હોમપેજમિડિયાઉમર ખાલિદ પર ઓળઘોળ ગુજરાત સમાચાર, ચીતર્યો ક્રાંતિવીર અને ગાંધીવાદી: હિંદુવિરોધી રમખાણોનો...

ઉમર ખાલિદ પર ઓળઘોળ ગુજરાત સમાચાર, ચીતર્યો ક્રાંતિવીર અને ગાંધીવાદી: હિંદુવિરોધી રમખાણોનો કાવતરાખોર હતો એ કોણ કહેશે?

ઉમર ખાલિદ 'ગાંધીવાદી' હોવાની અને પરણવાની ઉંમરમાં તેને જેલમાં નાખી રાખ્યો હોવાની વાતો ગુજરાત સમાચારે ઘસડી નાખી, એ ન કહ્યું કે હિંદુવિરોધી રમખાણોનું કાવતરું ઘડવામાં ઉમર ખાલિદની શું ભૂમિકા હતી.

- Advertisement -

કેન્દ્ર સરકારે પસાર કરેલા નાગરિકતા સંશોધન કાયદાના વિરોધની આડમાં રાજધાની દિલ્હીમાં ફેબ્રુઆરી 2020માં હિંદુવિરોધી રમખાણો કરાવવામાં જેની મોટી ભૂમિકા હતી એ ઉમર ખાલિદ છેલ્લાં 6 વર્ષથી જેલમાં છે. ઉમર ખાલિદ, તેના જેવા જ બીજા એક ઇસ્લામી કટ્ટરપંથી શરજીલ ઇમામ અને અન્ય અનેક કથિત એક્ટિવિસ્ટો કાવતરું ઘડીને રમખાણો કરાવવાના આરોપસર UAPA કેસનો સામનો કરી રહ્યા છે. બાકીના આરોપીઓને સુપ્રીમ કોર્ટે જાન્યુઆરી 2026માં જામીન આપ્યા હતા. ખાલિદ અને શરજીલ ઇમામ હજુ પણ જેલમાં બંધ છે.

વારંવારની જામીન અરજીઓ સુપ્રીમ કોર્ટ સહિતની વિવિધ અદાલતોએ કેસની ગંભીરતા અને બંનેની ભૂમિકાને જોતાં નકારતી રહી છે. જેના કારણે દર થોડા-થોડા વખતે ડાબેરી-ઇસ્લામવાદીઓની ઇકોસિસ્ટમ ઉમર ખાલિદ અને શરજીલ ઇમામની વકાલત કરતી રહે છે, જેથી તેમને બહાર લાવવા માટે સિસ્ટમ પર દબાણ સર્જી શકાય. આ જ ક્રમમાં થોડા-થોડા સમયે વામપંથી પોર્ટલો પર લેખો લખાય છે. વિદેશી અખબારોમાં લેખો લખવામાં આવે છે. ટોક શૉ થાય છે. ડોક્યુમેન્ટ્રીનાં સ્ક્રીનિંગ થાય છે. અખબારોનાં પાનાં ભરવામાં આવે છે. આ પ્રવૃત્તિ હવે ગુજરાત સુધી વિસ્તરી છે અને ‘ગુજરાત સમાચાર’નો તાજેતરનો લેખ તેનું ઉદાહરણ છે.

ગુજરાત સમાચારે 25 ઑક્ટોબરે (રવિવાર) એક લેખ પ્રકાશિત કર્યો જેમાં ઉમર ખાલિદને ક્રાંતિકારી ચીતરવામાં આવ્યો છે અને તેનાં મોંફાટ વખાણ કર્યાં છે. ઉમર ખાલિદે બહુ અભ્યાસ કર્યો હોવાનું, તે ગાંધીવાદી વિચારો પર ચાલતો હોવાનું, વર્ષોથી તેને જેલમાં રાખી મૂક્યો હોવાનું અને વારંવાર જામીન અરજીઓ રદ થતી હોવાનું કહેવામાં ગુજરાત સમાચાર એ જણાવવાનું ભૂલી ગયું કે દિલ્હીનાં હિંદુવિરોધી રમખાણોમાં ખાલિદની શું ભૂમિકા હતી અને વારંવાર તેની જામીન અરજીઓ કેમ રદ થઈ રહી છે.

