકા કોર્ટે રવિ નાયરને અદાણી જૂથ દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિ કેસમાં દોષી ઠેરવ્યા બાદ તેણે ગાંધીનગર સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી. દરમ્યાન નાયરે એક અરજી દાખલ કરીને એવી માગ કરી હતી કે અદાણી જૂથે ટ્રાયલ દરમિયાન જે લેખોની લિંક્સ રજૂ કરી હતી તેના મૂળ દસ્તાવેજો, પ્રિન્ટઆઉટ અને સ્ક્રીનશૉટને રેકોર્ડ પર લેવામાં આવે.

ગાંધીનગર સેશન્સ કોર્ટે 22 જુલાઈ 2026ના રોજ તેની આ અરજી ફગાવી દીધી હતી. સેશન્સ કોર્ટના આ નિર્ણયને રવિ નાયરે ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યો હતો. બીજી તરફ ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન અદાણી જૂથના વકીલે વિરોધ કરતા જણાવ્યું હતું કે નાયર પાસે ટ્રાયલ કોર્ટમાં આ દસ્તાવેજો રજૂ કરવાની પૂરી તક હતી, પરંતુ તે વખતે તેણે પુરાવા ન રજૂ કર્યા અને હવે અપીલના તબક્કે મોડેથી આ માગ કરવામાં આવી રહી છે.

2 નવેમ્બર 2026ના રોજ જસ્ટિસ આર. ટી. વચ્છાણીએ બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ પોતાનો ચુકાદો આપ્યો હતો. કોર્ટે નોંધ્યું કે જે દસ્તાવેજો ફરીથી રજૂ કરવાની માગ કરવામાં આવી રહી છે તેમાંથી ઘણા દસ્તાવેજો પહેલેથી જ કેસના રેકોર્ડનો ભાગ છે, જેથી વધારાના પુરાવા મંજૂર કરવાનો કોઈ આધાર બનતો નથી. ત્યારબાદ કોર્ટે અરજી ફગાવી દીધી હતી.

આ મામલો 2020-21માં રવિ નાયરે અદાણી જૂથ વિરુદ્ધ કરેલાં અમુક ટ્વિટ અને અમુક વેબસાઈટો પર પ્રકાશિત કરેલા લેખોનો છે, જેમાં ઉદ્યોગસમૂહને ટાર્ગેટ કરવામાં આવ્યું હતું. આ મામલે ઉદ્યોગસમૂહની એક કંપનીએ પછીથી માણસા કોર્ટમાં અરજી દાખલ કરી હતી. માણસા કોર્ટે ફેબ્રુઆરી 2026માં રવિ નાયરને દોષી ઠેરવતો ચુકાદો આપ્યો હતો અને 1 વર્ષની જેલની સજા ફટકારી હતી. આ ચુકાદાને નાયરે સેશન્સ કોર્ટમાં પડકાર્યો છે.

મે 2026ની FIR મામલે અમદાવાદ કોર્ટે ફગાવી આગોતરા જામીનની અરજી, હવે હાઇકોર્ટમાં અપીલ

બીજી તરફ નાયર વિરુદ્ધ મે 2026માં વધુ એક FIR દાખલ કરવામાં આવી હતી, જેની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ કરી રહી છે. જેમાં આરોપ છે કે નાયરે ફર્જી દસ્તાવેજોના આધારે ભારત સરકારના કહેવાથી LICએ અદાણી જૂથની કંપનીઓમાં મોટું રોકાણ કર્યું હોવાનો દાવો કર્યો હતો.

આ મામલે રવિ નાયરે ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરીને FIR રદ કરવાની માંગ કરી હતી પરંતુ આ અરજી પણ હાઇકોર્ટે ફગાવી દીધી હતી.

આ જ કેસમાં નાયરે સેશન્સ કોર્ટમાં આગોતરા જામીનની માંગ સાથે અરજી દાખલ કરી હતી, જે અમદાવાદ કોર્ટે 23 ઑક્ટોબરના રોજ ફગાવી દીધી હતી. હવે રવિ નાયરે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ આગોતરા જામીન માટેની માંગ કરી છે, જેની ઉપર 6 નવેમ્બરના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે.