નવરાત્રિના ગરબા ગ્રાઉન્ડમાં મુસ્લિમો, બિનહિંદુઓને પ્રવેશ ન આપવા બાબતે હિંદુ સંગઠનોએ લીધેલા સ્પષ્ટ સ્ટેન્ડ બાદ ગુજરાતને, હિંદુઓને, હિંદુ સંગઠનોને કોમવાદી અને ધર્માંધ ચીતરવા માટે ડાબેરી-સેક્યુલર ઇકોસિસ્ટમનું આખું એક તંત્ર કામે લાગ્યું છે. ‘રંગ મોરલા’ ગરબા આયોજનના એન્કરનો હિંદુ સંગઠનોના નામે મુસ્લિમોને ચેતવણી આપતો એક વિડીયો વાયરલ થયો પછી એ એન્કર આરજે આકાશ અને આયોજનનો ગાયક આદિત્ય ગઢવી બંને ડાહ્યાડમરા (દોઢડાહ્યા, ટૂ બી પ્રિસાઇઝ) બનીને સેક્યુલર જ્ઞાન પીરસવા માંડ્યા. તેમાં ગાયક પ્રફુલ દવેનો પુત્ર હાર્દિક દવે કોઈએ પૂછ્યું નહીં છતાં કૂદી પડ્યો ને નાઝી જર્મનીની પિપૂડી વગાડવા માંડ્યો. વળી અમુક પત્રકારો, એક્ટિવિસ્ટોની ગેંગ આવું કશુંક બને ત્યારે તૈયાર બેઠી હોય છે. આમાં હવે ઇન્ડિયન એક્સપ્રેસના પત્રકારો રહી જતા હતા તો તેમણે પણ યથાયોગ્ય યોગદાન આપ્યું છે.
ઇન્ડિયન એક્સપ્રેસે 19 ઑક્ટોબરે એક અહેવાલ છાપ્યો છે. શીર્ષક છે– ‘મુસ્લિમ્સ મસ્ટ લીવ: ધ ન્યૂ રૂલ્સ બીઇંગ ઇમ્પોઝ્ડ એટ ગુજરાત્સ ગરબા ઇવેન્ટ્સ.’ ગુજરાતીમાં– ‘મુસ્લિમો બહાર નીકળી જાય’: ગુજરાતના ગરબા કાર્યક્રમોમાં થોપવામાં આવતા નવા નિયમો.

પહેલી નજરે સામાન્ય સમાચાર અહેવાલ જેવા લાગતા આ અહેવાલને એક્સપ્રેસના પત્રકારોએ એ રીતે લખ્યો છે કે અંત સુધીમાં વાંચતો જતો માણસ એ જ નિષ્કર્ષ ઉપર પહોંચે કે ગુજરાતમાં હિંદુ સંગઠનો કોમવાદ ફેલાવી રહ્યાં છે, મુસ્લિમોને હેરાન કરી રહ્યાં છે, તેમને ગરબા ગ્રાઉન્ડમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે, જ્યારે ગરબા તો ‘સેક્યુલર’ ‘સર્વસમાવેશી’ અને ગુજરાતની સાંસ્કૃતિક ઓળખ છે. તેનું ધાર્મિક કરતાં સાંસ્કૃતિક મહત્ત્વ વધારે છે. આવું બધું કરવામાં ઇકોસિસ્ટમને પહેલેથી મહારત છે.
એક્સપ્રેસના રિપોર્ટની શરૂઆતમાં ‘રંગ મોરલા’માં જે ઘટના બની તેનો ઉલ્લેખ છે અને ત્યારબાદ આદિત્ય ગઢવી અને એન્કર આરજે આકાશનાં કથનો ટાંક્યાં છે. આદિત્ય ગઠવી પહેલાં હાથ ખંખેરે છે અને ત્યારબાદ ગરબા પર જ્ઞાન આપવા સુધી દોડી જાય છે અને કહે છે કે ગરબા કોઈની અટક પૂછતા નથી અને માતાજીના ગરબામાં માન સાથે જે આવે તેનું સ્વાગત છે. એ આ બધું ક્યાંથી લાવ્યો કે ઘરનું ઉમેર્યું તેનો જવાબ હજુ આપણને મળ્યો નથી. આરજે આકાશ વળી વાતને એ રીતે રજૂ કરે છે કે જાણે હિંદુ સંગઠનોએ લમણે બંદૂક મૂકીને તેની પાસે બોલાવડાવ્યું હોય.
ત્યારબાદ એક્સપ્રેસ લખે છે, ‘આ નવરાત્રિમાં બીજા પણ ઘણા બનાવ બન્યા છે જેમાં હિંદુ જૂથોએ ગરબા સ્થળોએથી બિનહિંદુઓને બહાર કાઢવાની માગ કરી હોય.’ ત્યારબાદ વડોદરા અને સુરતની અમુક ઘટનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વડોદરામાં એક મુસ્લિમ યુવક હિંદુ આઇડી સાથે ગરબા ગ્રાઉન્ડ પર મળી આવ્યો હતો, જે મામલે પછીથી વિશ્વ હિંદુ પરિષદે પોલીસને જાણ કરી હતી. સુરતમાં પણ કિરણ મેડિકલ કોલેજ આયોજિત ગરબામાં બબાલ થઈ હતી. એક્સપ્રેસે ત્યારબાદ ભાવનગરની ઘટના ટાંકી છે.
આ જ રિપોર્ટમાં યુનેસ્કોની ઇન્ટરગવર્નમેન્ટલ કમિટીનું એક કથન ટાંકવામાં આવ્યું છે, જે 2023માં ગરબાને ‘ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ’નો દરજ્જો આપતી વખતે કહેવામાં આવ્યું હોવાનો એક્સપ્રેસનો દાવો છે.

કમિટી કહે છે, ‘સામૂહિક ઉત્સવના એક માધ્યમ તરીકે ગરબા વિવિધતામાં એકતાને પ્રોત્સાહન આપે છે અને તમામ લિંગ, ધર્મ અને સામાજિક-આર્થિક પૃષ્ઠભૂમિમાંથી આવતા લોકોને એકસાથે લાવીને સામાજિક સમાનતાને પ્રોત્સાહિત કરે છે. દરેક પેઢી ગરબાની નવી નૃત્ય શૈલીઓ, ગીતો અને વેશભૂષાના માધ્યમથી તેને એક નવું સ્વરૂપ આપે છે, જ્યારે સ્ત્રી ઊર્જા/શક્તિનું પ્રતીક તેનું મૂળ ચક્ર યથાવત રહે છે.’ આગળ, ‘ગરબા સામાજિક-આર્થિક-લૈંગિક અને ધાર્મિક ભેદભાવ ઘટાડીને સામાજિક સમાનતાને પ્રોત્સાહન આપે છે. તેમાં વિભિન્ન અને વંચિત સમુદાયોને પોતાની અંદર સમાવી લે છે, જેનાથી સામાજિક સંબંધ વધુ મજબૂત બને છે.’
આ ટાંકીને એક્સપ્રેસના અહેવાલમાં આગળ લખવામાં આવ્યું છે, ‘એન્ડ યેટ ધ રિલિજિયસ ડિવાઈડ કન્ટીન્યુઝ ટૂ બ્રોડન વિધ રાઇટ વિંગ હિંદુ ગ્રુપ, પર્ટિક્યુલરલી ધ બજરંગ દલ એન્ડ વિશ્વ હિંદુ પરિષદ, ગિવિંગ મેમોડેન્ડમ્સ ટૂ પોલીસ આસ્કિંગ ટૂ કીપ ‘નોન હિંદુઝ’ આઉટ ઑફ નવરાત્રિ સેલિબ્રેશન્સ.’
‘…તેમ છતાં ધાર્મિક અંતર સતત વધતું જઈ રહ્યું છે અને બજરંગ દળ અને વિશ્વ હિંદુ પરિષદ જેવાં સંગઠન પોલીસને આવેદનપત્રો આપીને માંગ કરી રહ્યાં છે કે નવરાત્રિ સમારોહમાં બિનહિંદુઓને આવતા રોકવામાં આવે.’