- Advertisement -

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં ‘કૌશિક કુમાર દીક્ષિત’ની બાયલાઇન સાથે આ લેખ પ્રકાશિત થયો છે, જેનું શીર્ષક છે– ‘ઉમર ખાલિદ અને, તેના વિચારો વિશે.‘ (‘વિશે’માં ગુજરાત સમાચારને વ્યાકરણની ભૂલ થઈ છે!) શીર્ષકની ઉપર પેટાશીર્ષક છે– ‘B.A…M.A…M.Phil…Ph.D… અને પછી, લાંબી લાંબી લાંબી લાંબી જેલની સજા!’

લેખની શરૂઆત ઉમર ખાલિદને તાજેતરમાં ‘ફ્રન્ટલાઇન ડિફેન્ડર એવોર્ડ’ આપવામાં આવ્યો એ જાણકારી સાથે થઈ છે. સાથે લખ્યું– ‘આ એવોર્ડ એવી વ્યક્તિઓને આપવામાં આવે છે જેઓ પ્રતિકૂળ અને ખૂબ જ જોખમયુક્ત વાતાવરણમાં કાર્યરત છે તેમજ જેમનું કામ હજુ સુધી વ્યાપક આંતરરાષ્ટ્રીય કક્ષાએ પહોંચી શક્યું નથી!’ ઉમર ખાલિદને આ એવોર્ડ મળ્યો હોવાનું ટાંકીને લખવામાં આવ્યું છે, ‘જેલની સજા ભોગવી રહેલી કોઈ વ્યક્તિને આવો એવોર્ડ મળે તેવી આ ઉમર ખાલિદવાળી ઘટના ઇતિહાસમાં સહુ પ્રથમ ઘટના છે.’

ઉમર ખાલિદે કોઈ બહુ મોટો અને મહત્ત્વનો પુરસ્કાર મેળવી લીધો હોય તેવી રીતે અહીં હકીકતો રજૂ કરવામાં આવી છે. જે ‘ફ્રન્ટલાઇન ડિફેન્ડર્સ’ દ્વારા આ એવોર્ડ આપવામાં આવે છે એ વિદેશી NGO છે અને દર વર્ષે આવા પુરસ્કારો આપતું રહે છે. તેની સ્થાપના પાછળ આવા જ એક વિવાદાસ્પદ એનજીઓ એમનેસ્ટી ઈન્ટરનેશનલના આઇરિશ સેક્શનનાં પૂર્વ ડાયરેક્ટર મેરી લેવલોર છે. ઉપર જે દબાણ બનાવતી ઇકોસિસ્ટમની વાત કરી એમાં આવાં NGO અને તેમના કથિત પુરસ્કારો મોટી ભૂમિકા ભજવે છે.

આટલું કહીને ગુજરાત સમાચારના અહેવાલમાં આગળ લખવામાં આવ્યું છે, ‘આશ્ચર્ય અને અફસોસની વાત છે કે આટલું ઉચ્ચ ભણતર પછી પણ તેઓ (ઉમર ખાલિદ) વર્ષ 2020થી આપણા દેશની તિહાડ જેલમાં સજા કાપી રહ્યા છે.’

આમ તો આ કોઈ રીતે ગંભીર દલીલ નથી. કોઈ માણસ બહુ ભણી ગયો હોય તેને જેલમાં ન મોકલી શકાય એ કોઈ તર્ક નથી. ઉમર ખાલિદ ભલે ગમે તેટલું ભણ્યો હોય કે અઢળક ડિગ્રીઓ મેળવી લીધી હોય, તે કાવતરું રચીને વિરોધની આડમાં બહુમતી સમુદાય વિરુદ્ધ રમખાણો કરાવવાના આરોપસર જેલ ગયો છે અને તેનો જ તેની વિરુદ્ધ કેસ ચાલી રહ્યો છે. તેમાં વચ્ચે ભણતરની વાત આવતી નથી. ભણતરનો ઉલ્લેખ કરવો જ હોય તો એક પાસું એ પણ છે કે જેહાદી માનસિકતા ગમે તેટલા ભણતર પછી પણ જતી નથી. આ જ સેક્યુલારિસ્ટોની દલીલો હોય છે કે આતંકવાદનું મૂળ કારણ ભણતરનો અભાવ છે. ઉમર ખાલિદનું ઉદાહરણ આ દલીલો મૂળમાંથી ખોટી ઠેરવે છે. બીજો દલીલો ખોટી ઠેરવનારો ઓસામા બિન લાદેન હતો.

