અમેરિકાના રાજકારણમાં રાષ્ટ્રપતિની ચૂંટણી જેટલું જ મહત્વ મિડટર્મ ચૂંટણીનું પણ છે. અમેરિકામાં દર ચાર વર્ષે રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાય છે, પરંતુ આ ચૂંટણીના બરાબર બે વર્ષ પછી મિડટર્મ ચૂંટણી યોજાય છે. 3 નવેમ્બર 2026ના રોજ પણ અમેરિકામાં મિડટર્મ ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીમાં અમેરિકાની સંસદ એટલે કે કોંગ્રેસના બંને ગૃહો અને કેટલાક રાજ્યોનાં મહત્વનાં પદો માટે મતદાન થાય છે.
સરળ શબ્દોમાં કહી તો રાષ્ટ્રપતિની ચાર વર્ષની સત્તાના મધ્યભાગમાં યોજાતી ચૂંટણી એટલે મિડટર્મ ઇલેક્શન. અમેરિકામાં રાષ્ટ્રપતિનો કાર્યકાળ ચાર વર્ષનો હોય છે. જ્યારે રાષ્ટ્રપતિની ચૂંટણી થાય છે ત્યારે તેની સાથે કોંગ્રેસની કેટલીક બેઠકો માટે પણ મતદાન થાય છે. ત્યારબાદ બે વર્ષ પછી ફરીથી મતદાન થાય છે. આ ચૂંટણીમાં મતદારો નક્કી કરે છે કે આગામી બે વર્ષ માટે કોંગ્રેસમાં કયા પક્ષનું વર્ચસ્વ રહેશે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2024માં ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા હતા, એટલે હાલમાં તેમની સત્તાનો મધ્યભાગ ચાલી રહ્યો છે.
જોકે આમાં રાષ્ટ્રપતિ નથી બદલાતા, પરંતુ રાષ્ટ્રપતિને કાયદા બનાવવામાં મદદ કરનારી સંસદનું રાજકીય સમીકરણ બદલાઈ શકે છે. ભારતની સંસદની જેમ અમેરિકાની કોંગ્રેસમાં પણ બે ગૃહ છે. પહેલું ગૃહ ‘હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સ’ એટલે કે પ્રતિનિધિ સભા અને બીજું ગૃહ સેનેટ છે. હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સમાં કુલ 435 બેઠકો છે. આ તમામ બેઠકો માટે દર બે વર્ષે ચૂંટણી યોજાય છે.
એટલે 2026ની મિડટર્મ ચૂંટણીમાં હાઉસની તમામ 435 બેઠકો માટે મતદાન થશે. બીજી તરફ, સેનેટમાં કુલ 100 સભ્યો હોય છે અને તેમનો કાર્યકાળ છ વર્ષનો હોય છે. દર બે વર્ષે સેનેટની આશરે એક તૃતીયાંશ બેઠકો માટે ચૂંટણી યોજાય છે. 2026માં સેનેટની 33 નિયમિત બેઠકો ઉપરાંત ખાલી પડેલી કેટલીક બેઠકો માટે પણ ચૂંટણી યોજાવાની છે.
મિડટર્મ ચૂંટણી માત્ર સંસદ કે દેશની રાજધાની પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે રાજ્યોના રાજકારણને પણ સીધી અસર કરે છે. આ જ સમયે અનેક રાજ્યોમાં ગવર્નર, વિધાનસભાઓ અને સ્થાનિક વહીવટી અધિકારીઓની ચૂંટણી પણ યોજાય છે. ગવર્નરો રાજ્યના શિક્ષણ, આરોગ્ય, પોલીસ વ્યવસ્થા અને બજેટ જેવા મહત્વના મુદ્દાઓ સંભાળતા હોવાથી સ્થાનિક ધોરણે પણ આ ચૂંટણી અત્યંત મહત્વપૂર્ણ છે.
મિડટર્મ ચૂંટણી શા માટે મહત્વપૂર્ણ છે?
મિડટર્મ ચૂંટણીનાં પરિણામથી એ નક્કી થાય છે કે અમેરિકાની સંસદમાં કયા પક્ષની બહુમતી આવશે. હાલમાં રિપબ્લિકન પાર્ટી પાસે સંસદના બંને ગૃહોમાં બહુમતી હોવાથી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પોતાની નીતિઓ લાગુ કરવામાં સરળતા રહે છે. જો આ ચૂંટણીમાં વિરોધ પક્ષ એટલે કે ડેમોક્રેટિક પાર્ટી જીતી જાય તો ટ્રમ્પ માટે આગામી બે વર્ષમાં પોતાના નિર્ણયો લાગુ કરવા મુશ્કેલ બની શકે છે.