અહીં બહુ ચાલાકીપૂર્વક યુનેસ્કોના ખભે બંદૂક ફોડી દેવામાં આવી છે અને આ સુનિયોજિત પ્રયાસ છે ગરબાની ધાર્મિક-હિંદુ ઓળખ સમાપ્ત કરીને તેને સાંસ્કૃતિક બાબતમાં સમાવી દેવાનો. જ્યારે હકીકત એ છે કે ગરબા માત્ર નૃત્ય નથી, માતાજીની આરાધના છે. નવ દિવસ સુધી માતાજીની આરાધના કરવા માટે ગરબાનું આયોજન થાય છે. ગરબાને સીધો સંબંધ હિંદુ ધર્મ સાથે છે. પહેલાં તેની ધાર્મિક ઓળખ આવે છે, સાંસ્કૃતિક-કલ્ચરલ પછી.
સેક્યુલરો, સર્વસમાવેશિતાના ઢોલ પીટનારાઓ જાણીજોઈને આ ધાર્મિક ઓળખ ભૂંસવાના પ્રયાસો કરી રહ્યા છે, જેથી મુસ્લિમોને પણ તેમાં સામેલ કરવાની દલીલોને પીઠબળ આપી શકાય. પરંતુ તેનાથી એ હકીકત બદલાઈ જતી નથી કે નવરાત્રિ એ હિંદુઓનો તહેવાર છે, હિંદુઓ માટેનો તહેવાર છે અને હિંદુઓ દ્વારા ઉજવવામાં આવતો તહેવાર છે. ગરબા કઈ રીતે કરવા, કોને પ્રવેશ આપવો અને કોને ન આપવો એ હિંદુઓનો વિશેષાધિકાર છે. તેના માટે તેમણે યુનેસ્કો શું કહે છે કે બીજી કોઈ બોડી શું કહે છે તેની ઉપર આધાર રાખવાનો ન હોય. દરજ્જો આપ્યો અને તેને સહર્ષ સ્વીકાર્યો એ વાત અલગ છે, તેનાથી યુનેસ્કોએ કહેલી તમામ વાત પર કાયમી સિક્કો લાગી જતો નથી.
હિંદુ સંગઠનોનાં અભિયાનો પાછળ સ્પષ્ટ ચિંતાઓ છે અને વ્યાજબી ચિંતાઓ છે. લવ જેહાદ જેવાં દૂષણોની ચિંતા વ્યક્ત કરવામાં આવી ચૂકી છે. એક્સપ્રેસના રિપોર્ટમાં જ વડોદરાનો એક કિસ્સો ટાંકવામાં આવ્યો છે જેમાં એક મુસ્લિમ યુવક હિંદુ આઇડી સાથે ગરબા ગ્રાઉન્ડમાં ઘૂસી ગયો હતો. ભૂતકાળમાં પણ આવી ઘટનાઓ સામે આવી ચૂકી છે. સુરક્ષાની ચિંતા કરવી એ કોમવાદ કે ધર્માંધતા નથી.
સેક્યુલરિઝમની સાચી વ્યાખ્યા કરવા જાઓ તો હિંદુઓ મૂળભૂત રીતે સેક્યુલર છે. ‘ધર્માંધતા’ અને ‘કોમવાદ’ની વાત કરો તો ઇસ્લામિસ્ટો પહેલા ક્રમે આવે છે. સેક્યુલરિઝમ ટક્યું છે માત્ર હિંદુઓના કારણે. મુસ્લિમ બહુમતી દેશોમાં સેક્યુલરિઝમ કેટલુંક અને કેવુંક છે તેનો પરચો સમયાંતરે મળતો રહે છે, બાંગ્લાદેશે 2024માં બતાવ્યો હતો.
એ પણ હકીકત છે કે સેક્યુલરિઝમ ટકાવી રાખવાનું ભારણ માત્ર હિંદુઓના ખભે ન હોય. સર્વસમાવેશી બનવું હોય તો બધેથી પ્રયાસો થવા જરૂરી છે, કોઈ એક પક્ષે કાયમ ઘસાવાનું હોતું નથી. જ્યાં સુધી એ ન થાય ત્યાં સુધી હિંદુઓને નકામાં સલાહ-સૂચનો કરવાનો કોઈ અર્થ નથી.
ઇન્ડિયન એક્સપ્રેસે હિંદુ સંગઠનો કેવી રીતે ક્યાં આવેદનપત્રો આપી રહ્યાં છે અને ક્યાં મુસ્લિમોને ગરબા ગ્રાઉન્ડમાંથી બહાર કાઢવાની વાતો થઈ રહી છે એ વાતો વિસ્તારપૂર્વક લખી છે, પણ આ બધી ચર્ચાઓમાં એ દબાઈ જાય છે કે નવરાત્રિને પણ કઈ રીતે ટાર્ગેટ કરવામાં આવતી રહી છે. કઈ રીતે લવ જેહાદ જેવી ઘટનાઓ બનતી રહી છે. માત્ર હિંદુ સંગઠનોએ લીધેલાં પગલાંની વાત કરવી એ પૂરતી નથી, એ કઈ ઘટનાઓની પ્રતિક્રિયાસ્વરૂપ થઈ રહ્યું છે એ પણ કહેવું પડે.
2024માં વડોદરામાં ગરબા રમવા ગયેલી એક હિંદુ સગીરા સાથે ગેંગરેપની ઘટના બની હતી. આ જ વર્ષે વડોદરાની કોર્ટે પાંચ મુસ્લિમ શખ્સોને આ કેસમાં સજા ફટકારી. આ જ વર્ષની, ગઈકાલની એક ઘટના છે કે અમદાવાદમાં ગરબા આયોજનમાં જતાં એક હિંદુ મહિલા કોર્પોરેટરની અમુક મુસ્લિમ શખ્સોએ છેડતી કરી હતી. 2023માં ભરૂચના ઇખરમાં હિંદુ આદિવાસીઓને સ્થાનિક મુસ્લિમોએ ગરબાનું આયોજન ન કરવા માટે ધમકી આપી હતી. હિંદુ શોભાયાત્રાઓ પર હુમલાના કિસ્સાઓ અનેક તહેવારોમાં બન્યા છે. આવી એક પણ ઘટના વખતે મુસ્લિમ સમુદાયમાંથી કે જેઓ અત્યારે હિંદુઓને સલાહ આપે છે તેમાંથી કેટલાએ બહાર આવીને ઘટનાઓ વખોડી કે હિંદુઓ માટે ન્યાયની માંગ કરી હતી? કોઈએ નહીં. તો સર્વસમાવેશી બનવાનું અને સેક્યુલર બનવાનું ભારણ માત્ર હિંદુઓના માથે ન નખાય.
નવરાત્રિ હિંદુ તહેવાર છે. હિંદુઓ નક્કી કરશે કે ગરબામાં કોને આમંત્રણ આપવું અને કોને નહીં આપવું. આ નિયમનું પાલન થાય એ માટે સંગઠનો અમુક વ્યવસ્થાઓ પણ કરશે. મુસ્લિમ યુવાનોને પ્રવેશ નહીં અપાય. તેમણે ગરબામાં આવવું હોય તો ઘરવાપસી કરે, માતાજીની આરાધના કરે અને ત્યારબાદ સામેલ થાય. આટલી જ વાત છે.
ગરબામાં મુસ્લિમોના પ્રવેશ માટેની વકાલત કરનારાઓ જાણે છે કે જ્યાં સુધી ગરબાની ધાર્મિક ઓળખ અકબંધ રહેશે ત્યાં સુધી તેમની દલીલો કાયમ નબળી પડશે, જેથી પ્રયાસ એ થાય છે કે ગરબાને ‘ધાર્મિક’માંથી ‘સાંસ્કૃતિક’ બનાવી દેવામાં આવે અને ત્યારબાદ તેમાં ‘સેક્યુલરિઝમ’ અને ‘સર્વસમાવેશિતા’ ઘૂસાડી દેવામાં આવે. તેના માટે આવા અહેવાલો લખાય છે, આંતરરાષ્ટ્રીય બોડીને ટાંકવામાં આવે છે અને કલાકારો પાસે અલકમલકની વાતો કરાવાય છે.
વાસ્તે સાવધાન! ગરબા હિંદુ તહેવાર છે. તેની ધાર્મિક ઓળખ સર્વોચ્ચ છે. બાકી બધું પછી.