ઉમર ખાલિદ વિરુદ્ધ UAPA (અનલૉફૂલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ) હેઠળ કેસ ચાલી રહ્યો છે. દિલ્હી પોલીસ પોતાની ચાર્જશીટમાં તેને મુખ્ય કાવતરાખોર ગણાવી ચૂકી છે. પોલીસની તપાસમાં તેની વિરુદ્ધ પુરાવાઓ મળ્યા છે. એટલે તે જેલમાં બંધ છે.

અદાલતો ખાલિદને જામીન કેમ નથી આપી રહી?

ત્યારબાદ આગળ કહેવામાં આવ્યું કે અનેક વાર અરજીઓ પછી પણ ઉમર ખાલિદને અદાલતો જામીન નથી આપી રહી.

ગુજરાત સમાચારના લેખક અને સંપાદકોએ જઈને જોવું જોઈએ કે અદાલતો ઉમર ખાલિદને (કે શરજીલ ઈમામને) જામીન કેમ નથી આપી રહી. માત્ર લખી દેવાથી અદાલતો જામીન નથી આપી રહી, મુદ્દો સાચો થઈ જતો નથી. અદાલતોના આદેશો ખોલીને વાંચ્યા હોત તો તેમાં વિગતવાર કારણો દરેક આદેશમાં આપ્યાં હોય છે.

જાન્યુઆરી 2026માં જ્યારે તમામ આરોપીઓના જામીનનો કેસ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો ત્યારે સુપ્રીમ કોર્ટે બાકીના આરોપીઓને શરતી જામીન આપ્યા હતા પણ ઉમર ખાલિદ અને શરજીલ ઈમામના જામીન નકારી દીધા હતા. ત્યારે કોર્ટે બંનેની કેસમાં ભૂમિકા ધ્યાને લીધી હતી અને માન્યું હતું કે પ્રથમ દૃષ્ટિએ બંને વિરુદ્ધ પૂરતા પુરાવા ઉપલબ્ધ છે, જેથી તેમને હાલ જેલની બહાર ન મોકલી શકાય.

કોર્ટે ઉમર ખાલિદ અને શરજીલ ઇમામને જામીન આપવાનો ઇનકાર કરતાં કહ્યું હતું કે પ્રોસિક્યુશને જે સામગ્રી રજૂ કરી છે તેને જોતાં લાગે છે કે તેમની વિરુદ્ધ સંડોવણીના પ્રાથમિક પુરાવાઓ છે અને આ કેસમાં તેઓ સામાન્ય આરોપીઓ ન હતા. કોર્ટે આગળ કહ્યું કે ષડ્યંત્રમાં ભૂમિકા જોતાં આ તબક્કે બંને આરોપીઓને જામીન મળી શકે નહીં.

કોર્ટે ત્યારે શરત મૂકી હતી કે પ્રોસિક્યુશનના સાક્ષીઓની ઉલટતપાસ પૂર્ણ થઈ જાય કે આદેશને એક વર્ષ થાય પછી બંને ફરીથી જામીન અરજી રજૂ કરી શકે છે અને ત્યારબાદ કોર્ટ ફરીથી તેની ઉપર સુનાવણી કરશે. આ બંનેમાંથી એક પણ શરતનું પાલન થયું ન હોવા છતાં બંનેએ તાજેતરમાં ફરીથી દિલ્હી હાઇકોર્ટમાં અરજી દાખલ કરી દીધી હતી. આખરે 30 સપ્ટેમ્બર, 2026ના રોજ કોર્ટે ફરીથી જામીન અરજી રદ કરી દીધી.

દિલ્હી હાઇકોર્ટે ચોખવટ કરીને કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે જે શરતો નક્કી કરી હોય એ હાઇકોર્ટના સ્તરે બદલી ન શકાય. બંને શરતો પૂર્ણ નથી થઈ જેથી હાલ બંનેને જામીન પર ન છોડી શકાય.