આ ચૂંટણીને રાષ્ટ્રપતિના બે વર્ષના કામકાજની ‘જનમત કસોટી’ પણ માનવામાં આવે છે. દેશના મતદારો મોંઘવારી, રોજગાર, આરોગ્ય સેવાઓ, ઇમિગ્રેશન અને સરકારની એકંદર કામગીરીને ધ્યાનમાં રાખીને વોટ આપે છે. જો પ્રજાને સરકારનું કામ ન ગમે તો તેઓ રાષ્ટ્રપતિની પાર્ટીના ઉમેદવારોને હરાવી શકે છે. આવી ઘટનાઓ ઇતિહાસમાં અગાઉ પણ સામે આવી ચૂકી છે જ્યારે રાષ્ટ્રપતિની પાર્ટીના ઉમેદવારો હારી ગયા હોય.
જો ડેમોક્રેટિક પાર્ટી સંસદના ગૃહમાં બહુમતી મેળવી લે તો તે ટ્રમ્પ સરકારના નિર્ણયોની તપાસ પણ થઈ શકે છે. તપાસ એટલે કે સંસદની સમિતિઓ સરકારી અધિકારીઓને બોલાવે અને પાસ થયેલા નિર્ણયો કે કાયદાઓ અંગે પ્રશ્નો પૂછે અથવા તો નવા કાયદાઓ પસાર થતાં રોકી લેય. જો સેનેટમાં પણ ડેમોક્રેટ્સ જીતી જાય તો રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવતી નિમણૂકોને મંજૂરી આપવામાં પણ મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે.
જોકે સંસદમાં બહુમતી બદલાય તો પણ રાષ્ટ્રપતિની સત્તાઓ તો એની એ જ રહે છે. અમેરિકાના બંધારણ મુજબ રાષ્ટ્રપતિ પાસે કોઈપણ કાયદા પર વીટો લગાવવાની એટલે કે નામંજૂર કરવાની તાકાત હોય છે.
અમેરિકાના રાજકારણ પર અસર
જો મિડટર્મ ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટી પોતાની બહુમતી જાળવી રાખે તો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને નવા કાયદા બનાવવામાં અને બજેટ પાસ કરવામાં સરળતા રહેશે. પરંતુ જો ડેમોક્રેટિક પાર્ટી જીતી જાય તો સરકાર અને સંસદ વચ્ચે ઘર્ષણ થઈ શકે છે. ખાસ કરીને ટેક્સ, આરોગ્ય સેવા, ઇમિગ્રેશન અને સરકારી ખર્ચ જેવા મહત્વના મુદ્દાઓ પર બંને પક્ષો વચ્ચે રાજકીય ખેંચતાણ જોવા મળી શકે છે.
આ મિડટર્મ ચૂંટણીનાં પરિણામો જ વર્ષ 2028માં યોજાનારી આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે બંને પક્ષોની રણનીતિ નક્કી કરશે. રિપબ્લિકન પાર્ટી માટે આ ચૂંટણી એ જાણવાની તક છે કે દેશની જનતા ટ્રમ્પની નીતિઓથી ખુશ છે કે નહીં. બીજી તરફ, જો ડેમોક્રેટિક પાર્ટી સારું પ્રદર્શન કરે તો તેને આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલાં અમેરિકાના રાજકારણમાં પોતાની સ્થિતિ મજબૂત કરવાની તક મળશે.
વૈશ્વિક રાજકારણ પર અસર
અમેરિકા વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા હોવાથી તેની સંસદનું સમીકરણ બદલાય તો તેની અસર અન્ય દેશો સાથેના સંબંધો પર પણ પડે છે. સંસદમાં વિરોધ પક્ષ મજબૂત થવાથી ચીન સાથેના વેપાર, ટેરિફ, રશિયા-યુક્રેન યુદ્ધ, મધ્ય પૂર્વના સંઘર્ષો અને વિદેશી સહાય અંગેની ટ્રમ્પ સરકારની નીતિઓ પર વધુ ચર્ચા અને દબાણ ઊભું થઈ શકે છે.
ટ્રમ્પ સરકાર દ્વારા આયાત થતી વસ્તુઓ પર લગાવવામાં આવતી ટેરિફની અસર આંતરરાષ્ટ્રીય વેપાર પર પડે છે. જો સંસદમાં ડેમોક્રેટ્સની બહુમતી આવશે તો તેઓ આ આર્થિક નીતિઓ અને સરકારી ખર્ચ સામે સવાલો ઉઠાવી શકશે. પરંતુ જો રિપબ્લિકન બહુમતી જળવાઈ રહેશે તો ટ્રમ્પને પોતાની આર્થિક નીતિઓ કોઈપણ અડચણ વગર આગળ વધારી શકશે.
ભારત પર અસર
અમેરિકા ભારતનો મોટો વેપારી ભાગીદાર હોવાથી આ ચૂંટણી ભારત માટે પણ મહત્વની છે. જો ડેમોક્રેટિક પાર્ટી સંસદમાં બહુમતી મેળવે તો ટ્રમ્પ સરકારની ટેરિફ નીતિ અને ભારત સાથેના વેપાર કરારો વિશે સંસદમાં વધુ સવાલો ઉઠી શકે છે. જોકે, માત્ર સંસદમાં પક્ષ બદલાવાથી ભારત પર લાગેલા ટેરિફ તરત જ દૂર થઈ જશે એવું પણ નથી.
