
કોકરોચ જનતા પાર્ટીના સૌરવ દાસને દિલ્હીની સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કોર્ટે દિલ્હીના રહેવાસી હોવાનું પ્રમાણ રજૂ કરવા માટે સૂચના આપી છે. અગાઉ સૌરવ દાસ અને તેના સાથી આશુતોષ રાંકાને કોર્ટે અનધિકૃત પ્રવેશ અને શાંતિ કરારના ઉલ્લંઘનના કેસમાં જામીન આપ્યા હતા. આ કાયદાકીય પ્રક્રિયામાં સૌરવ દાસે રેન્ટ એગ્રીમેન્ટ કે લીઝ ડોક્યુમેન્ટ રજૂ કર્યાં ન હોવાનું કોર્ટને ધ્યાનમાં આવ્યું છે.
અગાઉ સૌરવ દાસ અને આશુતોષ રાંકા અદાલતી પ્રક્રિયાઓ માટે હાજર રહ્યા હતા અને સ્યોરિટી રજૂ કરી હતી. કોર્ટે આ દસ્તાવેજોની ચકાસણી બાદ 17 નવેમ્બરની તારીખ આગામી સુનાવણી માટે મુકરર કરી છે.
🚨🚨Delhi SEM Court directs Cockroach Janta Party (CJP) co-convener Saurav Das to submit proof of his Delhi residence in the peace bond proceedings, noting the absence of a rent agreement or lease document. Das and fellow CJP leader Ashutosh Ranka appeared with their sureties. The Court has listed the matter for November 17 to examine the documents. Source: HT @Cockroachisback @SauravDassss @AshutoshRanka @AjinkyaCJP
— LawBeat (@LawBeatInd) October 24, 2026
દરમ્યાન સૌરવ દાસના વકીલોએ મેજિસ્ટ્રેટ સમક્ષ દસ્તાવેજો રજૂ કરવા માટે સમય માગ્યો હતો, જે વિનંતી માન્ય રાખીને કોર્ટે 17 નવેમ્બરની તારીખ નક્કી કરી છે.
સુનાવણી દરમ્યાન દિલ્હી પોલીસ તરફથી દલીલ કરવામાં આવી હતી કે સૌરવ દાસે પોતે દિલ્હી રહેતો હોવાનું કોઈ પ્રમાણ રજૂ કર્યું ન હતું.
ઉલ્લેખનીય છે કે સૌરવ દાસ અને આશુતોષ રાંકાની 12 ઑક્ટોબરના રોજ જંતર-મંતરમાં ઘૂસવા મામલે અટકાયત કરવામાં આવી હતી અને ત્યારબાદ તેમણે અગાઉ ભરેલા પીસ બોન્ડની શરતોના ઉલ્લંઘન બદલ તેમની વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જ્યાંથી કોર્ટમાં રજૂ કરવામાં આવતાં કોર્ટે બંનેને પાંચ દિવસ માટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા.
21 ઑક્ટોબરના રોજ આખરે SEM કોર્ટે બંનેને 50,000ના બોન્ડ પર જામીન પર છોડ્યા હતા. જેનો પણ પોલીસે વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે બંને ફરીથી શાંતિભંગ થાય તેવી પ્રવૃત્તિઓ કરી શકે છે.
છુટ્તી વખતે ફરી એક વખત બંનેએ બાંહેધરી આપી હતી કે તેઓ શાંતિભંગ થાય તેવું એક પણ કૃત્ય નહીં કરે કે જંતર-મંતર પર કોઈ પ્રદર્શનનું એલાન નહીં કરે કારણ કે હવે આ સ્થળ પ્રદર્શન માટેનું સ્થળ રહ્યું નથી. આ સાથે બંનેએ એ બાબતે પણ બાંહેધરી આપી હતી કે તેમને ન્યાયતંત્ર પર વિશ્વાસ છે અને પોતે બંધારણીય મર્યાદામાં રહીને જ વ્યવહાર કરશે.