વાસ્તવમાં ઉમર ખાલિદ અને શરજીલ ઇમામ બંને જાણતા હતા કે ન તો સાક્ષીઓની ઉલટતપાસ પૂર્ણ થઈ છે કે સ્વાભાવિક રીતે જાન્યુઆરી 2026ના સુપ્રીમ કોર્ટના ચુકાદાને એક વર્ષ પણ પૂર્ણ થયું નથી. તેમ છતાં જાણીજોઈને અરજીઓ દાખલ જ એટલા માટે કરવામાં આવી હતી જેથી ન્યાયતંત્ર પર દબાણ લાવી શકાય. બહાર ઇકોસિસ્ટમમાં બેઠેલાઓ હોહા કરી શકે, કારણ કે તેઓ હોબાળો મચાવે ત્યારે આ બધી તાર્કિક વાતો કહેતા નથી, જેમ ગુજરાત સમાચારે પણ નથી કહી.

ઉમર-શરજીલને જામીન ન મળતા હોવાનો અને અદાલતોમાં સુનાવણીઓમાં વિલંબ થતો હોવાનો નરેટિવ આજકાલનો નહીં ઘણા સમયથી ચાલતો આવે છે અને તેની પાછળ એ જ યુઝઅલ સસપેક્ટો હોય છે. તેઓ ક્યારેય કોર્ટમાં ખરેખર શું ચાલે છે તેની વિગતોમાં પડતા નથી કે પડવા માગતા નથી.

આવી જ ટીકાઓનો જવાબ આપતાં પૂર્વ મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ઉમર ખાલિદની જામીન અરજી પરની એક સુનાવણી વખતે સાતેક વખત એવું બન્યું હતું કે સુનાવણી ટાળવા માટે ઉમર ખાલિદના વકીલો તરફથી વિનંતી કરવામાં આવી હતી. એટલે સુનાવણી ટળી હતી તો તે કોર્ટ સુનાવણી કરવા માગતી ન હતી એટલે કે દિલ્હી પોલીસ તરફથી સમય માગવામાં આવ્યો એટલે નહીં પણ ઉમર ખાલિદના વકીલોએ જ રજૂઆત કરી હતી એ કારણ હતું. વારંવાર સુનાવણી ટાળવા માટે કહેવામાં આવ્યા બાદ આખરે ઉમર ખાલિદ તરફથી આ અરજી પરત ખેંચી લેવામાં આવી હતી.

ઉમર ખાલિદ સામે UAPA હેઠળ કેસ ચાલી રહ્યો છે. આ કાયદાની કલમ 43D(5) કહે છે કે જજ આરોપીને ત્યાં સુધી જામીન ન આપી શકે જ્યાં સુધી તેઓ સંપૂર્ણપણે એ નિષ્કર્ષ પર પહોંચે કે આરોપી વિરુદ્ધ લાગેલા આરોપો સાચા માનવા માટેનો કોઈ આધાર નથી. ઉમર ખાલિદ સામે અદાલતો આરોપો પ્રથમ દૃષ્ટિએ સાચા માનતી રહી છે, કારણ કે પોલીસે તેવા પૂરતા પુરાવાઓ કોર્ટમાં રજૂ કર્યા છે. મૂળ આ કારણ છે કે ઉમર ખાલિદને જામીન નથી મળી રહ્યા.

‘ખાલિદ અપરણિત છે, ગાંધીવાદી છે’: ગુજરાત સમાચાર

ગુજરાત સમાચારના લેખક અહીંથી અટકતા નથી અને આગળ કહે છે કે, ‘ધરપકડ બાદ સાત વર્ષ થવાં આવ્યાં અને હજુ કેસ ચાલી રહ્યો નથી. ઉમર ખાલિદ હજુ અપરણિત છે, સંસાર ભોગવવાની ઉંમર જેલમાં જઈ રહી છે. લાંબી-લાંબી સજાઓ ભોગવી રહેલા ચાલીસ વર્ષની વયે પહોંચેલા તેમજ ગાંધીવાદી વિચારધારાને વરેલા ઉમર ખાલિદના અમુક વિચારોથી તમને અહીં વાકેફ કરવા છે.’ ત્યારબાદ ઉમર ખાલિદનાં અમુક ક્વોટ રજૂ કર્યાં છે, જેમાં તેને ક્રાંતિકારી ચીતરવામાં આવ્યો છે.

