હોમપેજગુજરાત1999ના માનહાનિ કેસમાં 'સંદેશ'ના તંત્રી ફાલ્ગુન પટેલને 20 દિવસની કેદની સજા: શું...

1999ના માનહાનિ કેસમાં ‘સંદેશ’ના તંત્રી ફાલ્ગુન પટેલને 20 દિવસની કેદની સજા: શું છે કેસ

1999નો કેસ, તત્કાલીન મામલતદારે ફરિયાદ કરી હતી. નિવાસી તંત્રીનું અવસાન થતાં કેસ એબેટ કર્યો, ફાલ્ગુન પટેલને 20 દિવસની સજા. કોર્ટે કહ્યું– સમાચારથી બદનક્ષી થઈ.

- Advertisement -

27 વર્ષ જૂના 1999ના એક માનહાનિ કેસમાં વડોદરાની મેજિસ્ટ્રેટ કોર્ટે અખબાર ‘સંદેશ’ના તંત્રી ફાલ્ગુન પટેલને દોષી ઠેરવીને 20 દિવસની જેલની સજા ફટકારી છે. મામલો એક સરકારી અધિકારીના ચારિત્ર્ય પર આક્ષેપો કરતા સમાચાર છાપવાનો છે, જેઓ ત્યારે વડોદરામાં મામલતદાર તરીકે સેવા આપી રહ્યા હતા. સંદેશમાં પ્રકાશિત સમાચાર સામે તેમણે માનહાનિનો દાવો માંડ્યો હતો. આરોપી તરીકે વડોદરાના નિવાસી તંત્રી નવીન ચૌહાણ અને તંત્રી ફાલ્ગુન પટેલનાં નામ હતા. ચૌહાણનું 2021માં મૃત્યુ થતાં તેમની સામેનો કેસ એબેટ કરવામાં આવ્યો હતો, જ્યારે ફાલ્ગુન પટેલને હાલ સજા થઈ છે.

કોર્ટે ચુકાદામાં ઠેરવ્યું કે સરકારી અધિકારી વિરુદ્ધ તેમના ચારિત્ર્ય વિશે કોઈ પણ પ્રકારની ખરાઈ કર્યા વગર સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા હતા અને એ સમાચાર ‘ગુડ ફેઇથ’માં કે ‘જાહેરહિત માટે જરૂરી’ હોવાના દાવા સંદેશના તંત્રીઓ સાબિત ન કરી શક્યા. જોકે સરકારી અધિકારીએ સમાચાર સામે વાંધો ઉઠાવવા પર પોતાને ધમકીઓ મળી હોવાની પણ ફરિયાદ કરી હતી, પરંતુ તેના પૂરતા પુરાવા ન મળતાં કોર્ટે ફાલ્ગુન પટેલને ધમકીના આરોપમાંથી મુક્ત કર્યા છે.

કેવી રીતે શરૂ થયો કેસ

આ કેસની શરૂઆત 28 સપ્ટેમ્બર, 1999ના રોજ ‘સંદેશ’માં પ્રકાશિત થયેલા એક અહેવાલથી થઈ હતી. અખબારમાં વડોદરા તાલુકામાં મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરીકે ફરજ બજાવતા એક અધિકારીના ચરિત્ર અંગે સવાલ ઉઠાવતા અને આક્ષેપો કરતા સમાચાર પ્રકાશિત થયા હતા. ઉપરાંત સરકાર અધિકારી સામે કેમ કોઈ પગલાં નથી લેતી એવો પ્રશ્ન પણ કરવામાં આવ્યો હતો.

- Advertisement -

ફરિયાદ પક્ષનું કહેવું છે કે અહેવાલમાં એવી ભાષા વાપરવામાં આવી હતી જેનાથી અધિકારીની સામાજિક પ્રતિષ્ઠાને ભારે નુકસાન પહોંચ્યું હતું. આ સમાચારના કારણે સરકારી વર્તુળોમાં, સમાજમાં અને તેમના પરિવાર તથા સગા-સંબંધીઓની નજરમાં તેમની છબી ખરડાઈ હતી, જ્યારે હકીકતે એવી કોઈ ઘટના બની ન હતી.