આ ઉપરાંત ડેમોક્રેટિક પાર્ટીમાં રૉ ખન્ના, રાજા કૃષ્ણમૂર્તિ, પ્રમિલા જયપાલ, ડેબોરાહ રૉસ અને બ્રાડ શેરમન જેવા અનેક અગ્રણી નેતાઓ છે જેઓ ભારત સાથેના મજબૂત સંબંધોના સમર્થક રહ્યા છે. આ નેતાઓ વેપાર, ટેક્નોલોજી અને સંરક્ષણ ક્ષેત્રે ભારત-અમેરિકા વચ્ચેનો સહયોગ વધારવા સતત અવાજ ઉઠાવતા રહ્યા છે. ઑક્ટોબર 2025માં આવા જ 19 ડેમોક્રેટિક સાંસદોએ ડોનાલ્ડ ટ્રમ્પને પત્ર લખીને ભારત પર લગાવેલા ટેરિફ ઘટાડવા અને સંબંધો સુધારવા વિનંતી કરી હતી.
જો મિડટર્મ ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીને બહુમતી મળે તો વેપાર અને ઇમિગ્રેશન ક્ષેત્રે ભારતને રાહત મળી શકે છે. ડેમોક્રેટ્સ ભારતીય વસ્તુઓ પરના ઊંચા ટેરિફ સામે અવાજ ઉઠાવીને વેપારી સમજૂતીઓ સુધારવા દબાણ કરી શકે છે. આ ઉપરાંત, ભારતીય IT પ્રોફેશનલ્સ માટે H-1B વિઝા મેળવવાની પ્રક્રિયા વધુ સરળ બનાવવામાં પણ તેમનું સમર્થન મળી શકે છે. વર્ષ 2026ના સરવે મુજબ, 58% ડેમોક્રેટ્સ ભારત પરના ટેરિફ ઘટાડવાના અને 45% ડેમોક્રેટ્સ ભારતીય કુશળ કર્મચારીઓને વિઝા આપવાના પક્ષમાં હતા.
બીજી તરફ, જો રિપબ્લિકન પાર્ટી સંસદમાં પોતાની બહુમતી જાળવી રાખે તો ભારતને સંરક્ષણ અને વ્યૂહાત્મક ક્ષેત્રે મોટો ફાયદો મળી શકે છે. ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીનના વધતા પ્રભાવને રોકવા માટે બંને દેશો વચ્ચે લશ્કરી સહયોગ અને QUAD જેવી ભાગીદારી વધુ મજબૂત બની શકે છે. ફેબ્રુઆરી 2025માં ટ્રમ્પ અને વડા પ્રધાન મોદી વચ્ચે થયેલી બેઠકમાં પણ સંરક્ષણ, ઊર્જા, AI અને સેમિકન્ડક્ટર ક્ષેત્રે સહયોગ વધારવા માટે ‘COMPACT’ પહેલ શરૂ કરવામાં આવી હતી.
ટૂંકમાં કહીએ તો અમેરિકાના બંને મુખ્ય રાજકીય પક્ષો પાસે ભારત માટે અલગ-અલગ સકારાત્મક પાસાં છે. ડેમોક્રેટિક પાર્ટીનો ઝૂકાવ વેપારી નીતિઓ, ટેરિફ ઘટાડવા, ટેક્નોલોજી સહયોગ અને H-1B વિઝામાં અનુકૂળતા તરફ છે. જ્યારે રિપબ્લિકન પાર્ટીને સંરક્ષણ ક્ષેત્રે આધુનિક હથિયારો પૂરાં પાડવામાં, ઊર્જા ક્ષેત્રે અને ચીન સામે મોરચો મજબૂત કરવામાં વધુ રસ છે.
ભારત માટે કોઈ એક પક્ષ સંપૂર્ણપણે સારો કે ખરાબ છે એવું ન કહી શકાય, કારણ કે ડેમોક્રેટ્સ અને રિપબ્લિકન બંનેમાં ભારતનું સમર્થન કરનાર નેતાઓ છે. એટલે ભારત માટે બંને પરિસ્થિતિમાં પોતાના આર્થિક અને સુરક્ષા સંબંધિત હિતો જળવાઈ રહે તે સૌથી મહત્વનું છે.
અંતે અમેરિકામાં 3 નવેમ્બર, 2026ના રોજ એટલે કે આવતીકાલે યોજાનારી આ ચૂંટણી માત્ર ટ્રમ્પ સરકારના કામકાજ માટે જ નહીં, પણ ભારત જેવા દેશો સાથેના વેપાર, વિઝા અને રાજદ્વારી સંબંધોની ભવિષ્યની દિશા નક્કી કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવશે. તેથી ભારત સહિત સમગ્ર વિશ્વની નજર આ ચૂંટણી પર છે.


