સવા સો વર્ષ પહેલાં ગુજરાતી ભાષા-સાહિત્યના સંવર્ધન-જતન માટે સ્થપાયેલી પણ એ સિવાયનાં બાકીનાં દરેક કાર્યો કરતી સંસ્થા ગુજરાતી સાહિત્ય પરિષદની ચૂંટણીમાં ડાબેરીઓનું જેમને ભારોભાર સમર્થન હતું એ પેનલની જીત થઈ છે એટલે એ ટોળકીમાં ખુશીનો માહોલ હોય એ સ્વાભાવિક છે. માહોલ જોઈને લાગે છે કે આ વખતે આ ગેંગને પણ ચિંતા પેસી ગઈ હતી પણ આખરે હેમખેમ નીકળી ગઈ એટલે ઉત્સાહ થોડો વધારે છે. એ બનવાજોગ છે. સામે તરફે આ ડાબેરી વર્ચસ્વ દૂર કરવા માટે રચાયેલ પરિવર્તન મંચની આ પહેલી ચૂંટણી હતી, જેમાં ધારેલી સફળતા મળી નથી.
નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એક કાર્યક્રમમાં સાહિત્ય સંસ્થાના સભ્ય થવાનું ઔપચારિક નિમંત્રણ અપાયું ત્યારે તેમણે હળવા સ્વરમાં ‘હું તો સીમિત રાજકારણનો માણસ છું’ એવું કાળજયી નિવેદન કર્યું હતું. મોદીની દીર્ઘદૃષ્ટિને ચૂંટણી લડવા નીકળેલા સાહિત્યકારોએ પુરવાર કરી આપી. રાજકારણીઓને સો દરજ્જે સારા કહેવડાવે એ રીતે આ આખી જમાતે ચૂંટણી લડી.
ડાબેરીઓ પાસે એક ચીજ છે, જેનો જમણી તરફ અભાવ જોવા મળે છે અને શાસ્ત્રોમાં તેને ‘ઇકોસિસ્ટમ’નું નામ આપવામાં આવ્યું છે. તમારી પાસે મીડિયા, સોશિયલ મીડિયાથી માંડીને દરેક ક્ષેત્રમાં એક તંત્ર ગોઠવાયેલું હોય તો તમે કોઈ પણ પ્રકારની બદમાશી અને બકલોલીને વ્યવસ્થિતપણે પ્રસ્થાપિત કરી શકો છો. તંત્રની સામૂહિક તાકાત છે. એટલે જ કહેવાય છે કે સરકાર જેની હોય એની, સિસ્ટમ કોની છે એ બાબત પર ઘણુંખરું નિર્ભર રહે છે. આ માત્ર સરકાર માટે નહીં, દરેક ક્ષેત્ર માટે વધતે-ઓછે અંશે લાગુ પડે છે. ઇકોસિસ્ટમની શક્તિ અને ઇકોસિસ્ટમનો અભાવ– બંને આ ચૂંટણીમાં સમજાયાં હોવાં જોઈએ.
સામાન્ય માણસને આમ તો આ બધા સાથે લેશમાત્ર નિસ્બત નથી, પણ જો કોઈ સાહિત્ય પરિષદની ચૂંટણી પ્રક્રિયા વિશે જાણવા બેસે તો તેનું મગજ ચકરાવે ચડી જાય એવી વાહિયાત, વિચિત્ર અને હાસ્યાસ્પદ ચૂંટણી પ્રક્રિયા છે. એક મહિના સુધી મતદાન ચાલે છે, પોસ્ટથી મતદાન કરવાનું રહે છે, અમુક જ પદ્ધતિથી મતપત્રકો મોકલાય છે, રૂબરૂ જઈ ન શકાય આવા બધા નિયમોથી ચૂંટણી થાય છે. વળી આજીવન સભ્યોનાં સરનામાં યોગ્ય છે કે નહીં, મતપત્રકો પહોંચ્યાં કે નહીં એ સુનિશ્ચિત કરવા પણ યોગ્ય સિસ્ટમ નથી.
આ જ સાહિત્યકારોમાંથી અમુક હોંશિયારો મોદીએ દેશ કેમ ચલાવવો જોઈએ અને જ્ઞાનેશ કુમારે ચૂંટણી પદ્ધતિમાં શું બદલાવો લાવવા જોઈએ તેનાં સલાહ-સૂચનો કરવામાં પાછળ પડતા નથી. પણ આ બધું જ્ઞાન વાસ્તવમાં તો પરિષદની ચૂંટણી પ્રક્રિયામાં ઠાલવવાની અને તેનો અમલ કરવાની તાતી જરૂર છે.