આ તર્ક વાપરો તો કાલે ઉઠીને કોઈ આતંકવાદી માટે પણ કહી શકાય કે તેની પરણવાની ઉંમર છે પરંતુ તેનું જીવન જેલમાં જઈ રહ્યું છે. આવી ભાવનાત્મક વાતોથી કરતૂતો ઢાંકી શકાતી નથી. ગુનો કર્યો હોય તો તેનાં પરિણામો ભોગવવાં પડે છે. તેમાં સંસાર ભોગવવાની ઉંમર જેલમાં જઈ રહી છે એવી ભાવનાત્મક વાતો નહીં ચાલે.

વળી અહીં ઉમર ખાલિદને ‘ગાંધીવાદી’ કહેવામાં આવ્યો છે. મોહનદાસ જો હયાત હોત તો આ લીટી માટે તેમણે ઘડીક અહિંસાનો વિચાર પડતો મૂક્યો હોત એ સિવાય બીજી કોઈ ટિપ્પણી કરવા જેવી નથી.

દિલ્હીનાં હિંદુવિરોધી રમખાણો અને ઉમર ખાલિદની ભૂમિકા

ગુજરાત સમાચારના લેખક જેને ‘ગાંધીવાદી’ માને છે એ ઉમર ખાલિદની હિંદુવિરોધી રમખાણોમાં શું ભૂમિકા હતી– વાંચો.

તે પહેલાં થોડી પૂર્વભૂમિકા.

2019ના અંતમાં કેન્દ્રની મોદી સરકારે પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનથી આવતા ત્યાંના હિંદુઓ સહિતના લઘુમતીઓને નાગરિકતા આપવા માટે નાગરિકતા સંબંધિત કાયદામાં સુધારો કરતું બિલ પાસ કરાવ્યું તેની વિરુદ્ધ દેશભરમાં વિરોધ પ્રદર્શનો થયાં. તેમાં મુસ્લિમોને સામેલ કેમ નથી કરવામાં આવ્યા એવા પ્રશ્નો કરીને બિલને અને પછી કાયદાને મુસ્લિમવિરોધી સાબિત કરી દેવામાં આવ્યાં.

હકીકત એ હતી કે કાયદામાં સંશોધન કરવાનો હેતુ જ એ હતો કે પાડોશી ઇસ્લામી દેશોમાંથી 31 ડિસેમ્બર 2014 સુધીમાં ભારત આવેલા હિંદુઓ અને અન્ય લઘુમતીઓને નાગરિકત્વ આપવામાં આવે. આ ત્રણ દેશો મુસ્લિમ બહુમતી દેશો છે, તેમનો સ્ટેટ રિલિજિયન ઇસ્લામ છે. મુસ્લિમ દેશમાં મુસ્લિમોને ધાર્મિક ઓળખના કારણે પ્રતાડિત કરવામાં ન આવે. એટલી સામાન્ય વાત પણ સમજવાની તૈયારી દર્શાવ્યા વગર દેશમાં પ્રદર્શનો કરવામાં આવ્યાં. દિલ્હીની જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટી શરૂઆતમાં આ પ્રદર્શનોનું કેન્દ્ર બની.

15 ડિસેમ્બરના રોજ જામિયામાં અમુક વિદ્યાર્થીઓ, પૂર્વ વિદ્યાર્થીઓ, એક્ટિવિસ્ટો, રાજકીય પાર્ટીના માણસો, એનજીઓના માણસોની ટોળકી પ્રદર્શન કરવા ઉતરી પડી. તેઓ સંસદ ભવન અને રાષ્ટ્રપતિ ભવન તરફ કૂચ કરવા માગતા હતા, પણ પોલીસે અટકાવ્યા એટલે હિંસા પર ઉતરી પડ્યા અને પથ્થરમારો, તોડફોડ, આગચંપી થયાં. બસો સળગાવાઈ, વાહનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું, 10 પોલીસકર્મીઓને ઈજા પહોંચી અને 2 નાગરિકો ઘાયલ થયા.

આ હિંસાના આગલા જ દિવસે 14મી ડિસેમ્બરે શરજીલ ઇમામે પેલું કુખ્યાત ભાષણ આપ્યું હતું જેમાં તે મુસ્લિમોને સાથે આવીને ચિકન નેક (ભારત અને પૂર્વોત્તરને જોડતો સાંકડો માર્ગ) કાપવા માટે કહે છે. આ ભાષણમાં તેણે મુસ્લિમોને સરકાર વિરુદ્ધ ભરપૂર ઉશ્કેર્યા હતા. શરજીલ ઇમામ પણ હાલ જેલમાં છે.

