
ચંડીગઢમાં શનિવારે, 15 ઑગસ્ટ 2026ના રોજ ‘બંદી શીખો’ની મુક્તિની માંગને લઈને તણાવ સર્જાયો હતો. ‘કૌમી ઇન્સાફ મોરચા’ના કાર્યકર્તાઓએ પંજાબ રાજભવન તરફ કૂચ કરવાનો પ્રયાસ કરતા પોલીસે તેમને રોકવા બેરિકેડ લગાવ્યા હતા. પ્રદર્શનકારીઓએ બેરિકેડ તોડીને આગળ વધવાનો પ્રયાસ કરતાં પોલીસે વૉટર કેનનનો ઉપયોગ કર્યો અને આંસુગેસના ગોળા છોડ્યા હતા. કેટલાક પ્રદર્શનકારીઓએ પોલીસ પર પથ્થરમારો પણ કર્યો હોવાની માહિતી સામે આવી છે.
આ દરમિયાન શિરોમણિ અકાલી દળના નેતા અને પૂર્વ સાંસદ સિમરનજીત સિંઘ માન પણ અલગ રીતે રાજભવન નજીક પહોંચ્યા હતા. તેઓ બીમાર વ્યક્તિનો વેશ ધારણ કરીને એક કારમાં ત્યાં પહોંચ્યા હતા અને ચહેરા પર પટ્ટીઓ બાંધી રાખી હતી. ત્યાં તહેનાત પોલીસકર્મીઓને શંકા જતાં પોલીસે કાર રોકીને તપાસ કરી હતી. ઓળખ થયા બાદ સિમરનજીત સિંઘ માનને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.
કૌમી ઇન્સાફ મોરચો લાંબા સમયથી ‘બંદી શીખો’ની મુક્તિની માંગ સાથે આંદોલન કરી રહ્યો છે. તાજેતરના અહેવાલો અનુસાર આ મોરચો 7 જાન્યુઆરી, 2023થી મોહાલી-ચંડીગઢ સરહદ પાસે વિરોધ પ્રદર્શન કરી રહ્યો છે. 15 ઑગસ્ટની કૂચને શિરોમણિ ગુરુદ્વારા પ્રબંધક કમિટીનું (SGPC) પણ સમર્થન મળ્યું હતું.
કયા કેદીઓની મુક્તિની માંગ?
પ્રદર્શનકારીઓ જે કેદીઓની મુક્તિની માંગ કરી રહ્યા છે તેમાં જગતાર સિંઘ હવારા, બલવંત સિંઘ રાજોઆણા, જગતાર સિંઘ તારા, પરમજીત સિંઘ ભ્યોરા, દેવિંદરપાલ સિંઘ ભુલ્લર, ગુરદીપ સિંઘ ખેડા, લખવિંદર સિંઘ લખ્ખા, ગુરમીત સિંઘ અને શમશેર સિંઘનાં નામ સામેલ છે. અહેવાલમાં જણાવાયું છે કે આમાંથી મોટાભાગના લોકો આતંકવાદ અને હત્યા જેવા ગંભીર કેસોમાં લાંબા સમયથી જેલમાં બંધ છે. મોરચાનું કહેવું છે કે આ કેદીઓ પોતાની નક્કી કરાયેલી સજા પૂરી કરી ચૂક્યા છે, તેથી તેમને મુક્ત કરવા જોઈએ.
આ યાદીમાં સૌથી વધુ ચર્ચામાં રહેતું નામ જગતાર સિંઘ હવારા છે, જેને પૂર્વ પંજાબ મુખ્યમંત્રી બેઅંત સિંહની હત્યાના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો છે. 15 ઑગસ્ટની કૂચ પહેલાં હવારાનો એક કથિત વિડીયો પણ સામે આવ્યો હતો, જેમાં તે કૌમી ઇન્સાફ મોરચા અને યુવા પ્રદર્શનકારીઓને શાંતિ જાળવવાની અપીલ કરતો જોવા મળ્યો હતો. પંજાબ સરકારે અલગથી હવારાને પેરોલ આપવાની માંગ પણ કરી છે.

