મહાદેવ બેટિંગ એપના પ્રમોટર સૌરભ ચંદ્રાકરને ઓમાનથી ભારત લવાયો: CBIએ કરાવ્યું પ્રત્યાર્પણ, ₹4,336 કરોડની સંપત્તિ જપ્ત

મહાદેવ ઓનલાઈન બેટિંગ એપ કેસમાં CBIને મોટી સફળતા મળી છે. કેસના મુખ્ય આરોપીઓમાંના એક અને મહાદેવ એપના પ્રમોટર સૌરભ ચંદ્રાકરને ઓમાનથી ભારત લાવવામાં આવ્યો છે. CBIએ અન્ય કેન્દ્રીય એજન્સીઓની મદદથી તેનું પ્રત્યાર્પણ કરાવ્યું છે. રવિવાર, 1 નવેમ્બરના રોજ CBIની વિશેષ ટીમ તેને ઓમાનથી ભારત લઈ આવી છે. હવે તેને છત્તીસગઢના રાયપુરની સ્પેશિયલ CBI કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

સૌરભ ચંદ્રાકરને ભારત લાવવા માટે CBIએ અન્ય કેન્દ્રીય એજન્સીઓ અને ઓમાનના અધિકારીઓ સાથે મળીને કાર્યવાહી કરી હતી. તેની સામે ઇન્ટરપોલે રેડ કોર્નર નોટિસ જાહેર કરી હતી. આ નોટિસના આધારે ઓમાન પોલીસે તેની ધરપકડ કરી હતી. ત્યારબાદ ભારતની CBI અને EDએ સૌરભના ભારત પ્રત્યાર્પણ માટે કાર્યવાહી કરી હતી. ઓમાનની મંજૂરી મળ્યા બાદ CBIની ટીમ તેને ભારત લઈ આવી છે.

સૌરભ સામે 2 કેસ

સૌરભ ચંદ્રાકર સામે બે કેસ ચાલી રહ્યા છે. આ બંને કેસમાં CBIએ ચાર્જશીટ પણ દાખલ કરી છે. આ ઉપરાંત EDના એક કેસમાં પણ તેની વિરુદ્ધ પ્રોસિક્યુશન ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે હાલમાં દેશનાં અલગ-અલગ રાજ્યોમાં આ કેસ સાથે જોડાયેલા લોકો તથા નાણાકીય વ્યવહારોની તપાસ કરવામાં આવી રહી છે.

શું છે સમગ્ર કેસ?

મહાદેવ ઓનલાઈન બેટિંગ એપ એ એક એવી એપ અને વેબસાઇટનું મોટું નેટવર્ક હતું, જેના દ્વારા ક્રિકેટ, ફૂટબોલ, ટેનિસ, બેડમિન્ટન જેવી રમતો તેમજ પોકર અને અન્ય કાર્ડ ગેમ્સ પર ગેરકાયદેસર સટ્ટો રમાડવામાં આવતો હતો. આ નેટવર્કથી લોકો પાસેથી ઓનલાઈન પૈસા પડાવવામાં આવતા હતા અને દેશભરમાં જુગારનો મોટો વેપાર ચલાવવામાં આવતો હતો.

આ કૌભાંડના મુખ્ય આરોપીઓ સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલ છે, જેઓ મૂળ છત્તીસગઢના ભિલાઈના રહેવાસી છે. સૌરભ ચંદ્રાકર અગાઉ ભિલાઈમાં જ્યૂસની દુકાન ચલાવતો હતો. બાદમાં તે રવિ ઉપ્પલ સાથે મળીને આ ગેરકાયદેસર ઓનલાઈન સટ્ટાબાજીના ધંધામાં જોડાયો હતો અને આ બંને જણા દુબઈમાં બેસીને આખા નેટવર્કનું સંચાલન કરતા હતા.

કેવી રીતે ચાલતું હતું નેટવર્ક?

મહાદેવ એપનું આખું કામ ફ્રેન્ચાઇઝી મોડલ પર ચાલતું હતું. જેના માટે દેશનાં અલગ-અલગ શહેરોમાં જુદી-જુદી પેનલો બનાવવામાં આવી હતી. આ પેનલના સંચાલકો યુઝર્સને એપ પર યુઝર આઈડી બનાવી આપતા અને તેમની પાસેથી સટ્ટાની રકમ સ્વીકારતા હતા.

સટ્ટાબાજીમાંથી જ કરોડો રૂપિયા મળે તે છુપાવવા અનેક બેંક ખાતાઓનો દુરુપયોગ કરવામાં આવતો હતો. અન્ય લોકોના KYC દસ્તાવેજોનો ઉપયોગ કરીને ફેક એકાઉન્ટ ખોલવામાં આવતા અને તેમાં નાણાં જમા કરાવીને ફેરવવામાં આવતા હતા. અંતે હવાલા અને અન્ય ગેરકાયદેસર માધ્યમોથી આ કાળું નાણું વિદેશ મોકલવામાં આવતું હતું.

EDએ કરેલ કાર્યવાહી

ઉલ્લેખનીય છે કે આ આખો મામલો સામે આવતા EDએ તપાસ શરૂ કરી હતી અને કાયદાકીય કાર્યવાહી પણ કરી હતી. આ કેસમાં સરકારી અધિકારીઓને લાંચ આપી હોવાના આરોપો પણ લાગ્યા હતા. EDની તપાસમાં માર્ચ 2026 સુધીમાં કુલ અંદાજે ₹4,336 કરોડની સંપત્તિ જપ્ત, અટેચ અથવા ફ્રીઝ કરવામાં આવી છે.

આ ઉપરાંત EDએ દુબઈ અને દિલ્હીમાં આવેલી આશરે ₹1,700 કરોડની 20 મિલકતો પણ અટેચ કરી છે. આ મિલકતોમાં દુબઈમાં લક્ઝરી વિલા, એપાર્ટમેન્ટ અને બુર્જ ખલીફામાં આવેલી મિલકતોનો પણ સમાવેશ થાય છે. આ સંપત્તિઓ ગેરકાયદેસર સટ્ટાબાજીમાંથી મળેલી આવકમાંથી ખરીદવામાં આવી હતી.