ગુજરાતી સાહિત્ય પરિષદ વિશે નરેન્દ્ર મોદીએ તેઓ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એવું કહ્યાનું કહેવાય છે કે, ‘મારું એમાં કામ નહીં, હું સીમિત રાજકારણનો માણસ છું.’ સાહિત્ય માટે કામ કરતી કે એવો દાવો કરતી આ સંસ્થા સાહિત્યના કારણે ઓછી અને અમુક બીજા વિવાદોના કારણે વધારે ચર્ચામાં રહી છે. નવેમ્બર 2023માં દિવાળી પર સાહિત્ય પરિષદમાં સરસ્વતી પૂજા થઈ ત્યારે પણ અમુક ડાબેરીઓ, કથિત પંથનિરપેક્ષોને વાંધો પડ્યો હતો અને જે બાબત પર ઑપઇન્ડિયાએ એક વિસ્તૃત અહેવાલ થકી પ્રકાશ પાડ્યો હતો એ વાચકોને જાણ હશે.
હવે તાજેતરના કિસ્સામાં પરિષદે ત્રણ સભ્યોને બે ટર્મ માટે સસ્પેન્ડ કરી દીધા છે. તેમાંથી એક ઉપપ્રમુખ હતા. સાહિત્ય પરિષદના ઉપપ્રમુખ દર્શક આચાર્ય અને પરિષદ મંત્રી (ગ્રંથાલય) પરીક્ષિત જોશીને સસ્પેન્ડ કરવામાં આવ્યા. આ સાથે મધ્યસ્થ સમિતિના સભ્ય રમેશ પટેલને પણ બરતરફ કરવામાં આવ્યા છે. અર્થાત્ તેઓ પદ પરથી બરતરફ થશે અને બે ટર્મ માટે એટલે કે છ વર્ષ માટે ચૂંટણી પણ લડી શકશે નહીં.
આ સસ્પેન્શન પાછળ કારણ ‘રસપ્રદ’ છે. વાત એમ છે કે દર્શક આચાર્યના ગઝલ સંગ્રહ ‘સાંસોટ’ને ગુજરાતી સાહિત્ય અકાદમી તરફથી ઇનામ મળ્યું હતું. વર્ષ 2021નું આ ઈનામ તાજેતરમાં માતૃભાષા દિવસે (24 ફેબ્રુઆરી) એક કાર્યક્રમમાં ગુજરાત સરકારના મંત્રીના હસ્તે તેમણે સ્વીકાર્યું. આ કારણોસર તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા.
પરીક્ષિત જોશીના સસ્પેન્શન પાછળ કારણ એ આપવામાં આવ્યું કે તેઓ મુખ્યમંત્રીના હસ્તે પ્રતીક પુસ્તક સ્વીકારવા માટે એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગયા હતા. વાસ્તવમાં કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહની ગ્રાન્ટમાંથી તેમણે અમુક પુસ્તકાલયોને પુસ્તકો ભેટ આપ્યાં હતાં. જેમાંથી પરિષદ વતી ગ્રંથાલય મંત્રી તરીકે પરીક્ષિત જોશી મુખ્યમંત્રીના હસ્તે પ્રતીક પુસ્તક સ્વીકારવા માટે પહોંચ્યા હતા. ત્યારબાદ તેમને નોટિસ પાઠવવામાં આવી અને નિષ્કાસન કરી દેવામાં આવ્યું.
સાહિત્યની કે સાહિત્યના આ રાજકારણની દુનિયાથી અજાણ હોય તેમના માટે- ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાતી સાહિત્ય અકાદમી નામની બે મોટી સંસ્થાઓ ગુજરાતમાં સક્રિય છે. અકાદમી સરકાર સંચાલિત છે. જ્યારે પરિષદ સ્વતંત્ર સંસ્થા છે. પરિષદ વર્ષોથી અકાદમી સામે આ સ્વાયત્તતાના મુદ્દે તલવાર તાણતી રહે છે. અગાઉ 2015માં એક ઠરાવ કરવામાં આવ્યો હતો કે અકાદમી સરકાર સંચાલિત હોવાના કારણે સ્વાયત્તતાનો પ્રશ્ન રહેતો હોવાથી પરિષદના સભ્યો અકાદમી સાથે કોઈ પ્રકારના વ્યવહાર કરશે નહીં. ત્યારબાદ પણ વરસોવરસ આવા ઠરાવો થતા રહ્યા છે.
સમગ્ર મામલે દર્શક આચાર્ય જણાવે છે કે, સાહિત્ય અકાદમીના કાર્યક્રમમાં ભાગ લીધા બાદ પરિષદે તરત તેમને નોટિસ પાઠવીને નિયમભંગ કર્યો હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ તેમણે પોતે કોઈ નિયમનો ભંગ ન કર્યો હોવાનું અને અગાઉ પણ આવા દાખલાઓ બન્યા હોવાનું જણાવીને પ્રત્યુત્તર પાઠવ્યો, પરંતુ આખરે કાર્યવાહી કરવામાં આવી.
ઑપઇન્ડિયાને તેઓ જણાવે છે કે, “અમારી વિરુદ્ધ કાર્યવાહી કરનારાઓ કહે છે કે 2015ના એક ઠરાવ અનુસાર સાહિત્ય અકાદમી તરફથી કોઈ માન-અકરામો મેળવી શકાય નહીં. પરંતુ ત્યારબાદ પણ એવા ઘણા સાહિત્યકારો અને સભ્યો હતા, જેઓ આ નિયમોથી વિપરીત અકાદમી સાથે સંકળાયેલા રહ્યા, પરંતુ તેમની સામે કોઈ કાર્યવાહી થઈ નથી. પરંતુ અમને જાણીજોઈને ટાર્ગેટ કરવામાં આવ્યા છે.”
કાર્યવાહીના નામે રાષ્ટ્રવાદી, જમણેરીઓને ટાર્ગેટ કરવામાં આવ્યા?
તેઓ આગળ જણાવે છે કે, “વર્ષ 2024માં નિયમો વધુ કઠોર બનાવવામાં આવ્યા અને ઠરાવ એવો કરવામાં આવ્યો કે આ નિયમોનું કડકાઈથી પાલન કરવામાં આવે. પરંતુ મારું ઇનામ તો વર્ષ 2021નું છે, જે હાલ પ્રાપ્ત થયું છે. જેથી આ નિયમો મને લાગુ પડતા જ નથી. વાત જ્યાં સુધી 2015ના ઠરાવની છે તો ત્યારબાદ પણ અનેક સાહિત્યકારોએ તેની છૂટછાટ લીધી જ છે, તો કાર્યવાહી માત્ર અમારી વિરુદ્ધ શા માટે?”
તેઓ આગળ એક એવા દ્રષ્ટિકોણ તરફ પણ ધ્યાન દોરે છે, જેની ચર્ચા આ વિવાદમાં ઓછી થઈ રહી છે. ગુજરાત સાહિત્ય પરિષદમાં ડાબેરી ઝોક ધરાવનારા સાહિત્યકારોનું વર્ચસ્વ સારું એવું છે એ જગજાહેર વાત છે. સરસ્વતી પૂજાવાળા એપિસોડ પરથી તેની ઉપર મહોર લાગી જાય છે. દર્શક આચાર્ય કહે છે કે, લેફ્ટ ઇકોસિસ્ટમની પકડ ધરાવતી બોડીમાં જમણેરી કે રાષ્ટ્રવાદીઓ ન પ્રવેશી શકે તે આશયથી અમને ટાર્ગેટ કરવામાં આવ્યા હોવાનું સ્પષ્ટ જણાય છે. “જેથી અમે જ બાજુ પર રહી જઈએ તો આવો કોઈ પ્રશ્ન જ ન રહે.”
ચાર સાહિત્યકારોનાં રાજીનામાં
બીજી તરફ, સાહિત્ય પરિષદના આ નિર્ણયથી ઘણા સાહિત્યકારો હવે દૂર થઈ રહ્યા છે અને બે-ત્રણ દિવસના ગાળામાં જ ચારેક રાજીનામાં પડી ચૂક્યાં છે. ઈશ્વર પટેલ, અમિત વ્યાસ, વિજય રાજ્યગુરુ અને ડૉ. એસ. એસ રાહી- તમામે અંદરોઅંદર ચાલતી આ ખેંચતાણ અને આવા વિવાદિત નિર્ણયોને પગલે મધ્યસ્થ સમિતિમાંથી રાજીનામાં ધરી દીધાં છે.
અન્ય સાહિત્યકારો અને પત્રકારો તરફથી પણ પરિષદના આ પગલાની ભારે ટીકા થઈ રહી છે. ‘નયા પડકાર’ના તંત્રી અને વરિષ્ઠ પત્રકાર જશવંત રાવલ લખે છે કે, છેલ્લાં કેટલાંક વર્ષોથી ગુજરાતી સાહિત્ય પરિષદના પદસ્થો સરકાર સામેની પોતાની નામર્દાનગી અને ક્લૈબ્ય સંતાડવા અને પરાક્રમનું પ્રદર્શન કરવા સાહિત્યકારો, સર્જકોને પરિષદમાંથી બરતરફ કરી પોતાની પૌરૂષહિનતાને ઢાંકે છે. મરઘાં મારી સિંહના શિકારના સાફા બાંધનારાઓની આ બાલિશ હરકત સામે સાહિત્યકારો, સહ્રદયીઓનો એક મોટો વર્ગ અકળાઈ ઉઠ્યો છે.”
નિયમભંગ બદલ કાર્યવાહી કરી, રાજકારણ જેવી કોઈ વાત નથી: સાહિત્ય પરિષદ પ્રમુખ હર્ષદ ત્રિવેદી
સમગ્ર વિવાદ વિશે ઑપઇન્ડિયાએ ગુજરાત સાહિત્ય પરિષદના પ્રમુખ હર્ષદ ત્રિવેદીનો સંપર્ક કર્યો ત્યારે તેમણે જણાવ્યું કે, પરિષદે પહેલેથી ઠરાવ કરી રાખ્યો હતો અને નિયમભંગ બદલ જ કાર્યવાહી કરવામાં આવી છે. સાથે કહ્યું કે, પરિષદના ઉપપ્રમુખ હોવાથી તેમની પાસેથી નિયમોના કડકાઈથી પાલનની અપેક્ષા રાખવામાં આવે છે, પરંતુ નિયમો ન પાળ્યા હોવાથી બરતરફ કરવામાં આવ્યા છે.
ચાર સભ્યોનાં રાજીનામાં વિશે જણાવ્યું કે, “જો સ્વેચ્છાએ રાજીનામાં આપ્યાં હોય તો તેમાં વધુ કંઈ કહેવાનું રહેતું નથી, પરંતુ એ સ્વીકારવાનો-ન સ્વીકારવાનો અધિકાર મધ્યસ્થ સમિતિ પાસે છે, જેથી જ્યારે આગામી બેઠક મળશે ત્યારે અમે આ ત્યાગપત્રો સમિતિમાં રજૂ કરીશું.”
અંદરોઅંદરના રાજકારણ અને ખેંચતાણની વાતો તેમણે નકારી કાઢી હતી અને ઉપરથી કહ્યું કે, કાર્યવાહી નિયમો અનુસાર જ થઈ છે અને સંસ્થા સ્વતંત્ર છે, નિયમો બનાવી શકે અને તેના ભંગ બદલ પગલાં લઈ શકે. આ સર્વાનુમતે લેવામાં આવેલા નિર્ણયો હતા તેમ તેમણે ઉમેર્યું અને કહ્યું કે મુદ્દાને ભાવનાત્મક બનાવીને હોબાળો મચાવવામાં આવી રહ્યો છે.
ઑપઇન્ડિયાએ પરિષદના મહામંત્રી સમીર ભટ્ટનો પણ સંપર્ક કરવાના પ્રયાસ કર્યા, પરંતુ સ્થાપિત થઈ શક્યો ન હતો. તેમનો પ્રત્યુત્તર મળ્યે કથન જોડી દેવામાં આવશે.