SIR દરમ્યાન ‘ભારત રત્ન’ વૈજ્ઞાનિક સી. એન. આર રાવને નોટિસ? ‘ધ હિન્દુ’એ છાપ્યા સમાચાર તો ચૂંટણી પંચે કરી નાખ્યું ફેક્ટચેક

તાજેતરમાં મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભારત રત્ન અને પ્રખ્યાત વૈજ્ઞાનિક પ્રોફેસર સી. એન. આર રાવને નામમાં એક નાનકડી ભૂલ માટે નોટિસ આપવામાં આવી છે અને 92 વર્ષીય વૈજ્ઞાનિકને ઓળખ સાબિત કરવા માટે બોલાવવામાં આવ્યા છે. ‘ધ હિન્દુ’માં એક રિપોર્ટ પ્રકાશિત થયો હતો, ત્યારબાદ અન્ય મીડિયાએ પણ સમાચાર ઉપાડી લીધા હતા. પરંતુ આમાં હકીકત જુદી જ સામે આવી છે.

ધ હિન્દુના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો કે કર્ણાટકમાં ચાલી રહેલી SIR પ્રક્રિયા દરમિયાન પ્રોફેસર રાવને નામના સ્પેલિંગમાં ભૂલ હોવાના કારણે નોટિસ આપવામાં આવી છે. અહેવાલમાં એવી વાર્તા ઘડી કાઢવામાં આવી કે જૂની મતદાર યાદીમાં તેમનું નામ ‘Prof. C.N.R. Rao’ હતું અને નવી યાદીમાં ‘Proff. C.N.R. Rao’ થઈ ગયું હોવાથી માત્ર એક વધારાના ‘f’ નો ઉકેલ લાવવા ચૂંટણી પંચે તેમને સુનાવણી માટે નોટિસ ફટકારી દીધી.

અખબારના આ અડધા-પડધા અને ભ્રામક અહેવાલના આધારે સોશિયલ મીડિયા પર તુરંત સરકારી તંત્ર અને ચૂંટણી પંચ સામે નકારાત્મક વાતાવરણ બનાવવાનું શરૂ થઈ ગયું. ‘દેશના શ્રેષ્ઠ વૈજ્ઞાનિક અને ભારત રત્નનું અપમાન’, ‘SIR ઈઝ અ શેમ’ જેવા નેરેટિવ સેટ કરીને લોકોમાં આક્રોશ ઊભો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. કોઈપણ ચકાસણી વગર અન્ય મીડિયા ગૃહોએ પણ આ જ અસત્ય સમાચારને આગળ ધપાવ્યા.

આ વિવાદ વધતાં જ બેંગલુરુના એડિશનલ ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઓફિસરે 9 સપ્ટેમ્બર 2026ના રોજ એક અધિકૃત પ્રેસનોટ જાહેર કરી. ચૂંટણી અધિકારીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ‘ધ હિન્દુ’માં પ્રકાશિત ‘SIR: Bharat Ratna C.N.R. Rao served notice over name mismatch’વાળો અહેવાલ સંપૂર્ણપણે તથ્યહીન અને ખોટો છે.

તંત્રની સ્પષ્ટતા મુજબ પ્રોફેસર રાવ 157-મલ્લેશ્વરમ વિધાનસભા મતક્ષેત્રના મતદાર છે. તેમની હાલની ડ્રાફ્ટ યાદીની એન્ટ્રી ‘Proff C.N.R. Rao S/O Nagesh Rav. H’ અને વર્ષ 2002ની જુની યાદીની એન્ટ્રી ‘Rama S/O H. Nagesh’ વચ્ચે મોટો તફાવત હતો. અહીં મુદ્દો માત્ર ‘Prof’ના સ્પેલિંગનો નહોતો, પરંતુ ટેકનિકલ સિસ્ટમમાં બે અલગ એન્ટ્રીઓનો હતો, જેને નિયમ મુજબ સુધારવી જરૂરી હતી.

તંત્રએ સ્પષ્ટ કર્યું કે પ્રોફેસર રાવને કે તેમના પરિવારના કોઈ સભ્યને કોઈ નોટિસ આપવામાં આવી જ નહોતી. પ્રોફેસર રાવનું દેશ માટેનું યોગદાન અને તેમનું કદ જોતાં BBMP કમિશનર, મલ્લેશ્વરમના ERO અને BLO સહિતના અધિકારીઓ પોતે તેમના નિવાસસ્થાને ગયા હતા. તેઓ નોટિસ આપવા નહીં પરંતુ SIR અંતર્ગત જરૂરી એનયુમરેશન ફોર્મ સોંપવા માટે ગયા હતા.

અધિકારીઓએ પ્રોફેસર રાવને કોઈ પણ પ્રકારની કાગળિયાની ઝંઝટ કે હિયરિંગમાં બોલાવવાની તકલીફ આપ્યા વિના જ તમામ વિગતો મેળવી લીધી હતી. BLOએ કોઈ પણ નોટિસ આપ્યા વગર આ રેકોર્ડને અંતિમ મંજૂરી માટે આગળ મોકલી આપ્યો હતો, જેથી વરિષ્ઠ વૈજ્ઞાનિકને કોઈ અગવડ ન પડે.

સૌથી મોટી અને ચોંકાવનારી બાબત એ છે કે 8 સપ્ટેમ્બર 2026ના રોજ જ એડિશનલ ઇલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઓફિસરે (AERO) પ્રોફેસર રાવના રેકોર્ડને અંતિમ મતદાર યાદીમાં ઉમેરવા માટે મંજૂરી આપી દીધી હતી. અને ‘ધ હિન્દુ’નો ‘નોટિસ અપાઈ’નો અહેવાલ 9 સપ્ટેમ્બરનો છે. એટલે કે આ દાવાઓના એક દિવસ પહેલા જ તેમનું નામ મતદાર યાદીમાં વિધિવત મંજૂર થઈ ચૂક્યું હતું.

ધ હિન્દુ અને અન્ય અખબારોએ ઓફિશિયલ રેકોર્ડ ચેક કર્યા વગર માત્ર એક સન્સેશનલ હેડલાઇન બનાવવા માટે અહેવાલ છાપી માર્યો હતો. પરંતુ હકીકત શું છે એ હવે સ્પષ્ટ થયું છે.