15 ડિસેમ્બરની ઘટના પછી પણ છાશવારે પ્રદર્શનો થતાં રહ્યાં, ચક્કાજામ કરવામાં આવ્યા. યુનિવર્સિટીમાં પ્રદર્શન કરતા મુસ્લિમોને સંબોધન કરવા માટે એક્ટિવિસ્ટને બોલાવાતા રહ્યા. ત્યારબાદ શાહીનબાગમાં પ્રદર્શનો ચાલુ થયાં, જે છેક ફેબ્રુઆરી-માર્ચ સુધી ચાલુ રહ્યાં. 17 ડિસેમ્બરે જાફરાબાદ વિસ્તારમાં પથ્થરમારો થયો.

15 જાન્યુઆરીના રોજ પ્રદર્શનકારી મુસ્લિમોએ દિલ્હીમાં સાત વિસ્તારોમાં રસ્તા બ્લૉક કરી દીધા અને ભડકાઉ નારાબાજી થઈ. આના માટે પણ અગાઉથી પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. 23મીએ પથ્થરમારો થયો. 24મીએ રમખાણો ફાટી નીકળ્યાં અને મુસ્લિમ ટોળાંએ મચાવેલા ઉત્પાતમાં જ કોન્સ્ટેબલ રતનલાલનો જીવ ગયો.

આ બધામાં ઉમર ખાલિદ ક્યાં આવે છે?

20મી ફેબ્રુઆરીએ ઉમર ખાલિદે એક ભાષણ આપ્યું હતું. જેમાં તે કહે છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત આવે ત્યારે મુસ્લિમોએ તેમને બતાવી દેવું જોઈએ કે ભારતના લોકો કઈ રીતે સત્તાધારી પક્ષ સામે લડી રહ્યા છે. ટ્રમ્પ ફેબ્રુઆરીમાં ભારતની સત્તાવાર મુલાકાતે હતા અને ત્યારે જ દિલ્હીમાં રમખાણો થયાં હતાં.

આ 17 મિનિટના ભાષણમાં ઉમર ખાલિદે મુસ્લિમોને ભારતમાં પ્રતાડિત કરવામાં આવતા હોવાનું, તેમની સાથે અન્યાય થતો હોવાનું જૂઠાણું ચલાવ્યું. ત્યારબાદ કહ્યું કે અયોધ્યાના ચુકાદા વિરુદ્ધ ભારતના મુસ્લિમોએ કશું ન કર્યું એટલે સરકારે તેમને ‘ફોર ગ્રાન્ટેડ’ લઈ લીધા અને આ ‘મુસ્લિમવિરોધી’ કાયદો આવ્યો. ત્યારબાદ તેણે સીએએ વિરુદ્ધ મુસ્લિમોને ભડકાવ્યા અને કહ્યું કે હવે સરકારને તેની ‘ઔકાત’ દેખાડી દેવી જોઈએ. જો લોકો રસ્તા પર ઉતરશે તો CAA પણ રદ થશે, NRC પણ નહીં આવે અને આખરે સરકાર પણ ઉથલી જશે.

ઉમર ખાલિદના આ ભાષણના ચાર દિવસ પછી 24મી ફેબ્રુઆરીએ દિલ્હીમાં રમખાણો ફાટી નીકળ્યાં. તેનો એક સૂત્રધાર આમ આદમી પાર્ટીનો પૂર્વ કોર્પોરેટર તાહિર હુસૈન પણ હતો. આ જ રમખાણોમાં 53 નિર્દોષોના જીવ ગયા. આઈબી અધિકારી અંકિત શર્માની હત્યા કરવામાં આવી. લાશ ગટરમાં ફેંકી દેવાઈ. આ હત્યા કેસમાં તાજેતરમાં દિલ્હીની કોર્ટે તાહિર હુસૈનને દોષી ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી. તાહિર હુસૈન પોતે સ્વીકારી ચૂક્યો છે કે રમખાણો ‘હિંદુઓને પાઠ ભણાવવા માટે’ કરાવવામાં આવ્યાં હતાં.

