
તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં પાણી ભરાવાના કારણે વિવાદ સર્જાયો હતો અને વિપક્ષે આ તકનો લાભ લઈને સરકાર પર આરોપ લગાવવાના શરૂ કરી દીધા હતા. જોકે હવે શિવાલા, સરાયનંદન અને નાગવા સહિત લગભગ અડધો ડઝન વોર્ડમાં મુખ્ય સ્યુઅર લાઇનોની સફાઈ દરમિયાન રેતી ભરેલી બોરીઓ મળી આવી છે.
નોંધનીય છે કે વારાણસીના શિવાલા વિસ્તારમાં ભારે પાણી ભરાવાની તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. ત્યારબાદ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અજય રાયે પણ શિવાલાની સ્થિતિ અંગે સરકાર પર નિશાન સાધ્યું હતું અને વિદેશી પ્રવાસીઓની મુશ્કેલીનો મુદ્દો ઉઠાવ્યો હતો. ભારે વિવાદ સર્જાતાં નગરપાલિકા અને અન્ય સંલગ્ન વિભાગની ટીમોએ સ્યુઅર લાઇનોની સફાઈ શરૂ કરી હતી.
Plot in PMs constituency Varanasi?
— Aman Sharma (@AmanKayamHai_) September 14, 2026
People being probed for deliberately jamming drains by throwing sacks in them; and then making videos of waterlogging to embarrass the UP Govt in PMs constituency. FIR LODGED pic.twitter.com/50kFHYzYjX
જોકે મુખ્ય સ્યુઅર લાઇનોની સફાઈ દરમિયાન રેતી ભરેલી બોરીઓ સાથે પથ્થરો, લાકડાનો વહેર, પ્લાયવુડ અને પ્લાસ્ટિકનો કચરો મળી આવ્યો હતો. શિવાલા વિસ્તારમાં તો એક જ વારમાં આશરે 12 રેતી ભરેલી બોરીઓ બહાર કાઢવામાં આવી હતી. આ બોરીઓ સ્યુઅર લાઇનની અંદર એવી રીતે મળી આવી કે અધિકારીઓને શંકા ગઈ કે આ માત્ર સામાન્ય કચરો નથી, પરંતુ સ્યુઅર લાઇનને બ્લોક કરવાનું ઇરાદાપૂર્વકનું કાવતરું છે.
મેયરે ગણાવ્યું ષડયંત્ર
વારાણસીના મેયર અશોક કુમાર તિવારીએ આ ઘટનાને શહેરને બદનામ કરવાનું એક સુઆયોજિત ષડયંત્ર ગણાવ્યું છે. સ્યુઅર લાઇનની અંદર રેતીની બોરીઓ અને કચરો એ રીતે નાખવામાં આવ્યો હતો જેથી ગટરોમાં પાણી ન જાય અને પાણી બહાર જ ભરાઈ રહે જેથી લોકોમાં હાલાકી સર્જાય અને સરકારવિરોધી માહોલ ઊભો કરી શકાય.
આ ઘટના સામે આવ્યા બાદ તંત્રએ કડક વલણ અપનાવીને ભેલુપુર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ગુનેગાર વિરુદ્ધ જાહેર ડ્રેનેજ વ્યવસ્થાને નુકસાન પહોંચાડવા અને અવરોધ ઊભો કરવા બદલ BNSની કલમ 326 હેઠળ FIR નોંધી છે. પોલીસ હવે આસપાસના તમામ CCTV ફૂટેજ ચેક કરી રહી છે જેથી સ્યુઅર લાઇન સાથે ચેડાં કરનારા અસામાજિક તત્વોને પકડી શકાય.
નોંધનીય છે કે વારાણસી એ પીએમ મોદીનું સંસદીય ક્ષેત્ર છે, તેથી ત્યાં ઘટતી નાનામાં નાની ઘટનાનો પણ ખૂબ મોટો પ્રભાવ પડતો હોય છે. એવામાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ વિડીયો અને હવે ગટરોમાંથી મળેલ આ બોરીઓ અને કચરો ઘણા પ્રશ્નો ઊભા કરે છે. જોકે પોલીસે હાલમાં આ કાવતરું રચનારાઓને શોધવા તપાસ તેજ કરી છે, તેથી આગામી વિગતો તપાસ બાદ સામે આવશે.

