હોમપેજમિડિયાખેડૂતોની કરુણ કહાનીઓ પીરસતું મીડિયા એ ક્યારે કહેશે કે તેમને આ સ્થિતિમાંથી...

ખેડૂતોની કરુણ કહાનીઓ પીરસતું મીડિયા એ ક્યારે કહેશે કે તેમને આ સ્થિતિમાંથી ઉગારવા જ મોદી સરકાર લાવી હતી ત્રણ કાયદાઓ

કાયદાઓ લાગુ થયા હોત તો મહારાષ્ટ્રના ખેડૂતે એક રૂપિયા કિલોએ ડુંગળી વેચવી ન પડી હોત.

- Advertisement -

ખેડૂત ખેતી કરે છે ત્યારે તેનો પાક માત્ર આવક નહીં પણ તેના આખા પરિવારની આશાઓ સાથે જોડાયેલો હોય છે. ખેડૂત વિચારે છે કે પાક પર યોગ્ય કિંમત મળશે તો જૂનું દેવું ચૂકવી શકાશે, ઘરખર્ચ ચાલશે, બાળકો માટે થોડાઘણા બચાવી શકાશે. પણ આ ખેડૂતો જો પોતાની મહેનતનો પાક લઈને વેચવા જાય અને ત્યાં ભાવ મળવાનું દૂર રહ્યું, નુકસાન વેઠવું પડે તો તેની સ્થિતિ શું થાય?

કાલ્પનિક વાર્તા નથી. મીડિયામાં આવી જ એક ઘટનાની ચર્ચા છે. મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજી નગર જિલ્લાના એક ખેડૂતની આપવીતી મીડિયા અહેવાલોમાં ભાવુક શબ્દો સાથે પીરસવામાં આવી રહી છે.

ઘટના મહારાષ્ટ્રના એક ગામના ખેડૂત સાથે બની. ત્રણ મહિનાની મહેનત પછી તેઓ 1262 કિલો ડુંગળી લઈને મંડી સુધી પહોંચ્યા ત્યારે જણાવવામાં આવ્યું કે 100 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો ભાવ મળશે, તેનાથી એક પણ રૂપિયો ઝાઝો નહીં. એટલે લગભગ એક રૂપિયા પ્રતિ કિલો.

- Advertisement -

કુલ વેચાણથી ખેડૂતના ખિસ્સામાં માત્ર 1262 રૂપિયા આવ્યા. આ રકમ ખેડૂતનો નફો નહીં પણ ત્રણ મહિનાની મહેનતનું મહેનતાણું માત્ર હતી. આમાં જો ઘરથી માર્કેટ સુધી સામાન પહોંચાડવાનો ખર્ચ જોડીએ તો એ મળેલા રૂપિયા કરતાં વધી જાય છે. બચત બાજુ પર રહી, આ સોદાથી તો ખેડૂતનું જ નુકસાન થયું.

આ સમસ્યા માત્ર આ ખેડૂતની જ નથી. દેશના લાખો ખેડૂતો આજે પણ પોતાની ઊપજ વેચવા માટે માર્કેટ અને વચેટિયાઓ પર નિર્ભર છે. મીડિયા કાયમ આવી ઘટનાઓને ભાવુક શબ્દોમાં ઢાળીને આપણને પીરસતું રહે છે. જેનાથી વાંચનારનામાં આક્રોશ ઉત્પન્ન થાય એ પણ સ્વાભાવિક છે, પણ આનું એક બીજું પાસું પણ છે, જેની ચર્ચા ક્યારેય થતી નથી. આવું અહીં પણ થયું છે.

એવું જણાવવામાં આવ્યું કે ખેડૂત કેટલો દુઃખી છે અને તેની સ્થિતિ આજે પણ સુધરી નથી. પણ એક હકીકત એ પણ છે અને એ આવી વાર્તાઓમાં સદંતર અવગણી દેવામાં આવે છે કે ખેડૂતોને આવી સ્થિતિમાંથી ઉગારવા માટે જ મોદી સરકાર છ વર્ષ પહેલાં કૃષિ કાયદાઓ લાવી હતી. પણ અમુક આંદોલનજીવીઓની હઠના કારણે આખરે સરકારે પીછેહઠ કરવી પડી.

