હિંદુ સગીરાના ગેંગરેપ કેસમાં પાંચ ગુનેગારોને આજીવન કેદની સજા, વડોદરાની પોક્સો કોર્ટનો ચુકાદો

વડોદરાના 2024ના ગેંગરેપ કેસમાં સ્પેશિયલ પોક્સો કોર્ટે તમામ પાંચ ગુનેગારોને આજીવન કેદની સજા ફટકારી છે.

ઑક્ટોબર 2024માં નવરાત્રિ દરમ્યાન એક હિંદુ સગીરા સાથે પાંચ ગુનેગારોએ સામૂહિક બળાત્કારને અંજામ આપ્યો હતો. આ કેસમાં 20 ઑગસ્ટે કોર્ટે તમામને દોષી ઠેરવ્યા હતા. 31 ઑગસ્ટના રોજ સજા સંભળાવવામાં આવી હતી.

કોર્ટે તમામને જીવે ત્યાં સુધી જેલમાં રહેવાની સજા ફટકારી છે. સાથે દરેકને ₹50,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. પીડિતાને ₹10 લાખનું વળતર ચૂકવવા માટે હુકમ કરવામાં આવ્યો છે.

દોષી ઠેરવવામાં આવેલા ગુનેગારોની ઓળખ મુન્ના અબ્બાસ બનજારા, મુમતાઝ ઉર્ફે આફતાબ બનજારા, શાહરૂખ બનજારા, અજમલ સત્તાર અને સૈફ અલી મહેંદીહસન તરીકે થઈ છે.

ઘટના 4 ઑક્ટોબર, 2024ના રોજ વડોદરાના ભાયલી વિસ્તારમાં બની હતી. 16 વર્ષીય પીડિતા રાત્રે લગભગ 11:30 વાગ્યે તેના મિત્રને મળવા માટે ગઈ હતી. ત્યાંથી બંને એક સોસાયટી નજીક ઊભાં હતાં ત્યારે રાત્રે લગભગ 12ના અરસામાં બે બાઇક પર પાંચ શખ્સોએ આવીને પહેલાં બંને સાથે અભદ્ર વર્તન કર્યું અને ત્યારબાદ દુષ્કર્મને અંજામ આપ્યો હતો.

ઘટના બાદ વડોદરા પોલીસે તાત્કાલિક ગુનો દાખલ કરીને પાંચેય આરોપીઓની ધરપકડ કરી લીધી હતી અને 17 દિવસમાં 6000 પાનાંની ચાર્જશીટ પણ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. આશરે બે વર્ષની ટ્રાયલ બાદ કોર્ટે ચુકાદો આપીને આરોપીઓને દોષી ઠેરવ્યા હતા.