ઉમર ખાલિદની ભૂમિકા શું માત્ર આ ભાષણ પૂરતી હતી? ના. તે ગ્રાઉન્ડ પર એટલો જ સક્રિય હતો. ખાલિદ સતત તાહિર હુસૈન સાથે સંપર્કમાં હતો. આ હકીકત અને તથ્યો પોલીસની ચાર્જશીટમાં છે, હવામાં કહેલી વાતો નથી, ગુજરાત સમાચારના અહેવાલની જેમ.

રમખાણો પહેલાં તાહિર હુસૈન ‘યુનાઇટેડ અગેઇન્સ્ટ હેટ’ નામના એક ગ્રુપના કર્તાધર્તા ખાલિદ સૈફી સાથે સંપર્કમાં હતો. ખાલિદ સૈફીએ ઉમર ખાલિદ અને તાહિર હુસૈનનો સંપર્ક કરાવ્યો હતો. બંને વચ્ચે શાહીન બાગમાં જ 8 જાન્યુઆરી, 2020ના રોજ એક બેઠક પણ થઈ હતી. આ મીટિંગમાં નક્કી થયું હતું કે CAA અને NRC મુદ્દે ‘કશુંક મોટું’ કરવું પડશે જેથી આંતરરાષ્ટ્રીય સમુદાયનું ધ્યાન ભારત તરફ અને ભારતમાં વિરોધ કરનારા મુસ્લિમો તરફ ખેંચાય.

આ જ મીટિંગમાં ઉમર ખાલિદે તાહિર હુસૈનને કહ્યું હતું કે તે ફંડની ચિંતા ન કરે અને પોપ્યુલર ફ્રન્ટ ઑફ ઇન્ડિયા ફન્ડિંગ અને લોજિસ્ટિકલ સપોર્ટ પૂરો પાડશે. આ PFI એ કટ્ટરપંથી ઇસ્લામી સંગઠન જે અન્ય અનેક દેશવિરોધી, રાષ્ટ્રવિરોધી, હિંદુવિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલું હતું અને આખરે સપ્ટેમ્બર 2022માં કેન્દ્ર સરકારે તેની ઉપર પ્રતિબંધ મૂકી દીધો હતો.

અર્થાત્, ઉમર ખાલિદ સંપૂર્ણપણે આ કાવતરામાં સામેલ હતો. પછીથી દિલ્હી પોલીસે એક FIR દાખલ કરી તેમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે 24-26 ફેબ્રુઆરીનાં દિલ્હીનાં રમખાણો પ્રિ-પ્લાન્ડ હતાં, સુનિયોજિત કાવતરું રચીને તેને અંજામ આપવામાં આવ્યો હતો. તેમાં ઉમર ખાલિદ અને તેના સાગરિતોનાં નામ છે. ખાલિદનું નામ મુખ્ય કાવતરાખોર તરીકે દર્શાવવામાં આવ્યું છે.

FIRમાં જણાવવામાં આવ્યું કે ઉમર ખાલિદ અને તેના માણસોએ રમખાણો ભડકાવવા માટે કાવતરું રચ્યું હતું અને મહિલાઓ અને બાળકોને આગળ કર્યાં હતાં. રમખાણો બાદ જાફરાબાદ, ચાંદબાગ, ગોકુલપુરી વગેરે વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં હથિયારો, પેટ્રોલ બૉમ્બ, એસિડ બોટલ, પથ્થર વગેરે મળી આવ્યું હતું. આ જ FIR જણાવે છે કે રમખાણો પહેલાં જે શાળાઓમાં મુસ્લિમોનાં બહુમતી બાળકો અભ્યાસ કરતાં હોય તેને ખાલી કરાવી દેવામાં આવી હતી.

આટલી વિગતો પરથી ઉમર ખાલિદ કોણ છે એ સ્પષ્ટ થઈ જવું જોઈએ. આ બધાં જ તથ્યો લખ્યાં છે. ‘ગુજરાત સમાચાર’માં જે લખાયું છે એ પાયા વગરની વાતો છે અને તેમાં ઉમર ખાલિદને જાણે ક્રાંતિવીર હોય તેમ બતાવવામાં આવ્યો છે. હકીકતે એ જેહાદી માનસિકતા ધરાવતો કટ્ટરપંથી ઇસ્લામિસ્ટ છે, જેનું સ્થાન જેલમાં જ હોવું જોઈએ.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં