સુરત સિવિલના 4 સિનિયર ડૉક્ટરો સામે FIR: જુનિયરના આપઘાત બાદ રેગિંગ-માનસિક ત્રાસનો મામલો હવે પોલીસ તપાસમાં

સુરતની સરકારી મેડિકલ કૉલેજમાં માઇક્રોબાયોલોજી વિભાગના પ્રથમ વર્ષના જુનિયર ડૉક્ટરોને માનસિક ત્રાસ આપી રેગિંગ કરવા બદલ 4 સેકન્ડ યર રેસિડેન્ટ ડૉક્ટરો સામે ખટોદરા પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે.  પોલીસે આરોપી ડૉ. નિરાલી વસાવે, ડૉ. અનુજ મહેશ્વરી, ડૉ. દીક્ષિતા ઘેવરિયા અને ડૉ. હિના ભૂત સામે ગુનાહિત દબાણ અને બિનઅધિકૃત રીતે રોકી રાખવા સહિતની BNSની વિવિધ કલમો હેઠળ તપાસ હાથ ધરી છે.

કૉલેજના અધિક્ષક ડૉ. ગિરીશ પટેલ દ્વારા રચાયેલી એન્ટી રેગિંગ સ્કવોડની તપાસ કમિટી, 80થી 90 નિવેદનો અને દસ્તાવેજોના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. નોંધનીય છે કે રેગિંગની ઘટના સામે આવ્યા બાદ કૉલેજ પ્રશાસને ચારેય સિનિયર ડૉક્ટરોને 6 મહિના માટે સસ્પેન્ડ કરી દીધા હતા.

આ સિનિયર ડૉક્ટરો સતત જુનિયરો પર અયોગ્ય કામનું દબાણ લાવતા હતા અને પ્રોફેસરો સમક્ષ તેમની ખોટી ફરિયાદો કરીને સતત માનસિક ઉત્પીડન કરતા હતા. સિનિયરોના આ સતત માનસિક ત્રાસના કારણે પ્રથમ વર્ષના તમામ જુનિયર ડૉક્ટરો ભારે તણાવમાં જીવી રહ્યા હતા.

ચાર આરોપી (ફોટો: મુંબઈ સમાચાર)

આ માનસિક ત્રાસ વચ્ચે મોડાસાના 29 વર્ષીય પ્રથમ વર્ષના રેસિડેન્ટ ડૉક્ટર હર્ષ પંડ્યાએ 9 ઑગસ્ટે હોસ્ટેલના રૂમમાં આપઘાત કરી લીધો હતો. આ ઘટના બાદ જ અન્ય જુનિયર ડૉક્ટરોએ હિંમત કરી કૉલેજ પ્રશાસનને લેખિત અરજી આપી સિનિયરોની દાદાગીરી સામે રજૂઆત કરી હતી, જેના આધારે આ કડક કાર્યવાહી થઈ છે.

શું છે વિવાદ?

તપાસમાં સામે આવ્યું કે માઇક્રોબાયોલોજી વિભાગના પ્રથમ વર્ષના જુનિયર રેસિડેન્ટ ડૉક્ટરોને સિનિયર ડૉક્ટરો દ્વારા વારંવાર અપશબ્દો, અપમાન અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. તપાસ મુજબ જુનિયરોને સાંજના સમયે રૂમમાં બેસાડી રાખવામાં આવતા અને લગભગ એકથી દોઢ કલાક સુધી તેમની સાથે ગેરવર્તન કરવામાં આવતું હતું. આ અંગે ફેકલ્ટી સુધી રજૂઆત પહોંચ્યા બાદ પણ યોગ્ય સમયે હસ્તક્ષેપ ન થયો હોવાનો પણ તપાસમાં ઉલ્લેખ છે.

આ જ સમયગાળામાં પ્રથમ વર્ષના રેસિડેન્ટ ડૉ. હર્ષ પંડ્યાએ 9 ઑગસ્ટે આપઘાત કરી લીધો હતો. તેમના મૃત્યુ બાદ અન્ય નવ જુનિયર રેસિડેન્ટ ડૉક્ટરોએ હિંમત કરીને પોતાની સાથે થયેલા રેગિંગ અને માનસિક ત્રાસ અંગે ફરિયાદો કરી હતી. તપાસ કમિટીએ રાત્રે 8:30થી વહેલી સવારે 4 વાગ્યા સુધી ચાલેલી કાર્યવાહી દરમિયાન સિનિયર ડૉક્ટરો, ફેકલ્ટી, ટેકનિશિયન અને અન્ય સ્ટાફ સહિત લગભગ 100 લોકોના નિવેદનો નોંધ્યા હતા.

તપાસમાં સિનિયર ડૉક્ટરો ઉપરાંત ફેકલ્ટીની ભૂમિકા સામે પણ સવાલો ઊભા થયા હતા. માઇક્રોબાયોલોજી વિભાગના HOD ડૉ. સુમૈયા મુલ્લા, ડૉ. સંગીતા રાજદે, ડૉ. યોગિતા મિસ્ત્રી અને ડૉ. લતિકા પુરોહિતને જુનિયરોની ફરિયાદો અને સિનિયર-જુનિયર વચ્ચેના તણાવને સમયસર ઉકેલવામાં નિષ્ફળ રહેવા બદલ શો-કોઝ નોટિસ આપવામાં આવી છે.