
વડોદરાના કલેક્ટર અનિલ ધામેલિયાએ જમીન એનએ કરવા મામલે ચાલતા એક કેસમાં ગુજરાત હાઇકોર્ટ સમક્ષ દાખલ કરેલા એફિડેવિટમાં કરેલી અમુક ટિપ્પણીઓ મામલે હાઇકોર્ટે વાંધો ઉઠાવીને કલેક્ટરને ફટકાર લગાવી છે. ન્યાયાધીશે કલેક્ટરને તેમણે અદાલતની ગરિમાનું ધ્યાન ન રાખીને ન્યાયિક અધિકારી (જજ) ઉપર અયોગ્ય ટિપ્પણીઓ કરી હોવાનું કહીને જોરજોરથી બૂમો પાડીને ઝાટક્યા હતા. ત્યારબાદ રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગના અધિકારીને પણ તાત્કાલિક વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી હાજર રહેવા કહ્યું હતું.
આ સમગ્ર કાર્યવાહીનું ગુજરાત હાઇકોર્ટની યુટ્યુબ ચેનલ પર પ્રસારણ કરવામાં આવ્યું હતું. મીડિયા અહેવાલો અનુસાર કેસ જમીન એનએ કરવા મામલેની પરવાનગી સંબંધિત છે. જેમાં દાખલ કરેલા એક એફિડેવિટમાં વડોદરાના કલેક્ટર ધામેલિયાએ એમ લખ્યું હોવાનું કહેવાય છે કે જજ આ કેસને યોગ્ય પરિપેક્ષ્યથી ધ્યાનમાં લઈ રહ્યા નથી. આ મામલે હાઇકોર્ટે વાંધો ઉઠાવીને 23 ઑક્ટોબરના રોજ કલેક્ટરને વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી હાજર રહેવા માટે જણાવ્યું હતું.
ત્યારબાદ કલેક્ટર જજ નિરલ મહેતાની કોર્ટ સમક્ષ હાજર રહ્યા અને એફિડેવિટ બદલ બિનશરતી માફી માગીને તેને પરત ખેંચવા માટે તૈયારી દર્શાવી હતી. પરંતુ જજે આક્રોશમાં આવીને કલેક્ટરની ઝાટકણી કાઢવાની શરૂ કરી દીધી હતી અને ત્યારબાદ મોટેમોટેથી બૂમો પાડીને કલેક્ટરને ઠપકો આપ્યો હતો. દરમ્યાન કલેક્ટર સતત માફી માગતા રહ્યા હતા.
જોકે કોર્ટે માફી સ્વીકારવાનો ઇનકાર કરી દીધો અને કહ્યું કે કોર્ટ એફિડેવિટ કે અરજી પરત ખેંચવાની કોઈ પરવાનગી નહીં આપે. જજે પૂછ્યું કે અધિકારીએ ન્યાયાધીશ વિરુદ્ધ એફિડેવિટમાં ટિપ્પણી કરવાની હિંમત કઈ રીતે કરી અને આ અદાલતની અવમાનના છે. કલેક્ટરે તમામ મર્યાદાઓ વટાવી દીધી હોવાની મૌખિક ટિપ્પણી પણ જજે કરી હતી.
ત્યારબાદ કોર્ટે ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગના (GAD) એડિશનલ ચીફ સેક્રેટરીને તાત્કાલિક વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી હાજર રહેવાનો આદેશ આપ્યો હતો. પછીથી GADના એડિશનલ ચીફ સેક્રેટરી (ઇન્ચાર્જ) કોર્ટની કાર્યવાહીમાં જોડાયા હતા. જેમણે કોર્ટને જણાવ્યું હતું કે સરકાર સ્તરે આ બાબતે તમામ અભ્યાસ કર્યા બાદ યોગ્ય પગલાં લેવામાં આવશે અને સરકાર મામલાની ગંભીરતા સમજી રહી છે. તેમણે પણ વિનંતી કરી હતી કે કલેક્ટરની ભૂલ થઈ હોય તો તેમની બિનશરતી માફી સ્વીકારી લેવામાં આવે, પરંતુ જજે માફી સ્વીકારવાની ના પાડી દીધી હતી.
જજે સામાન્ય વહીવટ વિભાગને 27 નવેમ્બર સુધીનો સમય આપીને આ બાબતે કલેક્ટર વિરુદ્ધ શું કાર્યવાહી કરવામાં આવશે તે અંગેની જાણકારી માગી છે. સાથે કહ્યું કે અદાલતની અવમાનનાની કાર્યવાહીનો માર્ગ ખુલ્લો જ છે પરંતુ કોર્ટ જાણવા માગે છે કે સરકાર આ બાબતે શું કાર્યવાહી કરવા માટે જઈ રહી છે. જેથી સરકાર 27 નવેમ્બર સુધીમાં જાણકારી આપે.
મામલાની આગામી સુનાવણી હવે 27 નવેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે.

