અલ નીનોની અસર વચ્ચે પાણીની જરૂરિયાતને પહોંચી વળવા ગુજરાત સરકારે શરૂ કર્યા પ્રયાસો: મંગળવારે ત્રણ પાડોશી રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ કરશે બેઠક

Screenshot

ગુજરાતમાં આ વર્ષે ચોમાસામાં ધારેલો વરસાદ ન પડવાના કારણે પાણીની સમસ્યાઓના સમાધાન માટે સરકારે તૈયારીઓ કરવા માંડી છે. આ જ ક્રમમાં મંગળવારે (27 ઑક્ટોબર) દિલ્હીમાં ગુજરાતનાં ત્રણ પાડોશી રાજ્યો સાથે બેઠક યોજાઈ શકે છે, જેમાં અન્ય રાજ્યો પાસેથી સરપ્લસ પાણી મેળવવા માટે વાટાઘાટો કરવામાં આવશે. બદલામાં ગુજરાત સરકારે પાવર કે વળતર ચૂકવવાની પણ તૈયારી દર્શાવી છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર પાટીલે રવિવારે (25 ઑક્ટોબર) એક બેઠક દરમ્યાન આ જાણકારી આપી હતી.

સી. આર પાટીલે જણાવ્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મંગળવારે દિલ્હી આવી રહ્યા છે જ્યાં તેમની બેઠક મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના મુખ્યમંત્રીઓ સાથે થશે. બેઠક પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી રવિ પાકની સિઝન માટે ખેડૂતોને સિંચાઈનું પૂરતું પાણી મળી રહે તે સુનિશ્ચિત કરવાનો છે. ગુજરાત સરકાર ખેડૂતોને પાક માટે પાણીની કોઈ જ સમસ્યા ન પડે એવું ઈચ્છે છે. તેથી જ પાડોશી રાજ્યો સાથે બેઠક કરીને વધારાનું પાણી મેળવવા પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે.

મંત્રી સી.આર. પાટીલે એમ પણ જણાવ્યું કે ગુજરાતે પાડોશી રાજ્યો સામે એક સારો પ્રસ્તાવ મૂક્યો છે. આ પ્રસ્તાવ મુજબ જો પડોશી રાજ્યો ગુજરાતને પાણી આપશે તો તેના બદલામાં ગુજરાત તેમને વીજળી આપી શકે છે અથવા તો નાણાકીય ચૂકવણી પણ કરી શકે છે. આ બાબતે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ સાથે પણ પ્રાથમિક ચર્ચા થઈ ચૂકી છે અને તેમણે આ પ્રસ્તાવ પર સહમતિ દર્શાવી છે. બાકીના મુખ્યમંત્રીઓ સાથે પણ ચર્ચા ચાલી રહી છે.

આ વર્ષે વરસાદની સ્થિતિ

આ વર્ષે વરસાદની સ્થિતિ પર નજર કરીએ તો, 25 ઑક્ટોબર સુધી રાજ્યમાં સરેરાશ 89.19 ટકા વરસાદ નોંધાયો છે. આમાં પણ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર અને કચ્છ જેવા જિલ્લાઓમાં તો વરસાદનું પ્રમાણ ખૂબ જ ઓછું રહ્યું છે. આ જ કારણ છે કે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પાણીની ઉપલબ્ધતા અત્યારે સૌથી મોટો પડકાર બની ગયો છે.

સી. આર. પાટીલે જણાવ્યું હતું કે પાણીની અછત પાછળ ‘અલ નીનો’ જવાબદાર છે. જોકે, તેમનું એમ પણ કહેવું છે કે અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં હજુ પાણીની સ્થિતિ થોડી સારી છે. બીજી બાજુ, ગ્રામીણ વિકાસ મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું છે કે ઓછા વરસાદવાળા વિસ્તારોનો સરવે પૂરો થઈ ગયો છે અને જરૂર પડ્યે ત્યાં પાણી તથા પશુઓ માટે ઘાસચારો પહોંચાડવામાં આવી રહ્યો છે.

સરકાર લાંબા ગાળાના આયોજન તરીકે વરસાદી પાણીના સંગ્રહ પર પણ ખૂબ ધ્યાન આપી રહી છે. ટૂંક સમયમાં જ ચારેય રાજ્યોના મુખ્યમંત્રીઓની બેઠક બાદ એ સ્પષ્ટ થઈ જશે કે ગુજરાતને પાડોશી રાજ્યો પાસેથી કેટલું પાણી મળશે અને તેના બદલામાં વીજળી કે નાણાંની લેવડદેવડ કેવી રીતે નક્કી થશે. હાલ તો ખેડૂતોના રવિ પાકને બચાવવા માટે સરકાર આ તમામ પ્રયાસો યુદ્ધના ધોરણે કરી રહી છે.