અમેરિકામાં ભારતીય ઉદ્યોગપતિ અને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી વિરુદ્ધ ચાલી રહેલા બહુચર્ચિત લાંચ અને સિક્યોરિટીઝ ફ્રોડના ફોજદારી કેસનો આખરે અંત આવ્યો છે. 10 ઑગસ્ટ 2026ના રોજ અમેરિકાની ન્યૂયોર્કની ઈસ્ટર્ન ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ નિકોલસ ગારોફિસે અમેરિકન ડિપાર્ટમેન્ટ ઑફ જસ્ટિસની (DOJ) કેસ પાછો ખેંચવાની અરજી મંજૂર કરી હતી. જોકે, આ નિર્ણય સંભળાવતી વખતે જજે સરકાર દ્વારા કેસ બંધ કરવાની પ્રક્રિયા અંગે કેટલીક ગંભીર ચિંતાઓ વ્યક્ત કરી હતી.
શું હતો સમગ્ર મામલો?
આ સમગ્ર મામલાની શરૂઆત નવેમ્બર 2024માં થઈ હતી. ત્યારે અમેરિકન પ્રોસિક્યુટર્સે ગૌતમ અદાણી, તેમના ભત્રીજા સાગર અદાણી, અદાણી ગ્રીન એનર્જીના તત્કાલીન CEO વિનીત જૈન સહિત અન્ય કેટલાક મુખ્ય બિઝનેસ એક્ઝિક્યુટિવ્સ સામે ગંભીર આરોપો મૂક્યા હતા. અમેરિકી સરકારનો મુખ્ય આરોપ એ હતો કે ભારતમાં સોલાર પાવરના વિશાળ કોન્ટ્રાક્ટ્સ મેળવવા માટે ભારતીય સરકારી અધિકારીઓને $250 મિલિયનથી વધુની લાંચ આપવાની એક કથિત યોજના બનાવવામાં આવી હતી.
અમેરિકન પ્રોસિક્યુશનના આરોપપત્રમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે આ સોલાર પાવર કોન્ટ્રાક્ટ્સ દ્વારા અદાણી ગ્રુપને આગામી 20 વર્ષોમાં 2 અબજ ડૉલરથી પણ વધુનો જંગી નફો થવાની સંભાવના હતી. આથી આ કોન્ટ્રાક્ટ્સ મેળવવા માટે કથિત રીતે મોટો નાણાકીય ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.
અમેરિકી કોર્ટની દખલગીરી કેમ?
હવે સામાન્ય માણસને પ્રશ્ન થાય કે ભારતના કામમાં અમેરિકાની કોર્ટે કેમ દખલ કરી? તેનો જવાબ એ છે કે અમેરિકાનો આરોપ માત્ર લાંચ આપવાનો નહોતો. તેમનો મુખ્ય આરોપ એ હતો કે અદાણી કંપનીએ આ લાંચની વાત અમેરિકા અને આંતરરાષ્ટ્રીય રોકાણકારોથી છુપાવી રાખી હતી અને ખોટી માહિતી આપીને અમેરિકાના શેરબજારમાંથી પૈસા ભેગા કર્યા હતા.
DOJના આરોપો મુજબ આ કથિત $250 મિલિયનની લાંચ 2020થી 2024ના સમયગાળા દરમિયાન આપવામાં હતી. તેનો મુખ્ય હેતુ ભારતીય સરકારી વીજ વિતરણ કંપનીઓ સાથે સોલાર પાવર સપ્લાયના કરારો કરવાનો હતો. પ્રોસિક્યુશનનો દાવો હતો કે આ કરારોથી અદાણી ગ્રુપ માટે લાંબાગાળે અબજો ડૉલરનું રેવન્યુ ઊભું થઈ શકે તેમ હતું, જોકે આ તમામ બાબતો માત્ર પ્રોસિક્યુશનના આરોપો હતા, કોર્ટમાં સાબિત થયેલા તથ્યો નહોતા.