લગભગ 6 વર્ષ પહેલાં કેન્દ્ર સરકાર ત્રણ કાયદાઓ લાવી હતી, જેનો ઉદ્દેશ્ય કૃષિ ક્ષેત્રમાં અમુક પરિવર્તનો કરવાનો હતો. મૂળ ઉદ્દેશ્ય એ હતો કે ખેડૂત વચેટિયાઓ સાથે માથાકૂટ કર્યા વગર પાક સીધો બજારમાં જઈને વેચી શકે. પણ ત્યારે અમુકે રાજકીય રોટલા શેકવા માટે વિરોધ શરૂ કરી દીધો અને ખેડૂતોને ઉશ્કેર્યા, એમ કહીને કે સરકાર તેમની સાથે અન્યાય કરી રહી છે. આખરે આંદોલન શરૂ થયું અને સરકારે રાષ્ટ્રીય સુરક્ષા અને અન્ય અમુક બાબતો જોતાં કાયદા પરત ખેંચી લેવા પડ્યા.

આ કાયદાઓ કોઈ રીતે ખેડૂતવિરોધી ન હતા પણ અમુક આંદોલનજીવીઓ અને સ્વઘોષિત ખેડૂત નેતાઓએ ખેડૂતોને જાણીજોઈને ઉશ્કેર્યા હતા, જેનાથી જેમને શરૂઆતમાં ફાયદો જણાતો હતો તેઓ પણ કાયદા પર સંદેહ કરવા માંડ્યા. રસ્તા બ્લૉક કરીને માહોલ એવો બનાવવામાં આવ્યો કે જાણે આ કાયદાથી ખતરનાક અને જોખમી ખેડૂતો માટે બીજું કશું છે જ નહીં.

જે-તે સમયે અમુક મીડિયા સંસ્થાનોએ કૃષિ કાયદાના લાભ સમજાવવાના પ્રયાસ કર્યા તેને પણ ‘ગોદી મીડિયા’નું લેબલ આપી દેવામાં આવ્યું. તથ્યો અવગણીને ભ્રમ ફેલાવવામાં આવ્યો.

હકીકત એ હતી કે સ્વયં વડા પ્રધાન મોદીએ અનેક તબક્કે આ સુધારાઓનાં દુરોગામી પરિણામો સમજાવ્યાં હતાં. ‘મન કી બાત’થી લઈને અનેક માધ્યમો પર મોદીએ વારંવાર કહ્યું હતું કે કઈ રીતે સુધારાઓના કારણે ખેડૂતો માટે નવાં બજાર અને વિકલ્પો ખુલશે. આધુનિક ટેકનોલોજીનો લાભ મળશે અને કૃષિ ક્ષેત્રમાં રોકાણ પણ વધશે અને ખેડૂતો માર્કેટ ઉપરાંત ડિજિટલ પ્લેટફોર્મ્સ પર પણ પોતાનો પાક વેચી શકશે.

શરૂઆતમાં અનેક ખેડૂત સંગઠનો સમર્થનમાં હતાં, પણ પછીથી રાકેશ ટિકૈત જેવાઓ કૂદી પડ્યા અને અવસરવાદી રાજકારણીઓએ દુષ્પ્રચારના સહારે આંદોલન હાઇજેક કરી લીધું. ત્યારબાદ આંદોલનના નામે જે ઉત્પાત મચાવવામાં આવ્યો, જે ઘટનાઓ બની તેનાથી સરકારે જોયું કે આમાં રાષ્ટ્રીય સુરક્ષાને પણ જોખમ સર્જાય શકે છે. વડા પ્રધાને દરેક પાસાં જોયાં અને આખરે કાયદાઓ પરત લઈ લેવામાં આવ્યા. વડા પ્રધાને પોતે એમ કહીને કાયદાઓ પરત લીધા હતા કે તેઓ ખેડૂતોને લાભ ન સમજાવી શક્યા.

આજે મીડિયા ખેડૂતોની વાર્તાઓ પીરસે છે ત્યારે 2020-21નો આ ગાળો યાદ રાખવો જરૂરી છે. મીડિયાએ એ પણ યાદ રાખવું જરૂરી છે કે જે-તે સમયે જો કાયદાનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું હોત, આંદોલનોમાં ખેડૂતો અને દેશનો સમય બરબાદ ન કર્યો હોત તો આજે ખેડૂતોની સ્થિતિ આ ન હોત. પરંતુ આજે પણ મીડિયા એ સ્વીકારવાનું સાહસ કરી શકતું નથી કે કૃષિ કાયદા પર ફેલાવવામાં આવેલો ભ્રમ આ સ્થિતિનું એક સૌથી મોટું કારણ છે.

કાયદાઓ લાગુ થયા હોત તો મહારાષ્ટ્રના ખેડૂતે એક રૂપિયા કિલોએ ડુંગળી વેચવી ન પડી હોત.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં