
તાજેતરમાં ગાંધીનગરમાં જમીનના સોદાને લઈને એક વિવાદ સામે આવ્યો છે, જેમાં કોંગ્રેસ નેતાની સંડોવણીના આરોપ લાગતાં રાજકારણ ગરમાયું છે. ખોરજ ગામની જમીન વેચવા અને સબ-રજિસ્ટ્રાર કચેરીમાંથી એક ખેડૂતનું અપહરણ કર્યાની ઘટના સામે આવી છે. આ મામલામાં ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરનું નામ સામે આવ્યું છે. ખેડૂતની પત્નીએ નોંધાવેલી ફરિયાદમાં ત્રણ વ્યક્તિઓ પર અપહરણ અને ધમકી આપવાના આરોપ મૂક્યા છે.
અહેવાલો અનુસાર, ગાંધીનગરના અડાલજ પોલીસ સ્ટેશનમાં 21 ઑક્ટોબર, 2026ના રોજ કાજલ પોપટજી ઠાકોર નામની મહિલાએ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, ખોરજ ગામમાં તેમના પરિવારની જમીનના વેચાણને લઈને વિવાદ થયો હતો. પરિવાર આ જમીન પોતાની મરજીથી રતિલાલ પટેલ અને હરીસિંહ ગોહિલને વેચવા માંગતો હતો.
પરંતુ આરોપી રવિ ઠાકોરે પરિવાર પર આ કિંમતી જમીન કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોરને જ વેચવા માટે ભારે દબાણ કર્યું હતું. ખેડૂત પરિવારે પોતાની પસંદગીના ખરીદદારોને જમીન આપવાનો આગ્રહ રાખતાં જ તેમને ધમકાવવાનું શરૂ કર્યું હતું.
સબ-રજિસ્ટ્રાર કચેરીમાંથી ખેડૂતનું અપહરણ
ફરિયાદ અનુસાર, 29 ઑગસ્ટના રોજ જમીનના વેચાણ દસ્તાવેજની નોંધણી કરાવવા માટે પરિવારના સભ્યો ગાંધીનગરના સેક્ટર-11માં આવેલી સબ-રજિસ્ટ્રાર કચેરીએ પહોંચ્યા હતા. ખેડૂતની પત્નીનો આરોપ છે કે ત્યાં રવિ ઠાકોર, ગભુ રબારી અને બળદેવ રબારી ધસી આવ્યા હતા અને પરિવારને ધમકી આપી હતી.
કાજલનો આરોપ છે કે આરોપીઓ પોપટજી ઠાકોર અને તેમના ભાઈ હર્ષદ ઠાકોરને બળજબરીપૂર્વક વાહનમાં બેસાડી અપહરણ કરી ગયા હતા. બાદમાં હર્ષદને વૈષ્ણોદેવી સર્કલ પાસે રસ્તામાં ઉતારી દેવાયા હતા, જ્યારે પોપટજી ઠાકોરને ગાયબ કરી દેવામાં આવ્યા હતા અને પોલીસ પાસે ન જવા ધમકી આપવામાં આવી હતી.
જમીન હડપવા અને અપહરણ જેવા ગંભીર આરોપોમાં કોંગ્રેસના મોટા નેતાનું નામ ઉછળતાં જ કોંગ્રેસ પક્ષે દર વખતની જેમ પોતાનો બચાવ કરવાનું શરૂ કરી દીધું છે. જગદીશ ઠાકોરે વિડીયો નિવેદન જાહેર કરીને તમામ આરોપો ફગાવી દીધા છે અને તેને ‘રાજકીય ષડયંત્ર’ ગણાવવાનો પ્રયાસ કર્યો છે.
તેમણે દાવો કર્યો છે કે જમીનની કુલ કિંમત આશરે ₹4 કરોડ જેટલી હતી અને માત્ર 30 ટકા ભાગીદારો જ સોદા માટે સંમત હતા. બીજી તરફ, કોંગ્રેસના પ્રભારી રણદીપ સુરજેવાલાએ પણ આ મામલે સરકાર અને પોલીસ પર રાજકીય બદલાની ભાવનાનો આરોપ લગાવીને તપાસથી બચવાનો પ્રયાસ કર્યો છે.
હાલમાં અડાલજ પોલીસે રવિ મનસુખ ઠાકોર, ગભુ બાબુ રબારી અને બળદેવ રબારી સામે અપહરણ અને ધમકી આપવાના ગુના હેઠળ તપાસ હાથ ધરી છે.