આવી જ વાહિયાત મતદાન પદ્ધતિનો લાભ ઉઠાવીને સુરતમાં અમુક વધારે પડતા હોંશિયાર સાહિત્યકારોએ પોતાના ઉમેદવાર અને પેનલના સમર્થનમાં એક સભાનું આયોજન કર્યું અને બહાનું મતદાન પદ્ધતિ સમજાવવાનું આપ્યું. સાથે મતદારોને ‘મતપત્રકો’ લઈને બોલાવવામાં આવ્યા.
ભલા માણસો, તમારે આજીવન સભ્યોને, જેઓ વર્ષોથી ચૂંટણીઓમાં મત આપતા આવ્યા છે, તેમને મતદાન કઈ રીતે કરવું તેનું માર્ગદર્શન આપવું પડ્યું હોય તો વર્ષોથી આ સંસ્થામાં બેસીને શું કર્યું? તેના માટે માર્ગદર્શન બેઠક ન યોજાય પણ મતદાનની પદ્ધતિમાં આવશ્યક સુધારાઓ કરાય. જ્યારે બેકફૂટ પર આવ્યા ત્યારે ફાલતુ ખુલાસા કરીને મોરલ હાઇગ્રાઉન્ડ લઈ લીધું અને સુફિયાણી વાતો કરીને મુદ્દાનો અંત આણી દીધો.
ખરેખર તો આવી કરતૂતોની ચર્ચા મીડિયા-સોશિયલ મીડિયામાં થવી જોઈતી હતી પણ આખો મુદ્દો ભાષા પર લઈ જવામાં આવ્યો. અખબારોમાં ભાષાનું જ્ઞાન આપતા એકપક્ષીય લેખો લખાયા અને અખબારોએ પણ પત્રકારત્વ ખૂણામાં મૂકીને ફરમાઈશો પર લેખો છાપી આપ્યા. સામે પક્ષેથી જે-જે બદમાશીઓ થઈ તેની ઉપર મૌન સેવી લેવામાં આવ્યું કે આખરે વિષયને વળાંક આપી દેવાયો. ભાષામાં એવું છે કે જેને જે ભાષામાં સમજણ પડે એ જ ભાષાનો ઉપયોગ કરાય પણ ઉપર કહ્યું એમ, તંત્ર હોય તો આ બધું જ થઈ શકે છે. વર્ષોથી આ જ થાય છે.
મતદાન દર વખત કરતાં સારું થયું તોય માંડ દોઢ હજારે પહોંચ્યું. પરિણામ આવ્યું તો મોટેભાગે પરંપરાગત પેનલના સભ્યો જ ચૂંટાયા છે. હવે આ આખી જમાત ભેગી થઈને સાહિત્યના સંવર્ધન કે જતન માટે નક્કર કામો કરે છે કે સાહિત્ય અકાદમીની સ્વાયત્તતા મુદ્દે શિંગડાં ભેરવીને ત્રણ વર્ષ ટાઈમપાસ કરી ખાય છે એ જોવાનું રહ્યું.
પાછલાં વર્ષો તરફ નજર કરીએ તો એવાં કોઈ કામ દેખાતાં નથી જેનાથી પરિષદની સાર્થકતા જણાય કે તેના અસ્તિત્વનું કોઈ કારણ જણાય. સાહિત્યની સેવા કરવા ભેગા થયેલામાંથી મોટાભાગના કાયમ અકાદમી પાછળ પડ્યા રહે છે. કોણ અકાદમીમાંથી માન-અકરામો લઈ આવ્યું તેનું સંશોધન કરીને તેમને દૂર કરવામાં સમય વેડફતા રહે છે. તેમાંથી નવરા પડે તો બંધારણમાં સળી કરે છે. વળી સરસ્વતી પૂજન જેવો કોઈ મુદ્દો મળી જાય છે જેમાં સેક્યુલરતાનું જ્ઞાન આપવાનું રહે છે, વિરોધ કરવાનો રહે છે.
આ બધાંમાંથી સમય મળતો નથી એટલે સાડા છ કરોડ ગુજરાતીઓ વચ્ચે કામ કરતી હોવા છતાં સંસ્થા માંડ ત્રણ-સાડા ત્રણ હજાર આજીવન સભ્યોએ પહોંચી છે. યુવાનોની સંખ્યા આમાં કેટલી હશે? આંગળીના વેઢે ગણાય એટલી! સાડા ત્રણ હજાર સભ્યોમાંથી પણ મતદાન પચાસ ટકાએ પણ પહોંચતું નથી. કરોડો ગુજરાતીઓને ખબર પણ નથી હોતી કે આવી કોઈ દુકાન પણ આપણે ત્યાં ચાલે છે, એ સંસ્થાની સૌથી મોટી નિષ્ફળતા છે. કાલે ઉઠીને આ દુકાનનું શટર પડી જાય તોય સામાન્ય ગુજરાતીઓને ઝાઝો ફેર પડવાનો નથી એ પણ એક હકીકત છે.