ફરિયાદ પ્રમાણે અહેવાલ છપાયા બાદ અધિકારીએ અખબારનો સંપર્ક કર્યો હતો. મામલતદારના આરોપ મુજબ જ્યારે તેમણે તંત્રીઓને પ્રશ્ન કર્યો તો તેમને એવી ધમકી આપવામાં આવી કે હજુ અખબાર પાસે તેમના વિશે ઘણી માહિતી છે, એટલે જો તેમની વાત નહીં માનવામાં આવે તો વધુ ખરાબ બાબતો છાપવામાં આવશે અને વડોદરામાં મામલતદાર તરીકે રહેવું ભારે થઈ જશે.

આ ઘટના બાદ અધિકારીએ 29 સપ્ટેમ્બર, 1999ના રોજ નોટિસ મોકલી હતી. પરંતુ અખબાર તરફથી કોઈ સંતોષકારક જવાબ ન મળતાં તેમણે આખરે કોર્ટમાં બદનક્ષીનો દાવો કર્યો હતો. જેમાં વડોદરાના નિવાસી તંત્રી નવીન ચૌહાણ અને તંત્રી ફાલ્ગુન પટેલ વિરુદ્ધ IPCની ધારા 500, 501, 502, 506, 507 તથા 114 હેઠળ ફરિયાદ નોંધાતાં મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો અને કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.

નવીન ચૌહાણનું 2021માં અવસાન થયું હોવાથી તેમની સામેનો કેસ એબેટ કરવામાં આવ્યો હતો અને ફાલ્ગુન પટેલ વિરુદ્ધ કાર્યવાહી ચાલુ રહી હતી.

કોર્ટમાં શું થયું?

સંદેશ પક્ષેથી કોર્ટમાં દલીલો રજૂ કરવામાં આવી કે તેમણે પૂરતી ખરાઈ કરીને સમાચાર પ્રકાશિત કર્યા હતા અને આ કાર્ય બદનક્ષીની કલમોના અપવાદમાં આવે છે. સાથે કારણ આપવામાં આવ્યું કે સમાચાર જાહેરહિતમાં હતા અને સમાચારમાં જે ઘટનાનો ઉલ્લેખ હતો એ વાસ્તવમાં બની હતી. ઉપરાંત દલીલ કરવામાં આવી હતી કે જાહેર સેવકના વર્તન ઉપરથી જણાય આવતા ચારિત્ર્ય મુદ્દે અભિપ્રાય આપવો એ બદનક્ષી ન કહી શકાય. ઉપરાંત અન્યોનું હિત જાળવવા માટે કોઈ આળ મૂકવામાં આવે તો એ પણ માનહાનિ ન ગણી શકાય.

આ સિવાય અન્ય એક દલીલ એ કરવામાં આવી કે સંદેશના મુખ્ય તંત્રી તરીકે ફાલ્ગુન પટેલ અમદાવાદ બેસે છે, તેથી વડોદરામાં છપાયેલા સમાચાર માટે નિવાસી તંત્રી જવાબદાર ગણાય. આથી માત્ર મુખ્ય તંત્રી હોવાના નાતે ફાલ્ગુન પટેલને ગુનેગાર ગણી શકાય નહીં અને સમાચાર તેમની જાણબહાર પણ પ્રકાશિત થયા હતા.

કોર્ટે જોકે આ બંને દલીલ માનવાનો ઈનકાર કરી દીધો હતો. કોર્ટ સમક્ષ મુખ્ય સવાલ એ હતો કે અખબારે છાપેલી બાબતો કેટલી સાચી હતી અને તે ખરેખર જાહેર હિતમાં હતી કે નહીં. કોર્ટે નોંધ્યું કે ફાલ્ગુન પટેલ પોતાના આ દાવાને સાચો સાબિત કરવા માટે કોઈ નક્કર અને વિશ્વસનીય પુરાવા રજૂ કરી શક્યા નથી.

અહીંથી જ આ કેસનો સૌથી મહત્વનો કાયદાકીય મુદ્દો સામે આવે છે. કાયદા મુજબ માત્ર કોઈ વ્યક્તિ વિશે ગંભીર આરોપો છાપી દેવા પૂરતા નથી. જો અખબાર એવો દાવો કરે કે સમાચાર સાચા છે અને લોકોહિત માટે છાપ્યા છે, તો તેની પાછળ મજબૂત પુરાવા હોવા જરૂરી છે. કોર્ટે આ કેસમાં આરોપોની સત્યતા ચકાસવાના મુદ્દાને સૌથી વધુ મહત્વ આપ્યું હતું.

‘ફાલ્ગુન પટેલ જાણબહાર સમાચાર પ્રકાશિત થયા હતા એવું ન કહી શકે’

કોર્ટે કહ્યું, અખબારના મુખ્ય પૃષ્ઠ પર ફાલ્ગુન પટેલનું નામ પણ તંત્રી તરીકે છપાય છે અને અખબારમાં પ્રકાશિત થતા સમાચાર માટે કાયદા અનુસાર તંત્રી જવાબદાર હોય છે. જેથી માત્ર નિવાસી તંત્રી જ જવાબદાર બને એ દલીલ ગ્રાહ્ય ન રાખી શકાય. ઉપરાંત ફાલ્ગુન પટેલે સુપ્રીમ કોર્ટમાં આ કેસ મામલે એક અરજી દાખલ કરી હતી તેમાં પણ પોતાને સંદેશના તંત્રી ગણાવ્યા હતા. જેથી તેમની પણ સરખી જવાબદારી બને છે.

કોર્ટે ચુકાદામાં કહ્યું કે આરોપીઓ સંદેશમાં 22 સપ્ટેમ્બર, 1999ના રોજ ફરિયાદી વિરુદ્ધ છાપેલા સમાચાર જાહેર હિતમાં પ્રસિદ્ધ કર્યા હતા એવું સાબિત કરી શક્યા નથી. ઉપરાંત ફાલ્ગુન પટેલ એવું પણ ન કહી શકે કે તેઓ અમદાવાદ ઑફિસમાં હતા અને રેસિડેન્ટ એડિટર અન્ય આરોપી હતા જેથી પોતાની જવાબદારી બનતી નથી. સમાચાર તેમની જાણ બહાર છપાયા હતા તે પણ તેઓ પુરવાર કરી શક્યા નથી.

કોર્ટે નોંધ્યું કે સંદેશના તંત્રીઓ એ હકીકત સ્વીકારી ચૂક્યા છે કે સમાચાર પ્રકાશિત થયા હતા એટલે હવે તેમણે માત્ર એ પુરવાર કરવાનું રહે કે સમાચાર જાહેરહિતમાં હતા અને બદનક્ષીની જોગવાઈઓના અપવાદમાં આવે છે. પરંતુ આરોપીઓએ વિવિધ બચાવ લઈને શંકા પેદા કરી કાયદાકીય ગૂંચવણ ઊભી કરવાનો પ્રયાસ કર્યો તે સિવાય એવું સાબિત કરી શક્યા નથી કે સમાચાર પ્રકાશિત જ થયા ન હતા કે જાહેરહિતમાં પ્રકાશિત થયા હતા.

જેથી કોર્ટે કહ્યું કે આરોપીઓએ ફરિયાદી વિરુદ્ધ સમાચાર પ્રકાશિત કર્યા હતા એ હકીકત પણ સાચી છે અને તેના કારણે બદનક્ષી પણ થઈ હતી એ પણ પુરવાર થયું છે.

ધમકીની કલમો પુરાવાના અભાવે દૂર કરાઈ

જોકે કોર્ટે ફાલ્ગુન પટેલ વિરુદ્ધ ધમકીની કલમો દૂર કરી છે. કોર્ટે કહ્યું કે આરોપીઓએ ક્યાં, ક્યારે, કયા સમયે ધમકી આપી હતી એ સાબિત થઈ શક્યું નથી કે ન તેના ચોક્કસ પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા છે. ઉપરાંત જે-તે સમયે વાહનવ્યવહારની એવી સુવિધા ન હતી કે કોઈ માણસ ટૂંકાગાળામાં અમદાવાદ પહોંચી શકે અને વાતચીત કરી શકે. ટેલિફોનિક ધમકી આપવામાં આવી હોય એવું પણ સાબિત થઈ શક્યું નથી.

અંતે કોર્ટે ફાલ્ગુન પટેલને IPC કલમ 499, 500, 501, 502 અને 114 હેઠળ દોષી ઠેરવીને 20 દિવસની સાદી કેદ ફટકારી હતી. સજા આપતી વખતે કોર્ટે કહ્યું કે કેસના સંજોગો અને આરોપીની 75 વર્ષની ઉંમર ધ્યાને લેતાં આટલી સજા અને ₹15000નો દંડ ફટકારવામાં આવે છે. ઑપઇન્ડિયા પાસે ચુકાદાની નકલ ઉપલબ્ધ છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં