નાંદેડના ગુરુદ્વારામાં અકાલી દળના પ્રમુખ સુખબીર સિંઘ બાદલ પર કિરપાણથી હુમલો, ગંભીર ઈજા: નિહંગ જસપાલ સિંઘની ધરપકડ

શિરોમણી અકાલી દળના પ્રમુખ અને પંજાબના પૂર્વ ડેપ્યુટી CM સુખબીર સિંઘ બાદલ પર ગુરુવારે (13 ઑગસ્ટ) મહારાષ્ટ્રના નાંદેડમાં હુમલો થયો છે. તખ્ત શ્રી હઝૂર સાહિબ ખાતે માતા સાહિબ ગુરુદ્વારા નજીક એક હુમલાખોર નિહંગે ધારદાર હથિયારથી તેમના પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં બાદલના હાથમાં ઈજા થઈ છે. તેમને તાત્કાલિક યશોસાઈ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને હાલ તેમની સ્થિતિ સ્થિર હોવાનું સામે આવ્યું છે. 

કિરપાણથી હુમલાનો પ્રયાસ, સુરક્ષાકર્મીએ વચ્ચે પડી હુમલો રોક્યો

પ્રાપ્ત માહિતી અનુસાર ઘટના બપોરે આશરે 1:30 વાગ્યે બની હતી. બાદલ ગુરુદ્વારા તરફ જઈ રહ્યા હતા ત્યારે એક શખ્સ તેમની નજીક આવ્યો અને તેમના પર કિરપાણથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો. સુરક્ષાકર્મીઓએ તાત્કાલિક દરમિયાનગીરી કરી હુમલો રોકી દીધો હતો. આ દરમિયાન બાદલના હાથમાં ઈજા થઈ હતી. તેમની સુરક્ષામાં તહેનાત પોલીસ ઇન્સ્પેક્ટર સંતોષ કેન્દ્રેને પણ હુમલામાં ઈજા થઈ હોવાનું સામે આવ્યું છે. પોલીસ ઘટનાસ્થળના CCTV ફૂટેજની તપાસ કરી રહી છે.

હુમલાખોરની ઓળખ જસપાલ સિંઘ તરીકે થઈ છે. રિપોર્ટ્સ અનુસાર તે નિહંગ છે અને છેલ્લા બે વર્ષથી ગુરુદ્વારા સાથે જોડાયેલો હતો. નાંદેડ પોલીસે તેની ધરપકડ કરી લીધી છે. જોકે, તેણે કયા કારણસર બાદલ પર હુમલો કર્યો તે હજુ સ્પષ્ટ થયું નથી અને પોલીસે હુમલા પાછળના હેતુની તપાસ શરૂ કરી છે.

પરિવાર પણ ગુરુદ્વારા પહોંચ્યો હતો

હુમલા સમયે સુખબીર સિંઘ બાદલ સાથે તેમનાં પત્ની અને અકાલી દળનાં સાંસદ હરિસિમરત કૌર બાદલ પણ હાજર હતાં. તેઓ સુરક્ષિત છે. હુમલા બાદ બાદલના જમણા હાથ પર ભગવા રંગનું કપડું બાંધેલું જોવા મળ્યું હતું અને ત્યારબાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે નાંદેડના પોલીસ અધિક્ષક પાસેથી ઘટનાની માહિતી મેળવી છે. તેમણે હુમલાનો હેતુ જાણવા માટે તપાસના આદેશ આપ્યા છે અને બાદલ સાથે ફોન પર વાત કરીને તેમની તબિયત અંગે પણ માહિતી મેળવી હતી.

બાદલ પર અગાઉ પણ થયો હતો હુમલો

સુખબીર બાદલ પર આ પહેલો હુમલો નથી. 4 ડિસેમ્બર 2024ના રોજ અમૃતસરના સુવર્ણ મંદિરમાં પણ તેમના પર હુમલાનો પ્રયાસ થયો હતો. તે સમયે બાદલ અકાલ તખ્ત દ્વારા આપવામાં આવેલી ધાર્મિક સજા હેઠળ સેવાદાર તરીકે સેવા આપી રહ્યા હતા. એક વ્યક્તિએ તેમની તરફ ગોળી ચલાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સુરક્ષાકર્મીઓ અને અન્ય લોકોએ હુમલાખોરને કાબૂમાં લઈ લીધો હતો અને બાદલને કોઈ ઈજા થઈ નહોતી.

હાલ નાંદેડ હુમલાના આરોપીની ધરપકડ થઈ ચૂકી છે અને પોલીસ હુમલાના કારણ તથા સમગ્ર ઘટનાક્રમની તપાસ કરી રહી છે. હાલ ઉપલબ્ધ માહિતી પ્રમાણે બાદલની સ્થિતિ સ્થિર છે.