આ ઉપરાંત આરોપપત્રમાં એવો પણ દાવો કરાયો હતો કે અદાણી પરિવારના સભ્યો અને અધિકારીઓએ રોકાણકારો અને આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓ પાસેથી અબજો ડૉલરનું ફાઇનાન્સિંગ મેળવવા માટે લાંચની વિગતો છુપાવી હતી. અમેરિકન આરોપપત્ર મુજબ, લૉન અને બોન્ડ દ્વારા 3 અબજ ડૉલરથી વધુ મૂડી ઊભી કરવામાં આવી હતી. પ્રોસિક્યુશનનો દાવો હતો કે આ ફાઇનાન્સિંગ દરમિયાન કંપનીની એન્ટી-બ્રાઇબરી નીતિઓ અંગે કરવામાં આવેલા કેટલાક ખુલાસા ભ્રામક હતા.
અદાણી ગ્રુપે આરોપો ગણાવ્યા હતા પાયાવિહોણા
આ આરોપો સામે આવ્યાની સાથે જ અદાણી ગ્રુપે તેનો સખત વિરોધ કર્યો હતો અને તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. અદાણી ગ્રુપે સ્પષ્ટ કહ્યું હતું કે તેમણે તમામ કાયદાઓ અને નિયમોનું સંપૂર્ણ પાલન કર્યું છે. મહત્વની વાત એ છે કે આ મામલે ગૌતમ અદાણીએ ક્યારેય અમેરિકન કોર્ટમાં રૂબરૂ હાજર થઈને કેસ લડવો પડ્યો નથી, કારણ કે કેસ ટ્રાયલ સુધી પહોંચ્યો જ નહોતો.
નવેમ્બર 2024થી શરૂ થયેલી આ કાયદાકીય લડાઈ લગભગ બે વર્ષ સુધી અમેરિકાની કોર્ટમાં ચાલતી રહી. પરંતુ 2026માં અમેરિકાના ન્યાય વિભાગે (DOJ) પોતે જ કોર્ટને વિનંતી કરી કે તેઓ આ કેસ આગળ ચલાવવા માંગતા નથી અને તેને બંધ કરવા માંગે છે. DOJના અધિકારી ટ્રેન્ટ મેકકોટેરે કોર્ટમાં આ અંગેની અરજી કરી હતી.
ભારતનો કેસ હોવાથી રદ કરવાની માંગ
અમેરિકન સરકારે કેસ પાછો ખેંચવા માટે એવું કારણ આપ્યું કે આ કેસમાં દર્શાવાયેલી મોટાભાગની પ્રવૃત્તિઓ વિદેશ એટલે કે ભારતમાં થઈ હતી, તેથી તેને અમેરિકાની કોર્ટમાં સાબિત કરવો ખૂબ મુશ્કેલ હતો. આ ઉપરાંત આ કેસ આગળ ચલાવવો એ હાલની અમેરિકન સરકારની પ્રાથમિકતાઓમાં આવતો નથી તેવું પણ કહેવામાં આવ્યું હતું.
સરકારે કોર્ટને વધુમાં જણાવ્યું કે સાક્ષીઓ, પુરાવાઓ અને મોટાભાગના દસ્તાવેજો અમેરિકાની બહાર હોવાથી ટ્રાયલ ચલાવવામાં ઘણી કાયદાકીય અડચણો હતી. આ સાથે ભારતીય સત્તાવાળાઓ દ્વારા કરવામાં આવેલી તપાસનો સંદર્ભ પણ આપવામાં આવ્યો હતો અને એવું માનવામાં આવ્યું હતું કે આ કેસમાં દોષિત સાબિત કરવાની સંભાવના નહિવત જેવી હતી.
અમેરિકન ન્યાય વિભાગે એ બાબતનો પણ ઉલ્લેખ કર્યો કે આ કેસ અગાઉની બાયડન સરકારના સમયમાં દાખલ કરવામાં આવ્યો હતો. વર્તમાન સરકારના કાયદાકીય અને જાહેર હિતના લક્ષ્યો સાથે આ કેસ બંધબેસતો ન હોવાથી તેને લાંબો ખેંચવાને બદલે અટકાવી દેવો જ યોગ્ય છે.
કોર્ટે માંગ્યા કેસ બંધ કરવાના કારણો
જોકે, ન્યૂયોર્ક કોર્ટના જજ નિકોલસ ગારોફિસે સરકારની કેસ બંધ કરવાની વાત તરત જ સ્વીકારી લીધી નહોતી. તેમણે સરકાર પાસે ખુલાસો માગ્યો હતો કે ગૌતમ અદાણીએ નવેમ્બર 2024માં અમેરિકામાં 10 અબજ ડૉલરનું રોકાણ કરવાની જે જાહેરાત કરી હતી, શું તેના કારણે આ કેસ બંધ કરવામાં આવી રહ્યો છે?
આ સવાલ એટલા માટે મહત્વનો હતો કારણ કે જો કોઈ આરોપી મોટી રકમનું રોકાણ કરવાની ઓફર કરે અને તેના બદલામાં સરકાર કેસ પાછો ખેંચી લે તો તે ન્યાય પ્રણાલી માટે ખૂબ ગંભીર બાબત ગણાય. પરંતુ તમામ દસ્તાવેજો અને આધાર પુરાવાઓ ચકાસ્યા બાદ જજે માન્યું કે અદાણીના રોકાણની જાહેરાત અને કેસ પાછો ખેંચવાના નિર્ણય વચ્ચે કોઈ સંબંધ નથી.
તેમ છતાં જજ ગારોફિસે અમેરિકન ન્યાય વિભાગની કામગીરી સામે નારાજગી દર્શાવી હતી. તેમણે નોંધ્યું કે સરકારના એક વરિષ્ઠ અધિકારીએ તપાસ કરનારા મૂળ પ્રોસિક્યુટર્સ અને અધિકારીઓની સલાહને બાજુ પર મૂકીને પોતાની રીતે કેસ પાછો ખેંચવાનો નિર્ણય લીધો હતો. જજે આ પ્રક્રિયામાં રહેલી વિસંગતતાઓને ચિંતાજનક ગણાવી હતી.
તમામ ફોજદારી આરોપો ‘With Prejudice’ રદ
આખરે, 10 ઑગસ્ટ 2026ના રોજ જજ ગારોફિસે સરકારની અરજી મંજૂર કરી દીધી અને ગૌતમ અદાણી, સાગર અદાણી તથા વિનીત જૈન સામેના તમામ ફોજદારી આરોપો ‘With Prejudice’ રદ કરી દીધા. કાયદાની ભાષામાં ‘With Prejudice’નો અર્થ એ થાય છે કે હવે આ જ આરોપો પર આ વ્યક્તિઓ સામે ભવિષ્યમાં ક્યારેય ફરી ફોજદારી કેસ થઈ શકશે નહીં.
સરળ શબ્દોમાં સમજીએ તો કેસ કાયમી ધોરણે રદ થવાથી અદાણી ગ્રુપને એ મોટો ફાયદો થયો છે કે હવે આ ફોજદારી કેસ કાયદાકીય રીતે કાયમ માટે પૂરો થઈ ગયો છે.
હવે અમેરિકન કોર્ટ દ્વારા ફોજદારી કેસ કાયમી ધોરણે બંધ કરવાના નિર્ણયનું ગૌતમ અદાણીએ સ્વાગત કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે આ મુશ્કેલ સમયમાં પણ સત્ય, ન્યાય અને કાયદાની પ્રક્રિયા પર તેમનો વિશ્વાસ અડગ રહ્યો હતો. તેમણે પોતાના રોકાણકારો અને સમર્થકોનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ નિર્ણય સાથે જ અદાણી ગ્રુપ પરથી આંતરરાષ્ટ્રીય સ્તરે છવાયેલું મોટું કાયદાકીય સંકટ દૂર થઈ ગયું છે. 2024માં જ્યારે આ આરોપો લાગ્યા ત્યારે કંપનીની પ્રતિષ્ઠા અને વિદેશથી ફંડ મેળવવાની ક્ષમતા પર સવાલો ઊભા થયા હતા, પરંતુ હવે આ ચોક્કસ કાયદાકીય મામલો કાયમી ધોરણે પૂરો થઈ ગયો છે.
ટૂંકમાં 2024માં જે ગંભીર આરોપો સાથે અમેરિકન સરકારે કેસ શરૂ કર્યો હતો, તે જ સરકારે 2026માં કાયદાકીય અડચણો દર્શાવીને કેસ પાછો ખેંચી લીધો છે. કોર્ટમાં કોઈ ટ્રાયલ થઈ નથી અને થઈ શકે એમ પણ નહોતી. કારણ કે ન્યાય વિભાગ અગાઉ જ કહી ચૂક્યો હતો કે આ કેસમાં આરોપો સાબિત થઈ શકે એમ જ નહોતા.


